ન્યૂઝીલૅન્ડ સામે ઝંઝાવાતી બેટિંગ માટે સૂર્યકુમારને પત્નીએ કઈ સલાહ આપી હતી?

શુક્રવારે નવા રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી.

આ જીત સાથે જ ભારતીય ટી20 ક્રિકેટ ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે પોતાના પ્રદર્શન પર ઊઠી રહેલા સવાલોનો દમદાર જવાબ પણ આપ્યો હતો.

તેમણે ટી20 ઇન્ટરનૅશનલમાં 23 ઇનિંગ અને 468 દિવસ બાદ પહેલી વાર અર્ધ સદી નોંધાવી અને મૅચવિનિંગ ઇનિંગ રમીને તેમના ટીકાકારોને જાણે ચૂપ કરાવી દીધા હતા.

મૅચની વાત કરીએ તો આ ટી20 ઇન્ટરનૅશનલમાં ભારતીય ટીમે જબરદસ્ત પર્ફૉર્મન્સ કર્યું હતું. ન્યૂઝીલૅન્ડની ટીમે આપેલા 209 રનના ટાર્ગેટને ટીમે 28 બૉલ બાકી રાખીને માત્ર 15.2 ઓવરમાં જ ચેઝ કરી બતાવ્યો, અને એ પણ એવા સમયે જ્યારે બીજી ઓવરમાં જ ભારતીય ટીમ પોતાના બંને ઓપનિંગ બૅટ્સમૅન ગુમાવી ચૂકી હતી. એ સમયે ટીમનો સ્કોર હતો 6/2.

પોતાની ધુંઆદાર બેટિંગના બળે ઈશાન કિશને ભારતીય ટીમને પ્રારંભિક દબાણમાંથી બહાર કાઢી લીધી, અને 32 બૉલમાં 76 રનની તોફાની ઇનિંગ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયા. ઇનિંગમાં ઈશાન કિશને 11 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

ધુંઆદાર ઇનિંગ અને ભારતીય ટીમને સંતુલનમાં લાવ્યા બાદ દસમી ઓવરમાં જ્યારે ઈશાન કિશન કૅચઆઉટ થયા એ બાદ દમ દેખાડવાનો વારો આવ્યો કપ્તાન સૂર્યકુમાર યાદવનો. તેઓ પણ ક્રીઝ પર નૅચરલ રમત રમતા દેખાયા, ઈશાન કિશન બાદ તેમની ફટકાબાજીએ ન્યૂઝીલૅન્ડના બૉલરોની જાણે કે કમર જ તૂટી ગઈ.

સૂર્યકુમાર યાદવે 37 બૉલમાં 82 રનની ધુંઆદાર મૅચવિનિંગ ઇનિંગ રમી, જેમાં તેમણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

મૅચ બાદ ઈશાન કિશન સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે આટલા લાંબા સમય બાદ મોટો સ્કોર હાંસલ કરવા અને પોતાના જબરદસ્ત પ્રદર્શન પાછળનું રહસ્ય જણાવ્યું.

સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑફિશયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકાયેલા આ વીડિયોમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની વાતચીત બતાવાઈ છે.

તેમાં ઈશાન કિશને આટલા લાંબા સમય પછી મોટો સ્કોર કરવામાં મળેલી સફળતા અંગે સૂર્યકુમાર યાદવને પૂછ્યું કે, "મને નથી લાગતું કે આ (વાત) તમારા માટે આટલી મોટી હશે, શું એવું ખરેખર હતું."

આના જવાબમાં સૂર્યકુમારે કહ્યું, "આપણે ઘરે જઈએ છીએ ત્યારે ત્યાં પણ એક કોચ બેઠા છે, જેમની સાથે તમે લગ્ન કર્યાં હોય છે.એ પણ મને કહેતી રહે છે કે, 'મને લાગે છે કે તારે થોડો સમય લેવો જોઈએ.' કારણ કે એણે મને સૌથી વધુ નજીકથી જોયો છે, અને એ મારા મગજમાં શું ચાલી રહ્યું છે એ જાણી લે છે. તેથી મેં એની સલાહ માનીને વિચાર્યું કે ચાલો, ધીરે ધીરે થોડો ટાઇમ લઈએ. છેલ્લી મૅચમાંય લીધો, આજેય લીધો. મને થોડું સારું તો લાગ્યું."

તેમણે આગળ કહ્યું કે, "હું બધાને એવું જ કહી રહ્યો હતો કે હું નેટ્સમાં તો સારી બેટિંગ કરી રહ્યો છું. પણ નેટ્સમાં તમે ગમે એટલું કરી લો, જ્યાં સુધી મૅચમાં રન ન બને ત્યાં સુધી કૉન્ફિડન્સ નથી આવતો. તાજેતરમાં બે-ત્રણ અઠવાડિયાંની સારી બ્રેક મળી, ઘરે ગયો, સોશિયલ મીડિયાથી બિલકુલ દૂર રહ્યો. છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં મેં સારી પ્રૅક્ટિસ કરી અને આખરે હું સારી સ્પેસમાં આવ્યો."

"હાલ પણ મારી માઇન્ડ સ્પેસ સારી જ છે. ખુશ રહેવું એ સૌથી જરૂરી છે. કહેવાય છે કે ક્રિકેટ વિનમ્ર માણસોની રમત કહેવાય છે, તેથી વિનમ્રતા જાળવવી જરૂરી છે."

મૅચમાં શું થયું હતું?

ભારતે ટૉસ જીતીને ન્યૂઝીલૅન્ડને બેટિંગ કરવા માટે આમંત્રિત કર્યું હતું.

ન્યૂઝીલૅન્ડની ટીમ છ વિકેટના નુકસાને 208 રન બનાવી શકી હતી. ભારતના બૉલરોએ પણ પ્રમાણસર સારું બૉલિંગ પ્રદર્શન કરી ન્યૂઝીલૅન્ડ બેટરોને ટકવાની અને ફટકાબાજી કરવાની ઝાઝી તકો આપી નહોતી.

ભારત તરફથી કુલદીપ યાદવ, શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે બે, એક અને એક વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલૅન્ડ તરફથી મિચેલ સેન્ટનરે 27 બૉલમાં 47 અને રચીન રવીન્દ્ર 26 બૉલ રમીને 44 રનની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

ભારતીય ટીમ ઇનિંગની વાત કરીએ તો, બેટિંગમાં ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી.

ભારત માત્ર છ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પહેલી ઓવરમાં જ વિકેટકીપર અને ઓપનિંગ બૅટ્સમૅન સંજુ સેમસન માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. એ બાદ ગત મૅચના હીરો રહેલા અભિષેક શર્મા આવ્યા, પરંતુ આ વખત પહેલા જ બૉલે જેકબ ડફીના બૉલે ડેવન કોન્વેને કૅચ દઈ બેઠા અને પોતાનું ખાતું ખોલાવવામાંય નિષ્ફળ રહ્યા.

બીજી ઓવરના પ્રથમ બૉલ સુધીમાં ભારતના બંને ઓપનરો પેવેલિયન પાછા ફરી ચૂક્યા હતા અને સ્કોર હજુ બે આંકડામાંય નહોતું પહોંચ્યું.

ટીમ માટે આવી મુશ્કેલ ઘડીમાં મેદાને ઊતરેલા ઈશાન કિશન પર ભાગ્યે જ વહેલી વિકેટો ગુમાવી દીધાનું કોઈ દબાણ જોવા મળ્યું.

તેમણે એવી તો ફટકાબાજી કરી કે એક સમયે લયમાં દેખાતા ન્યૂઝીલૅન્ડના બૉલરોની લાઇન-લૅંગ્થ ખોરવાઈ ગઈ.

ધડાધડ ચોગ્ગા-છગ્ગાનો જાણે વરસાદ થવા લાગ્યો, સામા છેડેથી કપ્તાન સૂર્યકુમાર યાદવે પણ ઈશાન કિશનનો પૂરો સાથ આપ્યો, બંને વચ્ચે 122 રનની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ અને ન્યૂઝીલૅન્ડની ટીમ એકાએક બૅકફૂટ પર દેખાવા લાગી.

ઈશાન કિશન ન્યૂઝીલૅન્ડની દસમી ઓવરમાં ઈશ સોઢીના બૉલે મેટ હેનરીને કૅચ દઈ બેઠા. જોકે, આટલે સુધી તેઓ ટીમની જીતનો મજબૂત પાયો નાખવામાં સફળ થઈ ચૂક્યા હતા.

બાદમાં સૂર્યકુમારે પણ ફટકાબાજી ચાલુ રાખી અને સામે છેડેથી શિવમ દુબેએ પણ ન્યૂઝીલૅન્ડના બૉલિંગ લાઇનઅપ પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું.

સૂર્યકુમાર અને શિવમના શાનદાર બેટિંગ પ્રદર્શનને બળે ભારતીય ટીમ મૅચમાં 28 બૉલ બાકી રાખીને વિજેતા બની ગઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન