You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદીના રણમાં કચ્છની ભાતીગળ કળાનો અહેસાસ કરાવતાં ઘરો અંદરથી કેવાં દેખાય છે?
- લેેખક, શાઈસ્તા ખાન
- પદ, બીબીસી ટ્રાવેલ
તમે દક્ષિણપશ્ચિમ સાઉદી અરેબિયાના આસિર પ્રાંતની મધ્યમાં આવેલા રિજલ અલ્મા હેરિટેજ ગામમાં આંટો મારશો તો સમજાશે કે આ અંતરિયાળ પ્રદેશ દેશના બાકીના ભાગોથી કેટલો અલગ છે. વેરાન રણપ્રદેશને બદલે અહીં ચારે તરફ અનેક રંગોનું સામ્રાજ્ય જોવા મળે છે.
ગામની આસપાસ આવેલા લીલા પર્વતોથી માંડીને તેજસ્વી રંગીન ફૂલોની માળા જોવા મળે છે. અસિરી પુરુષો એ માળા તેમના મસ્તક પર પહેરે છે.
સ્વાયત્ત આદિવાસીઓ વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી અસિરની આજુબાજુનાં ગામોમાં રહેતા હતા, જે ખડકાળ પર્વતીય પ્રદેશોમાં આવેલી વસાહતો હતી અને તેમાં માત્ર દોરડાના સહારે પહોંચી શકાતું હતું. કઠોર ભૂપ્રદેશ, ભૌગોલિક અલગતા અને મર્યાદિત સંસાધનોએ એક આત્મનિર્ભર સંસ્કૃતિને જન્મ આપ્યો હતો, જેને બહારની દુનિયા બહુ ઓછી જાણે છે.
પુરુષોએ બહાર, મહિલાઓએ ઘરની અંદર કર્યું નિર્માણ
ઢોળાવવાળા લીલાછમ ભૂપ્રદેશ પર વસેલું દસમી સદીનું રિજલ અલ્મા લગભગ 20 મીટર ઊંચા આશરે 60 પથ્થરના કિલ્લાની વસાહત છે. એક સમયે આ ગામ યમન અને હેજાઝ (તથા લાલ સમુદ્ર દ્વારા લેવન્ટ સાથે જોડાયેલું) વચ્ચેનું વેપારી કેન્દ્ર હતું. અગાઉનું આ ‘લટકતું ગામ’ હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર અને સ્થાનિક લોકો માટે ઉનાળાનું લોકપ્રિય સ્થળ છે. ઉનાળા દરમિયાન સાઉદી અરેબિયાના અન્ય પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે. હાઈ સિઝન દરમિયાન મુલાકાતીઓ અહીં પરંપરાગત નૃત્યપ્રદર્શન, પ્રદેશના ઇતિહાસના એક લાઈટ શો અને સ્થાનિક હસ્તકલાનો આનંદ માણી શકે છે.
તેમનું 200 વર્ષ જૂનું કળા સ્વરૂપ પણ તમને આશ્ચર્યચકિત કરી શકે છે, જે અસિરી મહિલાની ઓળખ – અલ-કટ્ટ-અસિરીના કેન્દ્રમાં છે.
પુરુષોએ આ પ્રદેશ (અને પાડોશી યમનમાં) લાક્ષણિક ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કર્યું હતું, ત્યારે મહિલાઓની કળા ઘરની અંદર, દાદરાના પ્રવેશદ્વારો અને મજલિસ (મહેમાન કક્ષ)ની અંદરની દીવાલો પર જોવા મળે છે. તેમાં રંગબેરંગી ભૌમિતિક ડિઝાઇન હોય છે.
અલ-કટ્ટ (લેખન માટેનો અરબી શબ્દ, જેનો ઉચ્ચાર ગાથ થાય છે) અલ-અસિરીની એક રચનાત્મક પ્રક્રિયા છે, જે મહિલાઓમાં પેઢી દર પેઢી વારસામાં ઊતરતી રહે છે. તેમાં જિપ્સમની દીવાલો પર બ્લૅક ક્રોસલાઇનના ઉપયોગ વડે ત્રિકોણ, ચોરસ, હીરા અને ટપકાં જેવા જટિલ આકારો બનાવવામાં આવે છે. આ આકારો સમગ્ર ભારતીય, ઉત્તર આફ્રિકન અને લૅટિન અમેરિકન સંસ્કૃતિમાં જોવા મળતી ડિઝાઇનની યાદ અપાવે છે. એ પછી તે આકારોને આબેહૂબ લીલા, ઓર્ચર યલો અને ઘાટા નારંગી રંગથી રંગવામાં આવે છે. એ રંગો અસિરનાં પર્વતો, વૃક્ષો અને ફૂલો જેવાં સ્વદેશી સંસાધનોમાંથી બનાવવામાં આવે છે.
અગાઉની પેઢી પાસેથી શીખ્યા
અફાફ બિન દાજેમ અલ કાહતાની નામનાં એક સ્થાનિક કળાકાર અને શિક્ષિકા કૅન્વાસ પર અલ-કટ્ટ ભીંતચિત્રો બનાવે છે, જે દુબઈમાં યોજાતા એક્સ્પો સહિતનાં વૈશ્વિક પ્રદર્શનોમાં પ્રદર્શિત કરવામાં આવે છે. રિજલ અલ્મા ગામથી ઉત્તરે લગભગ 140 કિલોમીટર દૂર સરત ઉબૈદા ગવર્નરેટમાં આવેલા તેમના સ્ટુડિયોની દીવાલોને લાલ ઊંધા ત્રિકોણ અને જાડી લીલી આડી રેખાઓની વિસ્તૃત પૅટર્નવાળી અલ-કટ્ટ ડિઝાઇન શોભાવી રહી છે. તેમણે કહ્યું હતું, “હું અલ-કટ્ટ પેઇન્ટિંગ બનાવું છું, ત્યારે મને તે બહારની દુનિયાના તણાવ, સમસ્યાઓ અને હેરાનગતિમાંથી મુક્તિ મળ્યાની અનુભૂતિ થાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ કાહતાની અલ-કટ્ટા કળાના વાતાવરણમાં ઊછર્યાં હતાં. તેમને તેમની ઘણી પારિવારિક કાકીઓ યાદ છે, જેઓ પોતપોતાને ઘરને રંગો વડે સજાવતી હતી. અલબત્ત, અલ કાહતાનીને પોતાનાં મૂળિયાં સાથે જોડાવાની અને કળા સ્વરૂપના સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્ત્વ વિશે જાણવાની તક તેમને 2018માં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક વર્કશોપમાં મળી હતી.
અલ કાહતાની હવે સિન્થેટિક અને એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરે છે. અગાઉની પેઢીની સ્ત્રીઓ સ્વદેશી વૃક્ષો, ખડકો અને વનસ્પતિ ગુંદરમાંથી મેળવેલા કુદરતી રંગોનો ઉપયોગ કેવી રીતે કરતી એ તેમણે મને જણાવ્યું હતું. તેમનાં કાકી મહરા અલ માહતાની ત્રણ મૂળ રંગ કાળો, લાલ અને સફેદનો ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું હતું, “મીણબત્તીની જ્યોતમાંથી કાર્બન ગ્રાઇન્ડ કરવામાં આવતું હતું અને તેનો ઉપયોગ ડિઝાઇનની આઉટલાઇન માટે કરવામાં આવતો હતો. લાલ રંગ બે સ્રોત અલ મેશગાહ, અસિર પર્વતમાંથી મળતી ગેરુ માટીમાંથી અને કિરમજી રંગ ઝાડની ડાળીઓ પરના સુકાયેલા જંતુઓમાંથી મેળવવામાં આવતો હતો.”
સફેદ રંગ જીપ્સમમાંથી મેળવવામાં આવેલા લાઇમવોશથી બનાવવામાં આવતો હતો. એ પણ અસિર પર્વતોમાં જોવા મળે છે. પીળા જેવા અન્ય રંગો હળદરના મૂળ અથવા દાડમની છાલમાંથી અથવા લાલા તાજા કાપેલી ઘાસમાંથી મેળવવામાં આવતા હતા.
તેમણે ઉમેર્યું હતું, “વેપારના માર્ગો વિકસિત થયા તેમ ઇન્ડિગો ભારત અથવા ઈરાનથી આયાત કરવામાં આવતો હતો. રાસાયણિક રંગોના આગમન સાથે સ્ત્રીઓએ તેમની ડિઝાઇનમાં નવા રંગોનો ઉપયોગ શરૂ કર્યો હતો.”
બ્રશ એટલે કે પીંછીની વાત કરીએ તો તેમનાં કાકી મિસવાક અથવા દાતણની દાંડીનો ઉપયોગ કરતાં હતાં. તેમણે કહ્યું હતું, “દાતણની દાંડીના ઉપરના ભાગને ચાવીને તેનો બ્રશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા ઉપરના ભાગમાં પ્રાણીઓના વાળ લગાવવામાં આવે છે.” દાદર જેવી મોટી જગ્યાઓમાં ચિત્રકામ માટે બ્રશને બદલે કાપડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘરને સુશોભિત કરવું એ સૌથી જરૂરી બાબત ગણાતી
અલ-કટ્ટ પેઈન્ટિંગ્સ ફ્રીહેન્ડ અને સ્વયંસ્ફુરિત હોય છે. તેમાં તમામ કલાકારો અમુક ચોક્કસ પેટર્નની નકલ કરે છે. દાખલા તરીકે અલ્ફાક દિવાલની નીચેના ભાગમાં દોરવામાં આવેલી આડી રેખાઓ હોય છે અને ડિઝાઈનની પહોળાઈ માપવા માટે મહિલાઓ તેમની આંગળીઓનો ઉપયોગ કરે છે. અલ બત્રાનો ઉપયોગ પુનરાવર્તિત ડિઝાઈનને ખંડિત કરવા અને ભીંતચિત્રના ચોક્કસ હિસ્સા તરફ દર્શકનું ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે.
ચિત્રોની ભાતમાં એવા કેટલાક નામો છે, જે અસિરના લેન્ડસ્કેપ અને જીવનથી પ્રેરિત છે. બલસાના એક જાળી જેવી ડિઝાઈન છે, જેની મધ્યમાં બિંદુઓ હોય છે, જે અહીંના મુખ્ય પાક ઘઉંના થુલાને દર્શાવે છે, જ્યારે અલ મહારીબ (મહેરાબનું બહુવચન) એક અર્ધ-વર્તુળ છે, જેનો ઉપયોગ મક્કાના દિશા દર્શાવવા માટે થાય છે.
અસિરની રાજધાની આભાના એક કળાકાર અને સંશોધક જમીલા મતેરે કહ્યું હતું, “અલ-કટ્ટ એવી વસ્તુ નથી જેને તમે એક કળા તરીકે શીખો છો. એ કંઈક એવું છે, જેની સાથે તમે મોટા થાઓ છો. હું નાની હતી ત્યારથી મેં મારા દાદી અને માતાને તે કરતા નિહાળ્યા છે. તેમના માટે ઘરને સુશોભિત કરવું અને સુંદર બનાવવું સ્વાભાવિક તથા સૌથી જરૂરી બાબત હતું.”
ઈદ-ઉલ-ફિત્રના દિવસે મહિલાઓ મહેમાનોને તેમની નવેસરથી રંગાયેલી, સજાવાયેલી મજલીસમાં આવકારતી હોય છે. જમીલા મતેરને યાદ છે કે તેઓ તેમના માતાને મદદ કરતા હતા. જમીલાએ કહ્યું હતું, “મારા માતા આકાર દોરતા હતા અને ક્યાં પીળો રંગ ભરવો અને ક્યાં વાદળી ભરવો તેની સૂચના આપતા હતા.”
અભ્યાસ અને અવલોકન દ્વારા માતાઓ તરફથી પુત્રીઓને મળેલી પરંપરા હોવા ઉપરાંત અલ-કટ્ટ અસિરી મહિલાઓ માટે ગૌરવનો સ્રોત પણ છે. જમીલા મતેરે કહ્યુ હતું, “ગામવાસીઓ એકમેકની સાથે ઘરની સુંદર સજાવટ વિશે ચર્ચા કરતા હોય છે.”
સાઉદી હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી નામના સ્વયંસેવી સંગઠનના હેરિટેજ વિભાગના વડા રેહાફ ગાસાસ માને છે કે અલ-કટ્ટ એક કળાસ્વરૂપ કરતાં ઘણું વિશેષ છે. તેમણે કહ્યું હતું, “આ એક સામાજિક પ્રથા છે, જે સમુદાયને એક કરે છે. તે દાદીઓ અને માતાઓ માટે તેમના સંતાનોને જ્ઞાન આપવાનો એક માર્ગ પણ છે.”
તેમણે ઉમેર્યું હતું, “પોતે સજાવેલા ઘરમાં તમારું સ્વાગત કરે ત્યારે સ્થાનિક સમુદાયમાં તમે ગર્વની લાગણી જોઈ શકો છો. આ કળાના સર્જન માટેનો પારાવાર પ્રેમ અને જુસ્સો છે. તે પ્રેરણાદાયી છે.”
યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો
અલ-કટ્ટનો સમાવેશ યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કરવામાં આવ્યો હોવા છતાં અલ મહતાની માને છે કે આજે માત્ર 50 મહિલાઓ જ આ કળાનો અભ્યાસ કરે છે. કળા સ્વરૂપને જાળવવાના પ્રયાસ તરીકે સરકારી સંસ્થાઓ તાલીમ વર્કશોપ્સનું આયોજન કરી રહી છે અને મહિલા કળાકારોની નવી પેઢીને માર્ગદર્શન આપી રહી છે. ખાનગી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેમના પૂર્વજોનાં ઘરોમાં સંગ્રહાલયો સ્થાપ્યાં છે તથા તેમના પરિવારના અલ-કટ્ટ ચિત્રકારોના વંશ વિશે મુલાકાતીઓને માહિતગાર કરે છે.
જમીલા મતેરે કહ્યું હતું, “અમને અલ-કટ્ટ બાબતે બહુ ગર્વ છે, કારણ કે તે અમારી ઓળખ છે. તે એક મહિલા કળા સ્વરૂપ છે, જેણે અસિર પ્રદેશ માટે એક અનોખી ઓળખનો માર્ગ કંડાર્યો છે. સ્ત્રીઓ માટે બધું સરળ નથી હોતું.”
તેમણે ઉમેર્યું હતું કે યુવા પેઢી અગાઉ અલ-કટ્ટને જુનવાણી માનતી હતી, પરંતુ યુનેસ્કો આ કળા સ્વરૂપને વિશેષ દરજ્જો આપ્યો પછી તેઓ પણ આ બાબતે ગર્વ અનુભવે છે. તેમણે સ્મિત કરતાં કહ્યું હતું, “તેમણે કોવિડ-19 દરમિયાન અલ-કટ્ટ ડિઝાઇન સાથેના ટેટૂઝ અને ફેસ માસ્ક બનાવ્યાં હતાં.”
અલ-કટ્ટની ડિઝાઇનવાળા ડલ્લા એટલે કે અરેબિક કૉફી પોટ્સ, ધૂપ બર્નર અને માટીના કૂંજા જેવી ચીજો સ્થાનિક દુકાનોમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે ડિઝાઇનો હાઇ-ઍન્ડ ફૅશન પણ બની છે. આવી કૃતિને તેની અનન્ય અસિરી અને સાઉદી ઓળખ માટે ખરીદવામાં આવે છે. હિન્ડામે નામની એક લક્ઝરી એપરલ બ્રાન્ડ અને તામાશી નામની એક હાઇ-ઍન્ડ શૂ બ્રાન્ડ બંને પાસે અલ-કટ્ટની પ્રોડક્ટ લાઇન છે.
સરત ઉબૈદામાં પાછા ફરીએ. અલ કહતાનીએ કહ્યું હતું, “અસિરની મહિલાઓને તેમને વારસામાં મળેલી દરેક વસ્તુ પર ગર્વ છે અને તેઓ એ વારસો આગામી પેઢીને આપે છે. અસિરનો અર્થ અરેબિકમાં ‘મુશ્કેલ’ થાય છે. આ પ્રદેશના લૅન્ડસ્કેપની માફક અહીંની સ્ત્રીઓ પણ ઉલ્લાસિત વૃત્તિવાળી, સર્જનાત્મક અને ધૈર્યવાન છે.”
તેમણે ઉમેર્યું હતું, “અસિરની મહિલાઓને શણગાર, કળા તથા નવીનતા પસંદ છે અને તે અસામાન્ય નથી, કારણ કે અમારો પ્રદેશ સુંદર અને પ્રેરણાદાયી છે.”