ધુમ્મસનો સંગ્રહ કરીને સૂકા રણપ્રદેશમાં પાણી પૂરું પાડવાનો કીમિયો

    • લેેખક, વિક્ટોરિયા ગિલ
    • પદ, બીબીસી ન્યૂઝ

ધુમ્મસમાંથી પાણી એકત્રિત કરવાથી વિશ્વનાં કેટલાંક સૌથી સૂકાં શહેરોને પીવાનું પાણી પૂરું પાડી શકાય એમ છે.

ચિલીના સંશોધકોએ દેશના ઉત્તરમાં રણમાં આવેલા શહેર અલ્ટો હૉસ્પિસિયોમાં ધુમ્મસના સંગ્રહની સંભાવનાનો અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે.

આ પ્રદેશમાં સરેરાશ વરસાદ દર વર્ષે 0.19 ઈંચ (5 મિમી) કરતાં પણ ઓછો પડે છે.

"અન્ય ઘણાં શહેરોની જેમ અલ્ટો હૉસ્પિસિયોમાં પણ ઘણી સામાજિક સમસ્યાઓ છે," યુનિવર્સિડેડ મેયરના મુખ્ય સંશોધક ડૉ. વર્જિનિયા કાર્ટર ગેમ્બેરીનીએ જણાવ્યું.

"અહી ઘણી ગરીબી પણ છે", તેમ સમજાવતા કહ્યું કે ત્યાંના ઘણા લોકોને સ્વચ્છ પાણી પૂરું પાડતા નેટવર્ક્સ ઉપલબ્ધ નથી.

શહેરના ગરીબ વિસ્તારમાં રહેતા ઘણા લોકો ટ્રક દ્વારા પહોંચાડાતા પીવાના પાણી પર આધાર રાખે છે.

જોકે આ પર્વતીય શહેર પર નિયમિતપણે એકઠા થતા ધુમ્મસનાં વાદળો એક વણઉપયોગી સ્રોત છે, તેમ સંશોધકો કહે છે.

ધુમ્મસ કેવી રીતે એકત્રિત કરી શકાય?

ધુમ્મસમાંથી પાણી મેળવવું ખૂબ જ સરળ છે – બે થાંભલા વચ્ચે એક જાળી બાંધવામાં આવે છે, અને જ્યારે ભેજથી ભરેલાં વાદળો તે બારીક જાળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનાં ટીપાં બને છે. પછી આ પાણીને પાઇપો દ્વારા ટાંકીઓમાં મોકલી સંગ્રહિત કરવામાં આવે છે.

આ પદ્ધાતિનો ઉપયોગ ઘણા દાયકાથી નાના પાયે કરવામાં આવે છે. મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં યોગ્ય ધુમ્મસવાળી પરિસ્થિતિઓ છે. સૌથી મોટી ધુમ્મસનું પાણી સંગ્રહ કરવાની પ્રણાલીઓમાંની એક સહરા રણના અંતમાં મોરોક્કોમાં છે.

જોકે ડૉ. કાર્ટર કહે છે કે ધુમ્મસસંગ્રહનો આ "નવો યુગ" શહેરી વિસ્તાર કે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં પાણીનો વધુ સુરક્ષિત અને ટકાઉ પુરવઠો પૂરો પાડી શકે તેમ છે.

તેઓ અને તેમના સાથીઓએ ધુમ્મસના સંગ્રહ દ્વારા કેટલું પાણી ઉત્પન્ન થઈ શકે છે તેનું મૂલ્યાંકન કર્યું, અને તે માહિતીને સેટેલાઇટ છબીઓમાં વાદળોની રચનાના અભ્યાસ અને હવામાન આગાહી સાથે જોડી છે.

આના પરથી તેઓએ તારણ કાઢ્યું કે પેસિફિક ઉપર નિયમિતપણે બનતા અને દરિયાકાંઠાના પર્વતીય શહેર પર ફૂંકાતાં વાદળો - અલ્ટો હૉસ્પિસિયોન શહરેની ઝૂંપડપટ્ટીના લોકોને પીવાના પાણીનો ટકાઉ સ્રોત પૂરો પાડી શકે છે. તેમણે ફ્રન્ટીયર્સ ઑફ ઍન્વાયર્નમેન્ટલ સાયન્સના જર્નલમાં એક પેપરમાં તેમનાં તારણો પ્રકાશિત કર્યાં છે.

અલ્ટો હૉસ્પિસિયોનું ધુમ્મસ પેસિફિક મહાસાગર પર બને છે - જ્યારે ગરમ, ભેજવાળી હવા ઠંડાં પાણી પર વહે છે - અને પછી પર્વતો પર ફૂંકાય છે. અહીં વિશ્વસનીય ધુમ્મસવાળી પરિસ્થિતિઓએ ડૉ. કાર્ટર અને તેમના સાથીઓને એવા વિસ્તારો નિર્ધારિત કરવાની મંજૂરી આપી કે જ્યાં વાદળોમાંથી નિયમિતપણે સૌથી વધુ પાણી એકત્રિત કરી શકાય તેમ છે.

ધુમ્મસથી કેટલું પાણી એકઠું કરી શકાય?

વાર્ષિક સરેરાશ પાણી સંગ્રહ દરના આધારે પ્રતિ ચોરસ મીટર મેશ (જાળી) પ્રતિ દિવસ 2.5 લિટર પાણી મળી શકે તેમ છે એમ સંશોધકોનું કહેવું છે.

  • 17,000 ચોરસ મીટર મેશ શહેરી ઝૂંપડપટ્ટીઓમાં હાલમાં ટ્રક દ્વારા પહોંચાડવામાં આવતી 300,000 લિટરની સાપ્તાહિક પાણીની માગને પૂર્ણ કરવા માટે પૂરતું પાણી ઉત્પન્ન કરી શકે છે.
  • 110 ચોરસ મીટર શહેરની લીલી જગ્યાઓને સિંચાઈ માટે વાર્ષિક માગને પૂર્ણ કરી શકે એમ છે.
  • ધુમ્મસના પાણીનો ઉપયોગ માટી-મુક્ત (હાઇડ્રોપોનિક) ખેતી માટે પણ કરી શકાય છે. જેમાં એક મહિનામાં 33થી 44 પાઉન્ડ (15થી 20 કિલો) લીલાં શાકભાજીનું ઉત્પાદન થાય છે.

અલ્ટો હૉસ્પિસિઓ શહેર એટાકા રણની ધાર પર આવેલું છે. આ પૃથ્વી પરનાં સૌથી સૂકાં સ્થળોમાંનું એક છે. ખૂબ જ ઓછો વરસાદ પડતો હોવાથી આ પ્રદેશનાં શહેરોનો મુખ્ય પાણીનો સ્રોત ભૂગર્ભ જળભંડાર જ છે. ખડકોના સ્તરો જેમાં પાણી ભરેલી જગ્યાઓ હોય છે જેમાં છેલ્લે હજારો વર્ષ પહેલાં પાણી ભરાયું છે.

શહેરી વસ્તી વધતી જતી હોવાથી અને ખાણકામ અને ઉદ્યોગોમાંથી આવતા પાણી પુરવઠાની માગ સાથે વૈજ્ઞાનિકો કહે છે કે સ્વચ્છ પાણીના અન્ય ટકાઉ સ્રોતોની તાત્કાલિક જરૂર છે.

ડૉ. ગેમ્બેરિનીએ સમજાવ્યું કે ચિલી તેના દરિયાઈ ધુમ્મસ માટે "ખૂબ જ ખાસ" છે. "કારણ કે આપણી પાસે આખા દેશને અડેલો સમુદ્ર છે અને પર્વતો પણ છે".

તેમની ટીમ હાલમાં સમગ્ર દેશમાં કયા "ધુમ્મસસંગ્રહ" થઈ શકે એનો નકશો બનાવી રહી છે.

"વાદળોમાંથી પાણી મેળવવું" જેમ કે ડૉ. કાર્ટર તેનું વર્ણન કરે છે તેમણે કહ્યું, "આપણાં શહેરોની આબોહવા પરિવર્તનની સ્થિતિસ્થાપકતા વધારી શકે છે. અને સાથે સાથે સ્વચ્છ પાણીના પુરવઠામાં પણ સુધારો થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.