ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'પાછલા 8-9 મહિનાથી દેશમાં કોઈ પણ ગેરકાયદેસર રીતે નથી પ્રવેશી શક્યું' – ન્યૂઝ અપડેટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ગત આઠ મહિનામાં તેમના દેશમાં કોઈએ પણ ગેરકાયદેસર રીતે બૉર્ડર પાર કરીને પ્રવેશ નથી કર્યો.

ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં આ નિવેદન કર્યું. તેમને મિનેસોટા ખાતે તેમની ટીમમાં બદલાવ અંગે સવાલ કરાયો હતો.

આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "હું ટીમોમાં બદલાવ કરતો રહું છું. અમારી પાસે એક શાનદાર ટીમ છે. અમે એ કર્યું, જે કોઈનેય શક્ય નહોતું લાગતું."

તેમણે કહ્યું, "અમે સંસદ પાસે પાછા ન ગયા અને કાયદો બનાવવાની માગ ન કરી. અમે સીમા બંધ કરી દીધી અને ગત આઠ મહિનામાં કોઈએ પણ બૉર્ડર નથી ઓળંગી. તેના પર વિશ્વાસ કરવો ખરેખર મુશ્કેલ છે."

ટ્રમ્પે કહ્યું, "મારા ખ્યાલથી આઠ, નવ મહિના થઈ ગયા છે, અમારા દેશમાં કોઈ ગેરકાયદેસર રીતે નથી ઘૂસી રહ્યું, અમે ઇચ્છીએ છીએ કે લોકો કાયદેસર રીતે આવે, કામ માટે લોકોની જરૂર હોય છે."

ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, 'વધુ એક નૌકા કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાનો 'વધુ એક નૌકા કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો' છે.

સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમેરિકા સાથે ઈરાન સમાધાન કરી લેશે.

ટ્રમ્પે મંગળવારે એક ભાષણ દરમિયાન કહ્યું, "સુંદર જહાજોનો વધુ એક કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. જોઈએ શું થાય છે."

ટ્રમ્પે કહ્યું, "મને આશા છે કે તેઓ સમાધાન કરી લેશે."

ટ્રમ્પે ગયા અઠવાડિયે પણ કહ્યું હતું કે, "અમેરિકાની સેનાનો મોટો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે."

બીબીસીની પર્શિયન સેવા મુજબ, અમેરિકાનું વિમાનવાહક જહાજ 'અબ્રાહમ લિંકન' પર્શિયન અખાતમાં પહોંચી ગયું છે. જે પરમાણુ ઊર્જાથી ચાલતું જહાજ છે.

'અબ્રાહમ લિંકન' એ અમેરિકાના સૌથી મોટા અને આધુનિક ઍરક્રાફ્ટ કૅરિયરમાંથી એક છે.

મોટા વેપારી પ્રતિનિધિમંડળ સાથે સ્ટાર્મર ચીનની મુલાકાતે

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર ચીન જવા માટે રવાના થયા છે. વર્ષ 2018 બાદ પહેલી વખત કોઈ બ્રિટિશ વડા પ્રધાન ચીનની યાત્રાએ જઈ રહ્યા છે. સ્ટાર્મર ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.

સ્ટાર્મરની સાથે લગભગ 60 બ્રિટિશ ઉદ્યોગપતિ તથા સાંસ્કૃત્તિક હસ્તીઓ પણ ચીનની મુલાકાતે જઈ રહી છે. જેમાં એચએસબીસી બૅન્ક, દવા કંપની જીએસકે, જેગ્યુઆર-લૅન્ડ રોવર તથા નૅશનલ થિયેટરના પ્રતિનિધિઓ પણ સામેલ છે.

ચીન સાથે બ્રિટનના સંબંધોને ફરી મજબૂત કરવા માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં આ યાત્રાને અત્યાર સુધીનું સૌથી મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

જોકે, ટીકાકારોનું કહેવું છે કે ચીનની વિચારસરણી બિલકુલ અલગ છે. તેની ઉપર વિશ્વાસ ન કરી શકાય. સરકારે ચીનની કૉમ્યુનિસ્ટ સરકાર સાથે સંબંધોને બહાલ કરવામાં વધુ સતર્ક રહેવું જોઈએ.

જ્યારે વડા પ્રધાન સ્ટાર્મરને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ માનવાધિકાર ભંગનો મુદ્દો ઉઠાવશે, ત્યારે તેમણે કહ્યું કે 'જેમાં હિતો અને મૂલ્યોમાં તફાવત છે' એવા તમામ મુદ્દા ઉઠાવશે.

ચીનની ઉપર ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના શિનજિયાંગમાં વીગર લોકો તથા અન્ય મુસ્લિમ જાતીય સમૂહો વિરુદ્ધ માનવાધિકાર ભંગના આરોપો લાગતા રહ્યા છે.

અમેરિકામાં ઇમિગ્રેશન રેડ ઉપર ફેડરલ જજ કડક

અમેરિકાના ફેડરલ જજે ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના (આઇસીઇ) વડાને અદાલતના તિરસ્કારની ચેતવણી આપી છે અને તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

મિનેસોટાની ફેડરલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પૈટ્રિક શિલ્ટ્ઝે કહ્યું છે કે આઇસીઇના કાર્યવાહક વડા ટૉડ લાયન્સને આગામી શુક્રવારે વ્યક્તિગત રીતે હાજર રહેવા કહ્યું છે. સાથે જ તાજેતરનાં અઠવાડિયાંમાં એજન્સી શા માટે અદાલતના આદેશોનું પાલન નથી કરી રહી, તે જણાવવા માટે કહ્યું છે.

આઇસીઇ દ્વારા જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે, ત્યારે તેને નિર્ધારિત સમયમર્યાદાની અંદર અદાલતમાં રજૂ કરવાની હોય છે, પરંતુ એજન્સીએ એમ નહોતું કર્યું.

શિલ્ટ્ઝે તેમના આદેશમાં લખ્યું, "આ કોર્ટે પ્રતિવાદીઓ પ્રત્યે ખૂબ જ ધૈર્ય દાખવ્યું છે, આમ છતાં તેમણે હજારો એજન્ટોને મિનેસોટા મોકલી દીધા છે. સેંકડો અરજીઓ તથા અન્ય કેસોને કેવી રીતે પહોંચી વળવામાં આવશે, તેની વ્યવસ્થા નથી કરી. હવે અદાલતની ધીરજ પૂરી થઈ ગઈ છે."

ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશનની નીતિને કડકાઈપૂર્વક લાગુ કરવાની કાર્યપદ્ધતિ ઉપર લોકો સવાલ ઊઠાવી રહ્યા છે.

આ મહિને મિનિયાપોલિસમાં અલગ-અલગ કાર્યવાહીમાં આઇસીઇના એજન્ટોએ બે અમેરિકન નાગરિકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન