'ઘર તોડી પડાયું, હવે કોઈ જગ્યાએ નામ નથી', ગુજરાતમાં મુસ્લિમ મતદારોનાં નામ કમી થવાના આરોપો

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, Ahmedabad

સમગ્ર ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે વિવિધ વિસ્તારોમાંથી લોકોની એવી ફરિયાદો સામે આવી રહી છે કે મતદારયાદીમાંથી તેમનાં નામ કમી કરવા માટે ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારની ફરિયાદો મુસ્લિમ વિસ્તારોના મતદારો દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીપંચના ફૉર્મ 7 દ્વારા કોઈ વ્યક્તિ પોતાનું કે બીજી કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરી શકે છે. આ અરજી મળ્યા બાદ સંબંધિત વિસ્તારના બ્લૉક લેવલ ઓફિસર (BLO) દ્વારા તેની તપાસ કરવામાં આવે છે અને નામ કમી કરવું કે નહીં તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

પોતાનો અથવા બીજા મતદારનો રહેણાક વિસ્તાર બદલાયો હોય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તે વ્યક્તિ અન્યત્ર રહેવા ગઈ હોય, તેવા કિસ્સામાં ફૉર્મ 7 મારફત નામ કમી કરવા માટે અરજી કરી શકાય છે. આ અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પરંતુ તેમાં પોતાનું નામ, ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ બીડાણ તરીકે જોડવું ફરજિયાત હોય છે.

અમદાવાદના બાપુનગર, કાલુપુર, સરખેજ, દરિયાપુર જેવા વિસ્તારો હોય કે પછી ખંભાત, સિદ્ધપુર, વાંકાનેર જેવાં શહેરો હોય, ઘણી જગ્યાએ નામ કમી કરવા માટે આ પ્રકારની અરજીઓ કરવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે.

લોકોએ કેવી ફરિયાદો કરી?

બાપુનગરના અકબરપુરા વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે ત્યાંના લોકો સ્થાનિક મતદારો હતા. બીબીસી ગુજરાતીને સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમાંથી અમુક લોકોને વટવામાં મકાન તો આપવામાં આવ્યાં હતાં, પરંતુ તેઓ બાપુનગરના મતદારો હતા.

અહીંના સ્થાનિક આગેવાન નફીસાબાનો મુજબ, અકબરપુરામાં લગભગ 1200 મતદારો હતા. હાલમાં આ વસાહત તૂટી ગઈ છે અને આ તમામ મતદારો હવે વટવામાં રહેવા જતા રહ્યા છે. તેઓ કહે છે, "અમારામાંથી ઘણા લોકોએ બાપુનગરના સરનામા મુજબ ફૉર્મ ભર્યાં છે, પરંતુ અમારાં નામ મતદાર યાદીમાં આવ્યાં નથી. હવે કેટલાક લોકોએ વટવાના સરનામા મુજબ પણ ફૉર્મ ભર્યાં છે, પરંતુ તે નામો પણ હજી સુધી યાદીમાં આવ્યાં નથી."

અહીંના એક આગેવાન અલ્તાફભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, તેમણે જૂના સરનામા મુજબ ફૉર્મ ભર્યાં છે, પરંતુ તેની સામે ફરિયાદ થઈ છે. હવે નવા સરનામા મુજબ તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે તેઓ ફૉર્મ 8 ભરી શકે. તેથી ઘણા લોકોએ SIRનાં ફૉર્મ ભર્યાં જ નથી.

ઇફ્તિકાર યામની ખંભાતમાં ત્રણ ટર્મથી કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમના સહિત તેમના આખા પરિવારને સ્થળાંતરિત દર્શાવતી એક વાંધાઅરજી દાખલ કરવામાં આવી છે. હકીકતમાં તેઓ પોતે તે જ વિસ્તારમાં રહે છે, જ્યાંથી તેઓ વર્ષોથી મતદાન કરતા આવ્યા છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "બિલકુલ પાયાવિહોણી ફૉર્મ 7 દ્વારા અરજીઓ કરવામાં આવી છે. જીવતી વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવી રહી છે."

તેમનો દાવો છે કે ખંભાત વિધાનસભામાંથી લગભગ 10,800 મતદારોને દૂર કરવા માટે ફૉર્મ 7ની અરજીઓ થઈ છે.

'ઘર તોડી પડાયું, હવે કોઈ જગ્યાએ નામ નથી'

હસીનાબાનો વર્ષોથી બાપુનગરના અકબરપુરા વિસ્તારમાં વસવાટ કરતાં હતાં. વર્ષ 2025માં ડિમોલિશન દરમિયાન તેમનું ઘર તોડી પાડવામાં આવ્યા બાદ તેઓ વટવા 'ચાર માળિયા'માં રહેવા ગયાં છે. હાલમાં તેઓ તેમના પરિવાર સાથે અહીં ભાડે રહી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષોથી બાપુનગરમાં મતદાન કરતાં આવ્યાં છે. છેલ્લે 2024ની ચૂંટણીમાં પણ તેમણે મતદાન કર્યું હતું. જોકે, હવે તેમનું નામ કોઈ પણ મતદાર યાદીમાં નથી. તેઓ કહે છે, "બાપુનગરના સરનામા મુજબ મેં ફૉર્મ ભર્યું હતું, પરંતુ મારું નામ યાદીમાં આવ્યું નથી. હું હાલમાં વટવામાં રહું છું. મારો મત ન તો બાપુનગરમાં છે, કે ન વટવામાં."

આ મુદ્દે અહીંના BLO મુશ્તાક અન્સારીનો સંપર્ક થઈ શક્યો ન હતો.

'હું જીવિત છું, છતાં મારું નામ કમી કરવા અરજી કરાઈ'

65 વર્ષના મહમદ હનીફ અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં રહે છે અને વર્ષોથી મતદાન કરતા આવ્યા છે. તેમણે SIRનું ફૉર્મ પણ ભર્યું છે. થોડા દિવસો પહેલાં તેમના સમાજના એક આગેવાન દ્વારા તેમને જાણ થઈ હતી કે કોઈએ ફૉર્મ 7 ભરીને તેમાં તેમને મૃત જાહેર કર્યા છે અને તેમનો EPIC નંબર અથવા ઇલેક્શન કાર્ડ રદ કરવા માટે અરજી કરી છે.

બીબીસી ગુજરાતી સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ તેમજ વિસ્તારના અન્ય લોકોનાં નામો મતદારયાદીમાંથી કમી કરવા માટે પણ આ પ્રકારની અરજીઓ થઈ છે.

તેઓ કહે છે, "અમે જીવિત છીએ, દર વર્ષે મતદાન કરીએ છીએ. કોઈએ અરજી કરી દીધી કે હું મૃત છું, તો શું મારું નામ યાદીમાંથી નીકળી જશે? આ માટે અમે કોર્ટ સુધી લડત આપીશું."

હનીફભાઈએ આ બાબતે શાહપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે. તેઓ કહે છે કે, "આ મારા બંધારણીય હક છીનવવાનો પ્રયાસ છે."

શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ખમ્બાલાએ જણાવ્યું કે આ અંગે અરજી મળી છે, પરંતુ હાલમાં SIRની પ્રક્રિયા ચાલુ હોવાથી આ અરજીને લઈને કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી.

આ વિશે શાહપુરના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) પી. ટી. પ્રજાપતિનો સંપર્ક થઈ શક્યો ન હતો. જમાલપુરના એક BLO શાહીના કાદરીએ આ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. બાપુનગરના BLO વિનોદ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફૉર્મ 7 સંબંધિત તેમને જે અરજીઓ મળી છે, તેની તપાસ ચાલી રહી છે અને તેઓ ઘરે-ઘરે જઈને તે મુજબ તપાસ કરી રહ્યા છે.

'ખોટા નામથી અરજીઓ કરવામાં આવી'

ઇફ્તીકાર હુસૈન છેલ્લી ત્રણ ટર્મથી ખંભાતમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવે છે. તેઓ પોતે ખંભાતના મતદાર છે અને વર્ષોથી તે જ વિસ્તારમાં રહે છે. તેમના નામ અંગે ફૉર્મ 7 હેઠળ એક અરજી કરવામાં આવી છે, જેમાં ચિરાગ પટેલ નામની એક વ્યક્તિએ ફરિયાદ કરી છે કે તેઓ હાલમાં અહીં રહેતા નથી, તેથી તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "હું સ્થળાંતરિત થયો નથી, તેમ છતાં મારા નામની ખોટી અરજી કરીને મારું મતદાર કાર્ડ રદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર હું જ નહીં, મારા જેવા અનેક લોકો સાથે ખંભાતમાં આ રીતે કરવામાં આવી રહ્યું છે."

ચિરાગ પટેલે એક ઍફિડેવિટ કરીને BLOને જણાવ્યું હતું કે તેમણે આ ફોર્મ ભર્યું નથી અને કોઈએ તેમના નામે ખોટી અરજી કરી છે. બીબીસી ગુજરાતીએ જ્યારે તેમનો સંપર્ક કર્યો હતો, ત્યારે પણ તેમણે એ જ કહ્યું હતું કે તેમને ખબર નથી કે તેમના નામે કોણે ફૉર્મ 7ની અરજી કરી હતી.

આ વિસ્તારના BLO મુશર્રત અકીકવાલાએ જણાવ્યું કે "સામાન્ય રીતે જે વ્યક્તિ ફરિયાદ કરે છે, તેનો EPIC નંબર ફૉર્મ 7માં હોવો જોઈએ, પરંતુ આ ફરિયાદમાં EPIC નંબર ખોટો જણાઈ રહ્યો છે, તેથી તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે."

મુસ્લિમ મતદારો વધુ હોય ત્યાં વધારે અરજીઓ?

જમાલપુર વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બીબીસીને જણાવ્યું કે, "જમાલપુર, દરિયાપુર અને બીજા વિસ્તારોમાં મોટી માત્રામાં મુસ્લિમ મતદારોનાં નામ કમી કરવા માટે ખોટી અરજીઓ BLOને મળી રહી છે. માટે અમે મુખ્ય ચૂંટણીઅધિકારી તેમજ રાજ્યના CEOને પત્ર લખીને માંગણી કરી છે કે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે."

કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "દરિયાપુર વિધાનસભામાં આ પ્રકારનાં લગભગ 29,000 ખોટાં ફૉર્મ 7 ભરવામાં આવ્યાં છે, જ્યારે જમાલપુરમાં 21,000 જેટલાં ફોર્મ 7 ભરીને ખોટી રીતે મુસ્લિમ મતદારોને દૂર કરવા માટેનું કાવતરું ઘડાયું હોય તેવું લાગી રહ્યું છે."

વડગામના કૉંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, "તેમના મતવિસ્તારમાંથી લગભગ 24,000 મતદાતાઓ સામે ફોર્મ 7 ભરીને તેમનાં નામ કમી કરવાની ખોટી અરજીઓ કરવામાં આવી છે. આ પ્રકારની અરજી કરનારી વ્યક્તિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ થવી જોઈએ."

બીજી બાજુ, જમાલપુર વિસ્તારના ભાજપ નેતા ભૂષણ ભટ્ટે જણાવ્યું કે, "હજી પ્રક્રિયા ચાલુ છે. કોઈએ ખોટી અરજી કરી હોય તો તેની તપાસ BLO કરી જ રહ્યા છે. આખી પ્રક્રિયા પૂર્ણ થવા દેતા પહેલાં આ પ્રકારના આરોપો લગાવવા યોગ્ય નથી."

તેમણે કહ્યું હતું કે, કૉંગ્રેસ પાસે લોકોની વચ્ચે રહેવા માટે કોઈ મુદ્દા નથી, એટલે આ પ્રકારનો ખોટો પ્રયાસ કરીને ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનો સંપર્ક થઈ શક્યો ન હતો.

માઇનોરિટી કો-ઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ મુજબ, આવી ફરિયાદો ખાસ કરીને એવા વિસ્તારોમાંથી આવી રહી છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે અને BJPની જીતનું માર્જિન ઓછું છે અથવા જ્યાં BJP હારી છે.

તેમણે જણાવ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાત બેઠક પર કૉંગ્રેસ માત્ર 3,711 મતોથી જીતી હતી, તેથી ત્યાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે. દરિયાપુરમાં ભાજપની જીતનું માર્જિન 5,485 મત છે, જ્યારે બાપુનગર અને જમાલપુર જેવા વિસ્તારોમાં 10,000 થી 12,000 મતની આસપાસની લીડ છે.

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ફોર્મ 7 હોય, 6 કે પછી 8 હોય, આ તમામ ફોર્મ આઝાદી પછીની દરેક SIR પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયાં છે અને તેના આધારે અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. ચૂંટણીપંચ કે ભાજપ પર આવા આરોપો લગાવીને કૉંગ્રેસ આવનારી ચૂંટણીમાં હાર પછી શું કહેવાનું છે, તેની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે."

બીબીસી ગુજરાતીએ આ મુદ્દે રાજ્યના ચીફ ઇલેક્શન ઓફિસર હારીત શુક્લાનો સંપર્ક કરીને તેમની પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જવાબ મળતાં અહીં તેની માહિતી ઉમેરવામાં આવશે.

કેવી હતી પરિસ્થિતિ 2002ની SIR પ્રક્રિયા સમયની વાંધા અરજીઓની?

અલ્પેશ ભાવસાર અને સતેષસિંહ રાઠોડ નામના આરટીઆઈ કાર્યકરની એક અરજીના જવાબમાં ચૂંટણીપંચે માહિતી આપી હતી કે, વર્ષ 2002ની SIRની પ્રક્રિયા રાજ્યમાં 31 ઑગસ્ટ 2001ના રોજ શરૂ થઈ હતી અને અંતિમ યાદી 10 એપ્રિલ 2002ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.

આ અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, 316,824,489 મતદારો ડ્રાફ્ટ યાદીમાં સામેલ હતા. આ યાદી પ્રસિદ્ધ થયા બાદ કમિશનને 3,355 વાંધા અરજીઓ મળી હતી, જેમાંથી 1,295 અરજીઓ મંજૂર થઈ હતી અને તેવા મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં હતાં.

જોકે, ફોર્મ 6 મુજબ તે સમયે 78,127 મતદારોનો ઉમેરો થયો હતો અને કુલ મળીને રાજ્યભરમાં મતદારોની સંખ્યા 317,413,362 થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન