સૂર્યકુમાર યાદવ : ભારતના કૅપ્ટનનું છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રદર્શન કેટલું નબળું પડ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, .

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટી20 સિરીઝ ચાલી રહી છે, જેની પહેલી મૅચમાં ભારતે મહેમાન દેશને 48 રને પરાજય આપ્યો છે.

શુક્રવારે આ શ્રેણીની બીજી મૅચ ન્યૂ રાયુપરના નારાયણસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારતને હોટ ફેવરિટ ટીમ માનવામાં આવે છે.

એક તરફ રિંકુસિંહ અને અભિષેક શર્મા જેવા બૅટ્સમૅનનું ફૉર્મ ભારતના વિજયની શક્યતાઓને ચમકાવે છે, ત્યારે કેટલાક સિનિયર ખેલાડીઓનું પ્રદર્શન ભારતીય ટીમ માટે ચિંતા જન્માવે એવું છે.

જેમાં સૂર્યકુમાર યાદવના નામનો સમાવેશ થાય છે, જેઓ ભારતની ટી20 ટીમના કૅપ્ટન છે. તેઓ સ્વીકારે છે કે છેલ્લા કેટલાક સમયથી તેમનું પ્રદર્શન કથળ્યું છે.

ચાલુ વર્ષે જ ભારત અને શ્રીલંકામાં ટી20 વર્લ્ડકપ યોજાવાનો છે, ત્યારે સૂર્યકુમાર યાદવની 'વ્યૂહરચના' ઉપરાંત તેમનું પ્રદર્શન પણ ટીમ માટે જરૂરી છે.

સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન કેવું રહ્યું છે?

સૂર્યકુમાર યાદવ છેલ્લી 15 મૅચમાં માત્ર ત્રણ વખત 30થી વધારે રન બનાવી શક્યા છે. ચાલુ વર્ષે તેમની ઍવરેજ 32ની છે. જ્યારે સ્ટ્રાઇકરેટ 145.45 છે. એ પણ યાદ રાખવું ઘટે કે તેમણે એક જ ઇનિંગ રમી છે.

વર્ષ 2021 દરમિયાન સૂર્યકુમારની સરેરાશ (34.85) હતી. આ વર્ષે તેમણે 11 મૅચમાં 244 રન બનાવ્યા હતા.

વર્ષ 2022 અને 2023 તેમની અત્યાર સુધીની કૅરિયરનાં સારાં વર્ષ રહ્યાં હતાં.

વર્ષ 2022 અને 2023માં તેમની સરેરાશ અનુક્રમે 46.56 તથા 48.86 રનની હતી. વર્ષ 2024 દરમિયાન સૂર્યકુમારની ઍવરેજ ઘટીને 26.81ની રહી હતી. વર્ષ 2022માં તેમણે 31 મૅચમાં એક હજાર 116 રન બનાવ્યા હતા.

જે વર્ષ 2025માં ઘટીને 13.62 થઈ ગઈ હતી.

જોકે, સૂર્યકુમારનો સ્ટ્રાઇક રેટ તેમના માટે રાહતજનક જણાય છે. તેમની સરેરાશ 100 કરતાં વધુની રહી છે.

વર્ષ 2021માં તેમની સ્ટ્રાઇક રેટની (155.41) હતી, જે વર્ષ 2022માં વધીને 187.43 સુધી પહોંચી ગઈ હતી. એ પછી તેમની સરેરાશ ગગડતી રહી છે, જે વર્ષ 2023 અને 2024 દરમિયાન અનુક્રમે 155.95 અને 151.59 જેટલી રહી હતી.

2023માં 18 મૅચ (733 રન) રમી હતી, જ્યારે 2024માં 18 મૅચમાં 429 રન બનાવ્યા હતા.

વર્ષ 2025માં ખરાબ પ્રદર્શનની વચ્ચે પણ સૂર્યકુમારની સરેરાશ 123. 16 હતી. 2025માં 21 મૅચમાં 218 બનાવ્યા છે. આ વર્ષે તેઓ ત્રણ વખત શૂન્યમાં આઉટ થયા હતા, એટલું જ નહીં, તેઓ એક પણ અરધી સદી સુધ્ધાં ફટકારી શક્યા ન હતા.

શું કહે છે સૂર્યકુમાર યાદવ?

સૂર્યકુમાર યાદવ પણ સ્વીકારે છે કે છેલ્લા કેટલાક સમયથી તેમના બૅટમાંથી તેમની પાસેથી અપેક્ષા હોય, એ મુજબ રન નથી નીકળી રહ્યા.

સૂર્યકુમાર યાદવે કહ્યું, "મારાથી રન ઓછા બની રહ્યા છે, પણ હું મારી ઓળખને બદલી નહીં શકું. મેં નક્કી કર્યું છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મેં જે કર્યું છે તે હું કરતો રહીશ, જેના કારણે મને સફળતા મળી છે."

"જો પર્ફૉર્મન્સ મળશે તો હું યથાવત્ રાખીશ અને જો નહીં આવે તો હું ડ્રૉઇંગ બોર્ડ પર જઈને ફરીથી મહેનત કરીશ. હું હાલ પણ નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો છું."

હજુ વર્ષનો પહેલો મહિનો છે અને સૂર્યકુમાર યાદવ માટે પ્રદર્શન સુધારવા માટે વર્તમાન સિરીઝ અને વિશ્વકપ છે. વિશ્વકપનાં પરિણામ સૂર્યકુમારની કપ્તાન તરીકેની કૅરિયરના ભાવિ પર પણ નિર્ણય કરશે.

(પૂરક વિગતો બીબીસી ગુજરાતીના જિગર ભટ્ટ તરફથી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન