બે વાવાઝોડાંને કારણે દક્ષિણ એશિયામાં 900થી વધુનાં મૃત્યુ, સેંકડો લાપતા, હજારો બેઘર, દિત્વાહ વાવાઝોડું ક્યાં પહોંચ્યું?

હાલમાં જ આવેલાં બે વાવાઝોડાંને કારણે દક્ષિણ એશિયામાં લગભગ 900થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

સેન્યાર વાવાઝોડાને કારણે ઇન્ડોનેશિયામાં મૃત્યુઆંક વધીને 442 થઈ ગયો છે. વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને બેઘર થઈ ગયા છે. સેંકડો ઘર તબાહ થઈ ગયાં છે.

રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ સેંકડો વિસ્તારો એવા છે જ્યાં રાહત અને બચાવ ટીમને પહોંચવામાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને સુમાત્રા ટાપુ પર ભયંકર તબાહી થઈ છે. સેંકડો લોકો સંપર્કથી વિહોણા બની ગયા છે. સુમાત્રામાં જ 200 લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 200થી વધુ લોકો લાપતા છે.

આ વાવાઝોડાએ થાઇલૅન્ડ અને ફિલિપાઇન્સમાં પણ ભયંકર વિનાશ વેરાયો છે. થાઇલૅન્ડ, મલેશિયા અને ફિલિપાઇન્સ ઉપરાંત શ્રીલંકામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.

દિત્વાહ વાવાઝોડાને કારણે શ્રીલંકામાં મરનારાની સંખ્યા વધીને 334 થઈ ગઈ છે. સેંકડો લોકો લાપતા છે.

વાવાઝોડા દિત્વાહને કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે દેશમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.જ્યારે ઇન્ડોનેશિયામાં સેન્યાર વાવાઝોડાને કારણે 440 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિશાનાયકેએ તેને દેશના ઇતિહાસની "સૌથી ભયંકર કુદરતી આપદા કહી છે."

વાવાઝોડાને કારણે 330 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 200થી પણ વધુ લોકો ગુમ થયા છે.

લગભગ શ્રીલંકાના ત્રીજા ભાગના વિસ્તારમાં પીવાનું પાણી કે વીજળી નથી.

વાવાઝોડને કારણે ભારતમાં તારાજીનું જોખમ ટળી ગયું છે, તે ધીમે-ધીમે નબળું પડી ગયું છે, આમ છતાં તેની અસર દેશના કેટલાક વિસ્તારો ઉપર પડી શકે છે.

તાજેતરમાં ત્રાટકેલાં બે વાવાઝોડા, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયામાં નવસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.

તામિલનાડુમાં દિત્વાહ વાવાઝોડું

દિત્વાહ વાવાઝોડું ભારતના તામિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકિનારાને સમાંતર આગળ વધ્યું હતું અને દરિયામાં નબળું પડ્યું છે.

ચેન્નાઈસ્થિત હવામાન કચેરીના જણાવ્યાનુસાર રવિવારે સાંજે અને રાત્રે આ વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું હતું.

વાવાઝોડું દિત્વાહ તેની શક્તિ ગુમાવી રહ્યું છે અને તે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

તે ચેન્નાઈથી 90 કિલોમીટર, પુડ્ડુચેરીથી 90 કિલોમીટર, કડ્ડાલોરથી 110 કિલોમીટર તથા કરાઈકલથી 180 કિલોમીટર દૂર છે.

રવિવારે રાત્રે ડિપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ તામિલનાડુ અને પુડ્ડુચેરીથી ઓછામાં ઓછું 50 કિલોમીટર દૂર હતું.

જે સોમવારે દિવસ દરમિયાન નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે. તે સમયે તે તામિલનાડુ-પુડ્ડુચેરીને સમાંતર હશે. તેનું કેન્દ્રબિંદુ ભારતના દરિયાકિનારાથી 30 કિલોમીટર દૂર હશે.

હવામાન ખાતાની આગાહીના જણાવ્યા પ્રમાણે, ગુરૂવાર સુધી દિત્વાહની અસર તામિલનાડુ ઉપર રહેશે. જેના કારણે તામિલનાડુ, પુડ્ડુચેરી તથા કરાઇકલ વિસ્તારનાં કેટલાંક સ્થાનોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

સોમવારે ચેન્નાઈ તથા આસપાસના વિસ્તારોમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે.

આ દરમિયાન 50થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે, જે વધીને 70 કિલોમીટરની ઝડપ સુધી પહોંચી શકે છે.

જેમ-જેમ વાવાઝોડું નબળું પડશે તેમ-તેમ આ ઝડપ ઘટીને 45થી 55 કિલોમીટર પ્રતિકલાકની થઈ જશે અને મહત્તમ 65 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગે માછીમારોને પુડ્ડુચેરી, તામિલનાડુ તથા મન્નારના અખાતમાં દરિયો નહીં ખેડવા તાકિદ આપી છે. તામિલનાડુનાં બંદરો ઉપર સાવચેતી માટેના ત્રણ નંબરનાં સિગ્નલ મૂકવામાં આવ્યાં છે.

શ્રીલંકામાં ભારે તારાજી

દિત્વાહને કારણે શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાઈ છે. ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, લગભગ 20 હજાર ઘર નાશ પામ્યાં છે અને એક લાખ કરતાં વધુ લોકો રાહતછાવણીઓમાં આશરો લેવા માટે મજબૂર છે.

કૅન્ડી અને બદુલા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હોવાના અહેવાલ છે. જોકે, આ વિસ્તાર સાથેનો સંપર્ક કપાઈ ગયો હોય, લોકો ત્યાંથી નીકળી નથી શકતા તથા ત્યાં રાહતસામગ્રી કે બચાવકર્મીઓ પહોંચી નથી શક્યા.

શ્રીલંકાની સરકારે આંતરરાષ્ટ્રીય સહાય તથા વિદેશમાં વસતા શ્રીલંકનોને મદદ કરવા માટે ટહેલ નાખી છે.

ઉલ્લેખનીય છે કે દિત્વાહ શુક્રવારે શ્રીલંકા ઉપર ત્રાટક્યું હતું. શ્રીલંકામાં આ ચોમાસાની સિઝન છે, પરંતુ ત્યાં વાવાઝોડાં જેવી કુદરતી આપદા જ્વલ્લે જ જોવાં મળે છે.

ઇન્ડોનેશિયામાં સેન્યારની તારાજી

ગત અઠવાડિયાના શરૂઆતના સમયમાં ઇન્ડોનેશિયા ઉપર સેન્યાર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના કારણે ભારે વરસાદ આવ્યો હતો અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક ઘર તણાઈ ગયાં હતાં.

વરસાદને કારણે અનેકસ્થળોએ ભૂસ્ખલન પણ થયું હતું, જેમાં અનેક મકાનો કાટમાળ હેઠળ દબાઈ ગયાં હતાં.

ઇન્ડોનેશિયામાં 440 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સેંકડો લોકો પૂર અને ભૂસ્ખલનને કારણે ઘાયલ થયા છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેથી રાહત અને બચાવકર્મીઓને છેવાડાના અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

બીબીસી ઇન્ડોયનેશિયાનાં પત્રકાર નિક્કી વિડિયાડો જણાવે છે કે તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત એવા સુમાત્રા સુધી પહોંચવા માટે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી નીકળ્યાં હતાં. રસ્તામાં અનેક સ્થળોએ રસ્તા કે પુલ તૂટી ગયા છે અથવા તો બંધ છે.

જેના કારણે નિક્કી અને તેમની ટીમે ફરી-ફરીને સુમાત્રા સુધી પહોંચવું પડ્યું હતું. ઉત્તર સુમાત્રામાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે 200થી વધુ ગુમ થયા છે.

ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં મોબાઇલના સિગ્નલ નથી મળી રહ્યા અને પેટ્રોલ-ડિઝલ મેળવવા માટે નાગરિકોએ લાંબી લાઇનો લગાડવી પડી રહી છે.

રાષ્ટ્રપતિ પ્રાબાવો સુબિયાન્તોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે રાહતછાવણીઓની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે સેન્યાર વાવાઝોડાને કારણે થાઇલૅન્ડમાં 170 તથા મલેશિયામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યાં છે.

આ પહેલાં વિયેતનામમાં કોટો વાવાઝોડાંના કારણે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં 90 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં કાલમેગી નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેણે 300 કરતાં વધુ લોકોનો ભોગ લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન