અમેરિકામાં બરફનું એવું વાવાઝોડું ફૂંકાયું કે આઠ લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો

    • લેેખક, સાક્ષી વેંકટરામન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકામાં શિયાળામાં ફરી એક ખતરનાક બરફનું વાવાઝોડું આવ્યું છે. આ વાવાઝોડાને કારણે કમસે કમ સાત લોકો માર્યા ગયા છે અને લાખો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે.

નૅશનલ વેધર સર્વિસ (એનડબલ્યુએસ) અનુસાર, ટૅક્સાસથી ન્યૂ ઇંગ્લૅન્ડ સુધી ફેલાયેલી "જીવલેણ" પરિસ્થિતિને કારણે દેશભરમાં શાળાઓ અને રસ્તાઓ બંધ કરાયાં છે અને ફ્લાઇટ્સ રદ કરાઈ છે.

લ્યુઇસિયાનામાં હાયપોથર્મિયાથી બે લોકોનાં મોત થયાં છે અને ટૅક્સાસ, ટેનેસી અને કૅન્સાસમાં વાવાઝોડા સંબંધિત અન્ય મૃત્યુ નોંધાયાં છે.

poweroutage.us અનુસાર, રવિવાર બપોર સુધીમાં આઠ લાખથી વધુ ઘરોમાં વીજળી ગઈ છે અને અંધારું છવાઈ ગયું છે. તો ફ્લાઇટઅવેરના અહેવાલ મુજબ, 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે.

અતિભારે બરફ, હિમવર્ષા થઈ છે, જે એક ખતરનાક ઘટના છે. અહીં વરસાદનાં ઠંડાં ટીપાં સપાટી પર તરત જ થીજી જાય છે અને તે દિવસો સુધી ટકી શકે છે. આ વાવાઝોડું અંદાજે 180 મિલિયન અમેરિકનોને અસર કરી શકે છે, એટલે કે અડધીથી વધુ વસ્તીને.

નૅશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી એલિસન સેન્ટોરેલીએ બીબીસીના અમેરિકન મીડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે "બરફ ખૂબ જ ધીમો પીગળશે અને હાલના સમયમાં એ દૂર નહીં થાય અને તે કોઈ પણ પ્રયાસોને અવરોધશે."

લ્યુઇસિયાનાના આરોગ્ય વિભાગે રવિવારે પુષ્ટિ કરી હતી કે બે પુરુષના હાયપોથર્મિયાથી મોત થયાં છે.

તો ટૅક્સાસના ઓસ્ટિનના મેયરે જણાવ્યું હતું કે "એક્સપોઝર સંબંધિત" મૃત્યુ થયું છે.

'હાડકાં ગાળી નાખે તેવી ક્રૂર ઠંડી'

કૅન્સાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે બરફથી ઢંકાયેલી એક મહિલાનું શરીર મળ્યું હતું, જેમનું "હાયપોથર્મિયાથી મૃત્યુ થયું હશે".

ટેનેસીમાં હવામાન સંબંધિત ત્રણ લોકોનાં મોતના અહેવાલ પણ મળ્યા છે.

ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે શનિવારે શહેરમાં કમસે કમ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

તેમણે વધુમાં કહ્યું, જોકે, "તે યાદ અપાવે છે કે દર વર્ષે ન્યૂ યૉર્કના લોકો ઠંડીનો ભોગ બને છે."

ન્યૂ યૉર્ક રાજ્યનાં ગવર્નર કેથી હોચુલે રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને રસ્તાઓથી દૂર રહેવા ચેતવણી આપી છે.

તેમણે રવિવારે કહ્યું હતું, "આ ચોક્કસપણે આપણે જોયેલું સૌથી ઠંડું હવામાન છે, વર્ષોમાં આપણે જોયેલું સૌથી ઠંડું શિયાળું તોફાન."

"આપણા રાજ્ય અને દેશભરનાં ઘણાં અન્ય રાજ્યોમાં એક પ્રકારનો 'આર્કટિક ઘેરો' ઘાલ્યો છે."

હોચુલે કહ્યું હતું કે એવી અપેક્ષા છે કે "ક્રૂર" પરિસ્થિતિઓ વર્ષોમાં સૌથી લાંબી ઠંડી અને સૌથી વધુ બરફવર્ષા લાવશે.

તેમણે કહ્યું કે "તે હાડકાં ગાળી નાખનાર અને ખતરનાક છે."

હજુ કેટલી બરફવર્ષા થશે?

કેન્ટકીગવર્નર ઍન્ડી બેશિયરે રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં મૂળ આગાહી કરતાં વધુ બરફ અને ઓછો હિમ પડી રહ્યો છે, જે "કેન્ટકી માટે સારા સમાચાર નથી."

હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વાવાઝોડાનાં સૌથી મોટાં જોખમોમાં એક બરફ છે, જે વૃક્ષોને નુકસાન પહોંચાડવાની, વીજળીના તાર તોડી પાડવાની અને રસ્તાઓને અસુરક્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે.

વર્જિનિયા અનેકેન્ટકીમાં રસ્તાઓ પર સેંકડો અકસ્માત થયા હોવાનું અધિકારીઓ જણાવે છે.

કૅનેડિયન લોકો પણ ભારે બરફવર્ષાનો ભોગ બન્યા છે અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરાઈ છે.

અધિકારીઓનો અંદાજ છે કે ઓન્ટેરિયો પ્રાંતમાં 15-30 સેમી હિમવર્ષા થશે.

બરફના ભારે વાવાઝોડાને કારણે ઇમરજન્સી જાહેર

આ બરફવર્ષાને કારણે લગભગ અડધાં રાજ્યોએ કટોકટી જાહેર કરી છે અને સોમવાર સુધી વાવાઝોડું ચાલુ રહેવાની ધારણાને આધારે દેશભરની શાળાઓમાં વર્ગો બંધ કરી દેવાયા છે. અમેરિકન સૅનેટે સોમવાર સાંજ માટે નિર્ધારિત મતદાન પણ રદ કરી દીધું છે.

દેશની રાજધાનીમાં કટોકટી જાહેર કરતા વૉશિંગ્ટનના મેયર મુરિયલ બોઝરે કહ્યું કે "આ અઠવાડિયાના અંતે ડીસીમાં આપણે એક દાયકામાં સૌથી મોટા બરફના તોફાનનો અનુભવ કરી રહ્યા છીએ."

જ્યારે ડાકોટાસ અને મિનેસોટા જેવાં ઉત્તરનાં સ્થળો શિયાળામાં શૂન્યથી નીચે તાપમાનમાં રહેવા ટેવાયેલા હોય છે, જ્યારે બીજી તરફ ટૅક્સાસ, લ્યુઇસિયાના અને ટેનેસી જેવાં રાજ્યોમાં આટલી ભારે ઠંડી જોવા મળે તે અસામાન્ય બાબત છે. અહીં સિઝનનું સરેરાશ તાપમાન 15-20 સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે.

એ રાજ્યોમાં થીજી ગયેલા વરસાદને કારણે લગભગ એક ઇંચ બરફ જમા પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાતોના મતે, ધ્રુવીય વાવાઝોડું દર શિયાળામાં આર્કટિક ઉપર બનતા મજબૂત પશ્ચિમી પવનોનો વંટોળ ખૂબ જ ઠંડી હવાને સંગ્રહ કરી શકતી હોય છે, જે શક્તિશાળી તોફાન તરફ દોરી ગયું.

જ્યારે પવનો મજબૂત હોય છે, ત્યારે એ જે તે સ્થાને રહે છે, પરંતુ જ્યારે પવનો નબળા પડે છે, ત્યારે વાવાઝોડું દક્ષિણ તરફ વળે છે અને ઠંડા પવનો અમેરિકાન તરફ આવે છે. જેમ જેમ ઠંડા પવનો દક્ષિણમાં હળવા પવનનો મળે તેમ પવનો ઉપર જાય છે અને વાવાઝોડાનું નિર્માણ કરે છે.

આ સ્થિતિમાં, શિયાળું વરસાદનું તોફાન ઉત્તર અને પૂર્વ તરફ ધકેલાઈ રહ્યું હોવાથી તે મંગળવાર સુધીમાં કૅનેડિયન દરિયાકાંઠાની દૂર થઈ જશે, પરંતુ તેને કારણે ત્યાં પવનો વધુ ઠંડા થશે. પૂર્વાનુમાન છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ભયંકર ઠંડી પડશે.

કેટલાક નિષ્ણાતો દલીલ કરે છે કે આપણા ગરમ વિશ્વમાં દરિયાઈ સપાટીના તાપમાનમાં થતા ફેરફારને કારણે હવામાન પરિવર્તન ધ્રુવીય વાવાઝોડાના વર્તનને પ્રભાવિત કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન