અજિત પવાર : શરદ પવારની છાયામાં રાજકારણ શરૂ કરવાથી માંડીને છ-છ વખત મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી બનવા સુધી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું વિમાન બુધવારે બારામતી વિમાનમથક ખાતે લૅન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તેને ભારે અકસ્માત નડ્યો હતો.

લૅન્ડિંગ વખતે વિમાન ક્રૅશ થતાં વિમાનમાં તરત જ આગ ફાટી નીકળી હતી જેથી વિમાનમાં સવાર અજિત પવાર ઉપરાંત અન્ય ચાર લોકોનાં તરત જ ઘટનાસ્થળે મૃત્યુ થયાં છે.

મળતી માહિતી પ્રમાણે, બુધવારે (તા. 28 જાન્યુઆરી) સવારે આઠ વાગ્યા આસપાસ અજિત પવારનું વિશેષ વિમાન મુંબઈથી બારામતી જવા નીકળ્યું હતું.

બારામતીની જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને અજિત પવાર ચાર જાહેરસભા સંબોધવાના હતા. એવામાં વિમાનના લૅન્ડિંગ સમયે રનવે ઉપર અકસ્માત થયો હતો અને આગ લાગી હતી.

દુર્ઘટનાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ.

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.

મૃતદેહોને બારામતીની સરકારી હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અજિત પવારની રાજકીય કારકિર્દી ઉપર નજર કરીએ તો તે ઘણા ચઢાવઉતારભરેલી હતી.

અજિત પવાર પોતાની રાજકીય કારકિર્દીમાં છ-છ વખત મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ સુધી પહોંચ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય રાજ્યના મુખ્ય મંત્રીપદ સુધી પહોંચી શક્યા નહોતા.

રાજકીય ચઢાવઉતારનો સમય

અજિત પવાર છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા. જેમાં વર્ષ 2019થી 2022 દરમિયાન અનેક વખત 'અજિત પવાર નોટ રિચેબલ'થી લઈને 'અજિત પવાર બળવો કરશે' જેવી હેડલાઇન હેઠળ સમાચાર અવારનવાર આવતા રહ્યા.

જુલાઈ-2023માં કાકા શરદ પવારથી અલગ થઈને તેમની પાર્ટીના ધારાસભ્યો અને સાંસદને લઈને એનડીએમાં જોડાયા હતા. શિવસેનામાંથી અલગ થયેલા એકનાથ શિંદેના નેતૃત્વમાં બનેલી મહારાષ્ટ્રની સરકારમાં તેમણે નાયબ મુખ્ય મંત્રીપદ ધારણ કર્યું.

એ પહેલાં નવેમ્બર-2019માં રાજકીય અસ્થિરતાની વચ્ચે વહેલી સવારે તેઓ પાંચેક દિવસ માટે નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા, ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ તેઓ બહુમતી સાબિત નહોતા કરી શક્યા અને રાજીનામું આપવું પડ્યું હતું.

કહેવાય છે કે આની પાછળ તેમની નારાજગી પણ જવાબદાર હતી. થોડા મહિના પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમના દીકરા પાર્થનો પરાજય થયો હતો. આથી, અજિત પવાર તેમની રાજકીય શક્તિ પુરવાર કરવા માંગતા હતા.

વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપ સાથે મળીને લડી. અજિત પવારને કાકાએ સ્થાપેલી એનસીપીનું ચૂંટણીચિહ્ન ઘડિયાળ મળ્યું હતું.

આ ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બન્યા, ત્યારે શિંદે અને અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્રની કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન અજિત પવાર તથા કાકા શરદ પવારની એનસીપીએ સાથે મળીને પુણે અને પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડી હતી. ભાજપની સામે આ યુતિનો વિજય તો ન થયો, પરંતુ પરિવારમાં 'ડાંગે માર્યા પાણી જુદા ન થાય' તે વાત સાબિત થઈ ગઈ.

અજિત પવાર ખૂબ જ ઝડપભેર કામ કરતા અને વહીવટી બાબતો ઉપર તેમની સારી પકડ હતી. તેમની ભાષાને કારણે ક્યારેક વિવાદમાં પણ સપડાઈ જતા.

અજિત પવાર સૌથી યુવાન કૅબિનેટ મંત્રી બન્યા

લોકો વચ્ચે 'દાદા' તરીકે જાણીતા અજિત પવારનું આખું નામ અજિત અનંતરાવ પવાર હતું અને તેઓ મહારાષ્ટ્રના બારામતીની બેઠક પરથી ધારાસભ્ય હતા. 66 વર્ષીય અજિત પવાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (એનસીપી) પ્રમુખ શરદ પવારના ભત્રીજા હતા.

વર્ષ 1991માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ છ મહિના બાદ તેમણે કાકા શરદ પવાર માટે પોતાની બેઠક છોડી દીધી હતી. તે સમયે નરસિમ્હા રાવની સરકારમાં શરદ પવારની સંરક્ષણ મંત્રી તરીકે નિમણૂક થઈ હતી.

અજિત પવાર આ સાથે મહારાષ્ટ્રમાં પરત ફર્યા હતા અને બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે શરદ પવાર કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા, ત્યારે તેમણે પોતાના ભત્રીજાને રાજ્યનાં ઘણાં ખાતાં સોંપ્યાં હતાં.

જોકે, 1999માં શરદ પવારે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)નું નિર્માણ કર્યું હતું. અજિત પવારે પણ પોતાના કાકાનો સાથ આપ્યો અને એનસીપીમાં જોડાયા.

40 વર્ષની વયે અજિત પવાર કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં સૌથી યુવાન કૅબિનેટ મંત્રી બન્યા હતા અને સિંચાઈ મંત્રાલય સંભાળ્યું હતું.

અજિત પવારની ઇચ્છા હતી કે તેઓ એક દિવસ ઉપમુખ્ય મંત્રીનું પદ સંભાળે. તેમની આ ઇચ્છા વર્ષ 2010માં પૂર્ણ થઈ હતી, પરંતુ સિંચાઈ યોજના કૌભાંડમાં અજિત પવારનું નામ સામે આવ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

અજિત પવારના પિતાએ શરદ પવારને મદદ કરી

પવાર પરિવારનો રાજકીય વારસો શેતકરી કામગાર પક્ષથી (શેકપ) ઉત્તરોત્તર ચાલતો આવ્યો છે. શરદ પવારનાં માતા શારદાબાઈ પવાર શેકપથી પુણેમાં સ્થાનિક બોર્ડનાં સભ્ય હતાં. જોકે, તેમના પુત્ર શરદ પવારે કૉંગ્રેસનો હાથ પકડ્યો અને બારામતીમાંથી 1967માં રાજકારણમાં ઝંપલાવ્યું.

શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારે પોતાના નાના ભાઈની જીત માટે ઘણી મહેનત કરી હતી. અનંતરાવે શરદ પવાર માટે ચૂંટણીપ્રચાર પણ કર્યો. શરદ પવાર પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા અને મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા.

પ્રથમ વખત 1967માં ધારાસભ્ય બનનાર શરદ પવાર આગળ જતાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા અને પછી રાજ્યની કૅબિનેટ મંત્રી તરીકે સરકારમાં સામેલ થયા, 1978માં તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા.

જોકે, શરદ પવારના પરિવારમાંથી તેમની પેઢીના કોઈ પણ સભ્ય રાજકારણમાં નહોતા આવ્યા. શરદ પવાર પછી, પવાર પરિવારમાંથી રાજકારણમાં જો કોઈએ પ્રવેશ કર્યો તો તે હતા અજિત પવાર.

અજિત પવાર બારામતીથી 1991માં સીધા લોકસભા માટે ચૂંટાયા હતા. બારામતી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે.

અજિત પવારના પિતા અનંત પવારે એક સમયે બારામતી વિધાનસભા બેઠક પરથી શરદ પવાર માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો જે આ જ નામની લોકસભા બેઠકનો એક ભાગ હતી.

આ રીતે બારામતી વિધાનસભા બેઠકથી કાકા શરદ પવારની શરૂ થયેલી સફર ભત્રીજા અજિત પવારના બારામતી લોકસભા બેઠક પરથી સાંસદ બનવા સુધી પહોંચી હતી.

લોકસભાથી શરૂ થઈ રાજકારણની સફર

લોકસભાથી અજિત પવારે રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. પરંતુ એ પહેલાં 1982માં જ તેમણે રાજકારણનાં વર્તુળોમાં પોતાની હાજરી પુરાવવાનું શરૂ કર્યું હતું. જેમકે, શુગર મિલ્સના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં સામેલ થવું, કારણ કે અહીં પણ રાજકારણ થતું હોય છે. ભલે તે મુખ્ય ધારાનું રાજકારણ ન હોય પરંતુ 1991માં તેમના ચૂંટણી લડવાનો પાયો અહીંથી નખાયો હતો.

1991માં અજિત પવારે પોતે લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળવા પાછળની કહાણી મરાઠી અખબાર દૈનિક સકાળમાં સંભળાવી હતી. એનસીપીનો ત્યારે જન્મ નહોતો થયો. પવાર પણ પોતે સમાજવાદી કૉંગ્રેસમાંથી વાસ્તવિક કૉંગ્રેસમાં પરત ફર્યા હતા. રાજીવ ગાંધી ત્યારે કૉંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા અને લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી ચાલી રહી હતી.

મહારાષ્ટ્રમાં બે બેઠકો છોડીને બધી જ બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા હતા. બારામતી અને કરાડ (સતારા) માટે પાછળથી ઉમેદવારો પસંદ કરાયા જે હતા બારામતીથી અજિત પવાર અને કરાડથી પૃથ્વીરાજ ચવ્હાણ.

બંને ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા. બંને એક સાથે સાંસદ તરીકે સફરની શરૂઆત કરી. લગભગ 20 વર્ષ પછી પવાર-ચવ્હાણ મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે સરકારમાં આવ્યા.

1991માં દેશના રાજકીય માહોલ ધ્યાનમાં રાખીએ તો અજિત પવારની રાજકીય સફરને વધારે સારી રીતે સમજી શકાય.

શરદ પવાર માટે લોકસભા બેઠકનો ત્યાગ

તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ પાંચ વર્ષ માટે વડા પ્રધાનની જવાબદારી રાજીવ ગાંધી પાસે આવી, જેઓ રાજકારણમાં સ્થિર થવાના પ્રયાસ કરી રહ્યા હતા.

1978માં કૉંગ્રેસ છોડી ચૂકેલા શરદ પવાર રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસમાં પરત ફર્યા અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા.

ત્યાર બાદ 1990ના વર્ષથી દેશના રાજકારણમાં ભારે ઊથલપાથલનો સમય હતો.

કેન્દ્રમાં વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારો એક પછી એક પડી ગઈ. આ દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને પછી કૉંગ્રેસની સરકારનું સુકાન પી.વી. નરસિમ્હા રાવના હાથમાં આવ્યું. નરસિમ્હા રાવે શરદ પવારને આમંત્રણ આપ્યું અને તેમને સંરક્ષણ મંત્રાલય સોંપ્યું.

કેન્દ્ર સરકારમાં મંત્રી બનવા માટે લોકસભામાં સાંસદ હોવું જરૂરી હતું. શરદ પવાર માટે સુરક્ષિત લોકસભા બેઠક બારામતી હતી જ્યાંથી અજિત પવાર ત્રણ-ચાર મહિના પહેલાં જ ચૂંટાયા હતા. જોકે, પોતાના કાકા શરદ પવાર માટે અજિત પવારે રાજીનામું આપીને બેઠક ખાલી કરી હતી.

દિલ્હી રહેવા ગયેલા અજિત પવાર ત્રણ -ચાર મહિનામાં જ પરત ફર્યા અને બારામતીથી 1991માં જ મહારાષ્ટ્ર વિધાનસભામાં પહોંચ્યા. અજિત પવાર 1991થી અત્યાર સુધી એટલે કે લગભગ 35 વર્ષથી બારામતીથી ધારાસભ્ય રહ્યા હતા. તેઓ આઠ વખત અહીંથી ધારાસભ્ય ચૂંટાયા હતા.

વરિષ્ઠ પત્રકાર ઉદ્ધવ ભડસરકરે અજિત પવારને શરૂઆતના દિવસોથી નજીકથી જોયા છે. અજિત પવારની કામગીરીની સ્ટાઇલ વિશે તેઓ કહે છે, ધારાસભ્ય બન્યા બાદ પણ, તેઓ પિંપરી ચિંચવાડ વિસ્તારની મુલાકાત રહેતા હતા.

તે સમયે આ વિસ્તાર બારામતી લોકસભા સંસદીય બેઠકનો ભાગ હતો. કૉંગ્રેસ નેતા રામકૃષ્ણ મોરેનો ત્યાં પ્રભાવ હતો અને અજિત પવારે આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું.

"એ સમયે કૉંગ્રેસમાં અનેક ટોપીવાળા નેતાઓ હતા. ટોપીવાળા એટલે કૉંગ્રેસના જૂના નેતાઓ અને કાર્યકરો. અજિત પવાર યુવાનોને મહત્ત્વ આપવા લાગ્યા. જગતાપના જૂથને મહત્ત્વ આપવામાં આવ્યું. અજિત પવારે પિંપરી ચિંચવાડ અને બારામતીમાં યુવા નેતાઓને હોદ્દેદાર બનાવવાનું શરૂ કર્યું."

"તેઓ નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી આપતા. તેમના ભાઈ શ્રીનિવાસ પવાર તેમની સાથે રહેતા."

પવારના રાજકારણની સ્ટાઇલ શીખી

શરદ પવાર માટે લોકસભા બેઠક ખોલી કર્યા બાદ અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થયા. તેમની સફર બારામતી વિધાનસભા બેઠકથી શરૂ કરી.

એ સમયે મહારાષ્ટ્રમાં સુધાકર રાવ નાઇક મુખ્ય મંત્રી હતા. અજિત પવાર ધારાસભ્ય બન્યા અને તેમને સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા. તેમને કૃષિ મંત્રાલયમાં પદભાર સોંપવામાં આવ્યો હતો.

થોડા જ સમયમાં રાજકીય ઊથલપાથલ થવા પામી, કારણ હતું બાબરી મસ્જિદ વિધ્વંસ.

બાબરી મસ્જિદના વિધ્વંસ, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલાં રમખાણો અને શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટે મહારાષ્ટ્ર અને મુંબઈને હચમચાવી નાખ્યાં હતાં. તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવે ફરીથી અનુભવી નેતા શરદ પવારને મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બનાવ્યા. જોકે, શરદ પવારે આ વખતે વિધાન પરિષદનો રસ્તો અપનાવ્યો.

શરદ પવારે શપથ લીધા અને નવા કૅબિનેટની જાહેરાત કરી હતી, અજિત પવારને ઊર્જા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા.

1995માં કૉંગ્રેસે મહારાષ્ટ્રમાંથી સત્તા ગુમાવી અને શિવસેના-ભાજપ ગઠબંધન સત્તામાં આવ્યું. ત્યાર બાદ શરદ પવાર સાંસદ બન્યા અને પાછા દિલ્હી ગયા. અજિત પવારે રાજ્યનું રાજકારણ પસંદ કર્યું અને મહારાષ્ટ્રમાં જ રહ્યા.

વરિષ્ઠ પત્રકાર કિરણ તારે એક લેખ લખ્યો 'નારાજ અજિત પવાર કેમ પક્ષપલટો કરે છે'. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત આ લેખમાં તેમણે લખ્યું છે કે, "શરદ પવાર દિલ્હી ગયા બાદ અજિત પવારે બારામતી સંભાળ્યું અને કૉંગ્રેસનું અહીંયા પ્રભુત્વ વધતું ગયું. તેમણે પુણેના ગ્રામ્ય વિસ્તાર પર ભાર મૂક્યો. પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી અને અપ્રત્યક્ષ રીતે દર્શાવી દીધું કે તેઓ જ શરદ પવારના વારસદાર છે."

2004માં અજિત પવાર મુખ્ય મંત્રી બનતા રહી ગયા?

2004માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને એનસીપીએ સાથે ઝંપલાવ્યું હતું. કૉંગ્રેસને 69 બેઠકો મળી હતી અને એનસીપીને 71 બેઠકો મળી હતી. એનસીપીને મુખ્ય મંત્રીપદ મળવાની આશા હતી, પરંતુ કૉંગ્રેસ નેતા વિલાસરાવ દેશમુખ (ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખના પિતા) મુખ્ય મંત્રી બન્યા.

એનસીપીને મુખ્ય મંત્રીપદ મળ્યું હોત તો છગન ભૂજબળ, આર.આર.પાટીલ, વિજયસિંહ મોહિતે પાટીલ અને સૌથી વધુ જેમના મુખ્ય મંત્રી બનવાની સંભાવના હતી તે અજિત પવાર હતા. પરંતુ શરદ પવારના રાજકીય ગણિતને કારણે એનસીપીને મુખ્ય મંત્રીપદ નહોતું મળ્યું. અજિત પવારે અપ્રત્યક્ષ રીતે આના વિશે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

લોકમત અખબારના વિદર્ભ આવૃત્તિના એક્ઝિક્યુટિવ એડિટર શ્રીમંત માનેએ કહ્યું, "અજિત પવાર 2004માં મુખ્ય મંત્રી બની શક્યા હોત. કારણ કે કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે નક્કી થયેલી ફૉર્મ્યુલા પ્રમાણે મુખ્ય મંત્રીનું પદ એનસીપીને મળવું જોઈતું હતું. જો ફૉર્મ્યુલા પ્રમાણે બધું થયું હોત, તો અજિત પવાર મુખ્ય મંત્રી બન્યા હોત, પરંતુ રાજકીય ગણિતને કારણે આવું ન થઈ શક્યું."

સુપ્રિયા સૂલેની રાજકારણમાં ઍન્ટ્રી

2006માં પવાર પરિવારના વધુ એક સભ્યની રાજકારણમાં ઍન્ટ્રી થઈ, તે હતાં સુપ્રિયા સૂલે. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સૂલેએ 2006માં રાજ્યસભાથી રાજકારણમાં પ્રવેશ કર્યો.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે કહે છે કે , "2004માં અજિત પવાર અને સુપ્રિયા સૂલે વચ્ચે વધુ પ્રતિસ્પર્ધા નહોતી. જોકે, પછી સુપ્રિયા સૂલેએ કામ શરૂ કર્યું અને તેઓ વધુ દેખાતાં થયાં. એ જ સમયે અજિત પવારનું પણ પાર્ટીમાં પ્રભુત્વ વધતું રહ્યું. એટલે હવે તેમની વચ્ચે સ્પર્ધા વધે તે સ્વાભાવિક હતું."

"2006માં સુપ્રિયા સૂલે અજિત પવારનાં પ્રતિસ્પર્ધી નહોતાં, પરંતુ 2009માં લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સૂલેને એ વિસ્તારમાંથી ટિકિટ મળી જ્યાં અજિત પવાર કામ કરતા હતા. ત્યાર બાદ મીડિયામાં સુપ્રિયા સૂલે અને અજિત પવાર વચ્ચે સ્પર્ધાની ચર્ચા થવા લાગી. જોકે, પવાર પરિવારનાં આ બંને નેતાઓ એકબીજા સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધાની વાતથી ઇનકાર કરતાં રહ્યાં."

તેઓ કહે છે કે, "શરદ પવારના વારસની વાત થાય ત્યારે કેટલાક રાજકીય વિશ્લેષકો આ બંને નેતાઓમાંથી એકનું જ નામ લેતા હતા.

એટલે અજિત પવારની રાજકીય કારકિર્દીમાં સુપ્રિયા સૂલેનું રાજકારણમાં આવવું એ મહત્ત્વનો વળાંક હતો."

વિવાદ અને અજિત પવાર

અજિત પવારનું નામ આવે ત્યારે ઘણા વિવાદ પણ સામે આવે છે જે એક સમયે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી તરીકે એક સમયે અજિત પવારે મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેની ખૂબ ટીકા થઈ હતી.

અજિત પવારે કહ્યું હતું કે, "એક વ્યક્તિ 55 દિવસથી ડૅમમાંથી પાણી છોડવાની વાત કરે છે. ઉપવાસ કરે છે, શું તેને પાણી મળી ગયું? જ્યારે પાણી જ નથી તો ક્યાંથી છોડીએ, શું પેશાબ કરી દઈએ?"

આ સિવાય વીજળી મામલે પણ એક વખત અજિત પવારે વિવાદિત નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "રાત્રે બે વાગ્યે વીજળી કાપી નાખવામાં આવે છે. આજ કાલ રાત્રે વધારે બાળકો જન્મ લઈ રહ્યાં છે. વીજળી નહીં હોય તો લોકો શું કરશે."

અજિત પવારના આ નિવેદનની ભાજપ અને શિવસેનાએ નિંદા કરી હતી.

રાજ ઠાકરેએ તો અજિત પવારની ટીકા કરતાં કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.

વર્ષ 2014માં અજિત પવાર પોતાનાં પિતરાઈ બહેન સુપ્રિયા સૂલે માટે બારામતીના એક ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

તેમણે ગ્રામજનોને ધમકી આપી હતી કે જો તેઓ સૂલેને મત નહીં આપે, તો તેમનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

અજિત પવાર પર લાગેલા આરોપની વાત કરવામાં આવે તો, તેમના પર આરોપ હતો કે તેમણે સિંચાઈ મંત્રી તરીકે પરિયોજનાઓને મંજૂરી આપવામાં અનિયમિતતા દાખવી હતી અને તેમણે 38 પરિયોજનાઓને ગેરકાયદેસર રીતે મંજૂરી આપી હતી.

તેમના પર એવો આરોપ પણ હતો કે તેમણે ગેરકાયદેસર રીતે મનસ્વી રીતે બજેટમાં વધારો કર્યો હતો. પવાર પર સવાલ ઊઠ્યા કે વર્ષ 2009માં જાન્યુઆરીથી માંડીને ઑગસ્ટ દરમિયાન 20 હજાર કરોડની પ્રોજેક્ટોને ઉતાવળમાં કેમ મંજૂરી આપી ?

આ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના રાજીનામાની માગ ઊઠવા લાગી હતી જે બાદ તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. જોકે, ત્યાર બાદ તેમને ફરીથી ઉપમુખ્ય મંત્રીપદ મળી પણ ગયું હતું.

વર્ષ 2012માં તત્કાલીન યુતિ સરકાર અને પછી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારની તપાસમાં અજિત પવારને ક્લીનચિટ આપવામાં આવી હતી.

વર્ષ 2005થી 2010 દરમિયાન મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કે અનેક ખાંડ ફૅક્ટરીઓ તથા સહકારી સંસ્થાઓને પૂરતા બાનાખત કે દસ્તાવેજો ચકાસ્યા વગર લોનો આપી હતી. જેના કારણે આ લોનો માંડવાળ કરવી પડી હતી.

વર્ષ 2011માં રિઝર્વ બૅન્કે સહકારી બૅન્કના બોર્ડને વિખેરી નાખ્યું. બૉમ્બે હાઇકોર્ટના આદેશ બાદ સપ્ટેમ્બર-2019માં અજિત પવાર સહિત 70 અન્યો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ઑક્ટોબર-2020માં મુંબઈ પોલીસે સેશન્સ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

અજિત પવારની રાજકીય સફર અનેક ચઢાવઉતાર અને વળાંકોથી ભરેલી હતી. પોતાના કાકાના ઓછાયા હેઠળ તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક રીતે અજિત અનંતરાવ પવાર નામની છાપ છોડી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન