ગુજરાતનો 2001નો ભૂકંપ : 'હું બે દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલી રહી,' એ દિવસે શું શું બન્યું હતું?

'જીવન બદલવા માટે અમુક ક્ષણ જ કાફી છે,' કોઈ ફિલ્મના ડાયલૉગ જેવી લાગતી આ વાત વર્ષ 2001ના 26 જાન્યુઆરીના દિવસે જાણે સાચી ઠરી હતી.

આ દિવસે અમુક સેકન્ડ સુધી ચાલેલા એક વિનાશક ભૂકંપે ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં સેંકડો લોકોનું જીવન હંમેશાં માટે બદલી નાખ્યું.

રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના આ ભૂકંપમાં 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા અને દસ લાખ લોકો બેઘર બની ગયા હતા.

આ ભૂકંપમાં ગુજરાતનાં ઘણાં શહેરો સહિત ભૂજ અને કચ્છનાં અન્ય ઘણાં શહેરોમાં ભારે વિશાન વેરાયો હતો. તેમજ 8000થી વધુ ગામડાંમાં મોટા પાયે નકુસાન થયું હતું.

હવે જ્યારે એ ગોઝારા દિવસને 25 વર્ષ પૂરાં થયાં છે ત્યારે પ્રજાસત્તાક દિવસની એ સવારે શું બન્યું હતું એ જાણવું પ્રાંસગિક બની જાય છે.

એ દિવસે ખરેખર શું બન્યું હતું?

એ દિવસે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો, દરમિયાન મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં હતા અને આખા રાજ્યમાં સ્કૂલમાં ભણતાં બાળકો પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ માટે કાં તો શાળાના મેદાન કાં તો ધાબા પર હાજર હતા.

ભૂકંપ એટલો ભયાનક હતો કે રાજ્યનાં ઘણાં શહેરો અને ગામડાંમાં ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેમાં સંખ્યાબંધ લોકો દટાતાં કુદરતી આફતને કારણે રાજ્યમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ ગઈ હતી.

વહેલી સવારે આવેલા ભૂકંપના ઝાટકા અનુભવાતાં ઘણા લોકો રસ્તા અને ખુલ્લાં મેદાનો તરફ જઈ પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

આ ભૂંકપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના ભચાઉમાં નોંધાયું હતું.

ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ અનુસાર આ વિનાશક ભૂકંપ 110 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અહેવાલ અનુસાર પાછલી અડધી સદીમાં નોંધાયેલ આ સૌથી વધુ શક્તિમાન ભૂકંપ હતો. 26 જાન્યુઆરી બાદ અમુક દિવસો સુધી નાના ઝાટકા અનુભવાયા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર એક દાવા પ્રમાણે પૃથ્વીના પેટાળના 23 કિલોમિટર અંદરથી 400 નાગાસાકી પરમાણુ બૉમ્બ જેટલી તાકાત પૃથ્વીની સપાટી સુધી પહોંચી હતી. જેના કારણે થયેલા ઝડપી અને વિનાશક ઝાટકામાં હજારો લોકોના જીવ ગયા હતા.

ભૂકંપની સૌથી વધુ અસર ભૂજમાં થઈ હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર આ ભૂકંપમાં 3 કરોડ 78 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં ઘણાં ઘર, શાળા, રસ્તા, સંચારપ્રણાલી અને વીજળીની લાઇનને નુકસાન થયું હતું.

ભૂકંપના થોડા સમય બાદ જ સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે કામચલાઉ હેલ્થ સેન્ટરો શરૂ કર્યાં. જેથી આપત્તિના સમયે ઈજાગ્રસ્તોની સારવાર અને રોગનું નિદાન અને સારવાર થઈ શકે. જેના કારણે ગંભીર રોગચાળો ફાટતો ટાળી શકાયો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે આ ભૂંકપના આંચકા 700 કિલોમિટરના વિસ્તાર સુધી અનુભવાયા હતા. જેમાં છ લાખ લોકો બેઘર બન્યા હતા. અહેવાલ પ્રમાણે ઘણાને આ ભૂંકપના કારણે થયેલ વિનાશને જોતાં એવું ભવિષ્ય ભાખ્યું હતું કે ગુજરાતને આ નુકસાનમાંથી બહાર આવતાં વર્ષો લાગશે. પરંતુ કાર્યક્ષમ પુન:સ્થાપન અને પુનર્નિર્માણની વ્યૂહરચનાને કારણે અમુક સમયમાં જ ગુજરાત ફરી આ આપત્તિમાંથી બેઠું થઈ શક્યું.

સમગ્ર નુકસાન પૈકી 81.5 ટકા જેટલું નુકસાન માત્ર કચ્છ જિલ્લામાં થયું હતું.

કચ્છના પૂર્વમાં ભારે નુકસાન થયું હતું. ભચાઉ નગર આખેઆખું ખંડિયેર બની ગયું હતું. અંજારમાં પણ સમગ્ર જૂનું શહેર વિનાશ પામ્યું હતું. સૌથી દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય એવો એક બનાવ પણ અંજારના ખત્રી ચોક ખાતે બન્યો હતો. જેમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થવા આવેલાં શિક્ષકો અને બાળકો સહિત 143 લોકો શાળાની ઇમારત ભૂકંપમાં ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યાં હતાં.

અમદાવાદમાં 81 બહુમાળી ઇમારતો પડી ભાંગી. જેમાં 752 લોકોના જીવ ગયા. અમદાવાદમાં પણ એક શાળાની ઇમારત પડતાં 33 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. સુરતમાં હરેકૃષ્ણ ઍપાર્ટમેન્ટ નામની સાત માળની ઇમારત જમીનદોસ્ત થઈ જેમાં 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૂળ આંચકા બાદ 953 આફ્ટર શૉક અનુભવાયા હતા.

'બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલી રહી'

કચ્છના દુધઈ ગામનાં રહેવાસી નીતા પંચાલ આ ભૂકંપ બાદ બે દિવસ સુધી તૂટી પડેલી ઇમારતના કાટમાળ નીચે દટાયેલાં રહ્યાં હતાં.

તેઓ ભૂકંપમાં પોતાની સ્કૂલે જતી વખતે મકાનના કાટમાળ નીચે ફસાઈ ગયાં હતાં.

તેઓ એ દિવસ અને એની અસર યાદ કરતાં કહે છે કે, "લશ્કરના જવાનોએ બહાર કાઢી ત્યારે મારી કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આર્મી હૉસ્પિટલમાં શરૂઆતની સારવાર મળી અને મને વિશેષ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવી. મારું જેની સાથે વેવિશાળ થયું હતું એમણે જોયું કે હું જીવનભર પથારીવશ રહીશ એટલે મને છોડી દીધી."

જોકે, જીવનમાં આ મહામુશ્કેલી આવી પડ્યા છતાં તેમણે હિંમત ન હારી અને પોતે પગભર બનીને પૅરા રમતવીર બની ગયાં.

હાલ, તેઓ વિકલાંગ બહેનો માટે સરકારી પ્રોજેક્ટ ચલાવે છે અને સેવાનાં કામ કરે છે. ગુજરાત સ્ટેટ ડિસેબિલિટી રિસ્પોન્સ સેન્ટરમાં કો-ઑર્ડિનેટર તરીકે પણ કામ કરે છે.

બાદમાં તેમને તેમની સેવા માટે ડિસેબિલિટી સોશિયલ વર્કર, ઉદ્ગમ વીમેન અચીવર ઍવૉર્ડ, વિલ્સ્ટર ઍવૉર્ડ અને નૅશનલ ડિસેબિલિટી વર્કર ઍવૉર્ડ સહિતના 15 જેટલા ઍવૉર્ડ મળ્યા છે.

'મારી સામે ઘર પડી ગયાં, પતિ દટાઈ ગયા...'

નીતા પંચાલની માફક જ ભૂજનાં રંજનબહેનનું મનોબળ પણ 2001નો ભૂકંપ નથી તોડી શક્યો.

તેઓ ભૂકંપનો એ દિવસ અને આ આફતે જીવનમાં સર્જેલા ઝંઝાવાતને યાદ કરતાં કહે છે, "એ દિવસ મને યાદ ના કરાવશો , મારું બધું લૂંટાઈ ગયું, મારા પતિ, અમારું મકાન બધું ગયું, હું અને મારો સાત વર્ષનો દીકરો રસ્તે આવી ગયાં હતાં, ન જાણે કેટલાય દિવસો સુધી માત્ર બિસ્કિટ ખવડાવી દીકરાનું પેટ ભર્યું."

પ્રારંભિક તકલીફો વેઠ્યા બાદ રંજનબહેને હામ ભીડી. પોતાના દીકરા માટે જે સમસ્યા વેઠવી પડી, તેવી બીજી કોઈ માતાએ ન વેઠવી પડે તે માટે દરરોજ વિશેષ પ્રયાસ કરે છે.

પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા અમદાવાદ પહોંચેલાં રંજનબહેને બાદમાં શહેરમાં સફળતા મેળવી. વિદેશમાં હોટલમાં નોકરી અને ટિફિન સર્વિસ થકી પોતાની ગાડી પાટે લાવી સફળતાની નવી કેડી પણ કંડારી દીધી.

જીવનમાં અનેક પડકારો છતાં હિંમત રાખીને આગળ વધનારાં આ ગુજરાતણ હવે તેમના જેવા નિરાધાર લોકોની મદદ કરવાથી ક્યારેય પીછેહઠ ન કરતાં હોવાનો દાવો કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન