You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરિયો કાળો કેમ થઈ રહ્યો છે અને એ આપણા માટે કેટલું ચિંતાજનક?
- લેેખક, ઍલિયટ બેલ
- પદ, બીબીસી ન્યૂઝ
યુનાઇટેડ કિંગડમની પ્લાયમાઉથ યુનિવર્સિટીના સંશોધન મુજબ, છેલ્લા બે દાયકામાં વૈશ્વિક મહાસાગરનો પાંચમાથી વધુ ભાગ વધુ ડાર્ક – કાળો થઈ ગયો છે.
સમુદ્રના સૌથી ઉપલા સ્તરમાં થતા ફેરફાર પ્રકાશનું પાણીમાં પ્રવેશવું મુશ્કેલ બનાવે છે ત્યારે 'ઓશન ડાર્કનિંગ' નામે ઓળખાતી આ પ્રક્રિયા થાય છે.
આ ઉપલા સ્તરને 'ફોટિક ઝોન' કહેવામાં આવે છે. ફોટિક ઝોન સમુદ્રી જીવનના 90 ટકા હિસ્સાનું ઘર છે અને સ્વસ્થ વૈશ્વિક બાયોજિયૉલિજિકલ ચક્રની જાળવણી માટે મહત્ત્વપૂર્ણ છે.
ગ્લોબલ ચેન્જ બાયૉલૉજીમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2003થી 2022 દરમિયાન વૈશ્વિક મહાસાગરનો 21 ટકા ભાગ કાળો થઈ ગયો છે.
સમુદ્ર કાળો કેમ થઈ રહ્યો છે?
સંશોધનના તારણ મુજબ, શેવાળનાં ફૂલોની ગતિશીલતામાં ફેરફાર અને સમુદ્રની સપાટીના તાપમાનમાં વધઘટને કારણે ઓશન ડાર્કનિંગ થતું હોવાનું માનવામાં આવે છે.
આવું ડાર્કનિંગ મોટા ભાગે દરિયાકાંઠાના પ્રદેશોમાં જોવા મળે છે, જ્યાં પોષકતત્ત્વોથી ભરપૂર પાણી સપાટી પર આવે છે અને વધારે વરસાદ કૃષિ માટેના પ્રવાહ તથા જમીનમાંથી કાંપને પાણીમાં પરિવર્તિત કરે છે, જે પ્લાન્કટોનને ખીલવામાં મદદરૂપ થાય છે.
આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદના કિસ્સાઓ વધુ સામાન્ય અને તીવ્ર બની રહ્યા છે.
ખુલ્લા સમુદ્રમાં અંધારું થવાને સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારા સાથે સંબંધ હોઈ શકે છે અને તેના કારણે પ્લાન્કટોન પ્રકાશને અવરોધિત કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યા પ્રદેશોને અસર થાય છે?
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહાસાગરના નવ ટકાથી વધુ ભાગમાં (એટલે કે આફ્રિકાના કદ જેટલા વિસ્તારમાં) પ્રકાશમાં 164 ફૂટ (50 મીટર)થી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
મહાસાગરના 2.6 ટકાથી વધુ હિસ્સામાં 328 ફૂટ(100 મીટર)થી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
અભ્યાસનાં તારણો એવું પણ જણાવે છે કે ફોર્ટિક ઝોન ઊંડાઈમાં ગલ્ફ સ્ટ્રીમની ટોચ અને આર્કટિક તથા ઍન્ટાર્કટિક બંને પ્રદેશોમાં સૌથી નોંધપાત્ર ફેરફારો મળ્યા હતા. આ પૃથ્વીના એ વિસ્તારો છે, જ્યાં આબોહવા વિક્ષેપને કારણે નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે.
બાલ્ટિક સમુદ્ર સહિતના દરિયાકાંઠાના પ્રદેશો અને એન્ક્લોઝ્ડ સમુદ્રોમાં પણ અંધારું વ્યાપક હતું.
અભ્યાસ સૂચવે છે કે મહાસાગરમાંનું અંધારું ફક્ત દરિયાકાંઠાના પ્રદેશો પૂરતું મર્યાદિત નથી. તે ઓપન ઓશનને પણ અસર કરે છે.
અલબત્ત, સમુદ્રના બધા ભાગમાં ડાર્કનિંગ થતું નથી. આ જ સમયગાળામાં સમુદ્રનો લગભગ 10 ટકા હિસ્સો ઊજળો પણ થયો હોવાનું અભ્યાસનાં તારણો જણાવે છે.
અભ્યાસના લેખકોના મતે, આ મિશ્ર ચિત્ર સમુદ્ર પ્રણાલીઓની જટિલતા અને પાણીની ચોખ્ખાઈને અસર કરતાં ઘણાં પરિબળોને પ્રતિબિંબિત કરે છે.
દરિયાઈ જીવન પર કેવી રીતે અસર થાય છે?
આ ફેરફારથી ચોક્કસ પરિણામ શું આવે છે તે સ્પષ્ટ નથી, પરંતુ વિજ્ઞાનીઓ કહે છે કે તેની પૃથ્વી પરના દરિયાઈ પ્રજાતિઓ અને ઇકૉસિસ્ટમને વ્યાપક અસર થઈ શકે છે.
યુનિવર્સિટીના મરીન કન્ઝર્વેશનના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. થોમસ ડેવિસ કહે છે, "છેલ્લાં 20 વર્ષમાં સમુદ્રની સપાટીનો રંગ કેવી રીતે બદલાયો છે તે દર્શાવતાં સંશોધનો થયાં છે. એ ફેરફાર સંભવિત રીતે પ્લાન્કટોન સમુદાયોમાં થયેલા ફેરફારનું પરિણામ છે."
"જોકે, અમારાં તારણો એ હકીકતના પુરાવા આપે છે કે આવા ફેરફારો વ્યાપક ડાર્કનિંગનું કારણ બને છે, જે પોતાના અસ્તિત્વ તથા પ્રજનન માટે સૂર્ય અને ચંદ્ર પર આધાર રાખતાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ સમુદ્રની માત્રામાં ઘટાડો કરે છે."
પાણીનું આ ઉપરનું સ્તર મોટા ભાગના દરિયાઈ જીવનનું ઘર છે. આ સ્થાને ફાયટોપ્લાંક્ટન ફોટોસિન્થેસિસ તરીકે ઓળખાતા છોડ જેવા સજીવો હોય છે.
આ સુક્ષ્મ જીવો ફૂડ ચેઈનનો આધાર હોય છે. તે પાણીની સપાટી નજીક મળી આવે છે, કારણ કે તેમને પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતા સૂર્યપ્રકાશની જરૂર હોય છે.
ઘણા દરિયાઈ જીવો ફોર્ટિક ઝોનમાં શિકાર તથા પ્રજનન કરતા હોવાનું કારણ આ જ છે. એ વિસ્તારમાં પુષ્કળ ખોરાક હોય છે. ફાયટોપ્લાંક્ટોન વાતાવરણમાંના લગભગ અડધા ઑક્સિજનનું ઉત્પાદન પણ કરે છે અને તે કાર્બન સાયકલિંગ તથા સમુદ્રી જીવન માટે મહત્ત્વપૂર્ણ પણ છે.
'ચિંતાનું સાચું કારણ'
ડૉ. ડેવિસના કહેવા મુજબ, ઓશન ડાર્કનિંગની અસર માણસ જેમાંથી શ્વાસ લે છે તે હવા પર, તેઓ ખાય છે તે માછલી પર અને આબોહવા પરિવર્તન સામે લડવાની વિશ્વની ક્ષમતા પર પણ થઈ શકે છે.
"અમારાં તારણો ચિંતાનું સાચું કારણ દર્શાવે છે."
પ્લાયમાઉથ મરીન લૅબોરેટરી ખાતે મરીન જિયૉકેમિસ્ટ્રી ઍન્ડ ઑબ્ઝર્વેશન્શ સાયન્સના વડા પ્રોફેસર ટિમ સ્મિથના જણાવ્યા મુજબ, પ્રકાશની જરૂર હોય તેવાં કેટલાંક દરિયાઈ પ્રાણીઓ આ ફેરફારોને કારણે સપાટીની નજીક આવી શકે છે. આ કારણે ખોરાક અને અન્ય સંસાધનો માટેની સ્પર્ધામાં પણ વધારો થશે.
પ્રોફેસર સ્મિથ કહે છે, "તે સમગ્ર દરિયાઈ ઇકૉસિસ્ટમમાં આમૂલ ફેરફાર કરી શકે છે."
અભ્યાસ કેવી રીતે હાથ ધરવામાં આવ્યો હતો?
'ગ્લોબલ ઓશન ડાર્કનિંગ' અભ્યાસ માટે સંશોધકોએ લગભગ બે દાયકાના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં ઍડવાન્સ્ડ ઓશન મૉડલિંગનો સમાવેશ થાય છે.
વૈશ્વિક મહાસાગરને નવ કિલોમીટર પિક્સેલ્સમાં વિભાજિત કરતા અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના ઓશન કલર વેબ ડેટા વડે સંશોધકો સમુદ્રની સપાટી પર થતા ફેરફારોનું નિરીક્ષણ કરી શક્યા હતા, જ્યારે દરિયાના પાણીમાં પ્રકાશ માપવા માટે રચાયેલી અલ્ગોરિધમનો ઉપયોગ દરેક સ્થાને ફોટો ઝોનની ઊંડાઈનો તાગ મેળવવા માટે કરવામાં આવ્યો હતો.
દિવસ અને રાત્રિ બંને સમયે પ્રકાશની સ્થિતિમાં ભિન્નતા દરિયાઈ પ્રજાતિઓને કેવી રીતે અસર કરી શકે છે તે તપાસવા માટે સૌર અને ચંદ્ર ઇરેડિયન્સ મૉડલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાત્રિના સમયે પ્રકાશના સ્તરમાં થતા ફેરફારો, દિવસના સમય કરતાં ઓછા હતા. તેમ છતાં પર્યાવરણીય રીતે તે મહત્ત્વપૂર્ણ હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન