નીલેશ માંડલેવાલા : 'શરૂઆતમાં લોકો અમને જલ્લાદ કહેતા, હવે અંગદાન માટે સામેથી ફોન કરે છે', સુરતના ઉદ્યોગપતિની કહાણી

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વખતે પ્રજાસત્તાકદિને જે લોકોને પદ્મ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં સુરતના સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ નીલેશ માંડલેવાલાનું નામ સામેલ છે.

દેશમાં અંગદાન અંગે લોકોમાં બહુ ઓછી જાગૃતિ હતી ત્યારથી માંડલેવાલા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને તેઓ આ માટે 'ડોનેટ લાઇફ' નામે એક સંસ્થા પણ ચલાવે છે.

2009-10માં નીલેશ માંડલેવાલા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હતા. પરંતુ સંતાનો પોતાના કામ-વ્યવસાયમાં સેટલ થઈ ગયા પછી 2018માં તેમણે ટૅક્સ્ટાઇલનું કામકાજ સમેટી લીધું અને ઑર્ગન ડોનેશનના કામમાં ફૂલ ટાઇમ માટે લાગી ગયા.

છેલ્લા બે દાયકાથી નીલેશ માંડલેવાલાના પ્રયાસોથી સુરતમાં 1366 અંગદાન થયાં છે અને 1258 લોકોને નવું જીવન મળ્યું છે.

નીલેશ માંડલેવાલાએ કેવી રીતે શરૂઆત કરી

60 વર્ષીય નીલેશ માંડલેવાલા એક સમયે ટેક્સ્ટાઇલ બિઝનસ સાથે સંકળાયેલા હતા અને સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ પણ રહ્યા છે.

પરંતુ દાયકાઓ અગાઉ નીલેશ માંડલેવાલાના અંગત જીવનમાં એક એવી ઘટના બની હતી જેના કારણે તેમણે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી શરૂ કરી.

બીબીસી સાથે વાત કરતા માંડલેવાલાએ જણાવ્યું કે, 1997માં તેમના પિતા વિનોદચંદ્ર માંડલેવાલાને કિડનીની બીમારી થઈ અને તેમની સારવારમાં પરિવારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.

તેમના પિતાને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. તેમણે પિતાની પીડા જોઈ અને સમજાયું કે અંગ ન મળવાના કારણે દર વર્ષે લાખો દર્દીઓ મૃત્યુ પામે છે.

તેમણે કહ્યું કે "હું પિતાને ડાયાલિસિસ કરાવવા લઈ જતો ત્યાં જોયું કે નાની ઉંમરના લોકો પણ ડાયાલિસિસ કરાવતા હતા."

"મેં જોયું કે ડાયાલિસિસ પરના દર્દીઓ દરરોજ મૃત્યુને નજીકથી જોતા હતા. મને વિચાર આવ્યો કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ કિડની ન આપી શકે ત્યારે તેવા દર્દી માટે કંઈક કરવું જોઈએ."

"ત્યાર પછી કિડનીની બીમારીના પ્રિવેન્શન પર કામ કરતી સંસ્થામાં જોડાયો."

2011માં તેમના પિતાનું કિડનીની બીમારીથી મૃત્યુ થયું હતું.

માંડલેવાલાએ 2005થી જ અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાની ચળવળ શરૂ કરી.

તેમણે શરૂ કરેલી ચળવળ હેઠળ 2006માં બ્રેડ ડેડ થયેલા એક દર્દીની કિડની લઈને સુરતમાં પહેલી વખત કિડનીનું ડોનેશન થયું હતું.

તે વખતે સુરતમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા જગદીશ શાહ નામના એક દર્દીના સ્વજનોને માંડલેવાલાએ અંગદાન કરવા માટે સમજાવ્યા.

ત્યાર પછી અમદાવાદ સ્થિત આઇકેડીઆરસી (ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિઝિઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું જે ગુજરાતમાં આ પ્રકારનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું.

2020-21માં ગુજરાત સરકારે તેમને સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા.

નીલેશ માંડલેવાલાએ સ્થાપેલી બિન નફાલક્ષી સંસ્થા (એનજીઓ) ડોનેટ લાઇફ મારફત અત્યાર સુધીમાં 1366 ઑર્ગન અને ટિશ્યૂ ડોનેટ થયા છે જેનાથી 1258 દર્દીઓને ફાયદો થયો છે.

તેમાં કિડનીના 551, આંખના 442, લીવરના 240, હાર્ટના 57, ફેફસાંના 56 અને સ્વાદુપિંડના 9 ડોનેશન સામેલ છે.

આ તમામ કિસ્સામાં બ્રેઇન ડેડ દર્દીઓનાં સ્વજનોને સમજાવવામાં આવ્યા હતા અને પછી તેમને અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં.

બાહ્ય અંગોનું પણ ડોનેશન

નીલેશ માંડલેવાલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે 2047માં ભારત આઝાદીની શતાબ્દી ઊજવતું હોય ત્યારે કોઈ વ્યક્તિ અંગ ન મળવાના કારણે મૃત્યુ ન પામે તે અમારું મિશન છે.

તેમણે કહ્યું કે, "દેશમાં ઘણા લોકો અકસ્માતે બંને હાથ ગુમાવે છે. પછી તેમણે પરાવલંબી રહીને જીવવું પડે છે."

"તેથી અમે માત્ર આંતરિક અવયવો નહીં, પરંતુ બાહ્ય અંગો પણ ડોનેટ થાય તે માટે જાગૃતિ લાવી રહ્યા છીએ."

તેમણે જણાવ્યું કે અમે 2006માં અમે સૌથી પહેલાં કિડનીની સાથે લિવરનું દાન કરાવ્યું જે ગુજરાતનું પહેલું લિવર ડોનેશન હતું.

તે જ વર્ષે દેશમાં સૌથી નાની વયના બાળકની કિડનીનું દાન ગુજરાતમાં થયું.

2014માં ડોનેટ લાઇફ સંસ્થાની શરૂઆત થઈ. ત્યાર પછી હૃદય, ફેફસાંને ડોનેટ કરવામાં આવ્યાં. સૌથી નાની ઉંમરના બાળકના હાથનું દાન થયું.

પદ્મશ્રી પુરસ્કાર વિશે તેમણે જણાવ્યું કે કોઈ પણ ઍવૉર્ડ મળે તેની ખુશી જ હોય. પરંતુ અમને તો દરરોજ પદ્મશ્રી મળે છે કારણ કે ઑર્ગન ડોનેશન પછી જે વ્યકિતને જીવન મળે અને તેના ચહેરા પર સ્મિત આવે તેના માટે આ ઍવૉર્ડ સમર્પિત છે.

'લોકોને અંગદાન માટે સમજાવવા બહુ મુશ્કેલ હતા'

નીલેશ માંડલેવાલાએ બીબીસીને જણાવ્યું કે "2005માં અમે આ કામ શરૂ કર્યું ત્યારે લોકોને બ્રેઇન ડેડ વિશે સમજણ આપવી બહુ મુશ્કેલ હતી. લોકો માનતા કે માણસનું હૃદય બંધ થઈ જાય ત્યારે જ તે મૃત્યુ પામ્યા તેમ કહેવાય. પરંતુ જેમનું મગજ મૃત્યુ પામે તે પણ મૃત જ છે તેની જાણકારી ન હતી."

"અમે બ્રેઇન ડેડ લોકોનાં સ્વજનોને અંગદાન કરવા સમજાવતા તો લોકો અમને અપશબ્દો કહેતા, અમને મારવા દોડતા, કેટલાક તો અમને જલ્લાદ કહેતા."

"કારણ કે અમે એવા લોકોનું કાઉન્સેલિંગ કરતા જેને તમે જીવનમાં ક્યારેય મળ્યા ન હોવ. લોકો કહેતા કે દર્દીનું હૃદય તો ધબકે છે, તો તમે તેને મૃત કઈ રીતે કહી શકો."

તેમણે જણાવ્યું કે, "લોકોમાં અંગદાન અંગે સાચી માહિતી ન હતી. તેમના મનમાં ડર અને ધાર્મિક ગેરમાન્યતાઓ પણ હતી. લોકો માનતા કે જે શરીર લઈને આવ્યા છીએ તે શરીર લઇને જઈએ, તો જ મોક્ષ મળે."

"અમે લોકોને સમજાવ્યા કે મૃત્યુ પછી શરીર રાખ થઈ જવાનું છે. તેના કરતા અંગદાન કરીએ તો કોઈને ઉપયોગી બને."

પરંતુ હવે સ્થિતિ ઘણી બદલાઈ છે.

માંડલેવાલાએ કહ્યું કે "આજે લોકો સામેથી અમને ફોન કરીને કહે છે કે અમારા સ્વજનના અંગનું દાન કરવું છે, ઘણી સંસ્થાઓ આ કામ સાથે સંકળાઈ રહી છે અને અંગદાનને સમાજમાં સ્વીકૃતિ મળી છે."

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયેલા નીલેશ માંડલેવાલાએ લોકોને બ્રેઇન ડેથ કોને કહેવાય તે સમજાવ્યું છે.

તેમણે કોમા ને કાર્ડિયાક ડેથ વચ્ચેનો ભેદ પણ સમજાવ્યો છે.

આ ઉપરાંત બ્રેઇન ડેથ પછી કયા અંગોનું અંગદાન કરી શકાય તેના વિશે પણ લોકોને જાગૃત કર્યા છે. આના વિશે લોકોમાં ઘણી બધી ગેરસમજણો હોય છે જેને દૂર કરવામાં સૌથી વધુ મહેનત પડે છે.

આના માટે દેશભરમાં શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અંગદાનના મહત્ત્વને સમજાવતા સેમિનાર યોજ્યાં છે.

તેમણે સ્મશાનગૃહો, વોકેથૉન, કાઇટ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, ઔદ્યોગિક એક્ઝિબિશન વગેરે દ્વારા પણ અંગદાન વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કર્યા છે.

ડોનેટ લાઇફ દ્વારા અંગદાન જાગૃતિ માટે એક શૉર્ટ ફિલ્મ કાયા-ધ મિશન ઑફ લાઇફ બનાવવામાંં આવી હતી જેને તમિલનાડુમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં સોશિયલ અવેરનેસ માટેની બેસ્ટ શોર્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી.

ડોનેટ લાઈફના નેજા હેઠળ 2006માં ગુજરાતમાં પ્રથમ ઇન્ટરસિટી કિડની ડોનેશન થયું.

અંગદાન ક્ષેત્રે હજુ ઘણા પડકાર

નીલેશ માંડલેવાલાએ જણાવ્યું કે અંગદાન ક્ષેત્રે સુવિધાઓમાં ઘણો ફેરફાર થયો છે અને નિરંતર ચાલુ છે.

તેમણે કહ્યું કે, "ગુજરાતમાં 2005માં એક પણ ઑર્ગન રિટ્રિવલ હૉસ્પિટલ ન હતી, જ્યારે આજે 100થી વધુ ઑર્ગન રિટ્રિવલ હૉસ્પિટલો છે."

"થોડાં વર્ષો અગાઉ પાંચ-સાત હૉસ્પિટલોમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. આજે રાજ્યમાં કિડની ઉપરાંત લિવર, પેનક્રિયાઝ, હૃદય, ફેફસાં, હાથ અને યુટેરસના પણ ટ્રાન્સપ્લાન થાય છે."

"અગાઉ માત્ર અમદાવાદમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ થતાં હતાં. પરંતુ આજે અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, નડિયાદ, વડોદરા જેવા શહેરોમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અગાઉ ગુજરાતીઓએ બીજા રાજ્યનાં મોટાં શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ માટે જવું પડતું હતું, પરંતુ હવે બીજા રાજ્યોમાંથી દર્દીઓ અહીં આવે છે. જોકે, આ ટૂંકા ગાળાનો વિષય નથી તેથી તેમાં ઘણું કામ કરવાનું બાકી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન