કચ્છમાં 'ઓટલા પર બેસવાની' તકરારમાં પાડોશીએ વ્યક્તિને ડીઝલ છાંટી સળગાવી દેવાનો મામલો શું છે, મૃત્યુ પહેલાં મૃતકે શું કહ્યું?

(અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

કચ્છના ગાંધીધામ ખાતે પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારનો 'લોહિયાળ' અંજામ આવ્યાનો કેસ નોંધાયો છે.

મામલો ગાંધીધાનમા રોટરીનગરના સેક્ટર-14નો છે. ઘટના 23 જાન્યુઆરી બપોરે સાડા ત્રણ વાગ્યે બની જેમાં એક વ્યક્તિને જીવતી સડગાવી દેવાનો આક્ષેપ છે.

આ કેસમાં પોલીસે આપેલી માહિતી અનુસાર 23 જાન્યુઆરીના રોજ ચાર આરોપીઓએ ઘરની બહાર બેસવા બાબતે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી બોલાચાલી અને મારઝૂડ કરી તેમના પાડોશી કરસન મહેશ્વવરીને ડીઝલ છાંટીને જીવતા સળગાવી દેવાનો આરોપ લગાવાયો છે.

પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર આ કેસમાં મૃતક કરસન મહેશ્વરીના ભાઈ હીરા મહેશ્વરીની ફરિયાદને આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ 103 (1), 115 (2), 332 (એ) અને 54 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

ઘટનાના એક દિવસ બાદ 25 જાન્યુઆરીના રોજ ગંભીર રીતે દાઝી જવાને કારણે આશરે 46 વર્ષીય કરસનભાઈનું ભુજની સિવિલ હૉસ્પિટલ - જીકે જનરલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ આ મામલે બે મહિલા આરોપી, પ્રેમીલા નરેશ માતંગ અને અજીબહેન હરેશ માતંગ અને ચીમનારામ ગોમારામ મારવાડી નામના એક પુરુષ આરોપીની ધરપકડ કરી હતી.

જોકે, પોલીસ અનુસાર વધુ એક આરોપી મંજુ લહેરી મહેશ્વરી નામનાં આરોપીને હજુ પકડવાનાં બાકી છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના અંગે માહિતી આપતાં અંજારના નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલામાં આરોપી પક્ષે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે અગાઉ થયેલા 'ઝઘડાનું મનદુ:ખ રાખીને ચાર ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો.'

પોલીસે આગળ જણાવ્યું હતું કે, "કરસનભાઈ પોતાના બાથરૂમમાં જતાં તેમના પર ડીઝલ છાંટીને સળગાવી દેવાયા હતા."

આ બનાવ બાદ કરસનભાઈને તાત્કાલિક સ્થાનિક જી. કે. જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

મરણોન્મુખ નિવેદન આધારે પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટનાનાં સાક્ષી અને કરસનભાઈનાં પાડોશી ચંદનાએ બીબીસી ગુજરાતીના સહયોગી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અચાનક અવાજ સંભળાતાં હું બહાર આવી અને જોયું.એક મહિલા અને બે છોકરા તેમને માર મારી રહ્યાં હતાં. મારામારી થઈ ગયા બાદ છોકરા ઘરે જતા રહ્યા."

કરસનભાઈના ભાઈ હીરાભાઈએ કહ્યું કે, "મારા ભાઈને માર્યો, મારી માને ઓછું દેખાય છે, છતાં એને માર ધક્કો માર્યો, તેથી તેને હાથ પર ઈજા થઈ છે. મારો ભાઈ તો ગયો, મારી નાખ્યો."

"મારા ભાઈને ઘણો માર્યો છે. મારવાવાળા ચાર જણા છે. હું અન્યત્રે રહું છું. મને સમાચાર મળ્યા એટલે હું અહીં આવ્યો છું."

પોલીસે જાહેર કરેલી માહિતી અનુસાર આરોપીઓએ કરસનભાઈ પર ડીઝલ છાંટીને સળગાવતાં તેઓ ગંભીરપણે દાઝી ગયા હતા.

તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યાં તેમણે મૃત્યુ પૂર્વે મામલતદાર સમક્ષ મરણોન્મુખ નિવેદન પણ નોંધાવેલું, જેના આધારે પોલીસે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન