સોનાની જેમ ચાંદી ગિરવી મૂકીને લોન લેવાના નિયમો બદલાયા, હવે લોન લેતાં પહેલાં શું ધ્યાન રાખવું પડશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં સોનાને સંકટ સમયની સાંકળ કહેવામાં આવે છે અને લોકો પાસે બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે સોનાને ગિરવી મૂકીને લોન લેતા હોય છે.

ગોલ્ડ લોનની લોકપ્રિયતા ઘણી વધી છે, ત્યારે લોકો પાસે ચાંદીની સામે પણ લોન લેવાનો એક વિકલ્પ છે.

સોનું અને ચાંદી એ બંને એવી ધાતુ છે જેના ભાવમાં જોરદાર તેજી ચાલે છે. દરમિયાન રિઝર્વ બૅન્કે એક નોટિફિકેશન બહાર પાડીને ચાંદી સામે લોન લેવા અંગે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે.

અહીં આપણે ચાંદી સામે કઈ રીતે લોન લઈ શકાય, કેટલી લોન મળી શકે અને આરબીઆઈના નવા નિયમો શું કહે છે તેની વાત કરીશું.

ચાંદી સામે લોન લેવી સરળ બનશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગયા સપ્તાહમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં સિલ્વર સામે લોન લેવાના નિયમો બદલવામાં આવ્યા છે અને આ ફેરફારો પહેલી એપ્રિલ, 2026થી લાગુ થશે.

તેમાં જણાવાયું છે કે તમામ કૉમર્શિયલ બૅન્કો ચાંદી સામે લોન આપી શકશે, જેમાં સ્મોલ ફાઈનાન્સ બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો સામેલ છે. આ ઉપરાંત શહેરી અને ગ્રામીણ કો-ઓપરેટિવ બૅન્કો પણ ચાંદી સામે ધિરાણ કરી શકશે.

એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને પણ આ સુવિધા આપવામાં આવી છે.

કેવા પ્રકારનાં સોના કે ચાંદી સામે લોન નહીં મળે

આરબીઆઈ સ્પષ્ટ કહે છે કે પ્રાઇમરી (બુલિયન) સોના અથવા ચાંદી સામે કોઈ લોન નહીં લઈ શકાય. એટલે કે સોના ચાંદીના ઉચ્ચ શુદ્ધા ધરાવતા બાર, ઇંગોટ, સિક્કા વગેરે સામે લોન નહીં મળે. પરંતુ સિક્કા, જ્વેલરી સામે લોન મળશે.

આ ઉપરાંત ગોલ્ડ કે સિલ્વર ઈટીએફ અથવા મ્યુચ્યુઅલ ફંડ સામે લોન નહીં મળે.

સોના કે ચાંદીની માલિકી શંકાસ્પદ હોય તેવા કિસ્સામાં લોન નહીં મળે

પહેલેથી બૅન્કમાં જે સોનું અથવા ચાંદી ગિરવી મૂકાયેલાં હોય, તેની સામે લોન નહીં મળે.

આરબીઆઈના નિયમો પ્રમાણે લોનનો સમયગાળો વધુમાં વધુ 12 મહિનાનો રહેશે.

લોન માટે કેટલાં ઘરેણાં ગિરો મૂકી શકાશે?

આરબીઆઈના પરિપત્ર પ્રમાણે કોઈ એક ઋણધારક દ્વારા ગિરવી મુકાયેલાં તમામ ઘરેણાંના કુલ વજનની લિમિટ લાગુ પડશે. સોનાનાં ઘરેણાં માટે વધુમાં વધુ એક કિલો અને ચાંદી માટે વધુમાં વધુ 10 કિલો ઘરેણાં ગિરવી મૂકી શકાશે.

તમામ લોન માટે સોનાના સિક્કાનું કુલ વજન 50 ગ્રામથી વધુ ન હોવું જોઈએ અને ચાંદીના સિક્કા માટે 500 ગ્રામથી વધવું ન જોઈએ.

સોનાનાં ઘરેણાં માટે આ મર્યાદા એક કિલો અથવા તેનાથી ઓછી છે, જ્યારે ચાંદીનાં ઘરેણાં માટે 10 કિલો અથવા તેનાથી ઓછી છે.

કેટલા રૂપિયા સુધી લોન મળી શકે?

કોઈ પણ વ્યક્તિ સોના અથવા ચાંદી સામે વધુમાં વધુ કેટલી લોન મેળવી શકે તેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ રકમ લોન ટુ વેલ્યૂ રેશિયો (એલટીવી) પરથી નક્કી થાય છે.

આરબીઆઈનો પરિપત્ર કહે છે કે ઘરેણાંની કિંમત અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધી હશે તો 80 ટકા સુધી લોન મળી શકે. અઢી લાખ રૂપિયાથી ઓછી હશે તો 75 ટકા સુધી અને પાંચ લાખ રૂપિયાથી વધુ હશે તો 75 ટકા સુધી લોન મળી શકશે.

લોન માટે સોના-ચાંદીનો ભાવ કેવી રીતે નક્કી થશે?

સોના અને ચાંદીના ભાવ રોજેરોજ બદલાતા રહે છે. તેથી ઘરેણાં ગીરવી મૂકતી વખતે તેની કિંમત કેવી રીતે નક્કી કરવી?

તેના માટે આરબીઆઈએ જણાવ્યું છે કે છેલ્લા 30 દિવસના સોના અને ચાંદીના એવરેજ બંધ ભાવ, અથવા આઈબીજેએ (ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલરી એસોસિયેશન) કે સેબી દ્વારા મંજૂરી મેળવનારા એક્સ્ચેન્જ દ્વારા અગાઉના દિવસે જાહેર થયેલા બંધ ભાવ, આ બેમાંથી જે ભાવ નીચા હશે તેના પરથી ઘરેણાંના ભાવ નક્કી થશે.

સોના-ચાંદી સામે લોન ચૂકવી ન શકાય તો?

સોના કે ચાંદીનાં ઘરેણાં સામે લોન લેવામાં આવે ત્યારે તેની સમયસર ચૂકવણી કરવી જરૂરી છે. આરબીઆઈના પરિપત્ર પ્રમાણે લોનની સમયસર ચૂકવણી ન થાય તો ધિરાણકાર (બૅન્ક અથવા નાણાકીય સંસ્થા) આવાં ઘરેણાંની હરાજી કરી શકે છે.

જોકે, હરાજી કરતાં અગાઉ લોન લેનારા ગ્રાહકને પહેલાંથી નોટિસ આપવી જરૂરી છે.

લોન લેનારનો પતો ન મળે તો સૌથી પહેલાં એક જાહેર નોટિસ ઈસ્યૂ કરવી પડશે. ત્યાર પછી એક મહિનો રાહ જોવી પડશે. આમ છતાં લોનધારકનો સંપર્ક ન થાય તો ગિરવી મૂકેલાં ઘરેણાનું ઑક્શન (હરાજી) કરવામાં આવશે.

હરાજીના સમયે બૅન્કે ઘરેણાંનો એક રિઝર્વ ભાવ જાહેર કરવો પડશે જે તે વખતની કરન્ટ વેલ્યૂના 90 ટકા કરતાં ઓછો ન હોઈ શકે.

બે વખત હરાજી નિષ્ફળ જાય તો રિઝર્વ પ્રાઈસ ઘટાડીને કરન્ટ વેલ્યૂના ઓછામાં ઓછા 85 ટકા કરવામાં આવશે.

તેમાં એવું પણ જણાવાયું છે કે લોન ભરાઈ જાય પછી નિશ્ચિત સમયમાં બૅન્કે ગિરવી રાખેલું સોનું અથવા ચાંદી રિલીઝ કરવાં પડશે.

જો તેમાં વિલંબ થશે તો લોનધારક કે તેના વારસદારને રોજના 5000 રૂપિયા લેખે વળતર ચૂકવવું પડશે.

સોના કે ચાંદી સામે ક્યારે લોન લેવાય?

નાણાકીય નિષ્ણાતો માને છે કે સોના અથવા ચાંદીના ઘરેણાં ગિરવી મૂકીને લોન લેવી એ છેલ્લો રસ્તો હોવો જોઈએ.

સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ ઍડ્વાઈઝર મિથુન જાથલ કહે છે કે, "ફિજિકલ સ્વરૂપમાં તમે સોના અથવા ચાંદીને ગિરવી મૂકો એટલે તેના સ્ટોરેજનો ખર્ચ આવે છે. પરિણામે વ્યાજના દર વધી જાય છે. તેના કરતાં ગોલ્ડ ઇટીએફ અથવા મ્યુચ્યુઅલ ફંડ, શૅર, વીમા પોલિસી સામે લોન લેવી ઈચ્છનીય છે."

તેઓ કહે છે, "સમયસર લોનનું પેમેન્ટ ન થાય તો તમારાં ઘરેણાંની હરાજી થઈ શકે છે. આ ઉપરાંત સોના-ચાંદીનાં ઘરેણાં સામે લોન લેનાર વ્યક્તિ નાણાકીય ભીંસમાં છે એવું સ્થાપિત થાય છે તેથી સિબિલ સ્કોરને અસર થાય છે. આ એક પ્રકારે પર્સનલ લોન જેવું જ છે અને વ્યાજના દર 18થી 23 ટકા સુધી જઈ શકે."

તેવી જ રીતે અમદાવાદસ્થિત મની પ્લાન્ટ ફિનમાર્ટના ડાયરેક્ટર મેહુલ શાહ કહે છે કે, "સોના ચાંદીનાં ઘરેણાં સામે લોન છેલ્લો વિકલ્પ હોવો જોઈએ અને માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ વાપરવો જોઈએ."

તેઓ કહે છે કે, "આપણે સોના અને ચાંદીનાં ઘરેણાં આગામી પેઢીને આપતા રહેવાની પ્રથા છે. તેથી ક્યારેક ઘરેણાંને સમયસર છોડાવી ન શકાય તો તેને કાયમ માટે ગુમાવવાનો વારો આવે છે. તેથી આ વાતને લોન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન