You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પદ્મ પુરસ્કારોનું એલાન : રતિલાલ બોરીસાગર સહિત ગુજરાતમાંથી કોને કોને પદ્મશ્રીની જાહેરાત કરાઈ?
ભારત દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દિવંગત ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.
અન્ય ચાર વ્યક્તિઓને પણ પદ્મવિભૂષણ માટે સન્માન આપવાની જાહેરાત કરાઈ છે.
આ વર્ષે 13 વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. જ્યારે 113 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. જે પાંચ લોકોને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરાઈ છે, તેમાં ધર્મેન્દ્ર, કેટી થૉમસ, એન. રાજન, પી. નારાયણન અને વીએસ અચ્યુતાનંદનનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્રની સાથે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થૉમસ, વાયોલિનવાદક એન. રાજન, સાહિત્યિક અને શૈક્ષણિક વ્યક્તિત્વ પી. નારાયણન અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વીએસ અચ્યુતાનંદનને પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.
પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક, ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ભગતસિંહ કોશ્યારી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિવંગત જેએમએમ નેતા શિબુ સોરેન, દિવંગત ભાજપ નેતા વિજયકુમાર મલ્હોત્રા અને પૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.
તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોર અને ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રીનું એલાન થયું છે.
ગુજરાતમાં પાંચ લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.
આ પાંચ લોકોમાં રતિલાલ બોરીસાગર (સાહિત્ય અને શિક્ષણ), મીર હાજીભાઈ કાસમભાઈ, 'રમકડું '(કળા), નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલે (સામાજિક કાર્ય), ધાર્મિકલાલ ચૂનીલાલ પંડ્યા (કળા) અને અરવિંદ વૈદ્ય (કળા)નો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાંથી કોની કોની પદ્મશ્રી માટે પસંદગી થઈ?
રતિલાલ બોરીસાગર (પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ)
ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર રતિલાલ બોરીસાગર મૂળે શિક્ષક, અધ્યાપક હતા. 'મરક મરક', 'આનંદલોક' જેવી કૃતિઓથી તેઓ જાણીતા છે. તેમણે આત્મકથનાત્મક હાસ્યરસિક નવલકથા 'એન્જૉયગ્રાફી' પણ લખી છે.
રતિલાલ બોરીસાગરને હાસ્ય નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે' માટે વર્ષ 2019નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.
'સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' એ વિશ પર મહાનિબંધ લખીને તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
રતિલાલ બોરીસાગરે અંદાજે 21 વર્ષ સુધી ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં કામ કર્યું છે. તેમણે ટૂંકી વાર્તાથી તેમના સર્જનનો પ્રારંભ કર્યો હતો.
ધાર્મિકલાલ પંડ્યા (પદ્મશ્રી, કળા)
સદીઓ જૂની માણભટ્ટ કળાને જીવંત રાખવા બદલ તેમને આ સન્માન અપાશે. તેમણે આખ્યાનો માત્ર ભજવ્યાં નથી, પરંતુ નવાં આખ્યાનો રચ્યાં છે અને લોકોને શીખવ્યાં છે.
ધાર્મિકલાલ પંડ્યાનો જન્મ 11 ઑગસ્ટ, 1932માં વડોદરામાં થયો હતો.
ગુજરાતી વિશ્વકોષ અનુસાર, તેમના પિતા ચુનીલાલનું અવસાન થતા ઘરની જવાબદારી તેમના પર આવી ગઈ અને તેમણે કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. તેઓ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં અંદાજે 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.
મીર હાજીભાઈ કાસમભાઈ (પદ્મશ્રી, કળા)
જૂનાગઢના વતની અને 'હાજી રમકડું' ઉપનામથી જાણીતા ઢોલકવાદક હાજીભાઈ વિશેષ ઢબથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. ભજનો, સંતવાણી, ગઝલો અને કવ્વાલીમાં તેઓ મોટું નામ છે. ઘણાં વરસોથી તેઓ વિવિધ કાર્યક્રમમાં ઢોલક વગાડે છે. તેઓ દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમ આપી ચૂક્યા છે.
હાજીભાઈ છેલ્લાં 60 વર્ષથી ઢોલક વગાડે છે. તેમણે 12 વર્ષની નાની ઉંમરે પિતા કાસમ મીર પાસેથી વારસાગત રીતે તબલા-ઢોલકની દીક્ષા લીધી.
અરવિંદ વૈદ્ય (પદ્મશ્રી, કળા)
અરવિંદ વૈદ્ય જાણીતા ગુજરાતી અભિનેતા અને દિગ્દર્શક છે. તેમણે સારાભાઈ વિ. સારાભાઈ, અનુપમા જેવા પ્રખ્યાત ટીવી સિરિયલો અને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
હાલમાં તેઓ મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મક્ષેત્રે દિગ્દર્શક તરીકે કાર્યરત્ છે.
ગુજરાતી વિશ્વકોષ અનુસાર, અરવિંદ વૈદ્યે 1966માં રંગભૂમિક્ષેત્રે પદાર્પણ કર્યું અને કાંતિ મડિયાની વિખ્યાત નાટ્યસંસ્થા 'નાટ્યસંપદા'ના અમદાવાદ ખાતેના એકમ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા.
તેમજ તેમણે 130 કરતાં પણ વધારે ગુજરાતી નાટકો સહિત મરાઠી નાટકો તથા હિંદી નાટકમાં અભિનય કર્યો છે.
નીલેશ માંડલેવાલા (પદ્મશ્રી, સામાજિક કાર્ય)
સુરતસ્થિત નીલેશ માંડલેવાલા અંગદાન જાગૃતિ ચળવળ માટે જાણીતા છે. તેઓ 'ડોનેટ લાઇફ' સંસ્થાના સ્થાપક છે અને આ ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું છે.
પદ્મ પુરસ્કાર કોને આપવામાં આવે છે?
પદ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. 1978, 1979 અને 1993થી 1997ને છોડીને દર વર્ષે પ્રજાસત્તાક દિવસે પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે.
આ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મવિભૂષણ આપવામાં આવે છે.
ઉચ્ચ કોટીની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે.
ભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ભારતરત્ન બાદ સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી મેળવનાર મહાનુભાવોનાં નામની જાહેરાત કરવામાં આવે છે.
કળા, સમાજસેવા, જાહેર પ્રવાહ, સાયન્સ અને ઇજનેરી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત તેમજ સિવિલ સર્વિસ જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલા મહાનુભાવોને આ સન્માનથી નવાજવામાં આવે છે.
દર વર્ષે રાષ્ટ્રપતિભવન ખાતે માર્ચ/એપ્રિલ માસમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન