બે મિનિટમાં ઊંઘ આવી જાય એ 'મિલિટરી સ્લીપ મેથડ' કઈ છે, નિષ્ણાતો શું કહે છે?

    • લેેખક, કેટ બોવી
    • પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ

દરેક વ્યક્તિ પથારીમાં પડતાંની સાથે ઝડપથી ઊંઘી જવા ઇચ્છતી હોય છે, પરંતુ વૈશ્વિક સ્તરે લાખો લોકો અનિદ્રાથી પીડાય છે.

અનુમાનમાં મોટો તફાવત જોવા મળે છે, પરંતુ અભ્યાસો સૂચવે છે કે પાંચથી પચાસ ટકા લોકો અનિદ્રાના દર્દીઓ છે.

રાતે ઊંઘવા માટે પડખાં ઘસવા પડતાં હોવાને કારણે ઘણા લોકો ઝડપથી ઊંઘી જવાના નુસખા શોધવા પ્રેરાય છે.

તેમાં વાયરલ 'મિલિટરી સ્લીપ મેથડ'નો પણ સમાવેશ થાય છે. આ પદ્ધતિ વ્યક્તિને બે જ મિનિટમાં પોઢાડી દેવાની ખાતરી આપે છે.

આ ટ્રેન્ડ ટિકટૉક પર લોકપ્રિય થયો છે. તેના વીડિયોઝને લાખો વ્યૂ મળ્યા છે.

એ વીડિયોના સર્જકો દાવો કરે છે કે કેટલાંક આસાન પગલાં લેવાથી વ્યક્તિને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.

અલબત, નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે આ વાયરલ મેથડ ખરેખર "ખતરનાક" અપેક્ષાઓ સર્જીને તમારા ઊંઘવાની ક્ષમતાને અવરોધી શકે છે.

મિલિટરી સ્લીપ મેથડ શું છે?

સૈનિકો વાસ્તવમાં તેમની ઊંઘની ગુણવત્તા બહેતર બનાવવા માટે જેનો ઉપયોગ કરે છે તેવી ટિપ્સ નિષ્ણાતો શેર કરી હતી.

એ ટિપ્સનો ઉપયોગ ઊંઘ ન આવતી હોય તેવા લોકો પણ કરી શકે છે.

અમેરિકન ટ્રેક ઍન્ડ ફિલ્ડ કોચ લોયડ "બડ" વિન્ટરે તેમના 1981ના પુસ્તક 'રિલેક્સ ઍન્ડ વિન'માં તેની સંકલ્પના પ્રસ્તુત કરી હતી.

અમેરિકન નૌકાદળની પ્રીફ્લાઇટ સ્કૂલના વિમાનચાલકો સારી રીતે ઊંઘી શકે અને જોરદાર તણાવની સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એટલા માટે વિન્ટરે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટેકનિક વિકસાવી હતી.

'રિલેક્સ ઍન્ડ વિન' પુસ્તકમાં વિદ્યાર્થીઓને નીચે મુજબનાં સૂચનો કરવામાં આવ્યાં છે.

  • ધીમેથી ઊંડા શ્વાસ લેવાની સાથે કપાળ, ખોપરી, જડબા અને ચહેરા પરની ત્વચાને રિલેક્સ કરો.
  • ખભાને ઢીલા કરો, ઊંડા શ્વાસ લો અને છોડો. તમારી છાતીને ઢીલી છોડી દો.
  • બાવડાના ગોટલાં, કાંડા સહિત તમારા આખા હાથને ખુરશી કે પલંગ પર એકદમ ઢીલા છોડી દો. બન્ને હાથ માટે વારાફરતી આવું કરો.
  • જાંઘથી શરૂ કરીને પિંડી, ઘૂંટી સુધી તમારા પગને રિલેક્સ કરો. બન્ને પગ માટે આવું કરો.
  • તમારા દિમાગમાંથી વિચારો હટાવી દો અને વસંત ઋતુના હૂંફાળા દિવસ કે શાંત સરોવર સામે હો તેવી આરામદાયક સ્થિતિની કલ્પના કરો.
  • જરૂરી હોય તો વિચારશૂન્યતાની સ્થિતિમાં આવી જાઓ અને ઓછામાં ઓછી દસ સેકન્ડ માટે અન્ય વિચારોને બહાર ધકેલી દો.

વિન્ટરે દાવો કર્યો હતો કે આ પદ્ધતિનો છ સપ્તાહ સુધી અભ્યાસ કરવાથી વિમાનચાલકો "દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં" બે મિનિટમાં ઊંઘવાનું શીખી જશે.

આ મિલિટરી મેથડ કામ ન કરે તો શું થાય?

નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવા ઝડપી પરિણામની અપેક્ષાથી ઊંઘવાના પ્રયાસો નબળા પડી શકે છે.

મિલિટરી ન્યૂરોસાયન્ટિસ્ટ અને નિદ્રા નિષ્ણાત ડૉ. ઍલિસન બ્રેગર કહે છે, "આ પદ્ધતિ વડે તમે ઊંઘી શકશો અથવા તમને બે મિનિટમાં જ ઊંઘ આવી જશે, એવું કહેવું તે એક ખતરનાક વિચાર છે."

સરેરાશ વ્યક્તિને નિદ્રામાં સરી પડવામાં લગભગ પાંચથી 20 મિનિટનો સમય લાગે છે. તેથી માત્ર બે મિનિટમાં ઊંઘી જવાનો પ્રયાસ કરવાથી તમે હતાશા અનુભવો તેવી અને અપૂરતી ઊંઘ થાય તેવી શક્યતા છે.

ડૉ. ઍલિસન બ્રેગર ઉમેરે છે, "કશુંક ખરેખર અશક્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીને તમે હતાશ થશો."

ડૉ. બ્રેગરના જણાવ્યા મુજબ, આ પદ્ધતિનો ખરેખર ઉપયોગ કરતા હોય એવા સૈનિકો વિશે તેઓ જાણે છે, પરંતુ સૈન્યના થકવી નાખતા કામને ધ્યાનમાં લેતાં, કેટલાક સૈનિકો થોડીવારમાં જ ઊંઘી જાય છે તેમાં આશ્ચર્યજનક કશું નથી.

ઝડપથી કેવી રીતે ઊંઘવું?

મનોચિકિત્સક અને નિંદ્રા ઔષધ સલાહકાર ડૉ. હ્યુ સેલ્સિકના કહેવા મુજબ, લશ્કરી ઊંઘ પદ્ધતિથી અનિદ્રાના દર્દીઓને રાહત મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે.

તેઓ કહે છે કે, "સામાન્ય રીતે કહું તો જે દર્દીઓએ મને એ પદ્ધતિ વિશે વાત કરી છે એમના માટે તે ઉપયોગી નથી. ઉપયોગી હોત તો તેઓ મારી સલાહ લેવા આવ્યા જ ન હોત."

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દર્દીઓ ઝડપથી ઊંઘવા ઇચ્છતા હોય તે શક્ય છે, પરંતુ તે કાયમ માટે સફળતાનો મુખ્ય સંકેત ન હોઈ શકે.

યુનિવર્સિટી કૉલેજ લંડન હૉસ્પિટલના સ્લીપ ક્લિનિકના વડા ક્લિનિશિયન ડૉ. હ્યુ સેલ્સિકના કહેવા મુજબ, "તમે લાંબા સમયથી ઊંઘ માટે સંઘર્ષ કરી રહ્યા હો તો તમે આદર્શ તથા સંપૂર્ણ નિદ્રાની કલ્પના દેખીતી રીતે કરશો."

તેઓ ઉમેરે છે, "તમે દિવસના મોટાભાગના સમયમાં સતર્ક રહેતા હો અને આરામ અનુભવતા હો તો તેનો અર્થ એ છે કે તમારી ઊંઘ બરાબર થઈ રહી છે."

આઠ કલાકની ઊંઘ આદર્શ છે, એવું લાંબા સમયથી માનવામાં આવે છે, પરંતુ તેનાથી બિનજરૂરી દબાણ સર્જાઈ શકે છે.

તેઓ કહે છે, "આઠ કલાકની ઊંઘનો આઇડિયા એક દંતકથા છે અને તે ખૂબ જ વિનાશક ભ્રમ છે."

હકીકતમાં અભ્યાસોનાં તારણો દર્શાવે છે કે ઊંઘની માત્રા, આંશિક રીતે આનુવંશિકતાને કારણે વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ હોય છે. તેનો કોઈ જાદુઈ આંકડો નથી.

ઊંઘના પ્રમાણની સરખામણી ડૉ. સેલ્સિક જૂતાના કદ સાથે કરે છે.

લોકોના જૂતાની સરેરાશ સાઇઝ છની હોઈ શકે છે, પરંતુ ઘણા લોકોએ સાઇઝ આઠ કે સાઇઝ ચારને જૂતા પણ પહેરવાં પડે છે.

એવી રીતે કેટલાક માટે સાતથી આઠ કલાકની, જ્યારે કેટલાક માટે તેનાથી ઓછી ઊંઘ જરૂરી હોય તેવું બની શકે છે.

તેઓ કહે છે, "તમારે તમને જરૂરી લાગતું હોય એટલા કલાક જ ઊંઘવું જોઈએ."

તમે ઝડપથી ઊંઘવા ઇચ્છતા હો તો તેઓ ત્રણ ટિપ આપે છે.

દરરોજ એક નિશ્ચિત સમયે જાગી જવાની ટેવ પાડવાથી એક નિશ્ચિત સમયે ઊંઘી જવામાં મદદ મળી શકે છે.

તેનો અર્થ એ છે કે તમે રોજ એક નિશ્ચિત સમયે થાકેલા હશો અને તમારું મસ્તક ઢળી જતું હશે.

દિવસે ઊંઘવાનું ટાળવું જોઈએ. દિવસે ઊંઘવાથી રાતની નિદ્રા મુશ્કેલ બને છે.

ત્રીજી ટિપમાં તેઓ ભારપૂર્વક જણાવે છે કે તમે થાકી ગયા હો ત્યારે જ તમારે ઊંઘવું જોઈએ. તમારું શરીર નિદ્રા માટે તૈયાર નહીં હોય અને તમે ઊંઘવા જશો તો "તમે લાંબા સમય સુધી જાગતા રહેશો."

"તેથી, સાંજનો આનંદ માણો. તમારી જાત માટે થોડો સમય કાઢો અને તમારું માથું ઢળી પડશે, તમારી આંખો બંધ થઈ રહી છે, તમે જે વાંચી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, એવું લાગે ત્યારે સમજવું કે સૂવાનો સમય થઈ ગયો છે."

સૈનિકો કેવી રીતે ઊંઘે છે અને તેમાંથી આપણે શું શીખી શકીએ?

બ્રિટિશ સૈન્યના નિદ્રા વિજ્ઞાન તથા ઔષધ નિષ્ણાત ડૉ. ઍલેક્સ રોક્લિફના કહેવા મુજબ, "મિલિટરી સ્લીપ મેથડ" એક ભ્રમ છે.

તેઓ કહે છે, "આ ટેકનિક્સનો કોઈ શારીરિક કે મનોવૈજ્ઞાનિક આધાર નથી."

તેઓ ઉમેરે છે કે આ પદ્ધતિ સાવ ખોટી નથી. સ્નાયુઓને તબક્કાવાર આરામ આપવાની અને શ્વાચ્છોશ્વાસની ટેકનિક્સ સૈનિકોને આજે પણ શીખવવામાં આવે છે.

એક રૂમમાં 12 લોકો રહેતા હોય અને તેમાં ઊંઘવાથી લશ્કરી તાલીમાર્થીઓ તથા કર્મચારીઓને ખલેલવિહિન નિદ્રા લેવામાં મુશ્કેલી પડી શકે છે. તેમને આંખના માસ્ક, ઇયરપ્લગ્સ અને સૉફ્ટ-ક્લોઝિંગ દરવાજા જેવી સરળ વ્યવસ્થા મદદરૂપ થઈ શકે.

આત્યંતિક વાતાવરણમાં સૈનિકો જે સ્લીપ ટેકનિક્સનો ઉપયોગ કરે છે તે ટેકનિક્સ ચોક્કસ લોકો માટે ઉપયોગી થઈ શકે છે.

જોરદાર તણાવની સ્થિતિમાં હોય તેવા લોકો રાતે સારી રીતે ઊંઘી શકતા નથી. તેથી તેમને શક્ય હોય ત્યારે વ્યૂહાત્મક નિદ્રા લેવાની સલાહ આપવામાં આવે છે.

રાતે ઝડપથી ઊંધવા ઇચ્છતા લોકોને ટૂંકી નિદ્રા લેવાની સલાહ આપવામાં આવતી નથી, પરંતુ સ્તનપાન કરાવતી માતાઓ જેવા લોકોની રાતની ઊંઘમાં વ્યાપક વિક્ષેપ સર્જાતો હોય છે. આવા લોકો વ્યૂહાત્મક ઊંઘ લઈ શકે છે.

ન્યૂરોસાયન્ટિસ્ટ બ્રેગર જણાવે છે કે નાગરિકો સૈન્ય પાસેથી અન્ય એક કૌશલ્ય શીખી શકે છે.

ઊંઘનું રૂટિન બનાવવાથી મગજને એવો સંકેત મળી શકે છે કે ઊંઘ ઓછી કરવાનો સમય આવી ગયો છે.

તેઓ કહે છે, "શિસ્ત મહત્ત્વની છે. શિસ્ત સ્થાપિત કરવામાં અને વિક્ષેપો ઘટાડવામાં સૈન્યનું કામ સારું હોય છે."

પથારીમાં સૂવું, ફોન બંધ કરવો, પુસ્તક વાંચવું અને દરરોજ રાતે નિયત સમયે જ લાઇટ બંધ કરવી એ સારી શરૂઆત છે.

બ્રેગર કહે છે, "શરીર તેને ઝડપથી અપનાવી લેશે અને તમે રોજેરોજ એવું કરશો તો તમને ઊંઘવામાં કોઈ સમસ્યા નહીં નડે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન