ભારતના પહેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કેવી રીતે થઈ હતી?

    • લેેખક, આરવી સ્મિથ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. તેવામાં આજથી 76 વર્ષ પહેલાં દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો હતો, તેને યાદ કરવું ખૂબ જ રસપ્રદ છે.

તે દિવસે પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હીના 'પુરાના કિલ્લા'ની સામે બ્રિટિશ સ્ટેડિયમમાં થઈ હતી.

આ જગ્યાએ આજે દિલ્હીનું પ્રાણીસંગ્રહાયલ છે અને સ્ટેડિયમની જગ્યાએ નૅશનલ સ્ટેડિયમ છે.

દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પ્રજાસત્તાક ભારતમાં પહેલી વખત ત્રિરંગો ફરકાવ્યો અને પરેડની શરૂઆત થઈ હતી.

સૌથી પહેલાં તોપોની સલામી આપવામાં આવી હતી. તોપોની સલામી દરમિયાન 'પુરાના કિલ્લા'માં તેના પડઘા સંભળાયા હતા.

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ ત્યાં હાજર હતા, તેમની સાથે સી. રાજગોપાલાચારી પણ હતા.

તેઓ છેલ્લા બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબૅટનની જગ્યાએ ગવર્નર જનરલનું પદ સંભાળી રહ્યા હતા.

પ્રજાસત્તાક દેશોમાં ભારત સામેલ

પ્રજાસત્તાક દિવસનો અર્થ હતો કે ભારત પોતાની જમીન પરથી વિદેશી શાસનની અંતિમ નિશાનીઓને હઠાવીને પ્રજાસત્તાક રાષ્ટ્રોના મંડળમાં સામેલ થવા જઈ રહ્યું હતું.

કિંગ જ્યૉર્જ પાંચમાએ ભારતને શુભકામનાઓ પાઠવી હતી અને તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે નવો સ્વતંત્ર બની રહેલો દેશ રાષ્ટ્રમંડળ દેશોમાં સામેલ થશે.

જોકે, થોડા સમય બાદ જ કિંગનું અવસાન થયું હતું. ભારતમાં આ શોક સમાચાર પર શ્રદ્ધાંજલિ સ્વરૂપે સાર્વજનિક રજાની ઘોષણા કરવામાં આવી હતી.

પહેલા પ્રજાસત્તાક દિવસના સમયે અફવાઓ ઊડી હતી કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાના 'દિલ્હી ચલો' અભિયાનને લઈને ફરી એક વખત લોકોની સામે પ્રગટ થઈ શકે છે.

રાજપથ પર નહોતી નીકળી પરેડ

1950માં યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડ આજની સરખામણીએ એટલી ભવ્ય નહોતી.

પરંતુ તે છતાં તે છાપ છોડવા લાયક અને ભારતવાસીઓના મનમાં યાદગાર બનવાને લાયક તો હતી જ.

ભૂમિદળ, વાયુ અને જળ સેનાઓની કેટલીક ટુકડીઓએ આ પરેડમાં ભાગ લીધો હતો. જો કે તે સમયે કોઈ પ્રકારની ઝાંખીઓનું પ્રદર્શન થયું ન હતું.

જે રીતે હાલ પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથ પર પસાર થઈને લાલ કિલ્લા સુધી જાય છે તેવું એ સમયે થતું ન હતું. તે સમયે પરેડ સ્ટેડિયમમાં જ થતી હતી.

હવાઈ કરતબ કરનારાં વિમાનોમાં જેટ કે થંડરબૉલ્ટ સામેલ નહોતાં, તેમની જગ્યાએ ડકોટા અને સ્પિટફાયર જેવા નાનાં વિમાનોનો ઉપયોગ થતો હતો.

જનરલ ફિલ્ડ માર્શલ કરિઅપ્પા ભારતીય સેનાના પહેલા પ્રમુખ હતા, જેમણે બ્રિટીશ- ભારતીય સેનામાં ઘણાં પદક પ્રાપ્ત કર્યાં હતાં.

જવાનોની એક ટુકડીને તેમણે ફૌજી હિંદીમાં કહ્યું હતું, "આજે આપણે પણ સ્વતંત્ર છીએ, તમે પણ સ્વતંત્ર છો અને આપણી ગલીના કૂતરા પણ સ્વતંત્ર છે."

તેમના અવાજે ત્યાં જોશનો એક અલગ જ માહોલ ઊભો કરી દીધો હતો.

'ચાંદની ચોક'ની ચમક

હાજી જહુરુદ્દીન કે જેઓ વર્ષ 1901માં રાણી વિક્ટોરિયાના નિધન સમયે એક સ્કૂલના વિદ્યાર્થી હતા.

પહેલા પ્રજાસત્તાક દિવસના અવસર પર જામા મસ્જિદ વિસ્તારમાં તેમની એક હોટલ હતી.

એ દિવસે તેઓ હાજી કલાંની સૌથી પ્રખ્યાત દુકાનથી મીઠાઈ ખરીદીને લાવ્યા હતા અને આખા વિસ્તારમાં વહેંચી હતી.

ચાંદની ચોકમાં 'ઘંટેવાલા હલવાઈ' તરફથી મીઠાઈ વહેંચવામાં આવી હતી.

તેમણે પોતાની દુકાન 18મી સદીના અંતમાં શાહ આલમના શાસનકાળ દરમિયાન શરૂ કરી હતી.

પહેલા પ્રજાસત્તાક દિવસના અવસર પર ચાંદની ચોક ઘણા રંગોથી રંગાયેલું હતું. લાલ મંદિરથી માંડીને ફતેહપુરી મસ્જિદ સુધી લોકોની ભીડ હાથોમાં ફૂલની માળાઓ અને ત્રિરંગા લઈને હાજર હતી.

ફૂલબજારના દુકાનદારોએ ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો.

લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. તેમને એ વાતનો અહેસાસ હતો કે તેઓ હવે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ચૂક્યા છે.

ગુરુદ્વારા શીશ ગંજમાં મોટા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જ રીતે ગુરુદ્વારા બંગલા સાહેબ અને રકાબગંજમાં પણ મોટી સંખ્યામાં લોકો પૂરી-શાક અને હલવો ખાવા માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા.

સૌથી ફૅશનેબલ બજાર કનૉટ પ્લેસ

કનૉટ પ્લેસની અસલી સુંદરતા તો એ દિવસે જોવા મળી રહી હતી. કેમ જોવા ન મળે, આખરે તે રાજધાનીનું સૌથી ફૅશનેબલ બજાર હતું.

કનૉટ પ્લેસની ગલીઓમાં નાચતા રામ લાલને જોઈ શકાતા હતા.

રામ લાલ બ્રિટીશ સૈનિકોના પગ દબાવતા હતા. લાલ કિલ્લાની આસપાસ તહેનાત અંગ્રેજ જવાન ઘણી વખત શનિવાર અને રવિવારે તેમની પાસે પોતાના પગ દબાવડાવવા માટે આવતા હતા.

વૃદ્ધ વયે પહોંચી ચૂકેલા રામ લાલ એ સમયને યાદ કરતા જણાવે છે કે એક જવાને તેમને 100 રૂપિયાની નોટ આપી હતી.

જ્યારે તેઓ બાકી બચેલા પૈસા આપવા જવાનની પાછળ ભાગ્યા તો જવાનને લાગ્યું કે તેઓ તેમની પાસે વધારે પૈસા માગવા માટે આવી રહ્યા છે.

એ જ કારણોસર જવાને તેમને બંદૂક દેખાડી દીધી હતી. તે સમયે 100 રૂપિયાની નોટ આજના 1000 રૂપિયા સમાન હતી.

ફતેહપુરીમાં રહેતા મુસ્લિમ પરિવારોએ પોતપોતાનાં ઘરોમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.

મટિયા મહેલની ઘણી હોટલ જેમ કે કરીમ અને જવાહરે ભિખારીઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરી હતી.

કબાબ અને દૂધના વેપારીઓએ પોતાના ગ્રાહકોને ભારે છૂટ આપી હતી.

યુવતીઓનું નૃત્ય

રાત્રિના સમયે દરેક ખાનગી અને સાર્વજનિક ભવનોને સુંદર રોશનીથી સજાવવામાં આવ્યા હતા. વાઇસરૉય ભવન જે હવે રાષ્ટ્રપતિ ભવન છે, તેને તો દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.

આ સિવાય સંસદ ભવન, નૉર્થ બ્લૉક, સાઉથ બ્લૉક, કેન્દ્રીય સચિવાલય, ઇન્ડિયા ગેટ અને ઑલ ઇન્ડિયા રેડિયોની ઇમારત પણ એકથી ચઢિયાતી એક પ્રકારની સુંદર રોશનીમાં ડૂબેલી જોવા મળી હતી.

નવી દિલ્હીની મોટી-મોટી હોટલ અને રેસ્ટોરાંમાં ગીત-સંગીતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમાં મુખ્ય ડેવિકોસ અને ગેલોર્ડ હોટલ હતી.

ઍંગ્લો-ઇન્ડિયન ક્લબ તરફથી કરવામાં આવેલી ડાન્સની રજૂઆતની દરેક જગ્યાએ ચર્ચા હતી.

આ આયોજનમાં ભાગ લેવા માટે સેન્ટ જ્યૉર્જ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલની દીકરીઓ આગ્રાથી દિલ્હી આવી હતી.

ત્રણેય યુવતીઓની સુંદરતાની ચર્ચા ચારે તરફ થવા લાગી હતી.

ત્યાં હાજર ઘણા યુવાન પુરુષ યુવતીઓ પર પોતાનું મન હારી રહ્યા હતા. છોકરીઓ ઊંચી હીલના સેન્ડલ અને સ્કર્ટ પહેરીને આવી હતી.

આ દરમિયાન ઘટેલી એક ઘટનામાં જિમ્મી પરેરા નામના એક યુવકે પોતાના દાંત ગુમાવ્યા હતા.

તેમની ગર્લફ્રૅન્ડ પર બીજા કેટલાક યુવાનોએ ટિપ્પણી કરી દીધી હતી અને આ જ કારણોસર બન્ને યુવાનો વચ્ચે લડાઈ થઈ ગઈ હતી.

ઍંગ્લો-ઇન્ડિયન સંગઠનના અધ્યક્ષ સર હેનરી ગિડને અને ઉપાધ્યક્ષ ફ્રૅંક ઍન્થનીએ ભાષણો આપ્યાં હતાં. તેમણે લોકોને નવા પ્રજાસત્તાક રાષ્ટ્રની શુભકામનાઓ પાઠવી હતી અને દેશ પ્રત્યે નિષ્ઠાના શપથ અપાવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવન પર રાત્રિભોજન

આ વચ્ચે સૌથી વધારે ચર્ચા જે વાત અંગે થઈ હતી તે હતું રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારું રાત્રિભોજન.

પંડિત નહેરુ પોતાનાં દીકરી ઇંદિરા ગાંધી સાથે ત્યાં હાજર હતા. તેમની સાથે રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, સરદાર બલદેવ સિંહ અને કપૂરથલાનાં રાજકુમારી અમૃત કૌર પણ સામેલ થયાં હતાં.

કશ્મીરી ગેટ વિસ્તારમાં રહેતા પંડિત રામચંદર તે સમયે 90 વર્ષના હતા.

તેમણે એ દિવસને યાદ કરતા કહ્યું છે કે તેમણે દિલ્હીનું આટલું ભવ્ય સ્વરૂપ ક્યારેય નથી જોયું. રાણી વિક્ટોરિયાની ગોલ્ડન જ્યુબલી સમયે પણ નહીં.

સર હેનરી ગિડનીએ તે સમયે એક વાત કહી હતી, જેને નકારી શકાતી નથી.

તેમણે કહ્યું હતું કે ભારત એ ધરા છે જ્યાં સભ્યતા તેની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી, તે હવે ફરી એ જ સભ્યતાને પ્રાપ્ત કરવા તરફ પગલું આગળ વધારશે.

હેનરીનો જન્મ 1873માં થયો હતો અને તેમણે પૂર્વોત્તર ભારતમાં અંગ્રેજોના અભિયાનમાં ભાગ લીધો હતો.

પોતાના આ કથનની સાથે તેઓ એક પ્રકારે મહાન જર્મન ભાષાવિદ મૅક્સમ્યુલરની વાત કહી રહ્યા હતા.

મેક્સ મ્યુલરે કહ્યું હતું, પ્રજાસત્તાક દિવસની આ ધૂમધામ વચ્ચે, રોશનીની ચમક વિખેરતો અંતિમ દીપક ઓલવાય તે પહેલાં, તમામ મુશાયરા અને કવિ સંમેલનોના માધ્યમથી આ યાદગાર અવસર પર એ સ્વપ્ન જીવીત રહેવું જોઈએ, અલ્લામા ઇકબાલના એ અમર શબ્દ હંમેશાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ગુંજતા રહેવા જોઈએ :

"હિંદી હૈ હમ, વતન હૈ, હિન્દુસ્તાન હમારા!"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન