You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું શહેર જ્યાં રસ્તા નીચે છે હાડપિંજર અને હાડકાં, હજારો લોકોને કેમ દાટ્યા હશે?
- લેેખક, ગુલૅર્મો ડી. ઑલ્મો
- પદ, બીબીસી સંવાદદાતા, પેરુથી
દક્ષિણ અમેરિકામાં આવેલા દેશ પેરુની રાજધાની લીમા ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે. પરંતુ અહીં લોકો જે જમીન પર ચાલે છે, તેની નીચે એક વિચિત્ર ખજાનો દટાયેલો છે. શહેરના ભૂગર્ભમાં આવેલી સુરંગોમાં હજારો ખોપડીઓ અને સાથળનાં હાડકાં પથરાયેલાં છે.
પ્રોફૅસર કૅયટાનો વિલાવિકૅન્સિયો આ સુરંગોમાં પથરાયેલી ખોપડીઓ અને હાડકાં વચ્ચે મુક્તપણે ફરે છે. તેમણે પોતાના જીવનનાં ઘણા વર્ષો તેનાં અધ્યયન અને સંરક્ષણમાં વિતાવ્યાં છે અને તેનો જુસ્સો તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અમે લીમાના મધ્યમાં આવેલા 'સાન ફ્રાન્સિસ્કો ડી અસિસ કૉન્વેન્ટ'માં છીએ. આ પ્રતીકાત્મક મંદિરની નીચે ખોદકામ કરતાં સ્પૅનિશ પ્રભુત્વના સમય દરમિયાન સદીઓ સુધી દફન કરાયેલા હજારો લોકોના અવશેષો મળી આવ્યા હતા.
પ્રો. વિલાવિકૅન્સિયો આ વાતની પુષ્ટિ કરતાં આતુરતાથી કહે છે, "આ લૅટિન અમેરિકાનું ભૂમિગત કબ્રસ્તાન છે. અહીંથી મળી આવેલા કેટલાક ફીમર્સ અસાધારણ રીતે મોટા છે."
કૉન્વેન્ટ ઉપનિવેશક યુગની 'બરોક કળા'નો ખજાનો છે. વર્ષ 1935માં જ્યારે ફ્રાન્સિસ્કન્સ અને અન્ય ધાર્મિક જૂથોએ સ્પૅનિશ ક્રાઉન અંતર્ગત અમેરિકામાં પગપેસારો કર્યો ત્યારે આ કૉન્વેન્ટને બનાવવામાં આવ્યું હતું.
જોકે, આ કૉન્વેન્ટથી વધુ પર્યટકોને તેની નીચે સંગ્રહિત માનવઅવશેષો વધારે આકર્ષિત કરે છે. અહીંથી મળી આવેલ હજારો ખોપરીઓ, સાથળનાં હાડકાં, કરોડરજ્જુઓ વગેરે પર્યટકોને પોતાની તરફ ખેંચે છે.
પ્રો. વિલાવિકૅન્સિયો જણાવે છે, "અહીં સૌથી વધારે માત્રામાં ખોપરીઓ અને ફીમર્સ મળી આવ્યા છે." પરંતુ એ સિવાય પણ અન્ય ઘણાં અંગોનાં હાડકાં મળ્યાં છે.
અહીં કેટલા લોકોને દફનાવવામાં આવ્યા હશે, તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. જોકે, સામાન્ય ધારણા અનુસાર અહીં ઓછામાં ઓછા 25,000 લોકોને દફનાવવામાં આવ્યા છે. જોકે, પ્રો. વિલાવિકૅન્સિયો મુજબ, અહીં એક લાખથી વધુ લોકોને દફનાવાયા હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "અમને ખ્યાલ છે કે કૉન્વેન્ટમાં એવી ઘણી શેરીઓઓ અને ગૅલેરી છે જેમાં આ પ્રકારની ભૂમિગત કબરો છે. જેનું હજી સુધી ખોદકામ થયું નથી."
જોકે, વાઇસરીગલ યુગ દરમિયાન માત્ર આ એક જ ધાર્મિકસ્થળની નીચે દફનવિધિ નહોતી થતી. અન્ય ઘણાં ધાર્મિકસ્થળો નીચેથી પણ માનવઅવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ વિશેષજ્ઞોને શંકા છે કે પેરુની રાજધાનીની વચ્ચોવચ લોકોની અવરજવર નીચે એક વિશાળ કબ્રસ્તાન હોઈ શકે છે.
મેયર ડી સૅન માર્કોસ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ પીટર વાન ડેલને બીબીસીને જણાવ્યું, "હજી સુધી માત્ર 30થી 40 ટકા ખોદકામ થયું છે, પરંતુ આ એવી સુરંગો છે જે દૂરદૂર સુધી ફેલાયેલી છે."
કોઈને ખ્યાલ નથી કે આ સુરંગો ક્યાં સુધી ફેલાયેલી છે, પરંતુ સ્થાનિક દંતકથાઓ અનુસાર તે સરકારી મહેલ સુધી કે પછી પેરુના સૌથી મહત્ત્વપૂર્ણ બંદર 'ઍલ કૅલાઓ' સુધી પ્રસરેલી હોઈ શકે છે.
અત્યાર સુધી શું જાણવા મળ્યું?
સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટ નીચેની સામૂહિક કબરોમાંથી મળી આવેલા અવશેષો એ માટે પણ રસપ્રદ છે કારણ કે 1940ના દાયકામાં તેની શોધ થયા બાદ હાલ જાહેર જનતા માટે તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેને નિહાળવા આવતા લોકોએ જમીન નીચે અંધારી ગલીઓમાંથી પસાર થવું પડે છે અને ત્યાર પછી જે દૃશ્ય જોવા મળે છે, તે ધ્રુજારી છોડાવી દે એવું હોય છે.
પ્રો. વિલાવિકૅન્સિયો જણાવે છે, "અમારે આ ગલીઓમાં માર્ગ પ્રદર્શિત કરતા સંકતો લગાવવા પડ્યા. કારણ કે ઘણા પર્યટકો રસ્તો ભૂલી જતા હતા અને ડરી જતા હતા."
માત્ર સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટ જ નહીં, લીમામાં 'સાન લાઝારો', 'સાંતા ઍના' અને અનાથોના ચર્ચ તરીકે જાણીતા 'સૅન્ટિસિમો કોરાઝોન ડી જેસુએસ' નીચેથી સામૂહિક કબ્રસ્તાનો મળી આવ્યાં છે.
પીટર વાન ડેલન કહે છે, "આ ચર્ચ, કૉન્વેન્ટ અને મઠો સાથે જોડાયેલી અંત્યેષ્ઠિની સંરચનાઓ છે. જ્યાં ઉપનિવેશક કાળમાં લીમા અને તેની આસપાસ રહેતી વસતીને દફનાવવામાં આવી હતી."
તેઓ આગળ કહે છે, "પહેલાં તેનો ઉપયોગ માત્ર ધાર્મિક લોકોને દફનાવવા માટે જ થતો હતો, પરંતુ બાદમાં શહેરમાં ફેલાયેલી મહામારીઓ અને ભૂકંપોને લીધે નાગરિકોને દફનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું."
આ સાથે જ એવી માન્યતાઓ પણ જોડાઈ ગઈ કે ધાર્મિકસ્થળની નીચે દફનવિધિ કરવાથી ભગવાનની નજીક રહેવામાં મદદ મળે છે અને આત્માને મુક્તિ મળે છે.
કૉન્વેન્ટમાં દફનાવવામાં આવેલા લોકોની સામાજિક પૃષ્ઠભૂમિ અને દફનાવવાની રીત અંગે સંક્ષિપ્તમાં સંશોધન કરનારા પ્રો. વિલાવિકૅન્સિયો જણાવે છે કે "લોકો એમ માનતા હતા કે તેમને વેદી(ચર્ચના છેડે આવેલું ધાર્મિક ટેબલ)થી જેટલા નજીક દફનાવવામાં આવ્યા હશે, તેઓ ભગવાનથી એટલા જ નજીક હશે."
અહીં કોને દફનાવવામાં આવ્યા છે?
તે સમયે સામાજિક ભેદભાવો થતા હોવા છતા અહીં સ્પૅનિશ, ક્રેઓલ્સ, ઇન્ડિયનો અને અશ્વેત લોકોને દફનાવવામાં આવતા હતા.
તે સમયે 'બ્રધરહૂડ્સ'ની સંખ્યા ઘણી વધારે હતી અને તેઓ સામાજિક એકતા માટે વ્યાપકપણે કામ કરતા હતા. એ જ કારણથી ચર્ચની પાર્શ્વ વેદીઓમાં તેમના સભ્યોને પણ સ્થાન મળતું હતું.
કબરો અને તેમાં હજારો લોકોની વાત આવે ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિકપણે થાય કે એ લોકો કોણ હશે? જોકે, મોટા ભાગના અવશેષો આજે પણ અજ્ઞાત છે. જોકે, કેટલાક અવશેષોની ભાળ મળી હતી. તેમાંથી એક હતા વર્ષ 1648થી 1655 વચ્ચે રહી ચૂકેલા પેરુના વાઇસરૉય ગાર્સિયા સર્મિઍન્ટો ડી સોતોમયોર.
આ ભૂમિગત કબરોમાં લોકોને એકબીજાની બાજુમાં રાખવામાં આવતા હતા અને તેમની ઉપર માટીનો ઢગલો કરી દેવામાં આવતો હતો. એક કતાર પૂર્ણ થયા બાદ તેની ઉપર અન્ય એક કતાર શરૂ કરી દેવામાં આવતી હતી. આમ, એકની ઉપર એક લોકોને દફનાવવામાં આવતા હતા.
19મી સદીમાં આ ભોંયરાંને ઈંટોથી ચણી દેવામાં આવ્યાં હતાં. વર્ષ 1949માં જ્યારે કૉન્વેન્ટના કેટલાક ભિક્ષુકોએ પોતાની કૂતૂહલવૃત્તિને વશ થઈને ભોંયરું ખોલ્યું તો અંદરથી ઢગલાબંધ હાડકાં મળી આવ્યાં.
તેમની આ શોધથી સ્થાનિક મીડિયાનું ધ્યાન આકર્ષ્યું અને જોતજોતામાં લોકોમાં કલ્પના ઉત્તેજિત થઈ કે આ ખરેખર શું છે. સમય જતાં આ જગ્યા હાલ એક સંગ્રહાલય બની ગઈ છે, જેને લોકો નિહાળી શકે છે.
અહીં દફનવિધિ ક્યારથી બંધ થઈ?
28 જુલાઈ, 1821ના રોજ આર્જેન્ટિનાના જનરલ જૉસ ડી સૅન માર્ટિને લીમાના પ્લાઝા મેયરમાં પેરુની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. સૅન માર્ટિને શહેરમાં સ્વચ્છતાની જાળવણી થતી ન હોવાથી ચિંતિત થઈને ભૂમિગત દફનવિધિ બંધ કરાવી હતી.
આ પહેલાં પણ કેટલાક ધાર્મિક લોકોએ સામાજિક સ્વાસ્થ્ય અને ઐતિહાસિક ઇમારતો પર થતી તેની આડઅસરને લીધે આ પ્રકારની પ્રથા બંધ કરવાની ભલામણ કરી હતી.
હાલ પ્રૅસ્બિટેરો મૅસ્ટ્રો કબ્રસ્તાન તરીકે જાણીતા લીમાના જનરલ કબ્રસ્તાનનો વર્ષ 1808માં ઉપયોગ શરૂ કરાયો હતો. જોકે, સ્થાનિક લોકો તેને અપનાવવા માગતા નહોતા. જેથી ધાર્મિકસ્થળો નીચે દફનવિધિ ઘણા સમય સુધી ચાલુ રહી હતી.
સમયાંતરે લોકો સમજણા થયા અને કૉન્વેન્ટમાં દફનવિધિ બંધ થઈ. અંતે સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટમાં વિશાળ અંત્યેષ્ઠિસ્થળને નષ્ટ કરી દેવામાં આવ્યું, પરંતુ ફ્રાન્સિસ્કન સમુદાયની સ્મૃતિમાં તેનું સ્થાન કાયમ રહ્યું.
હજુ વધારે માહિતી ક્યાંથી મળી શકે?
માત્ર પુરાતત્વવિદો અને ઇતિહાસકારોનું કામ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકી શકે છે કે લૅટિન અમેરિકાની સૌથી જીવંત રાજધાનીઓમાંની એકની નીચે આવેલું કબ્રસ્તાનનું નેટવર્ક કેટલું મોટું છે.
પ્રોફૅસર વિલાવિકૅન્સિયો યાદ કરે છે કે એ વાતના દસ્તાવેજી પુરાવા છે કે કૉન્વેન્ટની બાજુમાં આવેલ ચૉક અને સાન ફ્રાન્સિસ્કોનું બેસિલિકા ઉપનિવેશક કાળમાં એક કબ્રસ્તાન હતું. તેમનો દાવો છે કે "સ્થળ પર આકરી તપાસ કરવા માટે અધિકારીઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે."
વાન ડેલન જણાવે છે, "તંત્ર દ્વારા અહીં પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીંથી દૂર આવેલા વિસ્તારોને શોધવા અને તેના પર સંશોધન કરવું વધારે જટિલ છે. કારણ કે ત્યાં સુરક્ષા સંબંધિત સમસ્યાઓ, ભૂસ્ખલન અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી શકે છે."
તેઓ અંતે કહે છે, "સંશોધકો માટે સૌથી મોટી સમસ્યા સંસાધનોની અછત છે. પેરુમાં પૂર્વ-હિસ્પૅનિક પુરાતત્ત્વને બજેટને લગતી ઘણી સીમાઓનો સામનો કરવો પડે છે. કલ્પના કરો કે ઉપનિવેશક પુરાતત્ત્વ સાથે આ કેવું છે, જેના પર ધ્યાન જ આપવામાં આવતું નથી?"