'શાહબુદ્દીન રાઠોડનું નામ રદ કરાવવા કોઈએ ફૉર્મ ભર્યું'- સુરેન્દ્રનગરમાં હજારો ફૉર્મ 7 ભરીને મતદારોનાં નામ કમી કરાવવાનો મામલો શું છે?

ગુજરાતમાં પાછલાં લગભગ ત્રણ માસથી મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

એક તરફ ભારતના ચૂંટણીપંચે SIRને મતદારયાદીની શુદ્ધિ અને દરેક લાયક નાગરિકનો મતાધિકાર સુનિશ્ચિતિ કરવાની પ્રક્રિયા ગણાવી છે તો બીજી તરફ SIRની પ્રક્રિયાની જાહેરાત થઈ ત્યારથી અવારનવાર અનેક પ્રકારના વિવાદોમાં સપડાતી આવી છે.

તાજેતરમાં આવો જ એક વિવાદ વધુ વકરતો જણાઈ રહ્યો છે. એ છે 'મતદારયાદીમાંથી નામ કમી કરવા માટેની ખોટી અરજીઓ કરાવવાની' ફરિયાદો સંબંધિત વિવાદ.

કંઈક આવી જ ફરિયાદ સુરેન્દ્રનગરમાંથી પણ આવી છે, જ્યાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ 'પ્રસ્તાવિત મતદારયાદીમાં સામેલ કરવા સામે વાંધા અરજી' કરાઈ હોવાનો આરોપ કરાયો છે.

આ સાથે જ આવી રીતે જિલ્લાના એકેક વિધાનસભા ક્ષેત્રમાં મતદારોનાં નામ મતદારયાદીમાંથી કમી કરાવવા કે પ્રસ્તાવિત મતદારયાદીમાં સામેલ કરવા સામે વાંધા અરજી કરવા માટેનાં સરેરાશ 20 હજાર ફૉર્મ નં. 7 ભરાયાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

કૉંગ્રેસનો આક્ષેપ છે કે ત્રાહિત પક્ષ દ્વારા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેનું ફૉર્મ-7 ભરીને રાજ્યમાં લગભગ દસ લાખ લાયક મતદારોનાં નામ કાઢી નાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

ઘણાં માધ્યમોમાં પણ આવા આરોપો સાથેના અહેવાલો જોવા મળી રહ્યા છે, જેમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આવી રીતે મુસ્લિમ વિસ્તારોના લોકોનાં નામ ડિલીટ કરાવવા માટે 'બનાવટી ફૉર્મ' ભરાઈ ગયાં છે.

સુરેન્દ્રનગરમાં લાગી રહેલા આરોપો અંગે સંપૂર્ણ હકીકત જાણવા માટે બીબીસી ગુજરાતીએ તમામ પક્ષકારો સાથે વાતચીત કરી હતી.

શાહબુદ્દીન રાઠોડના નામ સામે વાંધા અરજી કરાયાનો આરોપ

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સચિવ અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વીડિયો જાહેર કરીને આરોપ કર્યો હતો કે, "અમે સુરેન્દ્રનગરની 63-ચોટીલા મતવિસ્તારની ફૉર્મ ન. 7ની યાદી માગી હતી. એમાંથી ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી છે."

તેમણે આગળ કહ્યું કે, "આ યાદીમાં અમને કમ્પ્યૂટર જનરેટેડ ફૉર્મ નં. 7 જોવા મળ્યાં, આ ફૉર્મ કોણે જનરેટ કર્યાં, કોણે ભર્યા એ તપાસનો વિષય છે."

"આ ફૉર્મની તપાસ કરતા અમને જોવા મળ્યું છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદારયાદીમાંથી હઠાવવા માટેની અરજી કરાઈ છે."

તેમણે આગળ આરોપ કરતાં કહ્યું કે, "અમને મળેલાં ફૉર્મની વિગતો તપાસતાં મોટાં ભાગનાં નામ દલિત અને લઘુમતી કોમના લોકોનાં હોવાનું જણાયું છે."

ઋત્વિક મકવાણાએ આ સમગ્ર ઘટનાને 'ભાજપનું કાવતરું' ગણાવ્યું હતું.

તેમણે સંખ્યાબંધ કમ્પ્યૂટર જનરેટેડ ફૉર્મ ખોટા નામે ભરી અને જમા કરાવ્યાનો આરોપ મૂકતાં ભાજપ પર નિશાન સાધ્યું હતું.

બીજી તરફ કૉંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "અમે કલેક્ટર કચેરી ખાતે પોલીસની હાજરીમાં ડેપ્યુટી ઇલેક્શન ઑફિસર સામે સુરેન્દ્રનગરમાં થાન ખાતે જે વ્યક્તિએ ફૉર્મ 7 જમા કરાવ્યા છે, તેને ફોન કરાયો. એ માણસે પોતે ફોન પર સ્વીકાર્યું મારા નામે બનાવટી અરજીઓ થઈ છે."

"જેથી અમે ફૉર્મ 7ની નકલો માગવા માટે અહીં આવ્યા છીએ. અમે આ નકલ મળે એ માટેની ખાતરી માટે આવ્યા છીએ."

તેમણે આરોપ મૂકતાં કહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં એક વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ આવાં 22,000 ફૉર્મ નં. 7 ભરાયાં છે.

ઋત્વિક મકવાણાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, "શાહબુદ્દીન રાઠોડનું નામ હઠાવવા માટેની અરજી કોઈ હિતેશ રાઠોડના નામથી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સામે અમે આ વ્યક્તિને ફોન કરીને લાઉડ સ્પીકર પર વાત કરી હતી."

"જેમાં એ વ્યક્તિએ પોતે હિતેશ રાઠોડ ન હોવાની જણાવી, પોતે આવી કોઈ અરજી ન કરી હોવાનું જણાવ્યું અને પોતાના ફોન નંબરનો ખોટી રીતે આ ફૉર્મમાં ઉલ્લેખ કરાયો હોવાની વાત કરી."

શાહબુદ્દીન રાઠોડ અને સરકારી તંત્રે શું કહ્યું?

ગુજરાતના ખ્યાત હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ સાથે પણ બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મુદ્દે તેમની પ્રતિક્રિયા જાણવા માટે વાત કરી હતી.

તેમણે કહ્યું, "કોઈ વ્યક્તિએ સાત નંબરનું ફૉર્મ મેળવી મારા નામે એવી અરજી કરી છે કે મતદારયાદીમાંથી આ નામ કમી થાવું જોઈએ. મારું નામ કમી કરાવવા માટેનો કોઈએ પ્રયાસ કર્યો છે, મને માત્ર એટલી જ માહિતી છે. મને આ અંગે જણાવવામાં આવ્યું એ બાદ ખબર પડી હતી."

"આ મામલે અમે મામલતદાર સાહેબને ફોન કર્યો તો તેમણે કહ્યું કે - 'કોઈના અરજી કરવાથી કોઈ અન્ય વ્યક્તિનું નામ કમી થાય એવું બને જ નહીં. મારું નામ મતદારયાદીમાં જેમ છે એમ જ છે, બસ.'"

"આવી હરકત કરનારને એટલો અનુભવ થઈ જાવો જોઈએ કે આવું ન કરવું જોઈએ. આ પરેશાન કરવાની વૃત્તિ હોય કે અન્ય કોઈ ઉદ્દેશ હોય, આવું ન થાય એટલું ઇચ્છનીય છે."

બીજી તરફ આ સુરેન્દ્રનગરમાંથી સંખ્યાબંધ મતદારોનાં નામ 'કમી કરાવવા' માટે ફૉર્મ 7 મળ્યાં હોવાના આરોપો અંગે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીએ પણ સ્પષ્ટતા કરી હતી.

નાયબ ચૂંટણી અધિકારી સુદીપ શાહે કહ્યું કે, "સુરેન્દ્રનગર જિલ્લામાં SIRની પ્રક્રિયા અંતર્ગત દૈનિક બુલેટિન દરરોજ પ્રસિદ્ધ કરાય છે. જેમાં ફૉર્મ નં. 6, ફૉર્મ નં. 7ના જે પણ વાંધા, દાવા, અરજી આવી હોય, તેની માહિતી ચૂંટણીપંચ દ્વારા ઑફલાઇન તેમજ ઑનલાઇન સંપૂર્ણ પારદર્શી રીતે મૂકવામાં આવે છે."

"ગઈ કાલ સાંજ સુધીના રિપોર્ટ મુજબ સુરેન્દ્રનગરના પાંચેય વિધાનસભા મતવિસ્તારમાં કુલ્લે 24,258 ફૉર્મ 7 મળ્યાં છે. જે નામ કમી માટે હોય છે. તેમજ આ વિસ્તારોમાંથી 14,362 મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટેનાં ફૉર્મ નં. 6 મળ્યાં છે."

"આ સાચા આંકડા છે, કદાચ, એવી ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે, એક વિધાનસભા મતવિસ્તારમાંથી 20 હજાર કરતાં વધુ ફૉર્મ મળ્યાં છે, એ હકીકત નથી."

તેઓ આગળ સમજાવતાં કહે છે કે, "રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ની કલમ 20 અને કલમ 21 મુજબ એનો નિયમ મુજબ જ નિકાલ કરાશે. નામ કમી કરાવવા માટેની જે પણ વાંધા અરજી મળી છે, તેમાં સુનાવણીની યોગ્ય તક આપ્યા પછી જ એ અનુસાર નામ કમી થઈ શકે છે, ફૉર્મ રજૂ કરવામાત્રથી ક્યારેય, કોઈ પણ મતદારનું નામ કમી થતું નથી."

રાજ્યમાં ફૉર્મ નં. 7 મારફતે મતદારયાદીમાંથી ચોક્કસ જ્ઞાતિ-જાતિ-સમાજના લોકોનાં નામ કમી કરાવવાના 'કાવતરા' સંદર્ભે લાગી રહેલા આક્ષેપો અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ફોર્મ 7 હોય, 6 કે પછી 8 હોય, આ તમામ ફોર્મ આઝાદી પછીની દરેક SIR પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયાં છે અને તેના આધારે અંતિમ મતદારયાદી તૈયાર કરવામાં આવી છે. ચૂંટણીપંચ કે ભાજપ પર આવા આરોપો લગાવીને કૉંગ્રેસ આવનારી ચૂંટણીમાં હાર પછી શું કહેવાનું છે, તેની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન