પ્રેમિકાનું વેર : અદેખાઈની આગમાં પ્રેમીની પત્નીને HIVનું ઇન્જેક્શન આપી દીધું

    • લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
    • પદ, બીબીસી માટે

કુરનૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં ભૂતપૂર્વ પ્રેમીએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતાં રોષ અને ઈર્ષ્યા અનુભવતી પ્રેમિકાએ પ્રેમીની પત્નીને એચ.આઈ.વી. સંક્રમિત લોહીનું ઇન્જેક્શન આપી દીધું હતું. પીડિતા પોતે એક ડૉક્ટર છે. તેમના પતિએ નોંધાવેલી ફરિયાદના આધારે કુરનૂલ 'થ્રી ટાઉન' પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ બનાવ ગત 9મી જાન્યુઆરીના રોજ બન્યો હતો.

ઘટનાની વિગત મુજબ, કુરનૂલની એક સરકારી હૉસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડૉક્ટર જ્યારે સ્કૂટી પર ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે કે.સી. કેનાલ પાસે અજાણી વ્યક્તિઓએ તેમને ટક્કર મારી હતી. ડૉક્ટર નીચે પડી જતાં તેમને મદદ કરવાનો ઢોંગ કરી બે વ્યક્તિઓએ તેમને સંક્રમિત લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું હતું. કુરનૂલના ડી.એસ.પી. (DSP) બાબુ પ્રસાદે બીબીસી સમક્ષ આ સમગ્ર કેસ વર્ણવ્યો હતો.

ડી.એસ.પી. બાબુ પ્રસાદના જણાવ્યા મુજબ, "એક મહિલા ડૉક્ટર કે.સી. કેનાલ રોડ પર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં, તે સમયે અન્ય એક વાહન સાથે અથડાતાં તેઓ પડી ગયાં હતાં."

"તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યાં હાજર બે મહિલાઓએ તેમને ઑટોમાં બેસાડતા કહ્યું કે તેઓ તેમને હૉસ્પિટલ લઈ જશે. તે સમયે મહિલા ડૉક્ટરને ભાન થયું કે તે મહિલાઓએ તેમને ઇન્જેક્શન આપ્યું હતું. ડૉક્ટરના પતિએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી."

તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી એક નર્સ છે. તેના ભૂતપૂર્વ પ્રેમીએ તેને તરછોડીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં નર્સે દ્વેષ રાખી આ કૃત્ય આચર્યું હતું.

આરોપી નર્સે અન્ય મહિલા નર્સની મદદથી સરકારી હૉસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓનું એચ.આઈ.વી. ગ્રસ્ત લોહી મેળવ્યું હતું. ડી.સી.પી.એ (DCP) વધુ માહિતી આપતા કહ્યું, "આરોપી નર્સ તેની મિત્ર અને તેનાં બે બાળકોની સહાયથી ઇન્જેક્શન આપીને ભાગી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને તકનીકી પુરાવાઓના આધારે અમે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. અમે ઇન્જેક્શનમાં રહેલા વાયરસની અને અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ કરી રહ્યા છીએ."

'ઈર્ષ્યાથી પ્રેરાઈને ઇન્જેક્શનનો પ્લાન ઘડ્યો'

પોલીસનું કહેવું છે કે, મહિલાએ તેના ભૂતપૂર્વ પ્રેમી પ્રત્યે ઈર્ષ્યા રાખીને આ કૃત્ય આચર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે અભ્યાસ દરમિયાન ડૉક્ટર અને તે યુવતી (આરોપી નર્સ) વચ્ચે મૈત્રી પાંગરી હતી, જે પાછળથી પ્રેમમાં પરિણમી હતી. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયાં હતાં.

યુવકે અન્ય ડૉક્ટર સાથે લગ્ન કરી લીધાં, જ્યારે યુવતી અપરિણીત રહી હતી. આ ઈર્ષ્યાને કારણે તેણે પ્રેમી અને તેની પત્નીને અલગ પાડવા માટે આ ઘાતક યોજના બનાવી હતી.

આરોપી મહિલા કેવી રીતે પકડાઈ?

કુરનૂલ થ્રી ટાઉનના સી.આઈ. સેશૈયાએ જણાવ્યું કે, આરોપીની મિત્ર અને તેનો પુત્ર બાઇક પર સવાર થઈને આવ્યા હતા અને ડૉક્ટરની સ્કૂટીને ટક્કર મારી હતી. ત્યારબાદ મિત્રની પુત્રી અને આરોપી નર્સે પાછળથી આવીને ઇન્જેક્શન લગાવ્યું હતું.

મહિલા ડૉક્ટરને શંકા જતાં તેમણે સમયસૂચકતા વાપરી આરોપીઓના ચહેરા દેખાય તે રીતે મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા. આ ફોટોગ્રાફ્સ, કપડાં અને સીસીટીવીના આધારે પોલીસે વાહન ટ્રેસ કર્યું હતું. શરૂઆતમાં ગુનો ન કબૂલનાર નર્સે, જ્યારે કૉલ-લિસ્ટ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આરોપી નર્સે ગુનાની કબૂલાત કરી, તે વિશે વાત કરતાં સીઆઈ સેશૈયા જણાવ્યું હતું કે "તેણે જે 17 વ્યક્તિઓ સાથે વાત કરી હતી, તેમાંથી 15 તેના કૉલ-લિસ્ટમાંની વ્યક્તિઓ હતી. માત્ર બે વ્યક્તિ લિસ્ટમાં ન હતી. તે તમામે સામાન્ય રીતે વાતચીત કરી હતી, પણ એક વ્યક્તિ ખોટું બોલી. અમે તેની પૂછપરછ કરી અને સંપર્કમાં ન આવનાર અન્ય બે શખ્સોને પણ ઝડપી લીધા."

HIV સેમ્પલ બહાર સુધી કેવી રીતે પહોંચ્યું?

સીઆઈ સેશૈયાના જણાવ્યા પ્રમાણે, "આરોપી નર્સ પીડિતાના પતિ (જે સ્વયં પણ ડૉક્ટર છે)ને પ્રેમ કરે છે. એક સમયના તેના પ્રેમીએ તેના સ્થાને તે મહિલા ડૉક્ટર સાથે લગ્ન કરી લેતાં તેને અદેખાઈ આવતી હતી. બંને શાળાના સમયથી સહાધ્યાયી હતાં. આરોપી મહિલાએ નર્સિંગમાં એમએસસી કર્યું હતું. તે નર્સ તરીકે કામ કરતી હતી, પણ હવે બેરોજગાર છે."

કુરનૂલ સરકારી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ વેંકટેશ્વરલુએ જણાવ્યું કે, આરોપી નર્સે હૉસ્પિટલમાં નાઈટ ડ્યૂટી પર રહેલી પોતાની એક પરિચિત નર્સ પાસેથી આ એચ.આઈ.વી. સેમ્પલ મેળવ્યું હતું.

આ બાબતે તે નર્સને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે. પીડિત મહિલા ડૉક્ટર હાલ રજા પર છે.

સી.આઈ. સેશૈયાના જણાવ્યા મુજબ, અન્ય નર્સે સેમ્પલ શા માટે આપ્યું તે તપાસમાં બહાર આવશે અને તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(આ કેસની ગોપનીયતા જાળવી રાખવા માટે સંગઠનો, વ્યક્તિઓ અને તેમના હોદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન