તેલંગણામાં સેંકડો કૂતરાં મારીને સામૂહિક ખાતમો બોલાવી દેવાયો, તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી

    • લેેખક, બલ્લા સતીષ
    • પદ, બીબીસી સંવાદદાતા

(નોંધઃ આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

તેલંગણા રાજ્યના ચાર વિસ્તારોમાં 350 રખડતાં કૂતરાં મારી નાખવામાં આવ્યાં હોવાના આક્ષેપો થયા છે. પોલીસે હવે આ મામલે તપાસ આદરી છે.

ફરિયાદીઓએ આ અત્યાચારમાં ઘણી ગ્રામ પંચાયતોના સરપંચો પણ સંડોવાયેલા હોવાનો અને સ્થાનિક લોકોની મિલીભગત હોવાનો આરોપ મૂક્યો છે. પશુપ્રેમીઓએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે.

તેલંગણાનાં ઘણાં ગામડાંમાં રખડતાં કૂતરાં અને વાનરોએ વ્યાપક આતંક મચાવ્યો છે. કેટલાક સમયથી આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે સંદર્ભમાં જોતા, તાજેતરમાં સેંકડો કૂતરાંની હત્યાની ઘટનાઓ સામે આવી છે.

કેટલાક પ્રદેશોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંચાયતોના સરપંચોએ જ કૂતરાંના ત્રાસથી બચવા માટે તેમનો સામૂહિક ખાતમો બોલાવી દીધો છે. આવા ચાર બનાવો પોલીસની જાણમાં આવ્યા હતા.

મચારેડ્ડી પોલીસ સ્ટેશનની હદમાં

મચારેડ્ડી પોલીસ સ્ટેશનની હદમાં 'સ્ટ્રે ઍનિમલ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા'ના ક્રૂઅલ્ટી પ્રિવેન્શન મૅનેજર એ. ગૌતમે 12મી જાન્યુઆરીના રોજ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, કામારેડ્ડી જિલ્લાના મચારેડ્ડી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ભવાનીપેટ, પલવાંચા, ફરીદપેટ, વાડી તથા બાન્ડા રામેશ્વરમપલ્લી ગામોમાં મોટી સંખ્યામાં રખડતાં કૂતરાંને મારી નાખવામાં આવી રહ્યાં છે. તે જ દિવસે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી હતી.

મચારેડ્ડી સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અનિલે 15મી જાન્યુઆરીના રોજ બીબીસીને માહિતી આપી હતી કે, "આ મામલે તપાસ ચાલી રહી છે. હજી સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. "

"અત્યાર સુધી થયેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે ચાર ક્ષેત્રોમાં 244 કૂતરાંને મારી નાખીને દફનાવી દેવામાં આવ્યાં હતાં. સરકારી પશુ ચિકિત્સકોએ પૉસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. કેટલાંક સેમ્પલ્સ લેબમાં મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ આવી ગયા બાદ અમે પગલાં ભરીશું. આ ઘટના ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પાંચ ગામોમાં નહીં, બલ્કે ભવાનીપેટ, ફરીદપેટ અને પલવાંચામાં બની હતી."

અનિલે વધુમાં કહ્યું હતું, "એ તો ખબર છે કે આ ત્રણેય ગામોની પંચાયતોના સરપંચ આ ઘટનામાં સંડોવાયેલા હતા, તેમ છતાં હજી સુધી એ જાણવા મળ્યું નથી કે કૂતરાંને શા માટે અને કેવી રીતે મારવામાં આવ્યાં."

મચારેડ્ડી પોલીસ સ્ટેશને કેસની તપાસની નવીનતમ ગતિવિધિ અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

શ્યામપેટ, અરેપલ્લીમાં..

પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે વારંગલ નજીક હનુમાનકોન્ડા જિલ્લાના શ્યામપેટ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતાં શ્યામપેટ અને અરેપલ્લી ગામોમાં ચાર દિવસમાં 300 રખડતાં કૂતરાંને મારી નાખવામાં આવ્યાં હતાં.

ફરિયાદી ગૌતમે આક્ષેપ કર્યો હતો કે આ કૃત્યમાં બે ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ સચિવ સામેલ છે. 9મી જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી હતી.

ગૌતમે ફરિયાદમાં જણાવ્યું હતું, "અમારી ટીમે શ્યામપેટ અને અરેપલ્લી પંચાયતોના સરપંચની વ્યક્તિગત પૂછપરછ કરી હતી અને તેમણે કૂતરાં માર્યાં હોવાની કબૂલાત કરી હતી."

શ્યામપેટ પોલીસે બીબીસીને જાણકારી આપી હતી કે આ કેસમાં સંડોવાયેલી નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

શ્યામપેટના સબ-ઇન્સ્પેક્ટર પરમેશ્વરે 15મી જાન્યુઆરીના રોજ જણાવ્યા મુજબ, "આ મામલે તપાસ ચાલી રહી છે. 110 કૂતરાંને મારી નાખવામાં આવ્યાં હતાં. "

"અમે તેમના અવશેષો કબજે કર્યાં છે અને અમુક સેમ્પલ્સ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યાં છે. પશુ ચિકિત્સકો પાસેથી રિપોર્ટ મળ્યા બાદ અમે આગામી કાર્યવાહી કરીશું. અત્યાર સુધીમાં અમે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં સરપંચોનો પણ સમાવેશ થાય છે."

જોકે, શ્યામપેટ પોલીસે કેસમાં થયેલી પ્રગતિ અંગેની તાજેતરની માહિતી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તેઓ માત્ર ફરિયાદીને જ માહિતી પૂરી પાડશે.

આ બંને ઘટનાઓમાં આઈપીસીની કલમ 325 (પ્રાણીની હત્યા કરવી, ઝેર આપવું કે તેમને ઈજા પહોંચાડવી) અને 'પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ઍનિમલ્સ ઍક્ટ'ની કલમ 11 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ભિક્ષાવિધિ

ધર્મપુરી પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં ગૌતમે આક્ષેપ કર્યો છે કે ધર્મપુરી નગરપાલિકાની હદમાં 28 અને 30મી ડિસેમ્બર, 2025ની વચ્ચે કુલ 40 કૂતરાંને મારી નાખવામાં આવ્યાં હતાં.

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં નગરપાલિકાના બે કર્મચારી સામેલ હતા. ગૌતમે ફરિયાદમાં લખ્યું છે કે કૂતરાંને ઇન્જેક્શન્સ અપાઈ રહ્યાં હતાં, તેનો વિડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.

આ મામલે 30મી ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી અને 5મી જાન્યુઆરીએ એફઆઈઆર દાખલ કરાઈ હતી. જોકે, આ ઘટનામાં માત્ર આઈપીસીની કલમ 325 હેઠળ જ એફઆઈઆર થઈ હતી અને 'પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ' લાગુ કરાયો નહોતો.

હૈદરાબાદ નજીક યાચારમમાં પણ કૂતરાંને મારી નાખવાના બનાવો બન્યા છે. અહીં પણ 'સ્ટ્રે ઍનિમલ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા'એ જ ફરિયાદ નોંધાવી છે.

ફાઉન્ડેશન તરફથી મુદાવત પ્રીતિએ જણાવ્યું હતું, "અમને 19મી જાન્યુઆરીએ આ ઘટનાની જાણ થઈ. અમે યાચારમ ગામ ગયાં, સ્થાનિકો સાથે વાત કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. અમારી જાણ અનુસાર, કૂતરાંઓને ઇન્જેક્શન્સ આપીને એક ટ્રેક્ટરમાં ભરીને ગામના બીજા છેડે લઈ જવાયાં અને ત્યાં તેમને દાટી દેવાયાં હતાં. અમે સરપંચ, સચિવ અને કૂતરાંને મોતને ઘાટ ઉતારનારી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે."

પ્રીતિએ વધુમાં જણાવ્યું, "અમે સાંભળ્યું કે કેટલાક લોકો આંધ્રપ્રદેશમાંથી આવ્યા હતા અને અહીં કામ કરતા હતા. અમને શંકા છે કે ભિક્ષાવિધિમાં ઓછામાં ઓછા 100 કૂતરાં મારી નંખાયાં હતાં."

'આ સરપંચોનું કૃત્ય છે'

ગૌતમનો આક્ષેપ છે કે આ હત્યાઓ ચૂંટણી સમયે અપાયેલાં વચનોનો ભાગ છે. તેમણે કહ્યું, "ગામના સરપંચોએ આ કામ માટે વ્યક્તિઓ નિયુક્ત કરી હતી.

ઘણા ગ્રામજનોએ પણ તેમને સાથ આપ્યો કારણ કે કૂતરું કરડવાના બનાવો વધી રહ્યા હતા અને તેઓ સમસ્યા મૂળથી દૂર કરવા માગતા હતા."

'અમે માત્ર હડકાયાં કૂતરાંઓને જ માર્યાં હતાં'

અરેપલ્લી પંચાયતના સરપંચના પુત્ર રાજુએ બચાવ કરતાં કહ્યું, "અમે માત્ર હડકાયાં અને બીમાર કૂતરાંને જ માર્યાં છે. આ કૂતરાં રાતે વાહનચાલકો પાછળ દોડે છે, જેનાથી અકસ્માતો થાય છે. એક વ્યક્તિને કૂતરાએ એટલા બચકાં ભર્યાં કે તેણે 40 દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું."

"કૂતરાંને ચામડીની ઍલર્જી થઈ હતી જેનાં લક્ષણો બાળકોમાં પણ જોવા મળતાં હતાં. અમારો ઈરાદો સ્વસ્થ કૂતરાંને મારવાનો નહોતો, પણ બીમારી ફેલાતી હોવાથી અમારે આ મંજૂરી આપવી પડી."

તેમણે સ્પષ્ટતા કરી કે તેમના ગામમાં 20-25 કૂતરાં મારવામાં આવ્યાં હતાં અને એક કૂતરા દીઠ 250 રૂપિયા ચૂકવાયા હતા.

'જો કોઈ સંક્રમિત પ્રાણી તમને બચકું ભરી લે, તો?'

અરેપલ્લીના એક રહેવાસી વિજયે પણ આ પગલાંનો બચાવ કરતાં કહ્યું કે જો સંક્રમિત કૂતરું કરડી જાય તો શું? બાળકોની સુરક્ષા માટે આ જરૂરી હતું.

કેન્દ્ર સરકારના ડેટા પ્રમાણે, તેલંગણામાં કૂતરાં કરડવાના કિસ્સાઓ 2022માં 92,924થી વધીને 2024માં 1,21,997 સુધી પહોંચ્યા છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં શ્વાનનો ત્રાસ અને હડકવાની સમસ્યા કેટલી ગંભીર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન