LICનાં મૅનેજરનું ઑફિસમાં મોત, પુત્રને કરેલા છેલ્લા કૉલથી મોતનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

    • લેેખક, વિજયાનંદ અરુમુગમ
    • પદ, બીબીસી તામિલ

તામિલનાડુના મદુરાઈ ખાતેની જીવન વીમા નિગમ (એલઆઈસી) ઑફિસમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. તેમાં મૅનેજરનું મૃત્યુ થયું હતું અને એક અન્ય કર્મચારી ઘાયલ થયો હતો. આગ અકસ્માત જણાતી હતી, પરંતુ પોલીસ તપાસ દરમિયાન અનેક રહસ્યો ખુલ્યાં હતાં.

હવે આ તપાસમાં રોજેરોજ નવી માહિતી અને પુરાવા બહાર આવી રહ્યા છે. આ ઘટના સંબંધે ઑફિસના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર ઘટના વિશે બ્રાન્ચ મૅનેજર કલ્યાણી નામ્બીના પુત્ર અને તપાસ અધિકારીઓએ માહિતી આપી હતી.

કલ્યાણી નામ્બીના પુત્ર લક્ષ્મીનારાયણે કહ્યું હતું, "મારાં માતા 30 વર્ષથી વધુ સમયથી એલઆઈસીમાં કામ કરતાં હતાં. તેઓ તેમને સોંપવામાં આવેલી કોઈપણ જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડતાં હતાં."

"તેઓ અમારા પરિવારનો આધારસ્તંભ હતાં. તેમની સાથે આટલું ક્રૂર કશું બનશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું."

મદુરાઈની એલઆઈસી ઑફિસમાં બ્રાન્ચ મૅનેજર તરીકે કામ કરતાં કલ્યાણી નામ્બીની 2025ની 17 ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં એક સહાયક વહીવટી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ઘટનામાં ખરેખર શું બન્યું હતું?

'માતાનો છેલ્લો ફોન'

મદુરાઈની એલઆઈસી શાખામાં 17 ડિસેમ્બરે રાતે આગ લાગી હતી.

તેમાં કલ્યાણી નામ્બી મૃત્યુ પામ્યાં હતાં. એ જ ઑફિસમાં કામ કરતા સહાયક વહીવટી અધિકારી રામ પણ આગમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે આ ઘટનાને અકસ્માત ગણીને તેની તપાસ શરૂ કરી હતી.

ઘાયલ રામને મદુરાઈના રાજાજી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહિલા મૅનેજરને સળગાવી દેવાના આરોપસર પોલીસે રામની 30 દિવસ પછી ધરપકડ કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં લક્ષ્મીનારાયણે કહ્યું હતું, "એ રાતે લગભગ 8.27 વાગ્યે મારાં માતાનો ફોન આવ્યો હતો."

"તેઓ ગભરાયેલા અવાજમાં કહેતાં હતાં કે પોલીસને બોલાવો...પોલીસને બોલાવો."

"સહાયક વહીવટી અધિકારી રામથી મારાં માતા પહેલાંથી જ ત્રસ્ત હતાં. તેમણે રામ સામે ઘણી ફરિયાદો કરી હતી, પરંતુ પીડા એટલી હદે વધી જશે કે તેઓ પોતાનો જીવ લઈ લેશે, એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું."

લક્ષ્મીનારાયણે ઉમેર્યું હતું, "રેફ્રિજરેટર કે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં કોઈ ખામી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે."

17 ડિસેમ્બરે ખરેખર શું થયું હતું?

લક્ષ્મીનારાયણે નોંધાવેલી ફરિયાદને આધારે થિલાકર થિટલ પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી.

થિલાકર થિટલ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર અઝગરે કહ્યું હતું, "કલ્યાણી નામ્બી પોલીસને બોલાવવા જોરથી બૂમો પાડતાં હતાં."

"એ ઘટના અકસ્માત હોત તો તેમણે આ રીતે પોલીસને બોલાવવાની જરૂર ન હતી. તેથી અમે એ દિશામાં તપાસ શરૂ કરી હતી."

આ પ્રકરણની તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી તેમણે બીબીસીને આપી હતી.

અઝગરે કહ્યું હતું, "ઑફિસમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ, ઘટનાસ્થળેથી મળેલી સામગ્રી અને કર્મચારીઓનાં નિવેદનો એ બધું મહત્ત્વપૂર્ણ પુરાવા સાબિત થયું."

"નોંધપાત્ર બાબત એ છે કે ઘટના બની તે દિવસે ઑફિસમાં ફક્ત ત્રણ લોકો – કલ્યાણી નામ્બી, શંકર અને રામ જ હાજર હતા."

"પોતાનું કામ પતી ગયું હોવાનું જણાવીને શંકર રાતે લગભગ આઠ વાગ્યે ઑફિસમાંથી નીકળી ગયો હતો. પછી માત્ર કલ્યાણી નામ્બી અને રામ જ ઑફિસમાં હતા," એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન શંકરે આ વાતની પુષ્ટિ કરી હતી.

અઝગરના કહેવા મુજબ, "મદુરાઈ એલઆઈસી બિલ્ડિંગમાં રાત્રે સુરક્ષા ગાર્ડ હોય છે. તેથી ઉપરના માળે આવેલી ઑફિસમાં કોઈ જઈ શકતું નથી. પાછળના ભાગમાં એક ઇમરજન્સી ઍક્ઝિટ છે, પરંતુ તેમાંથી કોઈ પ્રવેશી શકતું નથી."

"ઘટના બની તે દિવસે સુરક્ષા ગાર્ડ્સે રામને આગળનો દરવાજો બંધ કરીને પાછળના દરવાજેથી બહાર નીકળતો જોયો હતો."

અઝગરે કહ્યું હતું, "ફાયર બ્રિગેડ આવી ત્યારે રામ એકલો જ હતો. તેના પગમાં ઈજા થઈ હતી. ઈજા માટે તેને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી."

ઘટના પાછળનું કારણ શું?

અઝગરના કહેવા મુજબ, "કલ્યાણી નામ્બી તેમના કામ બાબતે ખૂબ જ કડક હતાં."

"વીમાધારકો અને મૃતક લોકોના લગભગ 40 પરિવારજનોએ તેમના દાવા માટે રામની અરજી કરી હતી."

"એ અરજીઓની કમ્પ્યુટર પર નોંધણી કરવાની, દસ્તાવેજો ચકાસવાની અને અંતે કલ્યાણી નામ્બીની સહી મેળવવાની જવાબદારી રામની હતી."

પોલીસ ઇન્સપેક્ટર અઝગરે કહ્યું હતું, "એ અરજીઓને આગળના તબક્કામાં લઈ જવાના કોઈ પ્રયાસ રામે કર્યા ન હતા."

"તેથી વીમાધારકોના સંબંધીઓએ કલ્યાણી નામ્બી સાથે ઝઘડો કર્યો હતો."

"કલ્યાણી નામ્બી આ બાબતે રામને સતત સવાલો કરતાં હતાં અને એ કારણે રામે વધારાના કલાકો કામ કરવું પડતું હતું," એમ અઝગરે કહ્યું હતું.

"ગયા મે મહિનામાં કલ્યાણી નામ્બી સાંજે સાત વાગ્યે બ્રાન્ચમાં આવે એ પહેલાં જ રામ નીકળી જતો હતો."

તેનું કારણ એ હતું કે કલ્યાણી નામ્બી ઑફિસમાં આવી જાય તો રામે રાતે નવ વાગ્યા સુધી ઑફિસમાં કામ કરવું પડતું હોવાનું અઝગરે જણાવ્યું હતું.

રામે પોલીસ તપાસમાં કહ્યું હતું, "દાવાની અરજીઓ બાબતે કાર્યવાહી ન થવા બાબતે કલ્યાણી નામ્બીએ સવાલ ઉઠાવ્યા હતા. તેથી ગુસ્સે થઈને કલ્યાણી પર પેટ્રોલ રેડ્યું હતું અને તેમને આગ ચાંપી દીધી હતી."

ઑલ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ ઍમ્પ્લૉઇઝ યુનિયનના ઉપપ્રમુખ જી. આનંદે કહ્યું હતું, "ઘટના પછી પોલીસે કેટલીક વસ્તુઓ જપ્ત કરી હતી. તેઓ આ કેસમાં નક્કર પુરાવા શોધી રહ્યા હતા. તપાસના આધારે રામની ધરપકડ કરવામાં આવી છે."

'કોઈ નાણાંકીય છેતરપિંડી નથી'

પોલીસ ઇન્સપેક્ટર અઝગરે કહ્યું હતું, "રામની એક આંખ નબળી છે. એ કારણે તેને કામ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી."

પોલીસના જણાવ્યા મુજબ, "ઘટનાના દિવસે રામ જે કેનમાં પેટ્રોલ લાવ્યો હતો તે કેન જપ્ત કરવામાં આવ્યું છે. રામે પેટ્રોલ ક્યાંથી ખરીદ્યું હતું તે સંબંધી પુરાવા પણ એકઠા કરવામાં આવ્યા છે."

અઝગરે ભારપૂર્વક કહ્યું હતું, "17 ડિસેમ્બરે કલ્યાણી નામ્બીની કેબિનમાં લાગેલી આગ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી નથી. આગમાં બળીને કેબિન રાખ થઈ ગઈ હતી. આ કેસમાં કોઈ નાણાંકીય છેતરપિંડી થઈ નથી."

આ ઘટના સંબંધે રામ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન