પાતળા થવાનાં ઇન્જેક્શનો વિશે સાંભળ્યું છે? એકવાર લીધા પછી આવું થાય

    • લેેખક, મિશેલ રોબર્ટ્સ
    • પદ, ડિજીટલ હેલ્થ એડિટર

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો વજન ઘટાડવા માટે માઉન્જારો કે વેગોવી જેવાં ઇન્જેક્શન્સ લેવાનું બંધ કરી દે છે, તેમનું વજન પરંપરાગત ડાયેટિંગ અને વ્યાયામ બંધ કરી દેનારા લોકોની તુલનામાં ચાર ગણી ઝડપથી વધવાની શક્યતા રહે છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલો ડેટા દર્શાવે છે કે, વધુ વજન ધરાવનારા લોકો ઇન્જેક્શનનો ઉપયોગ કરીને સારું એવું — તેમના કુલ વજનના પાંચમા ભાગ જેટલું — વજન ઘટાડી દેતા હોય છે, પણ એક વખત ઇન્જેક્શન લેવાનું બંધ કરે, તે સાથે જ દર મહિને સરેરાશ 0.8 કિલોગ્રામ જેટલું વજન વધવા માંડતું હોય છે.

તેનો અર્થ એ કે, દોઢ વર્ષમાં જ તેમનું વજન ફરી સારવાર પહેલાં હતું તેટલું જ થઈ જાય છે. આથી, બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં સંશોધક ડૉક્ટર સુઝાન જેબ સલાહ આપે છે, "આવાં ઉત્પાદનો ખરીદનારા લોકોને સારવાર પૂરી થાય ત્યારે ફરીથી વજન વધવાની સમસ્યા વિશે જાણકારી હોવી જોઈએ."

તેઓ ભારપૂર્વક કહે છે કે, ઉપરોક્ત તારણો વાસ્તવિક જીવનના બદલે તબીબી પરીક્ષણો થકી પ્રાપ્ત થયાં છે અને વજન ઘટાડનારાં નવાં ઇન્જેક્શનોની લાંબા ગાળાની અસરો પર વધુ અભ્યાસ ઉપયોગી બની રહેશે.

ઝડપથી લોકપ્રિય થયેલાં ઇન્જેક્શનોની પરંપરાગત ડાયેટિંગ કે અન્ય દવાઓ સાથે તુલના કરવા માટે સંશોધકોએ 9,000 કરતાં વધુ દર્દીઓ પર થયેલા 37 અભ્યાસોનું વિશ્લેષણ કર્યું હતું. આ પૈકીના માત્ર આઠ અભ્યાસોમાં જ વેગોવી અને માઉન્જારો જેવી નવી જીએલપી-1 (GLP-1) દવાઓની સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને આ અભ્યાસોમાં દવા બંધ કર્યા બાદનો મહત્તમ ફોલો-અપ પીરિયડ એક વર્ષ હતો. આથી, આ આંકડાઓ અંદાજિત છે.

સંશોધકોના મત અનુસાર, જે લોકો ઇન્જેક્શન લેવાને બદલે ડાયેટનો માર્ગ અપનાવે છે, તેમનું વજન પ્રમાણમાં ઓછું ઘટવાની શક્યતા રહે છે, પણ તે પછી જ્યારે વજન વધવા માંડે, ત્યારે પણ તેમનું વજન એટલું જલદી નથી વધતું, કદાચ મહિને 0.1 કિલોગ્રામ જેટલું વધે છે. જોકે, તેમાં ભિન્નતા પ્રવર્તી શકે છે.

ટૂંકા ગાળાનો ઈલાજ?

બ્રિટનની આરોગ્ય સંસ્થા એનએચએસ (NHS) મેદસ્વિતા સંબંધિત આરોગ્યલક્ષી જોખમો ધરાવતા હોય માત્ર તેવા લોકો માટે જ ઇન્જેક્શનો લેવાની ભલામણ કરે છે અને માત્ર સહેજ પાતળા થવા માગતા હોય તેવા લોકોને આવાં ઇન્જેક્શનોથી દૂર રહેવાની સલાહ આપે છે.

વળી, ડૉક્ટરોએ જીવનશૈલીમાં ફેરફાર કરવાનું પણ સૂચન કરવું જોઈએ; જેમ કે, વજન વધી ન જાય તે માટે તંદુરસ્ત આહાર લેવો અને પૂરતા પ્રમાણમાં વ્યાયામ કરવો.

ઘણા લોકો કહે છે કે, બીમારી ફરી થવાના જોખમને ધ્યાનમાં રાખતાં, આ સારવાર જીવનભર ચાલુ રહે તે અંગે વિચારવું જોઈએ.

ઇન્જેક્શન બંધ કરવાનો પ્રયત્ન કરનારા લોકો આ સારવારને એક સ્વિચ જેવી ગણાવે છે, "જે ચાલુ થાય તે સાથે તમને તરત જ ભૂખ લાગવા માંડે છે."

એક મહિલાએ જણાવ્યું હતું: "એવું લાગે કે જાણે મારા દિમાગમાં કશું ખૂલ્યું હોય અને તેણે મને કહ્યું હોય: 'બધું જ ખાવા માંડ, ખાધા રાખ, તારે ખાવું જોઈએ, કારણ કે તેં લાંબા સમયથી કશું ખાધું નથી'."

બ્રિટનની યુનિવર્સિટી ઑફ સરેમાં પોષણ નિષ્ણાત ડૉક્ટર ઍડમ કોલિન્સના મતાનુસાર, એક વખત વજન ઘટાડવાનાં ઇન્જેક્શનો લેવાનું બંધ કરી દીધા બાદ વજન શા માટે ઝડપથી વધવા માંડે છે, તેનો જવાબ આ ઇન્જેક્શનો મગજ અને શરીરમાં કેવી રીતે કામ કરે છે તે સમજવાથી મેળવી શકાશે.

તેઓ ભૂખનું નિયમન કરતા જીએલપી-1 નામના એક કુદરતી હોર્મોનની નકલ કરે છે. "લાંબા ગાળા સુધી કૃત્રિમ રીતે જીએલપી-1નું સ્તર સામાન્ય કરતાં અનેકગણું વધારે પૂરું પાડતા રહેવાથી વ્યક્તિના શરીરમાં કુદરતી જીએલપી-1 ઉત્પન્ન થવાનું પ્રમાણ ઓછું થઈ શકે છે અને તેની અસરો પ્રત્યેની વ્યક્તિની સંવેદનશીલતા પણ ઓછી થઈ શકે છે."

"દવા ચાલુ હોય તે સમયે કોઈ સમસ્યા જણાતી નથી, પણ આ જીએલપી-1 'ફિક્સ' લેવાનું બંધ કરવામાં આવે તે સાથે જ ભૂખ પર કોઈ નિયંત્રણ રહેતું નથી અને અતિશય ભોજન લેવાની સંભાવના ઘણી વધી જાય છે."

અમુક વર્તણૂક અચાનક જ છોડી દેવી ઘણી મુશ્કેલ છે, એમ તેઓ કહે છે. "વળી, જો વ્યક્તિ વજન ઘટાડવા માટે માત્ર જીએલપી-1 પર જ નિર્ભર હોય અને લાંબા ગાળે મદદરૂપ થાય તે પ્રકારે આહાર કે જીવનશૈલીમાં ફેરફાર કર્યા વિના કૃત્રિમ રીતે ભૂખ દબાવી દે, તો પરિસ્થિતિ વધુ કથળે છે."

આરોગ્ય લાભ

તાજેતરના અંદાજ પ્રમાણે, ગયા વર્ષે બ્રિટનના 16 લાખ પુખ્ત લોકોએ આ પ્રકારનાં ઇન્જેક્શનો લીધાં હતાં, જે પૈકીનાં મોટા ભાગનાં ઇન્જેક્શનો એનએચએસને બદલે અંગત, મોટા ભાગે ખાનગી નુસખાને પગલે ખરીદવામાં આવ્યાં હતાં.

2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાષ્ટ્રીય સ્તરે થયેલા પ્રતિનિધિ સર્વેના આધારે 'કેન્સર રિસર્ચ યુકે'એ જણાવ્યું હતું કે, અન્ય 33 લાખ લોકોએ કહ્યું હતું કે તેઓ આગામી વર્ષે આ "પાતળા થવાનાં ઇન્જેક્શનો"નો ઉપયોગ કરવામાં રસ ધરાવે છે. જેનો અર્થ એ કે, પ્રત્યેક 10માંથી એક પુખ્ત વ્યક્તિએ કાં તો આ ઇન્જેક્શનો અજમાવી જોયાં છે અથવા તો તેઓ તેમનો ઉપયોગ કરવા માગે છે.

વળી, પુરુષોની તુલનામાં મહિલાઓમાં તેનો વપરાશ બમણો રહ્યો હતો અને 40થી 50 વર્ષના વયજૂથના લોકોમાં તેનો વપરાશ વધુ જોવા મળ્યો હતો. ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર નવીદ સત્તારે જણાવ્યું હતું કે, આ ઇન્જેક્શનો વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરીને ઉમેરારૂપ આરોગ્ય લાભ પૂરા પાડી શકે છે.

"આવી દવાઓનો ટૂંકા ગાળા માટે ઉપયોગ કરીને બેથી ત્રણ વર્ષ સુધી પાતળા રહેવાથી સાંધા કે હૃદય અને કિડનીને થતું નુકસાન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ વિશે વિસ્તૃત વિગતો મેળવવા માટે વ્યાપક અને લાંબા ગાળાનાં પરીક્ષણોનાં પરિણામો આવશ્યક બની રહેશે."

"મહત્ત્વની વાત એ છે કે, ત્રણથી ચાર વર્ષ સુધી આ દવાઓનો સતત ઉપયોગ કરવાથી લોકો તેમના સામાન્ય વજન કરતાં ઘણું ઓછું વજન જાળવી રાખી શકે છે. આવો લાભ તેમને જીવનશૈલી બદલીને વજન ઉતારવામાં મળ્યો ન હોત, જેમાં સમય વીતવા સાથે ઘણા લોકોનું વજન ફરી પાછું વધવા માંડે છે."

સામાન્ય ચિકિત્સકો અને સ્પેશ્યાલિટી વેઇટ મૅનેજમેન્ટ સર્વિસિસ પોતાની મેળે માઉન્જારો જેવી દવાઓ સૂચવી શકતા નથી, પછી ભલે દર્દી સ્વયં ખાનગી રાહે તે દવાઓ લઈ ચૂક્યા હોય. જે દર્દીઓને તબીબી દૃષ્ટિએ ગંભીર રીતે આ દવાઓની આવશ્યકતા હોય અને જે દર્દીઓ વજન સંબંધિત આરોગ્ય તકલીફો જેવા ચોક્કસ માપદંડોમાં આવતા હોય, માત્ર તેમને જ આ દવાઓ આપી શકાય છે. હાલમાં એનએચએસ પર માઉન્જારોના પ્રિસ્ક્રિપ્શન માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, જ્યારે વેગોવી વધુમાં વધુ બે વર્ષ માટે સૂચવી શકાય છે.

માઉન્જારો બનાવતી દવા ઉત્પાદક કંપની એલી લિલીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વજન ઉતારનારી દવાઓના ઉપયોગની સાથે-સાથે તંદુરસ્ત આહાર, શારીરિક પ્રવૃત્તિ અને તબીબી સલાહનું અનુસરણ કરવું પણ જરૂરી બની રહે છે. "જ્યારે સારવાર બંધ કરી દેવામાં આવે, ત્યારે વજન ફરી પાછું વધી શકે છે, જે પ્રયાસના અભાવ કરતાં સ્થિતિની જૈવિકતા વધુ દર્શાવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન