You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેસાણા : 'ગલૂડિયાના નખથી શું થાય' તેવું માનીને રસી ન લેનારાં મહિલાનું હડકવાથી મોત, સમગ્ર મામલો શું છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
મહેસાણામાં 44 વર્ષનાં એક મહિલાનું હાલમાં હડકવાથી મોત થયું છે. તેમને ગલૂડિયાના નખ વાગી ગયા હતા અને મળતી માહિતી પ્રમાણે તેમણે રસી લીધી નહોતી.
હડકવામાં સામાન્ય રીતે દર્દી જે પ્રકારનું ઉત્તેજનભર્યું વર્તન કરતા હોય છે તેવાં લક્ષણો મૃતક મહિલામાં જોવા નહોતાં મળ્યાં.
સામાન્ય રીતે હડકવામાં વ્યક્તિ પાણી કે હવાથી ડરે કે અન્ય વ્યક્તિઓને કરડવા જાય તેવાં લક્ષણો જોવાં મળતાં હોય છે.
પરંતુ અહીં મૃત્યુ પામનારાં મહિલામાં હડકવાના કારણે પૅરાલિસીસ જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.
નિષ્ણાતોનું કહેવું છે કે કૂતરું કરડ્યાં પછી હડકવાની રસી લેવામાં આવે તો તેનાથી બચી શકાય છે. પરંતુ જો રસી ન લેવામાં આવે અને હડકવા થાય તો તેનાથી બચી શકાતું નથી.
હડકવાના નોંધાતા કેસોમાં લગભગ 20 ટકા કેસોમાં દર્દીને પૅરાલિસીસ જેવાં લક્ષણો જોવાં મળે છે જેને પૅરાલિટીક હડકવા કહે છે.
જ્યારે 80 ટકા જેટલા કેસોમાં ફ્યુરિઅસ પ્રકારનો હડકવા હોય છે જેમાં દર્દી ધમાલ કરે છે અને ઉત્તેજનાભર્યું વર્તન કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ અનુસાર પૅરાલિટિક હડકવામાં ખોટું નિદાન થવાની શક્યતા રહે છે.
મહિલાનાં સૅમ્પલ પૂણે વાયરોલૉજી વિભાગમાં મોકલવામાં આવ્યાં હતાં. લેબોરેટરી રિપોર્ટમાં મહિલાને હડકવા હોવાનું સામે આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસ શું હતો?
મહેસાણા જિલ્લાના ખેરાલુ પાસે આવેલા સાગથડા ગામનાં 44 વર્ષીય ગીતાબહેન પારેખને શરૂઆતમાં લકવા (પૅરાલિસીસ) જેવાં લક્ષણો સાથે દેખાતા મહેસાણાની લાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
સારવાર છતાં તેમની સ્થિતીમાં સુધારો ન જણાતા ડૉક્ટરોએ દર્દીની મેડિકલ હિસ્ટ્રી લીધી હતી. જેમાં મહિલાને બે મહિના પહેલાં કૂતરાના ગલૂડિયાએ કરડ્યું કે નખ માર્યા હોવાની પરિવારના લોકો પાસેથી માહિતી મળી હતી. ગીતાબહેને હડકવાની રસી લીધી ન હતી.
ડૉક્ટરોને પ્રાથમિક તબક્કે હડકવા હોવાનું નિદાન કર્યું હતું. ગીતાબહેનના કમરનું ફ્લુઇડનાં સૅમ્પલ પૂણે ખાતે આવેલી વાયરોલૉજી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યાં હતાં. જેમાં મહિલાને હડકવાનો વાયરસ હોવાનું જણાયું હતું.
પરિવારે શું કહ્યું?
મૃતક ગીતાબહેનના જેઠના દીકરા હાર્દિક પારેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "નાના ગલૂડીયાના નખ (વાગવા) એટલા ગંભીર હોય કે જેને કારણે મારાં કાકીનો જીવ જઈ શકે તેવું કોઈએ સપનાંમાં પણ વિચાર્યું ન હોય."
"ગલૂડિયાની માતા ગર્ભવતી હતી ત્યારે તેને હડકાયું કૂતરું કરડ્યું હતું. જોકે તે અંગે મારાં કાકીને ખબર ન હતી. કૂતરીના મૃત્યુ બાદ મારા કાકી ગલૂડિયાને બિસ્કિટ રોટલી અને દૂધ ખવડાવતાં હતાં. તે સમયે ગલૂડિયાએ તેમને હાથમાં નખ ભર્યા હતા. જોકે તેમને આસપાસના લોકોએ દવાખાને જવાની સલાહ આપી હતી. પરંતુ મારાં કાકીએ કહ્યું હતું કે આટલા નાના ગલૂડિયાના નખથી શું થાય? તેમ માનીને તેમને રસી લીધી ન હતી."
"બે મહિના પહેલાં તેમના જમણા હાથમાં ગલૂડિયાનો નખ વાગ્યો હતો. નખ વાગવાના દોઢેક મહિના બાદ નખનો ઘા હતો તેના આસપાસની હાથની હથેળીનું હલન-ચલન બંધ થવા લાગ્યું હતું. ધીમે ધીમે તેમના આખા હાથનું હલન-ચલન બંધ થઈ ગયું અને તેમના શરીર પર પૅરાલિસીસ જેવી અસર દેખાવા લાગી હતી. સામાન્ય રીતે હડકવાના દર્દીઓ ધમાલ કરતા હોય છે.જોકે શરૂઆતમાં અમને એ ખબર જ ન હતી કે આ હડકવા હશે. અમે તો પૅરિલિસીસ જ સમજતા હતા. ડૉક્ટરોએ પણ શરૂઆતમાં પૅરાલિસીસની જ દવા કરી હતી. જોકે ડૉક્ટરે તેમની હિસ્ટ્રી પૂછી અને બાદમાં તેમને લાગ્યું કે આ હડકવા હોઈ શકે છે."
"એક નાની બેદરકારીને કારણે મારા કાકી જતાં રહ્યાં. તેમનાં બે બાળકો મા વગરનાં થઈ ગયાં. કૂતરું કરડે કે નખ વાગે તો પણ ગંભીરતાથી લઈને રસી લઈ લેવી જોઈએ."
ડૉક્ટરે શું કહ્યું?
મહેસાણાની લાયન્સ હૉસ્પિટલના ડૉક્ટર જય ચૌધરીજેઓએ ગીતાબહેનની સારવાર કરી હતી. જય ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "44 વર્ષીય મહિલા દર્દી ગુલીયન બાર સિન્ડ્રોમ જેવાં લક્ષણો સાથે દવાખાને આવ્યાં હતાં. તેમને લકવાની અસર જણાતી હતી. તેમની GBS ની સારવાર કરી પરંતુ સારવારની કોઈ અસર દેખાતી ન હતી. જેથી અમે દર્દીના પરિવારને મેડિકલ હિસ્ટ્રી પૂછી તો ખબર પડી કે દર્દીને 2 મહિના પહેલાં ગલૂડીયાએ નખ માર્યો કે કરડ્યું હતું."
"અમે તરત જ મહિલા દર્દીના કમરમાંથી ફ્લુઇડ લઈને પૂણે ખાતે આવેલ સરકારી વાયરોલૉજી લેબોરેટરીમાં સૅમ્પલ મોકલી આપ્યાં હતાં. રિપોર્ટમાં મહિલામાં હડકવાનો વાયરસ જોવા મળ્યો હતો."
ડૉ.જય ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, "હડકવાના 80 ટકા કેસોમાં ફ્યુરિઅસ લક્ષણો જોવા મળે છે જેમાં દર્દી કરડવા દોડે, ધમાલ કરે પાણીથી ડરે જેવાં લક્ષણો જોવાં મળે છે. જ્યારે 20 ટકા કેસ પૅરાલિટિક હડકવા હોય છે. જેમાં દર્દી ધમાલ કરતો નથી પરંતુ તેને લકવા (પૅરાલિસીસ )જેવાં લક્ષણો જોવા મળે છે."
મહેસાણા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.વિનોદ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સગથાળા ગામમાં હડકવાથી બે ત્રણ કૂતરાં મરી ગયાં હતાં. ગામના કેટલાક લોકો હડકાયા કૂતરું મરી ગયા બાદ તેને દફનાવવા ગયા હતા. અમારા હેલ્થ વિભાગની ટીમ દ્વારા મૃતકના પરિવાર તેમજ ગામના લોકો મળીને કુલ 34 લોકોને હડકવાની રસી આપી છે."
બે પ્રકારના હડકવા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર બે પ્રકારના હડકવા હોય છે.
ફ્યુરિઅસ રેબીસ- અતિસક્રિય, ઉત્તેજનાભર્યું વર્તન, સંકલનનો અભાવ, પાણીનો ડર (હાઇડ્રોફોબિયા) હવાનો ડર (ઍરોફોબિયા) કાર્ડિયો રેસ્પરેટરી અરેસ્ટના કારણે મોત થાય છે.
પૅરાલિટિક રેબીસ – હડકવાના કેસોમાં 20 ટકા કેસોમાં પૅરાલિટિકના કેસ થાય છે. ફ્યુરિઅસ હડકવા કરતાં આ પ્રકારનો હડકવામાં શારીરિક રીતે ઓછું ઉત્તેજનાભર્યું વર્તન હોય છે અને તે લાંબો સમય સુધી ચાલે છે. જ્યાં ઘા હોય ત્યાંથી શરૂ થઈને સ્નાયુઓ ધીમેધીમે લકવાગ્રસ્ત થઈ જાય છે. દર્દી ધીમે ધીમે કોમામાં જાય છે અને પછી મૃત્યુ પામે છે. હડકવાના લકવાગ્રસ્ત પ્રકારનું ઘણીવાર ખોટું નિદાન થાય છે.
કૂતરું કે કોઈ પણ પ્રાણી કરડે કે નખ મારે તો શું કરવું જોઈએ?
ડૉ. જય ચૌધરીએ જણાવ્યું કે, "તમને કૂતરું કે અન્ય પ્રાણી કરડે કે નખ વાગે તો તરત જ રસી લઈ લેવી જોઈએ. હડકવા ઊપડ્યા બાદ તેની કોઈ દવા નથી. હડકવાના 100 ટકા કેસમાં મોત થાય છે. કૂતરું કરડ્યાના એક અઠવાડિયાથી લઈને 6 વર્ષ સુધીના સમયગાળામાં હડકવા ઊપડ્યો હોવાના કેસો જોવા મળે છે."
ડૉ. વિનોદ પટેલે જણાવ્યું કે, "હડકવાની રસી 100 ટકા અસરકારક છે. પરંતુ જો રસી ન લેવામાં આવે અને હડકવા થાય તો તેમાં 100 ટકા મોત થાય છે. જેથી જે લોકોને પ્રાણી કરડે કે નખ મારે તો તેમને 24 કલાકમાં નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર કે દવાખાને જઈને રસી લઈ લેવી જોઈએ. તેમજ ઘા પર તરત જ સાબુ અને પાણી રેડીને 15 થી 20 મિનિટ સુધી ધોવો જોઈએ."
ડૉ.વિનોદ પટેલે વધુમાં જણાવ્યું કે, "મહેસાણામાં ગયા વર્ષે એક હડકવાનો કેસ આવ્યો હતો જેમાં દર્દીને એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું. તેમને રસી લીધી ન હતી. જ્યારે તેમને જે કૂતરું કરડ્યું હતું તે તેમના ગામના બીજા લોકોને પણ કરડ્યું હતું તેમને રસી લીધી હતી. રસી લીધી હતી તેને કોઈ તકલીફ થઈ નથી. મહેસાણા જિલ્લામાં છેલ્લાં સાત વર્ષમાં 6 લોકોના હડકવાને કારણે મોત થયાં છે. દરેક મૃતકની હિસ્ટ્રી લેતા ધ્યાનમાં આવ્યું હતું કે તે દરેકે હડકવાની રસી લીધેલી ન હતી."
હડકવા (રેબીઝ) કેવી રીતે ફેલાય છે?
રેબીઝ મુખ્યત્વે જંગલી પ્રાણીઓમાં અને અમુક અંશે પાળેલાં પ્રાણીઓમાં જોવા મળે છે. આ રોગ હડકવાથી સંક્રમિત પ્રાણીઓની લાળ દ્વારા ફેલાય છે.
નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ના જણાવ્યા અનુસાર, રેબીઝ વાઇરસ પ્રાણી કરડવાથી, અંગ પર નહોર મારવાથી અને માણસના શરીર પરના ઉઘાડા જખમ પ્રાણી ચાટે તો તેની લાળ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે.
ભારતમાં માણસને હડકવા થયાના 99 ટકા કિસ્સામાં કૂતરાં કારણભૂત હોય છે. બિલાડી અને શિયાળ અથવા મંગૂસ કરડવાને કારણે થતા હડકવાનું પ્રમાણ અનુક્રમે બે અને એક ટકા છે.
કયાં પ્રાણીઓ કરડે તો હડકવાની રસી લેવી
નૅશનલ રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર ભારતમાં હડકવા ફેલાવતાં પ્રાણીઓની(એનિમલ રેબીઝ ટ્રાન્સમિટીંગ ઇન ઇન્ડિયા)યાદી જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન અનુસાર રેબીઝ ફેલાવવામાં કૂતરાં છે, જ્યારે બિલાડી, વાંદરા, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, રીંછ, ગધેડો, ભૂંડ, ઘોડા, ઊંટ, શિયાળ વગેરે પ્રાણીઓના કરડવાને કારણે પણ રેબીઝ એટલે કે હડકવા ઊપડી શકે છે.
આ દરેક પ્રાણીઓ કરડે કે નખ મારે તો તરત જ હૉસ્પિટલ જવું અને સારવાર લેવી જોઈએ. ગાઇડલાઇન અનુસાર વૅક્સિન લેવાની તેમજ ઇમ્યુનોગ્લોબુલીન ટ્રીટમેન્ટ કરવાની તેમજ ઘા ને મૅનેજ કરવા અંગે ગાઇડલાઇનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
હડકવાના (રેબીઝનાં) લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, રેબીઝનાં લક્ષણો નીચે મુજબ છે.
- તાવ અથવા શરીરમાં કળતર
- વાયરસ ચેતાતંત્રમાં પ્રવેશે પછી મગજ અને કરોડરજ્જુમાં સોજો
- ફ્યુરિયસ રેબીઝમાં દર્દીનું વર્તન બદલાય જાય છે
- દર્દી હાયપર બની જાય છે અથવા તેને પાણીનો ડર લાગે છે
- જોરદાર હાર્ટઍટેકને લીધે મોત
- પૅરેલિટિક રેબીઝમાં સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે. દર્દી કોમામાં જાય છે અને પછી મૃત્યુ પામે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન