વય વધવા સાથે ત્વચામાં શું ફેરફાર થાય છે, ચામડી કેમ લટકી જાય છે?

    • લેેખક, મોલી ગોર્મેન
    • પદ, બીબીસી સંવાદદાતા

વ્યક્તિનો જન્મ થાય, તે સાથે શરીરનાં અન્ય અંગોની જેમ તેની ત્વચાની વય પણ વધવા માંડે છે. યૌવનની ઘેલછા ધરાવતા વિશ્વમાં વધી રહેલી વયને અપનાવવાની સાથે ત્વચાની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, તેના પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ઈ.સ. પૂર્વે આશરે 800-900ની આસપાસ માઉન્ટ ઑલિમ્પસમાં પ્રાચીન યુનાનના દેવી-દેવતાઓને અમર યૌવનની દેવી હેબેએ મધુર અમૃતનું પાન કરાવ્યું હતું. હેબે સુંદર યુવતી હતી અને તે "જીવનની ઉત્કૃષ્ટતા"નું પ્રતીક હતી.

તેના પ્રતિરૂપ, ગેરાસ, જે વૃદ્ધાવસ્થાના દેવ કે આત્મા હતા (તેના પરથી અંગ્રેજી શબ્દ "જેરીએટ્રિક" અને "જેરોન્ટોલૉજી"), તેમને કરચલીઓ ધરાવતી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા હતા, જે મોટાભાગે એક લાકડીના સહારે ઊભા રહેતા હતા.

સૌંદર્યને સ્થાને તેઓ જૈવિક ક્ષય તથા મૃત્યુના ભયનું પ્રતીક હતા.

હેબે અને ગેરાસ સંયુક્તપણે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં વૃદ્ધાવસ્થાનાં એ અનેક સ્વરૂપોમાંનાં એક છે, જેઓ આપણને એ યાદ દેવડાવે છે: સમયની ઝપેટમાંથી કોઈ બચી શકતું નથી.

યૌવન માટેનું માનવ જાતનું વળગણ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે અને સમય વીતવા સાથે આ વળગણ વધુ તીવ્ર બન્યું છે.

આપણી ત્વચા જીવંત પારિસ્થિતિક તંત્ર છે અને તે આના કેન્દ્રમાં છે. તે શરીરનું સૌથી મોટું અંગ હોવાની સાથે-સાથે દૃશ્યમાન પણ છે.

અથવા તો ફ્રાન્સના સંશોધકોનું એક જૂથ કહે છે તેમ, તે "સામાજિક" છે.

વાસ્તવમાં 54 દેશો અને પાંચ સમાજશાસ્ત્રીય વય જૂથો (જેન ઝી, મિલેનિયલ્સ, બેબી બૂમર્સ, જેન ઍક્સ તથા સાઇલન્ટ જનરેશન)નાં 1,300 લોકો પરના તેમના અભ્યાસમાં, 85 ટકા સહભાગીઓએ અનુભવ્યું કે, તેમની ત્વચા તેમનું વ્યક્તિત્વ દર્શાવે છે, જે સૂચવે છે કે, તે તેમની આત્મ-ભાવના સાથે જોડાયેલી છે.

શરીરનાં અન્ય અંગોની માફક જ ચામડીની વય પણ જન્મની સાથે જ વધવા માંડે છે અને તેને એક શિશુની ત્વચા જેવી મુલાયમ રાખવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે.

2024 સુધીમાં વૈશ્વિક ઍન્ટી-એજિંગ પ્રોડક્ટ્સનું બજાર કદ અંદાજે $52 અબજ ડૉલર ( 40 અબજ પાઉન્ડ)નું હતું અને 2030 સુધીમાં તે 80 અબજ ડૉલર (63 અબજ પાઉન્ડ) સુધી પહોંચી જવાની અપેક્ષા છે.

પણ આપણે શા માટે વધતી વય અટકાવવા માગીએ છીએ અને આપણે કેવી રીતે વધતી ઉંમર સાથેના દેખાવને અપનાવી શકીએ?

વય વધવા સાથે ત્વચામાં શું ફેરફાર થાય છે?

આપણી ત્વચા અદ્ભુત છે. કેવળ અમુક મિલીમીટરની જાડાઈ ધરાવતી હોવા છતાં શરીરનું 15 ટકા વજન ચામડીનું હોય છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતેના પ્રોફેસર ઓફ પેથોલૉજી જ્યૉર્જ મર્ફીએ જણાવ્યું હતું કે, "ત્વચા ઘણું મહત્ત્વનું અંગ છે અને તે દૃશ્યમાન હોવા છતાં આપણે તેને પૂરતું મહત્ત્વ આપતાં નથી."

"ત્વચા આપણું રક્ષણ કરે છે. બહારના પ્રતિકૂળ વાતાવરણ સાથે તે સીધા સંપર્કમાં આવે છે."

આપણી ત્વચા જીવાણુઓ, સંક્રમણ અને શારીરિક ઈજા કે આપણને નુકસાન પહોંચાડે, એવી અન્ય કોઈપણ ચીજ (જેમકે, સૂર્યનાં યુવી કિરણો) સામે આપણું આવરણ બની રહે છે.

સાથે જ તે આપણા શરીરના તાપમાનનું નિયમન કરે છે અને હોર્મૉન્સ તથા વિટામિન્સ ઉત્પન્ન કરે છે.

મર્ફીએ જણાવ્યું હતું કે, "ત્વચા શરીર માટે અત્યંત આવશ્યક હોય, તેવાં ઘણાં જુદાં-જુદાં કાર્યો કરે છે. જો તમે તમારા શરીર પરથી ઘણી-ખરી ચામડી ગુમાવી દો, તો તે પ્રાણઘાતક બની રહે છે."

જ્યૉર્જ મર્ફીએ જણાવ્યું હતું કે, "આપણી ત્વચા આંતરિક રીતે (અનિવાર્ય રીતે, કાળક્રમે વય વધવા સાથે) અને બાહ્ય રીતે (બાહ્ય વાતાવરણને કારણે) વૃદ્ધ થાય છે. બંને કેસોમાં આપણું કોલેજન (ત્વચાની સંરચના માટે શરીરમાંનું એક આવશ્યક પ્રોટીન) ઘટે છે અને આપણી રક્તવાહિનીઓ વધુ નાજુક થઈ જાય છે.

મર્ફી જણાવે છે કે, "આપણી વય વધે, તેની સાથે આપણી ત્વચા આપણું રક્ષણ કરતા હોય, તેવા ઘણા સંરચનાત્મક અને કાર્યાત્મક ઘટકો ગુમાવી દે છે."

સમય વીતવા સાથે આપણા સ્ટેમ સેલ્સ પુનઃ ઉત્પન્ન થવાનો દર ધીમો પડે છે, જેની અસર ત્વચાનાં ત્રણેય સ્તરો પર પડે છે - એપિડર્મિસ (બહારનું સ્તર), ડર્મિસ (વચ્ચેનું સ્તર) અને સબક્યૂટિસ (ચરબી અને જોડાયેલા કોષનું બનેલું સ્તર).

મુખ્યત્વે આપણી ત્વચા પાતળી થઈ જાય છે, સૂકાવા માંડે છે અને તેની લવચિકતા ગુમાવી દે છે.

આ કારણસર વૃદ્ધાવસ્થામાં તે આપણું રક્ષણ કરવામાં ઓછી સક્ષમ હોય છે - આથી જ, ઘા રૂઝાતાં લાંબો સમય લાગે છે.

કેટલાક ફેરફારો ધ્યાનપાત્ર હોય છે - જેમકે, કાળા ધબ્બા, ઢીલી ત્વચા અને કરચલી.

ત્વચા પર કરચલી આવવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છેઃ જેમકે, સૂર્યનાં હાનિકારક કિરણોથી ત્વચાને થતું નુકસાન, ધૂમ્રપાન અને કુદરતી વૃદ્ધાવસ્થા. આપણી ત્વચા લવચિકતા ગુમાવી દે, ત્યારે કેટલીક કરચલી કાયમી થઈ જાય છે.

તમે જોયું હશે કે, વય વધવાની સાથે વ્યક્તિના ચહેરાની સંરચના પણ બદલાતી હોય છે.

હેરલાઇન પાછળ જતી રહેવાથી કપાળ મોટું દેખાય છે, હોઠ પાતળા થઈ જાય છે અને નાકના હાડકાંને સહાય કરતું કાર્ટિલેજ નબળું પડવા સાથે નાકનું ટેરવું જરાક નમી શકે છે.

જડબાં, ત્વચાના માંસલ ભાગ, ગાલ અને દાઢીની આસપાસ લટકી જાય છે.

વૃદ્ધ થઈ રહેલા ચહેરાને સ્વીકારવો મુશ્કેલ છે

તેમાં નવાઈ લાગે એવું કશું નથી કે, ત્વચા અને ચહેરો વૃદ્ધ થાય, તેની આપણા પર મનોવૈજ્ઞાનિક અસર પડતી હોય છે. અને "જૌલ્સ" જેવા અપ્રિય જણાતા શબ્દો પણ મદદે આવતા નથી.

વૃદ્ધ થઈ રહેલા ચહેરાને આપણે જે રીતે જોઈએ છીએ, તેમાં સંસ્કૃતિ, જાતિ અને લિંગ અનુસાર ભિન્નતા હોઈ શકે છે.

યુનિવર્સિટી ઑફ ધ વેસ્ટ ઑફ ઇંગ્લૅન્ડ ખાતે સેન્ટર ફૉર અપિઅરન્સ રિસર્ચનાં ડિરેક્ટર બેથ ડેનિયલ્સ જણાવે છે કે, સામાન્યતઃ ઉંમર વધવાના દૃષ્ટિકોણથી મધ્યમ વય કે વૃદ્ધોની બૉડી ઇમેજ પર ખાસ અભ્યાસ થયો નથી.

જે સીમિત સંશોધન થયું છે, તેમાં પણ વૈવિધ્યનો અભાવ છે અને તે શ્વેત યુરોપિયન પ્રજા પર કેન્દ્રિત છે, એમ તેમણે જણાવ્યું હતું.

જોકે, આપણે એક વાત જાણીએ છીએ કે, વૃદ્ધ લોકો સામાન્યતઃ વૃદ્ધ થાય, એ સાથે તેમના શરીરને સ્વીકારવા માંડતા હોય છે, પણ બૉડી ઇમેજ માટેના મહિલાઓ અને પુરુષોના અનુભવો જુદા-જુદા છે, કારણ કે, મહિલાઓ માટે સુંદરતાના માપદંડો ખાસ કરીને પશ્ચિમી સમાજોમાં મુખ્યત્વે યુવાની સાથે સંકળાયેલા છે.

ઘણી વખત તેને "એજિંગના બેવડા માપદંડ" પણ કહેવામાં આવે છે, જેમાં મહિલાઓએ વય વધવા સાથે યુવાન દેખાવા માટે ઘણા દબાણનો સામનો કરવો પડતો હોય છે.

ઉદાહરણ તરીકે, પુરુષો અને સ્ત્રીઓ એજિંગના દૃષ્ટિકોણથી તેમનાં શરીરને કેવી રીતે જુએ છે, તેના પર કરવામાં આવેલા એક ગુણાત્મક અભ્યાસમાં પુરુષો તેમનાં શરીરની કાર્યાત્મકતા પર ધ્યાન આપતા હતા, જ્યારે મહિલાઓ "ડિસ્પ્લે"ને વધુ મહત્વ આપતી હતી અને તેમનું માનવું હતું કે, તેમની આકર્ષકતા પર વૃદ્ધત્વની નકારાત્મક અસર પડી છે.

ડેનિયલ્સ કહે છે, "યૌવનને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપવાથી અલગ દબાણ ઊભું થતું હોય છે."

"સાંસ્કૃતિક સૌંદર્ય આદર્શો જોઈએ તો, તેઓ યુવાન શરીરો અને ચહેરાઓ દર્શાવે છે. વય વધવા સાથે આપણે આ બધી બાબતોથી દૂર થતાં જઈએ છીએ."

કેરોલિન કેરોલ એક મનોચિકિત્સક છે અને તેઓ બૉડી ઇમેજને લઈને સતાવતી ચિંતાઓ અને આહારને લગતા ડિસઑર્ડર્સની સારવારનાં વિશેષજ્ઞ છે.

વૃદ્ધ થઈ રહેલા શરીરને સ્વીકારવામાં મુશ્કેલી અનુભવી રહેલા ક્લાયન્ટ્સને તેઓ મદદ કરે છે.

તેઓ કહે છે, "સુંદરતાના વિચારો સામાજિક રીતે ઊભા કરવામાં આવ્યા છે - મારા દર્દીઓ માટે તે ઘણા ઉપયોગી બને છે."

"સારા સમાચાર એ છે કે, તે સામાજિક રીતે નિર્મિત હોવાથી, સાચા નથી. અને તેનો અર્થ એ કે, આપણે તેમને જાકારો આપીને આપણાં પોતાનાં વર્ણનોનું નિર્માણ કરી શકીએ છીએ. "

કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે, મહિલાઓની વય વધે, તે સાથે તેઓ તેમના દેખાવ પર ઓછું ધ્યાન આપવા લાગે છે - કેટલીક મહિલાઓ ચહેરા પરની કરચલીઓને "સન્માનનું પ્રતીક" ગણાવે છે.

જોકે, સંશોધન એ પણ દર્શાવે છે કે, મહિલાઓ નજર-અંદાજ થવાથી બચવા માટે, પાર્ટનરને આકર્ષિત કરવા માટે કે પાર્ટનરને જાળવી રાખવા તેમજ રોજગારીને લગતા વય આધારિત ભેદભાવથી બચવા માટે કોસ્મેટિક અને નૉન-સર્જિકલ કૉસ્મેટિક પ્રક્રિયાઓ જેવી બ્યુટી અને ઍન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ કરાવતી હોય છે.

ડેનિયલ્સ કહે છે, "મને લાગે છે કે, ઍન્ટી-એજિંગનું દબાણ અનુભવવા બદલ વ્યક્તિઓને દોષ દેવો જોઈએ નહીં, કારણ કે તે દબાણ વાસ્તવિક હોય છે."

"અને સફેદ વાળ અને કરચલીને કારણે મોટી ઉંમરના કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી શકે છે. વળી, તેઓ વૃદ્ધ છે અને ઓછા સુસંગત છે, એવી ધારણા સેવવામાં આવતી હોય છે."

વધતી વય સાથેના ચહેરાને સ્વીકારવાનો અર્થ એ નથી કે તમે દરેક પરિવર્તનને પસંદ કરશો... તેનો અર્થ કેવળ એ છે કે, તમે વાસ્તવિકતા સામે લડવાનું બંધ કરી દો છો - કેરોલિન કેરોલ

તેનો અર્થ એ નથી કે, પુરુષો તે દબાણ નથી અનુભવતા.

કેટલાક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે, પુરુષોની બૉડી ઇમેજ પણ વય વધવા સાથે વધુ નકારાત્મક બને છે.

અમેરિકામાં 2024માં તમામ પ્લાસ્ટિક સર્જરીના દર્દીઓમાંથી સાત ટકા પુરુષો હતા, અને યુકેમાં વધુને વધુ પુરુષો ફેસ ઍન્ડ નેક લિફ્ટ્સ જેવી કૉસ્મેટિક પ્રક્રિયાઓ તરફ વળી રહ્યા છે, જેમાં ત્વચાને ચુસ્ત કરવામાં આવે છે.

વાસ્તવમાં યુકે અને યુએસમાં મહિલાઓ અને પુરુષો, બંનેમાં ફેસ લિફ્ટને ઘણી લોકપ્રિયતા મળી રહી છે અને નાની વયના લોકો પણ આવી પ્રક્રિયા કરાવે છે.

બોટૉક્સ જેવા ઍન્ટી-રિન્કલ ઇન્જેક્શન્સ પણ સામાન્ય થઈ ગયાં છે.

ધ અમેરિકન ઍસોસિએશન ઑફ પ્લાસ્ટિક સર્જન્સે 2024માં અમેરિકામાં લગભગ 10 મિલિયન ન્યૂરોમોડ્યુલેટર ઇન્જેક્શન પ્રક્રિયા (બોટૉક્સ જેવી ઇન્જેક્ટેબલ દવા, જે નસોને હળવી કરે છે) નોંધી હતી.

આ પૈકીની 94 ટકા પ્રક્રિયાઓ મહિલાઓ પર કરવામાં આવી હતી.

મર્ફી જણાવે છે કે, જો કોઈ વ્યક્તિની ત્વચામાં બોટૉક્સ દાખલ કરવામાં આવે, તો ઓછી કરચલીઓ પડે છે, કારણ કે તેનાથી કેટલીક નસોને પાંગળી બનાવી દેવામાં આવે છે.

પણ આ કાયમી ઉપાય નથી. તે તો કેવળ ઘા પર બેન્ડેઇડ લગાવવા જેવું છે. તેમ છતાં લોકો આવા અભિગમ થકી ટૂંકા ગાળાના લાભ મેળવે છે.

ત્વચાની કાળજી લેવું શી રીતે ઉપયોગી થઈ શકે?

ત્વચાની કાળજી લેવાના કેટલાક ઉપાયો રહેલા છે.

મર્ફી જણાવે છે કે, "સમસ્યા એ છે કે, લોકો ત્વચાને કાર્યાત્મક અંગ તરીકે નહીં, બલ્કે એક કૉસ્મેટિક અંગ તરીકે જુએ છે."

"આપણે આપણી ત્વચાની અને ત્વચા આપણા આરોગ્ય માટે જે કામ કરે છે, તેની કદર કરવી જોઈએ."

ત્વચાનું રક્ષણ કરવા માટે તેમણે આપેલાં મુખ્ય સૂચનો આ પ્રમાણે છેઃ વધુ સમય તડકામાં રહેવું નહીં, ત્વચાને મુલાયમ, હાઇડ્રેટેડ અને સ્વચ્છ રાખવી તથા તંદુરસ્ત આહાર લેવો.

વિટામિન્સથી ભરપૂર તથા ઓમેગા-ફૅટ્ટી એસિડ્ઝ જેવા આવશ્યકના ફેટ ધરાવતો આહાર તમારી ત્વચા માટે લાભદાયી નીવડી શકે છે.

મિરાન્ડા ફરાજ યુએસમાં પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલમાં ક્લિનિકલ ડર્મેટોટૉક્સિકોલૉજિસ્ટ (ઝેરી પદાર્થો ત્વચા પર શું વિપરીત અસર ઉપજાવે છે, તેનો અભ્યાસ કરતા વિજ્ઞાની) છે.

તેઓ જણાવે છે કે, આનુવંશિકતા મામલે આપણે કશું કરી શકતાં નથી, પણ આપણી જીવનશૈલી - પોષણ, વ્યાયામ, સ્ટ્રેસ-મૅનેજમેન્ટ અને સચેતનતા - આ તમામ પરિબળો આપણી ત્વચાના આરોગ્ય પર અસર ઉપજાવે છે.

સામાજિક અલગતા ઘટાડવા માટે મૈત્રી જેવાં સામાજિક જોડાણો જાળવવાથી પણ વધી રહેલી વયને સ્વીકારવામાં મદદ મળી રહે છે.

જે રીતે આપણે સૌ મનોસામાજિક રીતે એજિંગનો સ્વીકાર કરીએ છીએ, તેનો આધાર આપણા આનુવંશિક રીતે નિર્ધારિત વ્યક્તિત્વ તથા આપણા પ્રારંભિક વિકાસાત્મક પ્રભાવો પર અને પાછલા જીવનના અનુભવો પર રહેતો હોય છે.

ફરાજ કહે છે કે, "લોકોને પરિવર્તનને સ્વીકારતાં અને લવચિક રહેતાં શીખવવું પણ જરૂરી છે. જીવનનો દરેક તબક્કો સુંદર હોય છે, બસ તમારે તેની સાથે વહેવાનું હોય છે."

તેઓ ઉમેરે છે કે, "એક સમાજ તરીકે આપણે વધતી વય અને વૃદ્ધાવસ્થા તરફના આપણા અભિગમને બદલવાની જરૂર છે. આપણે આ દબાણ રાખી ન શકીએ... સમાજને જુદી રીતે વિચારતો શી રીતે કરવો, તે આપણું કામ બની રહેશે"

જોકે, કેટલીક વાતો કહેવી સરળ હોય છે, પણ તેમ કરવું મુશ્કેલ હોય છે. આથી, જો તમે તમારી વધી રહેલી વય અંગે નકારાત્મકતા ધરાવતા હોવ, તો કેરોલ તમને કેટલીક વ્યવહારુ સલાહ આપવા માગે છે.

તેમના મતે, સૌપ્રથમ તો, આંતરિક સંવાદને નરમ કરવો જરૂરી છે. પોતાના પ્રતિબિંબને મૂલવવાને બદલે જીજ્ઞાસુ અને વસ્તુનિષ્ઠ બનો. અને તમારા ચહેરાને કોઈ એવી ચીજ ન સમજો, જે બરાબર કરવાની છે.

"આત્મ-કરૂણાનો આ અભિગમ અપનાવો અથવા તો જે થઈ રહ્યું છે, તે બોલો - મારો ચહેરો બદલાઈ રહ્યો છે અને તે જીવિત હોવાનો એક ભાગ છે... તેનાથી આલોચના ઘટશે, પણ તમારે આમ સતત કરવું પડશે, જેથી તમને તેની આદત કેળવાય," એમ તેમણે જણાવ્યું હતું.

કેરોલ આગળ જણાવે છે, "વૃદ્ધ ચહેરાનો સ્વીકાર કરવાનો અર્થ એ નથી કે, વ્યક્તિને દરેક પરિવર્તન પસંદ પડશે... તેનો અર્થ કેવળ એ છે કે, વ્યક્તિ વાસ્તવિકતા સાથે લડવાનું બંધ કરી દે છે. તેનો અર્થ એ કે, વ્યક્તિ તેના યુવાન ચહેરાને યાદ કરી શકે છે... કે પછી જીવનનો તે સમય યાદ કરે છે, સાથે જ તમે અત્યારે તમારી પાસે જે છે, તેનું પણ સન્માન કરી શકો છો."

સ્વયંને પૂછો – વૃદ્ધ થવા સાથે હું શું બનવા માગીશ? મારી હાજરીથી હું શું જણાવવા માગીશ? મારા માટે શું મહત્વનું છે? કેરોલ તેને દેખાવને બદલે મૂલ્યો પર ભાર મૂકવાનું ગણાવે છે.

તે કહે છે, "આપણે કેવા દેખાઈએ છીએ, તેને બદલે આપણે કેવી રીતે જીવવા માગીએ છીએ, તેને મહત્ત્વ આપવામાં આવે છે. એ પછી વધતી વય સાથે આપણે લડાઈ કરવી પડતી નથી. તે એક એવી ચીજ બની જાય છે, જેની અંદર આપણે રહીએ છીએ."

અને તે સાથે હું શેક્સપિયરના ધી મર્ચન્ટ ઑફ વેનિસના એ કથન સાથે મારી વાત પૂરી કરીશઃ 'હર્ષ અને હાસ્યની સાથે જૂની કરચલીઓને આવવા દો.'

બીબીસી માટે કેલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન