પર્યાવરણ માટે ખતરો છતાં ભારત સહિત દુનિયાભરમાં SUVની લોકપ્રિયતા કેમ વધી રહી છે?

    • લેેખક, નવીનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

દુનિયાભરની કેટલીક પ્રમુખ અને ઝડપતી ઊભરતી અર્થવ્યવસ્થાવાળા દેશોમાં રસ્તાઓ પર જાણે કે ચારેકોર સ્પૉર્ટ્સ યુટિલિટી વ્હીકલ (એસયુવી) જ જોવા મળી રહી છે.

વળી, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંસ્થાઓએ ઝડપથી વધી રહેલા પૃથ્વી પરનાં તાપમાન અને જળવાયુ સંકટને કારણે નાનાં અને પર્યાવરણ માટે અનુકૂળ વાહનોના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે અને એવા જ સમયે એસયુવીનો વપરાશ વધતો જઈ રહ્યો છે.

દુનિયાભરમાં વર્ષ 2024માં વેચાયેલી કાર તરફ નજર દોડાવીએ તો તેમાંથી કુલ 54 ટકા ભાગ એસયુવીનો હતો. આમાં પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક એમ તમામ એસયુવી સામેલ હતી.

દુનિયાના સૌથી મોટા ઉદ્યોગોના બજારનો ડેટા અને અન્ય જાણકારી આપતી સંસ્થા ગ્લોબલ ડેટા અનુસાર, આ વર્ષે 2023ના મુકાબલે ત્રણ ટકા અને 2022ની સરખામણીએ પાંચ ટકા વૃદ્ધિ છે.

યુરોપના સંગઠન 'ટ્રાન્સપૉર્ટ ઍન્ડ એન્વાયરમેન્ટ' અંતર્ગત પરિવહન અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરનારાં અનેક ગેર-સરકારી સંગઠનો આવે છે.

ટ્રાન્સપૉર્ટ ઍન્ડ એન્વાયરમેન્ટના જેમ્સ નિક્સ જણાવે છે, "છેલ્લા એક દાયકામાં એસયુવીની સંખ્યા 2014માં પાંચમાંથી એક હતી, જેમાં 2024માં બેમાંથી એક થઈ ગઈ છે."

ગ્લોબલ ડેટા અનુસાર, 2024માં ચીનમાં સૌથી વધુ 1.16 કરોડ એસયુવીનું વેચાણ થયું છે. ચીન પછી એસયુવીના વેચાણના મામલામાં અમેરિકા, ભારત અને જર્મની આગળ છે.

ભારતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં એસયુવીના વેચાણમાં નોંધપાત્ર 14 ટકાનો વધારો થયો છે.

જેમ્સ નિક્સ કહે છે, "ભારત જેવાં વૈશ્વિક બજારોમાં એસયુવીકરણનો દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં યુરોપની સરખામણીએ ઝડપ બે ગણી વધી છે."

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઈઈએ) અનુસાર, રસ્તા પર દોડી રહેલી એસયુવીના નવા અને જૂના મૉડલમાંથી 95 ટકા એસયુવી અશ્મિબળતણ પર ચાલી રહી છે. જોકે, તેમના ઉત્પાદકોનું કહેવું છે કે આવી કારની નવી ફ્લીટ્સ ઝડપથી ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત થઈ રહી છે.

એસયુવીને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. આ ગાડીઓ ભારે અને મોટી હોય છે અને તેમની અંદર ઘણી જગ્યા હોય છે.

તેમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલે કે જમીનથી કારની સૌથી નીચેની સપાટી સુધીની જગ્યા વધારે હોય છે અને ડ્રાઇવિંગ પૉઝિશન એટલે કે ડ્રાઇવરની સીટ પણ જમીનથી ઘણી ઊંચી હોય છે. જેના કારણે ડ્રાઇવરને રસ્તાનો વધુ સારો વ્યૂ મળે છે.

જોકે, એસયુવીનાં નાનાં મૉડલ પણ હવે બજારમાં આવી ગયાં છે.

પર્યાવરણ માટે ગ્રીનપીસ અને ઍક્સટિંક્શન રિબેલિયન જેવું અભિયાન ચલાવનાર લોકો એસયુવીને તેમના વધેલા ઉત્સર્જન સ્તરને કારણે પર્યાવરણ માટે ખતરો માને છે.

ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ઑન ક્લિન ટ્રાન્સપોર્ટેશન જેવાં સંગઠનો તર્ક રજૂ કરે છે કે એસયુવીનું કદ મોટું હોય છે, જેથી તેના ઉત્પાદનમાં વધુ સંસાધનોની જરૂર પડે છે. આ ગાડીઓ રસ્તા પર પણ વધુ જગ્યા રોકે છે. જે સંયુક્ત રાષ્ટ્રનાં વિકાસલક્ષ્યોના ઍજન્ડાથી વિપરીત છે.

આ જ કારણ છે કે નાનાં, ઊર્જા-કાર્યક્ષમ ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વિચારવામાં આવ્યું.

જોકે, જેમ જેમ આબોહવા સંકટ વધુ ઘેરું બનતું જાય છે, તેમ તેમ વૈશ્વિક તાપમાનમાં વધારાને અંકુશમાં લેવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવું જરૂરી બની ગયું છે.

પરિવહન ક્ષેત્ર તરફથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો પણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વસ્તુઓ વિપરીત રીતે આકાર લઈ રહી છે.

હકીકતમાં થઈ એ રહ્યું છે કે જાપાન, જર્મની અને ભારત જેવાં મુખ્ય બજારોમાં પ્રમાણભૂત કદનાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના વેચાણમાં ઘટાડો થયો છે.

યુરોપમાં એસયુવીનું વેચાણ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ કરતાં વધુ થઈ ગયું છે. પાંચ વર્ષ પહેલાં આનાથી ઊલટું વલણ જોવા મળ્યું હતું.

ગ્લોબલ ડેટા અનુસાર, 2018માં યુરોપમાં 32.70 લાખ નાની હેચબૅક કાર (જે કારનો પાછળનો દરવાજો ઉપરની તરફ ખૂલે છે) વેચાઈ હતી. આમાં પેટ્રોલ અથવા ડીઝલ અને ઇલેક્ટ્રિક કાર બંનેનો સમાવેશ થતો હતો. જ્યારે વર્ષ 2024માં આવી માત્ર 21.30 લાખ કાર વેચાઈ હતી.

ગ્લોબલ ડેટાના સેલ્સ ફોરકાસ્ટ મૅનેજર સેમી ચૅન કહે છે. "આનું એક કારણ નાની (કદના) એસયુવીના વિકલ્પોનો ઉદભવ છે, જેમાં યુરોપમાં વેચાણ 2018માં 1.5 મિલિયનથી વધીને 2024 સુધીમાં લગભગ 2.5 મિલિયન થવાની ધારણા છે."

ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે, "ઘણી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં લોકોની ખરીદશક્તિમાં સુધારો થઈ રહ્યો છે, જેના કારણે SUV સૌથી વધુ પસંદગીની કાર બની રહી છે."

સોસાયટી ઑફ મોટર મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ (SMMT)ના ચીફ એક્ઝિક્યુટિવ માઇક હાવેસ કહે છે, "ઉત્પાદકો ગ્રાહકોની માગને પહોંચી વળી રહ્યા છે અને ગ્રાહકો ઉપયોગી, આરામદાયક વાહનો તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. આવી કાર રસ્તાનો પણ સારો વ્યૂ આપે છે."

પરંતુ ઑટોમોબાઇલ ઉદ્યોગના વિશ્લેષકો એમ પણ કહે છે કે, "એસયુવી દ્વારા આપવામાં આવતા ઊંચા નફાના માર્જિનથી ઉત્પાદકો આકર્ષાઈ રહ્યા છે."

આનો અર્થ એ થયો કે તેઓ ઓછાં વાહનો બનાવશે તો પણ એસવીયુમાંથી વધુ પૈસા કમાઈ શકે છે.

યુરોપિયન ટ્રાન્સપૉર્ટ સેફ્ટી કાઉન્સિલના કૉમ્યુનિકેશન મૅનેજર ડુડલી કર્ટિસ કહે છે, "તાજેતરનાં વર્ષોમાં મોટા માર્કેટિંગ અને જાહેરાત ઝુંબેશ દ્વારા માગને વેગ આપનાર આ ઉદ્યોગ જ છે."

તેઓ કહે છે, "ઑટોમોબાઇલ ઉદ્યોગે એસયુવી દ્વારા અન્ય કારની જેમ જ પર્ફૉર્મન્સ આપતાં વાહન માટે વધુ પૈસા વસૂલવાનો એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે."

ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સી (IEA) અનુસાર, રસ્તા પર ચાલતી લગભગ 95 ટકા એસયુવી (નવી અને સેકન્ડ હેન્ડ બંને) હજુ પણ અશ્મિભૂત ઈંધણ એટલે કે ડીઝલ અથવા પેટ્રોલ પર ચાલે છે.

એસયુવીના વેચાણમાં મજબૂત વૃદ્ધિને કારણે આઈઈએએ અંદાજ લગાવ્યો છે કે 2022 અને 2023 વચ્ચે વૈશ્વિક સ્તરે આ વાહનો દ્વારા ઈંધણનો વપરાશ દરરોજ 6 લાખ બૅરલ વધવાની ધારણા છે, જે વિશ્વની કુલ તેલ માગમાં થયેલા કુલ વધારાના 25 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

આઈઈએના ઊર્જા મૉડલર એપોસ્ટોલોસ પેટ્રોપોલોસ કહે છે, "જો દેશો દ્વારા ક્રમાંકિત કરવામાં આવે તો એસયુવીનેનો વૈશ્વિક કાફલો એ વિશ્વનો પાંચમો સૌથી મોટો કાર્બન ડાયૉક્સાઇડ ઉત્સર્જક હશે, જેનું ઉત્સર્જન જાપાન અને અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી થતાં ઉત્સર્જનને પણ સંયુક્ત રીતે વટાવી જશે."

એજન્સીનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી મધ્યમ કદની કારની તુલનામાં, એસયુવી એ 20 ટકા વધુ ઈંધણ વાપરે છે, કારણ કે તેનું વજન સરેરાશ 300 કિલો વધારે હોય છે.

વૈશ્વિક કાર્બન ઉત્સર્જનના 12 ટકાથી વધુ માટે રોડ ટ્રાન્સપૉર્ટ જ જવાબદાર છે, જે ગ્લોબલ વૉર્મિંગનાં મુખ્ય કારણોમાંનું એક છે.

વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે જળવાયુ આપત્તિને ટાળવી હોય તો બધાં ક્ષેત્રોમાં ઝડપથી ડીકાર્બનાઇઝેશન કરવું જોઈએ.

પરંતુ ઉદ્યોગના પ્રતિનિધિઓ એ વાતનો વિરોધ કરે છે કે હવે વેચાતી બધી એસયુવી એ કાર્બન ઉત્સર્જનમાં વધારો કરતી નથી.

માઇક હાવેસ કહે છે, "હવે વેચાતી પાંચમાંથી બે એસયુવી એ મૉડલ શૂન્ય-ઉત્સર્જન ધરાવે છે." તેમના બોડી ટાઇપ એ વીજળીકરણ માટે યોગ્ય છે, જેમાં લાંબી બેટરી રેન્જ છે જે ચાર્જિંગની સુલભતા વિશે ચિંતિત ગ્રાહકોને ખાતરી આપી શકે છે."

"આનાથી 2000 પછી આવેલી નવી ડ્યુઅલ-પર્પઝ કારના સરેરાશ કાર્બન ડાયૉક્સાઇડ ઉત્સર્જનમાં અડધાથી વધુ ઘટાડો થયો છે."

મોટા ભાગની નવી એસયુવી હજુ પણ અશ્મિભૂત ઈંધણ પર ચાલે છે, તેમ છતાં આઈઈએના અધિકારીઓનો અંદાજ છે કે 2023માં વેચાયેલી 20 ટકાથી વધુ એસયુવી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે, જે 2018માં માત્ર 2 ટકા હતી.

ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ઑન ક્લીન ટ્રાન્સપૉર્ટેશન દ્વારા વર્ષ 2022માં યુરોપમાં વીજળી અને અશ્મિભૂત ઈંધણ બંને પર ચાલતાં હાઇબ્રિડ વાહનો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

એવું જાણવા મળ્યું હતું કે પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો (એસયુવી સહિત તમામ પ્રકારની કાર) દ્વારા કાપવામાં આવેલા કુલ અંતરના માત્ર 30 ટકા જ ઇલેક્ટ્રિક મોડમાં કાપવામાં આવ્યા હતા.

અમેરિકા અને ચીન જેવાં અન્ય મુખ્ય અર્થતંત્રોમાં પણ સમાન પરિણામો જોવાં મળ્યાં.

જોકે, કેટલાક નિષ્ણાતો કહે છે કે એસયુવીની ઉત્સર્જન ઉપરાંત અન્ય હાનિકારક પર્યાવરણીય અસરો પણ છે.

એસયુવી જેવાં મોટાં વાહનોના ઉત્પાદન માટે વધુ સંસાધનોની જરૂર પડે છે. વધુમાં, નિષ્ણાતો કહે છે કે આના ઇલેક્ટ્રિક વર્ઝનને ચલાવવા માટે મોટી બૅટરીની જરૂર પડે છે, જે મહત્ત્વપૂર્ણ ખનિજોની માગમાં વધુ વધારો કરે છે, જેનાથી પૃથ્વી પર વધુ દબાણ આવે છે.

નિષ્ણાતો કહે છે કે SUV તરફના પરિવર્તનને કારણે પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવા અથવા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોમાં અવરોધ આવ્યો છે.

આઈઈએ કહે છે કે, "એસયુવી જેવાં ભારે વાહનો તરફના વલણથી (જે દેશોમાં આવું થઈ રહ્યું છે) વિશ્વના બીજા દેશોમાં આપણને ઊર્જા વપરાશ અને ઉત્સર્જનમાં જે સુધારો જોવા મળ્યો હતો એ અસરનો કોઈ ફાયદો થયો નહીં, અને બધું સરભર થયું છે."

યુકે સંસદની ક્લાઇમેટ ચેન્જ કમિટી પણ દેશમાં ડીકાર્બોનાઇઝેશન અંગેના તેના 2024ના અહેવાલમાં કંઈક આવા જ નિષ્કર્ષ પર આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.