You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-EU વેપારસંધિ : યુરોપની લક્ઝરી કારો ગુજરાતમાં કેટલી સસ્તી પડશે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલની આખરે જાહેરાત થઈ ગઈ છે. આ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ)ના કારણે ઘણા ઉદ્યોગો પર અસર થશે, જેમાંથી એક કારઉદ્યોગ પણ છે.
ભારતમાં હવે યુરોપથી આયાત કરવામાં આવતી કારો સસ્તી થવાની શક્યતા છે. ટ્રેડ ડીલ મુજબ વાર્ષિક 2.50 લાખ કારની આયાતનો એક ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે, જેના પર ટેરિફ 110 ટકાથી ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવાયો છે.
યુરોપિયન યુનિયનના જણાવ્યા પ્રમાણે, ઇયુ અને ભારત હાલમાં દર વર્ષે 180 અબજ યુરોનાં માલ અને સર્વિસનો વેપાર કરે છે, જેના કારણે ઇયુમાં લગભગ 8 લાખ લોકોને રોજગાર મળે છે. ભારત અને ઇયુ વચ્ચે આ વ્યાપારસંધિ થવાથી 2032 સુધીમાં ઇયુમાંથી ભારતમાં માલની નિકાસ બમણી થવાનો અંદાજ છે.
કેવી કારના ભાવ ઘટશે?
યુરોપિયન કારઉત્પાદક કંપનીઓ નવા મોટા બજારની શોધમાં છે, ત્યારે ભારત સાથેની ટ્રેડ ડીલના કારણે તેમને ટેકો મળી શકે તેમ છે. હાલમાં અમેરિકા અને ચીન પછી ભારત એ સૌથી મોટું કાર-માર્કેટ છે. પરંતુ ભારતમાં આયાતી કાર પર ભારે ડ્યૂટી લાગે છે.
ભારતમાં 40,000 ડૉલરથી ઓછી કિંમતની પેસેન્જર કાર પર 70 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, જ્યારે 40,000 ડૉલરથી વધારે કિંમતની કાર પર 110 ટકા જેટલી ડ્યૂટી લાગે છે, જેના કારણે યુરોપિયન કારો ભારતમાં અત્યંત મોંઘી પડે છે.
હવે યુરોપિયન કારો ભારતમાં ઘણી સસ્તી થાય તેવી શક્યતા છે, કારણ કે કારના પાર્ટ્સ પરની ડ્યૂટી 5થી 10 વર્ષમાં સંપૂર્ણ નાબૂદ થવાની શક્યતા છે.
યુરોપિયન યુનિયનમાંથી જે અઢી લાખ કારની આયાત થશે, તેમાં 1.60 લાખ પેટ્રોલ-ડીઝલ કારો પર 5 વર્ષની અંદર ઇમ્પૉર્ટ ડ્યૂટી ઘટીને 10 ટકા થઈ જશે. જ્યારે 90,000 ઇલેક્ટ્રિક વ્હીકલ પર 10માં વર્ષથી ડ્યૂટી લાગવા માંડશે, જેથી ભારતીય ઈવી ઉદ્યોગને રક્ષણ આપી શકાય.
ભારતીય કારઉદ્યોગને કેવી અસર પડશે?
ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ ઍસોસિયેશન (FADA)ના ગુજરાતના અધ્યક્ષ પ્રણવ શાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ભારતમાં વર્ષે લગભગ 50 લાખ કારનું ઉત્પાદન થાય છે, જેમાંથી માત્ર 50,000 કાર એવી હોય છે જેને સંપૂર્ણપણે લક્ઝુરિયસ કાર કહી શકાય. મોટા ભાગના કારઉત્પાદકો પોતાનું 95 ટકા પ્રોડક્શન ભારતમાં જ કરે છે. તેથી આયાતી લક્ઝરી કારનું માર્કેટ અમુક વર્ગ સુધી જ સીમિત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે કહ્યું કે, "એક કરોડ રૂપિયાથી વધારે ભાવની કાર ઘણી સસ્તી પડશે, પરંતુ તેનું સેગમેન્ટ નાનું હોવાથી ભારતીય ઉત્પાદકોને બહુ મોટી અસર નહીં થાય. હાલમાં એક કરોડની કાર ભારતમાં ડ્યૂટી સાથે ઓન-રોડ 2.10 કરોડથી વધારે રૂપિયામાં પડે છે. હવે તેની કિંમત લગભગ 1.40 કરોડ થઈ જશે, તેથી આ એક મોટો ફરક પડશે."
સ્થાનિક ઉદ્યોગને આનાથી કેવી અસર પડશે તે વિશે પ્રણવ શાહે કહ્યું કે, "જે લક્ઝરી કાર ભારતમાં જ બનીને વેચાય છે, તેના વેચાણને અસર થવાની શક્યતા છે. જે કારનું ભારતમાં બિલકુલ ઉત્પાદન નથી થતું, તેની આયાત વધશે અને વેચાણ વધે તેવી સંભાવના છે. જોકે, સામે પક્ષે ભારત પણ પોતાની કારોને યુરોપિયન માર્કેટમાં વેચી શકશે તે હકારાત્મક બાબત છે."
ભારત-ઇયુ વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત પછી ભારતીય કાર કંપનીઓના શૅરને ફટકો પડ્યો છે. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનો શૅર 4.25 ટકા ઘટ્યો હતો, જ્યારે મારુતિ સુઝુકીના શૅરના ભાવમાં 1.50 ટકા અને ટાટા મોટર્સના શૅરમાં 1.30 ટકાનો ઘટાડો થયો હતો.
ભારતીય કાર માર્કેટનું કદ
ઇયુમાં ઉત્પાદિત કાર પર ટેરિફ ઘટવાથી ભારતમાં જર્મન અને ફ્રેન્ચ લક્ઝરી કારોના ભાવ ઘટે અને વેચાણ વધે તેવી શક્યતા છે. ઉદાહરણ તરીકે ફૉક્સવેગન, રેનો, મર્સિડીઝ-બેન્ઝ, બીએમડબલ્યુ વગેરે લક્ઝરી કારોના વેચાણને ઉત્તેજન મળી શકે છે. આ કંપનીઓ ભારતમાં પણ કાર ઉત્પાદન કરે છે, પરંતુ લક્ઝરી કેટેગરીની મોંઘી કારો વેચવી મુશ્કેલ હોય છે.
ભારતમાં વેચાતી 95 ટકા યુરોપિયન કારો સ્થાનિક સ્તરે ઉત્પાદિત હોય છે. માત્ર 5 ટકા કાર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. યુરોપિયન કાર ઉત્પાદકો પાસે 4 ટકાથી પણ ઓછો માર્કેટ શૅર છે. ભારતમાં 2030 સુધીમાં કાર માર્કેટની સાઈઝ વધીને 60 લાખ કાર પ્રતિ વર્ષ સુધી પહોંચવાનો અંદાજ છે.
ભારતે યુકેથી 37,000 તૈયાર કારની આયાતનો ક્વોટા નક્કી કર્યો છે, જ્યારે ઇયુથી વાર્ષિક 2.50 લાખ કારને નીચી ડ્યૂટી પર આયાત કરી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન