You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારનું પ્લૅન ક્રેશમાં મૃત્યુ, 16 વર્ષ જૂનું હતું વિમાન
બુધવારે સવારે 8.48 વાગ્યે મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સહિત અન્ય ચારનાં મૃત્યુ થયાં છે.
ડાયરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને આ સમાચારની પુષ્ટિ કરી છે.
વિમાનમાં અજિત પવાર સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી, અંગત સહાયક, પાઇલટ તથા ફ્લાઇટ ઑફિસર એમ કુલ પાંચ લોકો સવાર હતા.
બારામતી ઍરપૉર્ટ ખાતે લૅન્ડિંગ સમયે આ દુર્ઘટના બની હતી. જેના પગલે વિમાનમાં આગ લાગી ગઈ હતી.
વીએસઆર દ્વારા સંચાલિત વીટી-એસએસકે એલજે-45 પ્રકારનું વિમાન છેલ્લાં16 વર્ષથી સેવામાં હતું.
અજિત પવારના વ્યક્તિગત સહાયક અનિલ ઢિકલેએ બીબીસી મરાઠી સાથે વાત કરતી વખતે દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, જિલ્લા પરિષદની ચૂંટણીના અનુસંધાને આયોજિત જાહેર સભા સંબોધવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા અજિત પવાર બારામતીનો પ્રવાસ ખેડી રહ્યા હતા.
અજિત પવારે મંગળવારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી માળખાકીય સુવિધા સંબંધિત કૅબિનેટ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "શ્રી અજિત પવાર જનતાના નેતા હતા, જેઓ જમીન સાથે મજબૂત રીતે જોડાયેલા હતા. મહારાષ્ટ્રની જનતાની સેવામનાં અગ્રિમ પંક્તિમાં રહેનારા કર્મઠ વ્યક્તિત્વ તરીકે તેમને વ્યાપક સન્માન મળેલું હતું."
"વહીવટી બાબતોમાં તેમની ઊંડી સમજ તથા ગરીબ અને વંચિત વર્ગને સશક્ત કરવા માટેના તેમના પ્રયાસો ઉલ્લેખનીય હતા. તેમનું અસમય અવસાન ચોંકાવનારું અને દુઃખદ છે. તેમના પરિવાર તથા ચાહકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ."
અજિત પવારના મૃત્યુ અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું, "અજિત પવારજી અને તેમની સાથે મુસાફરી કરનારાના આજે વિમાન અકસ્માતમાં થયેલા નિધનના સમાચાર અત્યંત પીડાદાયક છે."
રાહુલ ગાંધીએ કહ્યું, "આ શોકની ક્ષણમાં મહારાષ્ટ્રની જનતાની સાથે છું. સમસ્ત પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે આ દુ:ખની ઘડીમાં પોતાની સંવેદના વ્યક્ત કરું છું."
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ ઉપર પોસ્ટમાં લખ્યું, "આજે એક દુઃખદ અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તથા એનડીએમાં અમારા વરિષ્ઠ સાથી અજિત પવારજીને ગુમાવી દેવાની માહિતી મળવાથી મન અત્યંત વ્યથિત છે. અજિત પવારજીએ ગત સાડા ત્રણ દાયકાથી જે રીતે મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે ખુદને સમર્પિત કર્યા, તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં."
"તેઓ જ્યારે પણ મળતા ત્યારે મહારાષ્ટ્રની જનતાના કલ્યાણ સંબંધિત અનેક વિષયો ઉપર લાંબી ચર્ચા કરતા હતા. તેમનું અવસાન એનડીએ પરિવાર સાથે વ્યક્તિગત રીતે મારા માટે પણ ક્ષતિ છે. હું પવાર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. શોકની આ ઘડીએ સમગ્ર એનડીએ શોકગ્રસ્ત પવાર પરિવાર સાથે દૃઢતાપૂર્વક ઊભો છે. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ શાંતિ શાંતિ."
એનસીપીના (શરદ પવાર) નેતા તથા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પત્રકારો સાથે વાત કરતી વેળાએ રડી પડ્યા હતા અને કોઈ પ્રતિક્રિયા આપી શક્યા ન હતા.
કૉંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું, "વિમાન અકસ્માતની તસવીરો હચમચાવી દેનારી છે. હું અજિત પવારના નિધન અંગે દુઃખ વ્યક્ત કરું છું."
શિવસેનાનાં (યુબીટી) રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "આ ખૂબ જ દર્દનાક સમાચાર છે. અનેક મુદ્દે મારી અને તેમની વચ્ચે મતભેદ હતા, પરંતુ તેઓ ખૂબ જ સમર્પિત અને કામથી કામ રાખનારી વ્યક્તિ હતા. હું શરદ પવારજી, સુપ્રિયાજી અને તેમાં સમગ્ર પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું."
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લખ્યું, "મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારજીના અકસ્માતે અવસાનના સમાચાર એકદમ ચોંકાવનારા દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ."
'છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યની વિધાનસભામાં સાથે કામ કરતા અજિતદાદા સાથે ખૂબ જ નિકટનો સંબંધ રહ્યો. તેમનું વહીવટી કૌશલ્ય, વિકાસોન્મુખ દૃષ્ટિકોણ અને લોકો સાથે જોડાવાની કળાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં અજિતદાદાનું સ્થાન હંમેશાં મજબૂત રહ્યું છે.'
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કરીને તપાસની માંગ કરી છે.
તેમણે લખ્યું, "આજે સવારે બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તથા તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોનું મૃત્યુ થઈ ગયું. તેમના પરિવાર, કાકા શરદ પવારજી તથા તેમના તમામ મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદનાઓ."
તેમણે કહ્યું, "આ ઘટનાની યોગ્ય તપાસની જરૂર છે."
લિયરજેટ વિમાન
નોંધનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત થનારું વિમાન લિયરજેટ-45XR હતું.
લિયરજેટ-45XR (LJ45XR) એ મધ્યમ કદનું બિઝનેસ ચાર્ટર્ડ જેટ છે. જેનું નિર્માણ કૅનેડાની વિમાન કંપની બૉમ્બાર્ડિયર દ્વારા કરવામાં આવે છે.
લિયરજેટ પ્રકારનું આ વિમાન કંપનીઓ દ્વારા ચાર્ટર્ડ ફ્લાઇટમાં વાપરવામાં આવે છે.
આ વિમાનમાં હનીવેલ કંપનીના TFE731-20AR/BR પ્રકારનાં બે ટર્બોફૅન એંજિન લાગેલાં હોય છે. સામાન્ય રીતે આઠ મુસાફર આ વિમાનમાં સફર કરી શકે છે.
સામાન્ય રીતે તે ત્રણ હજાર કિલોમીટરની રૅન્જ ધરાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન