ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ: સોજાને કારણે વજન વધે તો શું કરવું, તેને ઘટાડવા માટે શું કરવું?

    • લેેખક, રાજવીરકોર ગિલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમુક મહિના પહેલાં વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેઓ આખી જિંદગી વજન ઘટાડવા માટે મથી રહ્યાં છે. જોકે, એ મેદસ્વીતા નહોતી, પરંતુ સોજો હતો.

તેમણે ગત વર્ષે કહ્યું હતું કે તેમને એ વાતની ખબર પડી હતી કે તેઓ સોજા કે ઇન્ફેલેમેશનના કારણે વજન નહોતાં ઉતારી શકી રહ્યાં. આ ખબર પડ્યા પછી તેમણે ઍન્ટિ-ઇન્ફેલેમેટરી ડાયટ અનુસરીને કસરત વિના વજન ઉતારી લીધું.

વિદ્યા બાલનના આ દાવા બાદ યૂટ્યૂબ સહિતની ઘણી સોશિયલ મીડિયા ચૅનલોમાં લોકોના ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ શું છે એ સમજાવતા વીડિયોનું જાણે પૂર આવી ગયું. ઘણા યૂટ્યૂબર માત્ર એક અઠવાડિયામાં જ આ ડાયટ વડે વજન ઉતારવાના દાવા કરી રહ્યા છે.

પરંતુ આ દાવા પાછળનો સત્ય શું છે? શું વિદ્યા બાલને કહ્યું એમ મોટા ભાગના લોકોના જાડા હોવાને કારણે ઇન્ફેલેમેશન કે સોજા હોય છે?

ઇન્ફ્લેમેશન કે સોજા એટલે શું?

ઇન્ફ્લેમેશન એ શરીરમાં થતો આંતરિક સોજો છે, જે આપણા શરીરને ઇજા કે ચેપથી બચાવે છે

પીજીઆઇ ચંડીગઢના ડાયેટિક્સ વિભાગનાં વડાં ડૉ. નેન્સી સાહની સમજાવે છે કે, જ્યારે માનવશરીરના કોષોને કોઈ નુકસાન થાય ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ તાત્કાલિક તેને રિપૅર કરવાનું શરૂ કરી દે છે.

તેમના જણાવ્યા અનુસાર, "દાખલા તરીકે, જો તમે પડો અને ઇજા થાય, પગ મચકોડાઈ જાય કે શરીરને કોઈ અન્ય જાતનો આઘાત થાય તો તરત જ એ ભાગ પર સોજો ચડી જાય છે. જોકે, આ સોજો આપણને ઘણી વાર ગંભીર આંતરિક ઇજાથી બચાવી લે છે."

જો આપણી હાલ વાત કરી એમ ઇન્ફ્લેમેશન એ સોજો માત્ર હોય અને આપણા શરીરના રક્ષણ માટેનો કુદરતી રસ્તો હોય તો તેને રોગો સાથે કેમ સાંકળવામાં આવે છે?

અને આપણને ઍન્ટિ-ઇન્ફેલેમેટરી ડાયટની જરૂરિયાત કેમ છે?

જાણકારો માને છે કે જો આપણા શરીરમાં લાંબા સમય સુધી ઇન્ફ્લેમેશન રહે તો આ વાત બિનઆરોગ્યપ્રદ બની જાય છે.

ડૉ. નેન્સી કહે છે કે, "મૉડર્ન લાઇફસ્ટાઇલનાં ઘણાં બધાં એવાં પાસાં છે જેના કારણે ઇન્ફ્લેમેશનનું સ્તર જરૂર હોય એના કરતાં વધી જાય છે, જેમ કે લાંબા ગાળા સુધી બેઠા રહેવું કે બેઠાડું જીવન."

પીજીઆઇ સહિતની ઘણી સંસ્થાઓમાં ન્યૂટ્રિશનિસ્ટ તરીકે સેવા આપી ચૂકેલાં શાલુસિંહ કહે છે કે, "અમુક વાર શરીરમાં રહેલો ગંભીર ઇન્ફ્લેમેશન મેદસ્વીતાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આના કારણે મેદસ્વીતા એ હૃદયરોગ, ડાયાબિટીસ સહિતના ઘણા રોગો માટે જોખમકારક પરિબળ હોય છે."

ડૉ. નેન્સી ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ અંગે કહે છે કે કોઈ પણ પ્રકારની ડાયટ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.

"ભોજન આપણા શરીરનાં વજન અને આરોગ્ય પર અસર કરે છે. પરંતુ અમુક ચોક્કસ પ્રકારનું ભોજન આપણા શરીરમાંથી ઇન્ફ્લેમેશનને દૂર કરી દેશે એવું આપણે ન કહી શકીએ."

આવું એટલા માટે પણ કહેવાય છે કે સામાન્ય માન્યતા અનુસાર પાતળું શરીર એ આરોગ્યનો માપદંડ મનાય છે, સોશિયલ મીડિયામાં સમયાંતરે નવા નવા પ્રકારની ડાયટ આવતી હોય છે, જેને તે વજન ઘટાડવા માટે અસરકારક હોવાની વાત કરી ચગાવવામાં આવે છે.

ડૉ. નેન્સી કહે છે કે યોગ્ય પ્રકારે સંતુલિત ડાયટ લેવાની વાત મહત્ત્વપૂર્ણ છે, ના કે સ્વાસ્થ્ય સંબંધી ફાયદા માટે એક પ્રકારનું ભોજન વધુ લેવું.

ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ શું છે?

ડૉ. નેન્સી કહે છે કે આપણે ડાયટને પ્રો-ઇન્ફ્લેમેટરી અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી એવી રીતે વિભાજિત ન કરવી જોઈએ.

તેઓ કહે છે કે, "ઘરે રાંધેલો તાજો ખોરાક આપણા માટે સારો હોય છે."

"ઇન્ફ્લેમેશન પેદા કરતાં ભોજનમાં ફ્રાઇડ રાઇસ, ખાંડવાળાં પીણાં, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, પ્રાણીજન્ય ચરબી અને પ્રોસેસ્ડ માંસ સામેલ છે."

ડૉ. નેન્સી કહે છે કે આપણે મેદસ્વીતાને ઇન્ફ્લેમેશન ગણીને મૂંઝવણમાં મુકાવું ન જોઈએ. કારણ કે મેદસ્વીતાનું કારણ એ ભોજનની ખરાબ ટેવો અને બેઠાડું જીવન છે, ના કે ઇન્ફ્લેમેશન.

હાર્વર્ડ યુનિવર્સિટીએ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ભોજનની યાદી આપી છે, જેમાં ટામેટાં, ઓલિવ ઑઇલ, લીલાં પાનવાળી શાકભાજી, સૂકા મેવા, ઑઇલી માછલી અને કેટલાંક ફળો સામેલ છે.

શાલુસિંહ કહે છે કે પોષણક્ષમ આહારને તમારા શરીરની જરૂરિયાત અનુસાર મર્યાદિત પ્રમાણમાં ખાવાથી ન માત્ર તમારું વજન કંટ્રોલમાં રહેશે, પરંતુ આ વાત તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે.

ડૉ. નેન્સી પણે એવી સલાહ આપે છે કે વજન ઘટાડવા માટે રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડ, ચરબીઓ અને ટ્રાન્સ-ફેટી ઍસિડ તેમજ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઘટાડવું જોઈએ.

તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે એક ફળ અને ચિપ્સના પૅકેટમાં સમાન કૅલરી હશે, પરંતુ બંનેની શરીર પરની અસર એકદમ જુદી જુદી છે.

ડૉ. નેન્સી કહે છે કે, "ચિપ્સ ખાવાથી તમે જાડા થશો અને ફળ સારા આરોગ્ય તરફ દોરી જશે."

"મેદસ્વીતા સામે ઝઝૂમવાની આ જ રીત છે, કૅલરી ગણવાને સ્થાને આપણે સારી ગુણવત્તાવાળા ખોરાક પર ધ્યાન આપું જોઈએ."

તેઓ પણ સારા પ્રમાણમાં ફાઇબર હોય એવી અને મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગી એવી કેટલીક ખાદ્યસામગ્રી જણાવે છે.

ડૉ. નેન્સી અનુસાર તેમાં વટાણા, દાળ, ફળો અને ફાઇબર-સમૃદ્ધ શાકભાજીઓ આમાં સામેલ છે.

એવી જ રીતે ઘણા મસાલા, જેમ કે કાળા મરી, લસણ, હળદર વગેરેને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી માનવામાં આવે છે.

વજન ઉતારવા ડાયટ કરવી કે કસરત?

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે સેલિબ્રિટી ઋજુતા દીવેકરે ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ અંગે માહિતી શૅર કરી છે.

તેમણે કહ્યું, "દર થોડાં વરસો બાદ, સોશિયલ મીડિયા પર વજન ઉતારવા સહિત તમામ સમસ્યાઓના નિરાકરણ તરીકે રજૂ કરીને અમુક ડાયટને આગળ ધપાવવામાં આવે છે, આ વખત આ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ડાયટ છે."

"પરંતુ સાંભળેલી વાતો પર આધાર રાખવાને બદલે, આપણે ઘરના બનેલા સાદા ભોજન પર વિશ્વાસ રાખવો જોઈએ. ઘરનું બનેલું ભોજન અને કસરતમાત્રથી જ તમારું વજન કંટ્રોલમાં રહી શકે છે."

ડૉ. નેન્સી કહે છે કે બોલીવૂડની કોઈ સેલિબ્રિટી દ્વારા નામ લેવાયા માત્રથી આપણે કોઈ ડાયટ અનુસરવાનું શરૂ ન કરવું જોઈએ.

દરેક પ્રકારના ભોજનની આપણા શરીર પર અલગ અસર થાય છે.

એ માણસના જનીન અને તેઓ કેવી જીવનશૈલી અનુસરે છે એના પર પણ આધારિત છે. જે લોકો વધુ ઍક્ટિવ જીવન જીવે છે અને સંતુલિત ડાયટ અનુસરે છે તેમનામાં મેદસ્વીતા જેવાં લક્ષણો જોવા મળતાં નથી.

જ્યારે બીજી તરફ, જે લોકો તળેલો, રિફાઇન્ડ ખોરાક લેતા હોય અને ખૂબ જ ઓછું શારીરિક ઍક્ટિવિટી કરતા હોય છે એ ખૂબ જલદી જાડા થઈ જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.