જોરાવરસિંહ જાદવ : લુપ્ત થતી કલા અને કલાકારોને 'નવજીવન' આપનારા કસબી

    • લેેખક, કેવલ ઉમરેટિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિખ્યાત લોકસાહિત્યકાર, લોકકળાવિદ્ અને લોકસંસ્કૃતિના સંવર્ધક જોરાવરસિંહ જાદવનું 7 નવેમ્બર, 2025ના રોજ 85 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. થાઇરોઇડની સમસ્યાને કારણે તેઓ થોડા દિવસથી અસ્વસ્થ હતા.

છ દાયકા સુધી તેમણે લોકકલા અને લોકસાહિત્યના ક્ષેત્રે અવિરત કામ કર્યું અને લગભગ 90 કરતાં પણ વધારે પુસ્તકો લખ્યાં.

તેમનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે ગુજરાતના વિસરાતા જતા કસબીઓ અને કલાઓને માત્ર કાગળ પર ઉતારવાના બદલે આર્થિક રીતે ટકાવી રાખવા એક નક્કર અને સંગઠિત માળખું ઊભું કર્યું, જેણે ગુજરાતના ખૂણેખાચરે રહેલી વિસરાતી કલા અને કલાકારોમાં પ્રાણ ફૂંક્યા અને વિશ્વમંચ પર પહોંચાડ્યા.

તેમની કારકિર્દી સંશોધક, લેખક અને વહીવટકર્તાના ત્રિ-પાંખિયા આધારસ્તંભ પર રચાયેલી હતી. તેમણે ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

'મેઘાણીભાઈ જેવું કામ આપણે કરવું છે'

ગુજરાતી લોકસાહિત્યના ક્ષેત્રમાં સંશોધન અને સંપાદનની પરંપરામાં ઝવેરચંદ મેઘાણીએ નોખો ચીલો ચાતર્યો હતો. જોરાવરસિંહ જાદવ મેઘાણીયુગ પછીની આ પરંપરાના મહત્ત્વપૂર્ણ વાહક ગણી શકાય. અલબત્ત, લોકકલા અને લોકસાહિત્યનાં ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા પણ તેમને મેઘાણીએ જ આપી હતી.

ઘણાં ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી છે.

તેમણે કહેલું કે "હું કૉલેજમાં આવ્યો ત્યારે સૌરાષ્ટ્રની રસધાર અમારે ભણવામાં આવી. ત્યારે મને થયું કે મેઘાણીભાઈ જેવું કામ આપણે કરવું છે. એ સમયે રેડિયો, ટીવી જેવાં પ્રચારમાધ્યમો ગામડાં સુધી પહોંચ્યાં હતાં, જેથી કલાકારોએ રોવાનો વારો આવ્યો, એટલે મને થયું કે આવા કલાકારો માટે કંઈક કરવું."

આ કલાકારો એટલે વાદી, મદારી, નટ, બજાણિયા, ભાટ, કઠપૂતળી, ભવાઈ, તૂરી વગેરે. આ બધા કલાકારો અને કલા સાથે જોરાવરસિંહનો નાતો આમ તો બહુ જૂનો હતો.

ધંધૂકા તાલુકાનું ખોબા જેવડું આકરુ ગામ તેમનું વતન. પિતાનું નામ દાનુભાઈ અને માતા પામબા. ખેડૂત પરિવારમાં તેમના ઉછેરનું વાતાવરણ લોકકલાથી ભરપૂર હતું. જ્યાં અતિથિ-સત્કારની પ્રથા હતી અને ચારણ કવિઓ, કલામર્મીઓ તેમજ કલાકારોનો ડાયરો જામતો. આ ભાતીગળ વાતાવરણે જ લોકસંસ્કૃતિ તરફના તેમના પ્રેમનો પાયો નાખ્યો.

તેમનો શૈક્ષણિક પ્રવાસ પણ તેમના સંશોધન અભિગમની ઝલક આપે છે. 1961માં ગુજરાતી અને ઇતિહાસમાં સ્નાતક થયા બાદ તેમણે 1963માં અમદાવાદની ભોળાભાઈ જેસિંગભાઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક (એએમ)ની પદવી મેળવી. તેમણે અમદાવાદમાં પંચશીલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછી સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી પણ કરી.

જોકે, લોકસાહિત્ય પ્રત્યેના ઊંડા ખેંચાણના કારણે તેમણે પ્રોફેસરની નોકરી છોડી દીધી. ત્યાર બાદ તેમણે વર્ષો સુધી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં ફરજ બજાવી અને સાથે જ પોતાનું સમગ્ર ધ્યાન લોકસાહિત્યની સેવામાં કેન્દ્રિત કર્યું.

લોકકલા અને લોકસાહિત્યનું દસ્તાવેજીકરણ

જોરાવરસિંહ જાદવે પોતાના જીવનકાળ દરમિયાન લોકકલા, કારીગરી, ભૌતિક સંસ્કૃતિ અને વિચરતી જાતિઓના કલાકારોના જીવનનું આબેહૂબ દસ્તાવેજીકરણ કર્યું છે. તેમનાં પુસ્તકોમાં જે તે સમયના ગ્રામીણ જીવનનો ધબકાર હતો. તે સમયની સમાજ વ્યવસ્થા, સંસ્કૃતિ, રીત-રિવાજ, વ્યવહાર, સંઘર્ષ, ઉત્સવો, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, બોલી વગેરે તમામ વસ્તુઓનો પરિચય તેમણે સાક્ષીભાવે કરાવ્યો છે.

મરદ કસૂંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે, રાજપૂતકથાઓ, આપણા કસબીઓ, લોકજીવનના મોભ, લોકજીવનનાં મોતી, ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસંસ્કૃતિનાં પશુઓ, પ્રાચીન ભારતનાં શસ્ત્રશસ્ત્રો, રાજવીયુગની સાંસ્કૃતિક વિરાસત, સાહિત્ય, કલા અને સંસ્કૃતિપ્રેમી રાજવીઓ, મનોરંજન કરાવનારી લોકજાતિઓ, લોકસાહિત્યની ચતુરાઈકથાઓ, ગુજરાતનાં ભીંતચિત્રો, ગુજરાતનાં લોકવાદ્યો અને લોકવાદ્યકારો વગેરે તેમનાં પુસ્તકોની આ યાદી ઘણી લાંબી છે.

લોકસાહિત્યના જાણકારો આ સંપાદનોને ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યના મહામૂલા દસ્તાવેજ સમાન ગણે છે. આજે પણ શાળા અને યુનિવર્સિટીઓમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે ભણાવાય છે.

કાષ્ઠકંડારણ કળા, ભરતકલા, પોથીચિત્રો, લીપણનકશી કે ભીંતચિત્રો જેવી કલાઓની વિગતે વાત કરતાં તેમના પુસ્તક 'આપણા કસબીઓ ભાગ 1'ને NCERTનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. તો ગ્રામ્યજીવનના ધબકાર સમા પુસ્તક 'લોકજીવનનાં મોતી'ને મેઘાણી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ સિવાય 'લોકસંસ્કૃતિમાં પશુઓ', 'ડોશીનો દીકરો બાયડી લાવ્યો' અને 'ગુજરાતનો લોકકલા વૈભવ' જેવાં પુસ્તકોને પુરસ્કૃત કરાયા છે.

આ સિવાય તેમણે લગભગ ગુજરાતનાં તમામ મોટા અખબારોમાં કૉલમ લખી છે.

'ધૂળમાં આળોટતા કસબીઓને વિદેશ પહોંચાડ્યા'

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર અને હાસ્યલેખક શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવને તેમના અનન્ય સ્નેહી અને મિત્ર ગણાવી કહે છે કે, "જોરાવરસિંહબાપુનું મોટામાં મોટું પ્રદાન એ કે તેમણે સાવ સામાન્ય કક્ષાના કલાકારો કે જેઓ ધૂળમાં આળોટતા હતા તેમને સ્ટેજ સુધી પહોંચાડ્યા. ત્યાંથી રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને વિશ્વ લેવલે લઈ ગયા. ગુલાબો તેનું ઉત્તમ ઉદાહરણ છે. પુષ્કરના મેળામાં નાચતી ગુલાબો પર જોરાવરસિંહબાપુની નજર પડી. તેને અમદાવાદના મોટા મંચ પર રજૂ કરી. ત્યાંથી ગુલાબો વિશ્વભરમાં પહોંચી અને આંતરરાષ્ટ્રીય કલાકાર બની."

આ એ જ ગુલાબો કે જેમણે અત્યાર સુધીમાં 80થી વધુ દેશોમાં પ્રદર્શન આપ્યાં છે. જેમને ભારત સરકાર દ્વારા 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ખાસ વાત એ કે જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી 2019ના વર્ષમાં મળ્યો, તેનાથી પહેલાં ગુલાબોને મળ્યો. પોતાની પહેલાં ગુલાબોને પદ્મશ્રી મળ્યો તેનાથી જોરાવરસિંહ ખૂબ રાજી થયા. અવારનવાર આ વાતનો ગર્વ પણ લેતા.

તો ધ્રાંગધ્રાના સમજુનાથ નામના મદારીની વાત કરતા શાહબુદ્દીન રાઠોડ કહે છે કે "બાપુએ ધ્રાંગધ્રાના મદારીને આંતરરાષ્ટ્રીય જાદુગરોના શોમાં રજૂ કર્યો. જ્યાં તેણે મોઢામાંથી વીંછી કાઢ્યા અને સાપના એવા ખેલ કર્યા કે બધા જોતા રહી ગયા. તેને ઍવૉર્ડ પણ મળ્યો."

'પથ્થરોને ઘસીને પારસમણી બનાવી માર્કેટમાં મૂક્યા'

જામનગર જિલ્લાના નાનકડા એવા લતીપુર ગામની પટેલ રાસમંડળીના સંચાલક, નૃત્યકાર અને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ વિજેતા મહેન્દ્ર આણદાણી જોરાવરસિંહ જાદવને યાદ કરતા કહે છે કે, "અમને આ જન્મ બાપુએ આપ્યો છે. 13 વર્ષની ઉંમરે બાપુના કહેવાથી મારી કલાની શરૂઆત થઈ. અમે ક્યારેય લક્ઝરી બસમાં ચડવાનું ન વિચારી શકીએ, પણ બાપુના કારણે આજે વિશ્વના 31 દેશોમાં જઈ આવ્યા છીએ. બાપુ તો ધૂળધોયા હતા, ધૂળમાંથી રત્નો શોધ્યા. જેમણે પથ્થરોને ઘસી ઘસીને પારસમણી બનાવ્યા. નાનામાં નાના કારીગરને શોધીને આગળ મોકલ્યા."

મૂળ પંચમહાલના અને વિશ્વના અનેક દેશોમાં પોતાની કલા રજૂ કરી ચૂકેલા ક્લાસિકલ ડાન્સર ભરત બારૈયાએ કહ્યું કે "જ્યારે મારી પાસે કશું જ નહોતું ત્યારે તેમણે મને અઢળક મદદ કરી, જેનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે. એમના માટે કલાકાર નાના કે મોટા નહોતા, બસ કલાકાર હતા. બાપુ તો કલાકારોનો રોટલો હતા…"

ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનો ફાળો

જોરાવરસિંહ જાદવની કારકિર્દીનો સૌથી મોટો અને અસરકારક અધ્યાય તેમના દ્વારા સ્થાપિત ગુજરાત લોકકલા ફાઉન્ડેશન (જીએલકેએફ) છે.

રેડિયો, ટીવી જેવાં પ્રચારમાધ્યમોના લીધે ભાંગી રહેલી કલા અને કલાકારો માટે કંઈક કરવાના પ્રયાસરૂપે આ સંસ્થાનો જન્મ થયો. સંસ્થાનું હેતુ હતો કે જો કલાને ટકાવી રાખવી હશે તો કલાકારોનું આર્થિક સંવર્ધન અનિવાર્ય છે.

આ વિચાર સાથે તેમણે 1978માં ગુજરાત લોકકલા કેન્દ્રની સ્થાપના કરી. જે 1993માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન (જીએલકેએફ)માં પરિણમી.

આ સંસ્થાએ લુપ્ત થતી કલા અને કલાકારો માટે બહુઆયામી પ્લૅટફૉર્મનું કામ કર્યું. તેમણે ગામડાં અને આદિવાસી વિસ્તારો ખૂંદીને તેમાં રહેલા કલાના કસબીઓની પરખ કરી. તેમને એક મંચ પર લાવ્યા અને પછી રોજગારી પૂરી પાડી. કલા અને કલાકારોના પ્રચારપ્રસારની એક પણ તક ન છોડી. કલાકારોને લગ્ન, ઉત્સવો, પાર્ટીઓ અને વૈશ્વિક મંચ સાથે જોડ્યા.

આજે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન 7,000થી પણ વધુ પ્રમાણિત કલાકારોના નેટવર્કનું સંચાલન કરે છે. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ભારતના આદિવાસી પટ્ટાના કલાકારોનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાએ લોકકલાઓને પ્રાદેશિક અજ્ઞાતવાસમાંથી આંતરરાષ્ટ્રીય મહત્ત્વ અપાવ્યું. સંસ્થાના માધ્યમથી લુપ્ત થવાના આરે ઊભેલી લોકકલાઓને યુકે, ફ્રાન્સ, રશિયા, યુએઇ, કૅનેડા વગેરે દેશોમાં મંચ મળ્યું.

આ સંસ્થા પોતાનો પરિચય 'સાંસ્કૃતિક એજન્સી'ના બદલે 'ભારતીય પૂર્વજોના જ્ઞાનના જીવંત સંગ્રહાલય' તરીકે આપે છે.

લોકકલાની 'વિરાસત'

જોરાવરસિંહને તેમનું વતન, તેમનું ગામ અત્યંત પ્રિય હતું. તેઓ હંમેશાં કહેતા કે લોકકલાનો મારો પિંડ ગામડામાંથી ઘડાયો છે. લોકકલા, લોકસાહિત્ય કે લોકસંસ્કૃતિ પ્રત્યેની મારી રુચિ વતનની માટીમાંથી જન્મી છે. કદાચ એટલા માટે જ તેમણે પોતાના વતન આકરુ (ધંધૂકા) ખાતે 'વિરાસત' લોકકલા સંગ્રહાલયની સ્થાપના કરી.

વર્ષ 2024માં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અહીં જોરાવરસિંહને સન્માનમાં મળેલી પાઘડીઓ, તલવારો, કલાત્મક કાંસકા-કાંસકીઓ અને ખોડીદાસ પરમાર કે સોમાલાલ શાહ જેવા સુપ્રસિદ્ધ ચિત્રકારો દ્વારા ભેટમાં અપાયેલાં ચિત્રો સચવાયેલાં છે.

આકરુની પશ્ચિમેથી મળેલા હડપ્પન સંસ્કૃતિ જેટલા પ્રાચીન માટીના અવશેષો પણ અહીં સંગ્રહિત છે. આ 'વિરાસત' મ્યુઝિયમ દ્વારા તેમણે લોકકલાના વારસાને ગ્રામીણ જનજીવન સાથે ફરી જોડવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે.

દર્શા કીકાણીના પુસ્તક 'નોટ આઉટ@80'માં જોરાવરસિંહ જાદવ કહે છે કે, "ભારત પાસે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધિ છે તે બીજા કોઈ દેશ પાસે નથી. પરંપરાને જાળવવાની જવાબદારી સરકારની, મહાજનોની અને આપણા સૌની છે. દુષ્કાળ પડે તો અનાજ પરદેશથી લાવી શકાય, કલા-સંસ્કૃતિ નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન