અરિજિતસિંહે કહ્યું, "હવે પ્લૅબેક સિંગર તરીકે કોઈ ગીત નહીં ગાઉં" - ન્યૂઝ અપડેટ

પ્રખ્યાત ગાયક અરિજિતસિંહે જાહેરાત કરી છે કે હવેથી તેઓ પ્લૅબેક સિંગર તરીકે કોઈ નવું કામ કરશે નહીં.

સોશિયલ મીડિયા પર તેમની જાહેરાત પછી, તેમના વિશે ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, કારણ કે તાજેતરના વર્ષોમાં, અરિજિતસિંહે બૉલીવૂડના ઘણાં હિટ ગીતો ગાયાં છે.

તેમણે તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ જાહેરાત કરી છે .

તેમણે લખ્યું, "નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. હું મારા બધા શ્રોતાઓનો આભાર માનવા માંગુ છું જેમણે મને વર્ષોથી આટલો પ્રેમ આપ્યો છે."

"હું કહેવા માગું છું કે હવેથી હું પ્લૅબેક સિંગર તરીકે કોઈ નવું કામ હાથ ધરીશ નહીં. હું તેને અહીં જ સમાપ્ત કરી રહ્યો છું. આ ખૂબ જ સુંદર સફર રહી છે."

તેમની આ જાહેરાતથી તેમના ચાહકો દુ:ખી છે અને સોશિયલ મીડિયા પર અનેક લોકો પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોને તેમના પાછા ફરવાની રાહ હતી. ચાહકોને એમ હતું કે તેઓ કોઈ નવા અવતારમાં જોવા મળશે. પરંતુ તેમણે આ જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે.

અદાણી સમૂહ હવે વિમાન પણ બનાવશે, કઈ કંપની સાથે કર્યા કરાર?

અદાણી ગ્રુપ અને બ્રાઝિલની વિમાન ઉત્પાદક કંપની ઍમ્બ્રેયરે મંગળવારે ભારતમાં વિમાન બનાવવા માટેના એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'બંને કંપનીઓ એક 'એસેમ્બલી લાઇન' સ્થાપિત કરવાનું ધારે છે અને વિમાન ઉત્પાદન, વ્યાપક ઉડ્ડયન સપ્લાય ચેઇન અને પાઇલટની તાલીમમાં સહયોગ કરશે.'

અદાણી ઍરપૉર્ટ હૉલ્ડિંગ્સ લિમિટેડના સીઈઓ જીત અદાણીએ જણાવ્યું હતું કે , "આજે અદાણી ડિફેન્સ વિશ્વના અગ્રણી વિમાન ઉત્પાદકોમાંના એક ઍમ્બ્રેયર સાથે ઐતિહાસિક ભાગીદારી કરી રહ્યું છે તે ખૂબ જ ગર્વની વાત છે."

તેમણે કહ્યું હતું કે, "સાથે મળીને, આપણે ભારતમાં એક પ્રાદેશિક વિમાન ઉત્પાદન સુવિધા અને એક અનોખી વિમાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરીશું. એક એવો પ્રોજેક્ટ જે આપણા દેશમાં ઉડ્ડયનના ભવિષ્યને ફરીથી આકાર આપશે. આ ભાગીદારી ફક્ત એક વ્યવસાયિક સોદો નથી, આ એક સાકાર થઈ રહેલું વિઝન છે."

જીત અદાણીએ કહ્યું, "આ આત્મનિર્ભર ભારતના રાષ્ટ્રીય મિશનને અનુરૂપ, પોતાની ધરતી પર વિશ્વકક્ષાની ઉડ્ડયન ક્ષમતાઓ વિકસાવવાના ભારતના દૃઢ નિશ્ચયને દર્શાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે સાહસિક સુધારાઓ અને મહત્વાકાંક્ષી પહેલો શરૂ કરી છે જેણે માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગોમાં પરિવર્તન લાવી દીધું છે."

બાંગ્લાદેશ સરકારનો નિર્ણય, ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન પ્રોજેક્ટ રદ કર્યો

બાંગ્લાદેશન વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાય ખાતે ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી છે.

ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોનના સ્થાને એક સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક બનાવવાનો નિર્ણય લેવાયો છે.

બીબીસી બાંગ્લા પ્રમાણે, બાંગ્લાદેશ આર્થિક ક્ષેત્ર સત્તામંડળ (બીઇઝેડએ)ના કાર્યકારી અધ્યક્ષ ચૌધરી આશિક મહમૂદ બિન હારુને સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં આ જાણકારી આપી.

આ પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમ પણ હાજર હતા. આ જાણકારી સમાચાર એજન્સી બીએસએસ દ્વારા અપાઈ છે.

આ નિર્ણય સોમવારે ઢાકાના તેજગાંવસ્થિત મુખ્ય સલાહકારના કાર્યાલયમાં બીઇઝેડએ ગવર્નિંગ બોર્ડની બેઠકમાં લેવાયો. બેઠકની અધ્યક્ષતા વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે કરી.

બીઇઝેડએના કાર્યકારી અધ્યક્ષ આશિક મહમૂદે જણાવ્યું કે મીરસારયમાં ભારતને ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન બનાવવા માટે મોટા પાયે જમીન અપાઈ હતી. આ પ્રોજેક્ટ રદ થઈ જવાને કારણે આ જમીનને નવા સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરાયો છે.

હાલના વૈશ્વિક સંઘર્ષોનું ઉદાહરણ આપતાં ચૌધરી આશિક મહમૂદે કહ્યું કે ક્યારેક-ક્યારેક આધુનિક ફાઇટર પ્લેનની કમી નહીં, પરંતુ દારૂગોળા જેવાં પાયાની વસ્તુઓની કમી જ મોટા સંકટનું કારણ બને છે. તેમણે ઘરઆંગણે આવાં ઉપકરણોના ઉત્પાદન માટેની ક્ષમતા વિકસિત કરવાની જરૂરિયાતની વાત પર ભાર મૂક્યો.

આખા દેશમાં ઘણા સરકારી બૅંકોના કર્મચારી હડતાળ પર, તેમની માગ શું છે?

સમગ્ર દેશમાં મંગળવારે સરકારી બૅંકોના કામકાજ પર અસર પડી છે, કારણ કે યુનાઇેટડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ પાંચ દિવસના કાર્ય સપ્તાહની માગ અંગે દેશવ્યાપી હડતાળ કરી.

યુએફબીયુ નવ યુનિયનોનો એક સંયુક્ત મંચ છે, જે બૅંક અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

આ હડતાળ 23 જાન્યુઆરીના રોજ મુખ્ય શ્રમ આયુક્ત સાથે થયેલી સુલેહ બેઠક પરિણામવિહોણી રહ્યા બાદ બોલાવાઈ હતી.

ઑલ ઇન્ડિયા બૅન્ક ઇમ્પ્લૉઇઝ ઍસોસિયેશન (એઆઇબીઇએ)ના મહાસચિવ સીએચ વેંકટચલમે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું, "જો સરકાર અમારી માગ સાથે સંમત ન થઈ અને કોઈ હકારાત્મક પરિણામ ન આવ્યું, તેથી અમારે પરાણે હડતાળ કરવી પડી."

"બૅંક કર્મચારી અને અધિકારી અત્યંત નારાજ છે, કારણ કે માત્ર તેમની સાથે જ ભેદભાવ કરાઈ રહ્યો છે."

કર્મચારી અને અધિકારી હડતાળમાં સામેલ રહ્યા હોવાને કારણે હડતાળના કારણે દેશના મોટા ભાગની સરકારી બૅંકોની શાખાઓ કાં તો સંપૂર્ણપણે બંધ રહી અથવા તો આંશિકપણે ખૂલી.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ, મોદીએ કહ્યું, 'મધર ઑફ ઑલ ડીલ્સ'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થવા મામલે શુભેચ્છાઓ આપી છે. સાથે જ તેમણે જણાવ્યું કે આનાથી કોને ફાયદો મળશે.

વડા પ્રધાન મોદીએ મંગળવારે ઇન્ડિયા એનર્જી વીક (આઈઈડબલ્યૂ) 2026ના ચોથા સંસ્કરણનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું.

આ દરમ્યાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "કાલે જ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક બહુ મોટો કરાર થયો છે. દુનિયામાં આની ચર્ચા 'મધર ઑફ ડીલ્સ'ના રૂપમાં થઈ રહી છે."

"આ કરાર ભારતના 140 કરોડ લોકો અને યુરોપિયન યુનિયનના કરોડો લોકો માટે બહુ મોટો અવસર છે. આ દુનિયાનાં બે મોટાં અર્થતંત્રો વચ્ચે તાલમેલનું એક શાનદાર ઉદાહરણ છે."

તેમણે કહ્યું કે, "આ સમજૂતી ગ્લોબલ જીડીપીના લગભગ 25 ટકા અને ગ્લોબલ ટ્રેડના લગભગ એક-તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમજૂતી ટ્રેડની સાથે-સાથે લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યે સંયુક્ત કટિબદ્ધતાને પણ સશક્ત કરે છે."

મોદીએ કહ્યું કે ઈયુ સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ બ્રિટન અને યુરોપિયન મુક્ત વેપાર સંઘ (ઈએપટીએ) સમજૂતીને પણ કૉમ્પ્લિમેન્ટ કરશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "હું ટૅક્સ્ટાઇલ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, લેધર ઍન્ડ શૂઝ સેક્ટર્સના સાથીઓને અભિનંદન પાઠવું છું."

ટ્રમ્પે હવે આ દેશ પર ટેરિફ વધારીને 25 ટકા કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી આવનારા સામાન પર ટેરિફ વધારીને 25 ટકા કરવાનું એલાન કર્યું છે.

તેમણે આરોપ કર્યો છે કે દક્ષિણ કોરિયા ગત વર્ષે થયેલી વેપાર સમજૂતીને 'યોગ્ય રીતે અમલ'માં નથી મૂકી રહ્યું.

સોશિયલ મીડિયા ટ્રુથ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે કારો, લાકડાનો સામાન, દવા, અને ઉત્પાદનો પર લાગતો ટેરિફ 15 ટકાથી વધારીને 25 ટકા કરી દેવાશે. તેમણે આને 'રેસિપ્રોકલ ટેરિફ' ગણાવ્યો.

જો કોઈ દેશ અમેરિકન સામાન પર વધુ ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ એ દેશમાંથી આવતી વસ્તુઓ પર વધુ ટેરિફ લાદશે. આને જ 'રેસિપ્રોકલ ટેરિફ' કહે છે.

ટ્રમ્પનું કહેવું છે કે દક્ષિણ કોરિયાની સંસદે આ સમાધાનને મંજૂરી આપવામાં વિલંબ કર્યો છે, જ્યારે અમેરિકાએ સમાધાન અંતર્ગત પોતાના ટેરિફ ઝડપથી ઘટાડ્યા છે.

તેમજ, દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે આ ટેરિફ વધારવાના નિર્ણયની કોઈ આધિકારિક જાણકારી નથી અપાઈ.

સાથે જ દક્ષિણ કોરિયાએ આ મુદ્દે અમેરિકા સાથે તાત્કાલિક વાતચીતની માગ કરી છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો દાવો, આ મામલે બાંગ્લાદેશ દસ દેશો બરોબર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે બાંગ્લાદેશ અંગે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું કે ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્કૉટલૅન્ડ, નેપાળ, નેધરલૅન્ડ્સ, આયર્લૅન્ડ, નામીબિયા, ઝિમ્બાબ્વ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન, આ દસ દેશોની સંયુક્ત ક્રિકેટ વ્યૂઅરશિપ કરતાં બાંગ્લાદેશની વ્યૂઅરશિપ વધુ છે.

મોહમ્મદ યુસુફે દાવો કર્યો છે કે આ દસ દેશોની કુલ વ્યૂઅરશિપ '178 મિલિયન' છે, જ્યારે માત્ર બાંગ્લાદેશની વ્યૂઅરશિપ '176 મિલિયન' છે.

તેમણે કહ્યું, "સમગ્ર વિશ્વના દર્શકો પર ટકેલી આ રમત (ક્રિકેટ)માં જો બાંગ્લાદેશની સુરક્ષા સાથે સંકળાયેલી વાજબી ચિંતાઓને નજરઅંદાજ કરાય તો, આવું કરવું એ રમતગમતના મૅનેજમેન્ટ અને તેના નિયમોની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલ ઊભા કરે છે."

મોહમ્મદ યુસુફે કહ્યું, "જ્યારે નિર્ણયોમાં સિલેક્ટિવ વલણ અપનાવાયા છે, તો નિષ્પક્ષતા ખતમ થઈ જાય છે. ક્રિકેટને પ્રભાવને આધારે નહીં, બલકે સિદ્ધાંતોને આધારે ચલાવવી જોઈએ."

ગાઝામાં પ્રતિબંધ વિના પ્રવેશ આપવાની વિદેશી પત્રકારોની માગ અંગે ઇઝરાયલી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે વિદેશી પત્રકારોની એક અપીલની સુનાવણી કરી, જેમાં ગાઝામાં મીડિયાને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર પ્રવેશવા દેવાની માગ કરાઈ છે.

હમાસ સાથે સીઝફાયર થયા છતા, ઇઝરાયલી સરકારે આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા ખતરાનો હવાલો આપતાં કહ્યું હતું કે ગાઝામાં મીડિયાના પ્રવેશ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

વિદેશી પ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે પ્રેસની સ્વતંત્રતા અને જનતાના જાણવાના અધિકારના મહત્ત્વ પર ભાર મૂક્યો.

જોકે, હજુ સુધી આ મામલે કોર્ટનો નિર્ણય ક્યારે આવશે એ સ્પષ્ટ નથી.

વિદેશી પત્રકાર ઇઝરાયલી સૈન્ય સાથે જ ગાઝા જઈ શકે છે, તેમને ગાઝામાં સીમિત અને પ્રતિબંધિત એક્સેસ અપાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન