You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : જ્યારે શાહરુખે ગૌરીબહેનને કહ્યું કે 'સ્ત્રીનો જન્મ લઈ મારે તમારાં બનાવેલાં કપડાં પહેરવાં છે'
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"અમદાવાદમાં થોડા વખત પહેલાં અભિનેતા શાહરુખ ખાન આવ્યા હતા. તેમણે મને બોલાવીને કહ્યું કે ગૌરીબહેન તમારું કામ બહુ સરસ છે. એક ભવમાં હું પણ બહેન બનું અને તમારાં બનાવેલાં કપડાં પહેરું."
આ શબ્દો બોલતી વખતે ગૌરીબહેનના ચહેરા પર સંતોષ અને સાર્થકતા છલકે છે.
પાટણ જિલ્લાના સાંતલપુરની નજીક બાકુત્રા ગામમાં સાંકડી ગલીઓની વચ્ચે ગૌરીબહેનનું ઘર આવેલું છે. ઘરની આગળ આંગણામાં એક ખૂણે કેટલીક ગાય અને વાછરડાં બાંધેલાં છે. સૂરજ ઊગતાં જ ગૌરીબહેન ઘરની બહાર આંગણામાં ખાટલો ઢાળીને ભરતકામ કરવા બેસી જાય છે.
વિવિધ રંગના ઊનના દોરાના દડા એવી રીતે પડ્યા છે જાણે રંગોનો અસબાબ તો ગૌરીબહેનના ખાટલે જ પથરાયેલો છે. ક્યારેક કમખો હાથમાં લે અને તેમાં અવનવા રંગના દોરથી ભરી દે, તો ક્યારેક તોરણ લે અને ગણતરીના દિવસોમાં એને ભરતથી ભરી દે.
દસેક વાગે એટલે આસપાસની બહેનોથી ગૌરીબહેનનું આંગણું ભરાવા માંડે. કોઈ બારસાખનું તોરણ ભરે તો કોઈ આહીર ભરતની ચણિયાચોળી, કોઈ બહેન રબારી ભરતનો કમખો તૈયાર કરતી હોય તો કોઈ બહેન ઓશિકાની ગલેફ પર ભરત ભરતી હોય.
થોડી થોડી વારે ગૌરીબહેન ખાટલેથી ઊભાં થાય અને પીળા રંગની સાથે કાળો રંગ કેવી રીતે મૅચ થાય કે કાળા રંગના ચણિયામાં આભલા કયા રંગના દોરાથી જડવા તેની સમજ આપે.
મોજ પડે તો બહેનો ક્યારેક ગીતોય ગાય. એવું લાગે જાણે રંગો કપડાં પર નહીં પણ આ બહેનોનાં જીવનમાં વણાઈ ગયાં છે.
હું પરણીને સાસરે આવી ત્યારે ઘરની ચાર દીવાલો જ દુનિયા હતી
બાકુત્રાની આસપાસનાં બાવીસેક ગામમાં ગૌરીબહેને હજારો મહિલાને ભરતકામની તાલીમ અને માર્ગદર્શન આપ્યાં છે. મહિલાઓ હવે બે પૈસા કમાતી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવાં જ એક મહિલા પમીબહેન કહે છે કે, "હું ભરતકામ કરીને મહિને આઠેક હજાર રૂપિયા કમાઈ લઉં છું. મારે મારા પતિ પાસે કે સસરા પાસે પૈસા માગવા નથી પડતા. આ બધું ગૌરીમાને આભારી છે."
ગૌરીબહેને ભલે રંગો ભરીને કપડામાં પ્રાણ ફૂંક્યા પણ તેમણે જીવનમાં ખૂબ તડકાછાયા જોયા છે. બીબીસી ગુજરાતી સાથે ગોઠડી માંડતા તેઓ કહે છે કે, "હું સત્તર વર્ષની હતી ત્યારે કચ્છથી પરણીને બાકુત્રા ગામમાં આવી. તે વખતે ઘરની ચાર દીવાલો જ દુનિયા હતી. બહેનોને ઘરની બહાર નીકળવા મળતું નહીં. હું ઘરમાં ભરતકામ કરતી. મેં આસપાસની બહેનોને કહ્યું કે આ ભરતકામ કરવા જેવું છે. તમે કરશો? બહેનો તો તૈયાર થઈ ગઈ."
કપડામાં દોરો પરોવાઈને આગળ વધતો જાય તેમ તેમ બહેનો ભરતકામમાં જોડાતી ગઈ. બકુત્રામાં અઢીસો બહેનો કપડાં પર રંગોની ભાત પાડીને ઘેરબેઠા રૂપિયા કમાય છે. તેઓ બહારથી ઑર્ડર પણ લે છે.
પહેલાં છોકરીઓને ગામમાં કોઈ ભણાવતું નહીં, પણ હવે બહેનો કમાતી થઈ ત્યારથી દીકરીઓને પણ ભણાવવા માંડ્યા છે.
'તમારા વડવાય દિલ્હી નથી ગયા, તમે જશો તો સમાજ બહાર મૂકી દઈશું'
ગૌરીબહેન ભરતકામ કરતાં થયાં અને બહેનોને જોડતાં થયાં એ પછી તેઓ સેવા (સેલ્ફ ઍમ્પ્લૉઇડ વુમન્સ ઍસોસિયેશન) સંસ્થા સાથે જોડાયાં હતાં.
બહેનોને ભરતકામની તાલીમ અને વર્કશૉપ માટે તેમને ગુજરાત બહાર જવાનું પણ થતું હતું. એ રીતે તેમને એક વખત દિલ્હી જવાનું થયું તો સમાજે ચોખ્ખી ચેતવણી આપી દીધી કે તમારે બહાર જવાનું નથી.
એ ઘટના વાગોળતાં ગોરીબહેન કહે છે કે, "મને કહ્યું કે દિલ્હી જશો તો દસ હજાર રૂપિયા દંડ થશે. તમને સમાજ બહાર મૂકી દઈશું. અમારા ઘરડા પણ દિલ્હી નથી ગયા અને તમે જાવ છો?"
ગૌરીબહેન ઉમેરે છે કે, "પિયરિયામાં મારી માએ પણ મને ના પાડી દીધી હતી કે આવું કરાય? દિલ્હી-મુંબઈ જવાય? એ સંઘર્ષને પાર પાડવા મેં લોઢાના ચણા ચાવ્યા છે."
તેઓ કહે છે, "દિલ્હીમાં ઑર્ડરનું કામ હતું. તે ન કરીએ તો રોજગારી ન મળે. ગામમાં અમુક ભણેલા હતા તેમણે કહ્યું કે બહેનોને આ કામ કરવા દો. પછી માંડમાંડ મામલો થાળે પડ્યો હતો."
ગૌરીબહેન અને અન્ય બહેનો ઘેરબેઠાં બે પૈસા ઘરમાં કમાઈને લાવતી થઈ તેની પરિવાર અને સમાજને પણ કદર થઈ. જે સમાજે નાતબહાર મૂકવાની વાત કરી હતી તે સમાજે પછી ગૌરાબહેનનું સન્માન કર્યું.
ગૌરીબહેન કહે છે કે, "મારા સમાજે મને મુંબઈ બોલાવીને મારું સન્માન કર્યું. ઍવૉર્ડ પણ દીધો. મેં કહ્યું કે હું પણ મારા પરિવાર વતી તમારો ખૂબ આભાર માનું છું. એક દિવસ મને સમાજે સમાજ બહાર કરી દીધી હતી, ને એક દિવસ બોલાવીને મારું સન્માન કર્યું."
'હિલેરી ક્લિન્ટને કહ્યું કે તમારી ચીજવસ્તુઓથી મેં ઘર સજાવ્યું છે'
એક વખત ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન એક ફિલ્મના પ્રચાર માટે અમદાવાદ આવ્યા હતા. એ વખતે તેઓ ગૌરીબહેનને મળ્યા હતા અને તેઓ ભરત ભરીને તૈયાર કરેલાં કપડાં જોઈને અભિભૂત થઈ ગયા હતા. એ વખતે હસ્તકલા, ભરતકામ વગેરે કરીને પગભર થયેલી અન્ય કેટલીક બહેનોને મળીને પણ શાહરુખ ખાન ખૂબ ખુશ થઈ ગયા હતા.
ગૌરીબહેનને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે ઍવૉર્ડ મળેલો છે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન પણ ગૌરીબહેનનાં કામથી પ્રભાવિત થયાં હતાં અને તેમને ભરત કામના પ્રદર્શન માટે અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું.
હિલેરી ક્લિન્ટન સાથેની યાદો વાગોળતાં ગૌરીબહેન કહે છે કે, તેમણે મને કહ્યું હતું કે "તમારી ચીજવસ્તુઓથી મેં મારું ઘર સજાવ્યું છે. તમે જે કામ કરી રહ્યાં છો તે બહુ અઘરું છે અને સારું છે. મને પણ ગૌરવ છે."
ભાતીગળ ભરતકામ અને ફૅશનના તાણાવાણા કઈ રીતે પરોવ્યા?
ગૌરીબહેનના પરિવારમાં બહેનોમાં ભરતકામનું પ્રચલન તો પેઢી દર પેઢી હતું જ. એ મોટે ભાગે પરિવાર પૂરતું જ રહેતું. બદલાતા જમાના સાથે અવનવાં વસ્ત્રો અને ફૅશનમાં એ ભરતકામને કઈ રીતે સંગોપવું એ માટે ગૌરીબહેને કેટલીક તાલીમ પણ લીધી હતી. તેઓ એની તાલીમ પણ આપે છે.
તેઓ કહે છે કે, "મેં કલર કૉમ્બિનેશન તેમજ ક્વૉલિટી કન્ટ્રોલની તાલીમ લીધી છે અને તેની સમજ અમારી તળપદી ભાષામાં ઢાળી છે. જેમ કે, કોઈ કપડાંમાં બધાથી સારું ભરતકામ કામ કર્યું હોય એને લીલું કહીએ, ઠીકઠાક કામ થયું હોય તો એને પીળું કહીએ."
"સાવ છેલ્લી ક્વૉલિટીનું હોય એને અમે લાલ કહીએ છીએ. આમાં કોઈ કામને અમે હેઠું પાડતા નથી. તમામ પ્રકારનાં કામની જરૂર પડે જ છે. લાલ કરતા હોય તેને અમે તાલીમ દઈએ છીએ. કોઈને પાછા વાળ્યા નથી."
બાકુત્રા ગામનાં જ શાંતાબહેન કહે છે કે, કપડાં પર હાથવણાટની ચકલીઓ અને મોર મૂકતાં અમને ગૌરીમાએ શીખવ્યું છે. અમારું ભરત ભરેલું કપડું દિલ્હી – મુંબઈ જાય છે.
ચાર ચોપડીય નહીં ભણેલાં ગૌરીબહેન માસ્ટર ટ્રેનર તરીકે ઘણા દેશોમાં જઈ આવ્યાં
ગૌરીબહેન ચાર ચોપડી ભણ્યાં નથી, પણ તેમના પાસપૉર્ટ પર અનેક દેશોના સિક્કા લાગી ચૂક્યા છે. તેઓ અમેરિકા, મૅક્સિકો, સ્વીડન, આફ્રિકા, બાંગ્લાદેશ, ઇટાલી, દુબઈ, મસ્કત, અબુ ધાબી વગેરે સ્થળે જઈ આવ્યાં છે અને ત્યાં માસ્ટર ટ્રેનર તરીકે બહેનોને તાલીમ આપી છે.
સેવા સંસ્થાના નૅશનલ સેક્રેટરી મનાલીબહેન શાહે કહ્યું હતું કે, "ગુજરાત તેમજ દેશ અને વિદેશમાં ગૌરીબહેને દસ હજારથી વધારે બહેનોને તાલીમ આપી છે. ગૌરીબહેને ભરતકામને એક નવી ઊંચાઈ આપી છે."
ખ્યાતનામ ફૅશન ડિઝાઇનર અનીતા ડોંગરેએ દેશની વિવિધ ગ્રામીણ કપડાં-કળાને સાંકળીને તેનું એક ડિઝાઇનર કલેક્શન તૈયાર કર્યું છે. ન્યૂ યૉર્કમાં તેમણે ગ્રાસરૂટ્ઝ નામનો સ્ટોર શરૂ કર્યો હતો જેમાં ભારતના વિવિધ પ્રદેશના ભાતીગળ પોષાકોને ફૅશનને રંગે મઢીને રજૂ કર્યા છે. જેમાં બાકુત્રા ગામમાંથી ગૌરીબહેન અને અન્ય બહેનોનું કામ પણ સામેલ છે.
અનીતા ડોંગરેએ ગૌરીબહેન તેમજ અન્ય બહેનોને ફૅશન રૅમ્પ વૉક પણ કરાવ્યું હતું. અનીતા ડોંગરે બાકુત્રા જઈને એ બહેનોને મળ્યાં હતાં અને તેમની સાથે કામ કર્યું હતું.
અનીતા ડોંગરેએ બાકુત્રા ગામની મુલાકાત લીધા પછી કહ્યું હતું કે, "આ બહેનો જ્યારે પૈસા કમાતી થઈ એ પછી તેમનામાં એક ગર્વ જોવા મળી રહ્યો છે. બહેનો પોતે પૈસા કમાય એનાથી તેમને સ્વતંત્રતા મહેસૂસ થાય છે. જે એક ગેમ ચેન્જર પ્રક્રિયા છે."
'હક તો બધાનો સરખો હોવો જોઈએ'
ત્રીસેક વર્ષ અગાઉ ગૌરીબહેને પહેલી વખત એકસો રૂપિયાની નોટ જોઈ હતી, જે તેમને પોતે કરેલા ભરતકામને લીધે મળી હતી. એ સમય સાંભરતાં ગૌરીબહેન હસીને કહે છે, "એ વખતે એવું થયું હતું કે આટલા મોટા પૈસાની નોટ ઘરમાં કેમ સાચવશું?"
ગૌરીબહેનની સાથે કામ કરતાં શાંતાબહેન બીબીસી ગુજરાતીને કહે છે કે, "બહેનો ભેગી થઈને ભરતકામ કરતી હોય તો સુખદુખની વાતો કરે છે. ભરતકામ થકી અમે બહેનો એકબીજાના સુખે સુખી અને દુખે દુખી થઈ શકીએ છીએ."
ભરતકામ કરતી બહેનો હવે પ્રદર્શન માટે રાજકોટ, અમદાવાદ, મુંબઈ વગેરે શહેરોમાં જતી થઈ છે. ગૌરીબહેન કહે છે કે, "બહેનો બહાર જતી થઈ, બોલતી થઈ, કમાતી થઈ, એટલે એમની ભાગીદારી થઈ. નહીંતર કોઈ ભાગીદારી ન હતી. બસ ઘરનું કામ જ કરવું એવી ગણતરી થતી હતી. અત્યારે મહિલાઓ પુરુષો જેટલું જ કામ કરે છે અને કમાય છે. તેથી હક તો બધાનો સરખો હોવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન