હૉંગકૉંગ આગ: કોઈની દીકરી, તો કોઈની માતા ગુમ, સ્વજનોને શોધવા વલખાં મારતાં લોકો

    • લેેખક, કોઇ લી
    • પદ, બીબીસી ન્યૂઝ ચાઇનીઝ, હૉંગકૉંગથી
    • લેેખક, એબલ યુ
    • પદ, બીબીસી ન્યૂઝ ચાઇનીઝ, હૉંગકૉંગથી
    • લેેખક, ગ્રૅસ ત્સોઈ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, હૉંગકૉંગથી

"ત્યાં જ રહેજે."

ચૂંગે તેમનાં પત્નીને કહેલા આ છેલ્લા શબ્દો હતા. હૉગકૉંગના તાઇ પો વિસ્તારમાં આવેલી વાંગ ફૂક કોર્ટ પબ્લિક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આવેલી બહુમાળીય ઇમારતોમાં આગ ફાટી નીકળી ત્યારે બંનેની વચ્ચે છેલ્લી વખત વાત થઈ હતી.

સ્થાનિક સમય મુજબ, બુધવારે બપોરે ત્રણ વાગ્યે આગ લાગી ત્યારે ચૂંગને તેમનાં પત્નીનો કોલ આવ્યો હતો. ચૂંગનાં પત્ની તેમની બિલાડી સાથે ફ્લૅટમાંથી બહાર નહોતાં નીકળી શક્યાં.

ચૂંગ જ્યારે ઘરે પહોંચ્યા, તો જોયું કે 31 માળની ઇમારત આગમાં ભડભડ સળગી રહી હતી અને તેમાંથી કાળા ધુમાડા બહાર નીકળી રહ્યા હતા.

અગ્નિશમન દળના કર્મચારીઓને સાત ટાવરમાં લાગેલી આગને ઓલવવામાં 24 કલાક કરતાં વધુનો સમય લાગ્યો હતો.

આ આગમાં અત્યાર સુધીમાં 128 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 79 ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 89 મૃતદેહોની ઓળખવિધિ નથી થઈ શકી.

હજુ સુધી ડઝનબંધ લોકો લાપતા છે, ચૂંગનાં પત્ની પણ ગુમ છે. લાપતા લોકોમાં ફિલિપિન્સના 19 તથા ઇન્ડોનેશિયાના 11 ઘરઘાટી પણ સામેલ છે. કેટલાકના મતે, આ આંકડો 300 જેટલો છે.

'એને ફરી કોલ કરવાની હિંમત ન થઈ'

બીબીસીએ આ કૉમ્પ્લેક્સમાં રહેતા, પરંતુ આગ સમયે ત્યાં ન હોય તેવા લોકો અથવા આગમાંથી સલામત બચી નીકળેલા લોકો સાથે વાત કરી હતી.

45 વર્ષીય ચૂંગ તથા તેમના ભાઈ બુધવારની આખી રાત તાઇ પોની ગલીઓમાં ભટકતા રહ્યા, તેમણે અનેક વખત ફાયરફાઇટર્સને પૂછ્યું, જેથી કરીને કોઈ માહિતી મળી રહે. જોકે, કર્મચારીઓ તેમને કોઈ માહિતી આપી શક્યા ન હતા.

ચિંતાતુર અને ભયભીત પતિ અને પત્ની એકબીજાને કોલ કરતાં રહ્યાં. પત્નીએ જણાવ્યું હતું કે ધુમાડો વધુ ને વધુ ગાઢ થઈ રહ્યો છે અને તેઓ બેભાન થવાની અણિ પર છે.

ગુરુવારે ચૂંગે રડી-રડીને રાતી થઈ ગયેલી આંખે બીબીસી ચાઇનીઝ સાથે વાત કરતા કહ્યું, "એ કદાચ બેભાન થઈ ગઈ હતી."

સાથે જ ચૂંગ ઉમેરે છે, "એ પછી તેને કોલ કરવાની હિંમત જ ન થઈ."

બંને વચ્ચે વાત થઈ એના કલાકો વીતી ગયા એટલે ચૂંગને અમંગળના અણસાર આવવા લાગ્યા હતા.

આંસુ સાથે ધ્રૂસકે-ધ્રૂસકે રડતા ચૂંગે કહ્યું, "તે અમારી બિલાડીને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે જ મૃત્યુ પામી." બુધવારે ચૂંગના પરિવારમાં માત્ર તેમનાં પત્ની જ ઘરે હતાં.

ચૂંગ પરિવાર લગભગ એક દાયકા અગાઉ અહીં રહેવા માટે આવ્યો હતો. પરિસરના જે સાત ટાવર આગમાં હોમાઈ ગયાં, તેમાંથી એકમાં ચૂંગ પરિવાર રહેતો હતો.

ચૂંગ કહે છે કે આગ લાગી તેની માત્ર 10 મિનિટની અંદર તેમનો 23મો માળ પણ ગાઢ ધુમાડાના ભરડામાં આવી ગયો હતો અને તેમનાં પત્નીને બહાર નીકળવાનો માર્ગ નહોતો દેખાતો.

છ દાયકાની સૌથી ભયાનક આગ

આગ કેવી રીતે લાગી તે હજુ સુધી અસ્પષ્ટ છે, જોકે, સત્તાધીશોનું માનવું છે કે સમારકામની કામગીરીમાં જ્વલનશીલ પદાર્થનો વપરાશ થઈ રહ્યો હતો તથા તેના માટે જે લાકડાના માંચડા બાંધવામાં આવ્યા હતા, તેના કારણે આગ વ્યાપક રીતે ફેલાઈ ગઈ.

હૉંગકૉંગમાં ગત છ દાયકા દરમિયાન લાગેલી આ સૌથી ભયાનક આગ છે.

હૉંગકૉંગમાં રાહતદરે જે ઘરો બનાવયાં, તેમાં વાંગ ફુક કોર્ટ પણ સામેલ હતું. વર્ષ 1983માં આ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની આઠ ઇમારતોમાં લગભગ એક હજાર 800 ફ્લૅટ આવેલા છે. બુધવારની આગમાં આઠમાંથી સાત બિલ્ડિંગ સળગી ગઈ હતી.

વર્ષ 2021ની વસતિગણતરી પ્રમાણે, વાંગ ફુક કોર્ટના લગભગ 40 ટકા રહીશ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.

એવું માનવામાં આવે છે કે એટલે જ આ ઇમારતોમાં મોટી સંખ્યામાં રહીશ ફસાઈ ગયા, કારણ કે તેઓ ઉંમરવાન હતા અને ઝડપથી બહાર નહીં નીકળી શક્યા હોય.

સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ

ફૂંગની ઉંમર 40 વર્ષની છે. તેઓ પોતાનાં માતાને હજુ સુધી શોધી નથી શક્યા. ફૂંગ અને તેમનાં માતાપિતા ગત વર્ષે જ અહીં રહેવાં આવ્યાં હતાં, અહીંથી દરિયાનો નજારો દેખાય છે, જેથી તેમણે આ કૉમ્પ્લેક્સમાં ફ્લૅટ પસંદ કર્યો હતો.

જ્યારે આગ લાગી ત્યારે ફૂંગ અને તેમના પિતા કામે ગયા હતા. ફૂંગને તેમના પાડોશીનો ફોન આવ્યો હતો. જેઓ ફૂંગનાં માતાની સાથે ટૉઇલેટમાં છુપાયા હતા. જોકે, બુધવારે અડધી રાત પછી પાડોશી અને ફૂંગનાં માતાનો સંપર્ક તૂટી ગયો હતો.

ફૂંગ આશા છે. તેઓ કહે છે, "મારાં માતા બહાર આવે, એ પછી શું કરવું, તેના વિશે વિચાર કરીશું."

ફૂંગે પોલીસ પાસે મદદ માગી. પોલીસનો વળતો ફોન આવ્યો અને કહ્યું કે શું તમારાં માતા કોઈ પણ રીતે બચી નીકળ્યાં હોય એવું બને? ફૂંગ કહે છે કે આ સાંભળીને તેમને ગુસ્સો આવી ગયો.

ફૂંગે કહ્યું કે એવું કહી રીતે શક્ય છે: "વાંગ ચૉંગ હાઉસ કેટલું ભયાનક રીતે સળગી ગયું છે, એ તમને અમારા કરતાં વધુ સારી રીતે ખબર છે!"

ખિન્ન થઈ ગયેલા લોકો લાપતા સંબંધીઓ, બાળકો અને પેટને શોધવા માટે સોશિયલ મીડિયાની મદદ લઈ રહ્યા છે અને ત્યાં મદદ માટે ટહેલ નાખી રહ્યા છે.

એક ચિંતાતુર માતાએ લખ્યું, "મને હજુ પણ મારી દીકરી મળી નથી. લગભગ 30 કલાક થઈ ગયા છે. આમ છતાં ફાયર સર્વિસે કોઈ અપડેટ નથી આપ્યા."

એ પછી વધુ એક પોસ્ટમાં મહિલાએ લખ્યું, "મને આશંકા છે કે હવે આશા નથી રહી." ગુરુવાર રાત્રે તેણે ચાઇનીઝ અખબાર સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ સાથેની વાતચીતમાં પોતાની પુત્રીના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

વિવાદાસ્પદ સમારકામ પ્રોજેક્ટ

આ દુર્ઘટનાએ વાંગ ફૂક કોર્ટ ખાતે ચાલી રહેલા વિવાદાસ્પદ અને ખર્ચાળ સમારકામની કામગીરીને કેન્દ્રસ્થાને લાવી દીધી છે. આની પાછળ લગભગ રૂ. 377 કરોડનો (42.2 મિલિયન ડૉલર) ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.

જેના માટે દરેક ફ્લૅટધારકે એક લાખ 60 હજારથી એક લાખ 80 હજાર હૉંગકૉંગ ડૉલરની (રૂ. 18 લાખ 38 હજારથી રૂ. 20 લાખ 68 હજારની વચ્ચે) રકમ ચૂકવવાની હતી.

કેટલાક રહીશોએ જંગી ખર્ચને કારણે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, આમ છતાં તેને આગળ ધપાવવામાં આવ્યો હતો. સત્તાધીશોએ "સદંતર બેદરકારી" દાખવવાના આરોપ સબબ કન્સ્ટ્રક્શન કંપનીના ત્રણ એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે માંચડા બનાવવા માટે પ્લાસ્ટિક તથા જે સામગ્રી વાપરવામાં આવી હતી, તે નબળી ગુણવત્તાની હતી. આ સિવાય બારીઓ ઉપર સ્ટાયરોફૉમ વીંટાળવામાં આવ્યું હતું, જે અત્યંત જ્વલનશીલ હોય છે.

વૃદ્ધોની વ્યથાકથા

72 વર્ષીય ચાન લાંબા સમયથી આ રહેણાક પરિસરમાં રહે છે. ગત વર્ષે જ્યારે સમારકામ હાથ ધરવામાં આવ્યું, ત્યારથી જ તેઓ ભયભીત રહેતાં હતાં અને ક્યારેક તેમને બળવાની વાસ પણ આવતી હતી.

ચાને એક વખત તેમનાં પુત્રીને પૂછ્યું પણ હતું, "હું ઘરે રહીશ તો કશું થશે તો નહીં ને?"

જ્યારે આગ લાગી ત્યારે ચાન તેમના ઘરે એકલાં હતાં અને તેમનાં દીકરી દક્ષિણ કોરિયાનો પ્રવાસ ખેડી રહ્યાં હતાં. જ્યારે ચાનનાં દીકરીએ ફોન કરીને ખબરઅંતર પૂછ્યાં, ત્યારે તેમને આના વિશે ખબર પડી.

ચાન કહે છે કે તેમનાં દીકરીએ તેમને ઘરેથી નાસી છૂટવા કહ્યું એટલે આજે તેઓ જીવિત છે.

82 વર્ષીય વૃદ્ધા વૂની કહાણી પણ કંઈક આવી જ છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેઓ પાડોશીઓ સાથે ગમ્મત કરી રહ્યાં હતાં. ઍલાર્મને કારણે નહીં, પરંતુ પતિઓના ફોન-કોલને કારણે તેમને આગ વિશે માહિતી મળી હતી.

વૂ કહે છે કે વાંગ ચૉંગ હાઉસમાં આગ લાગી હતી. સળગતી ઇમારત અને તેમના ઘરની વચ્ચે વધુ ત્રણ ઇમારતો હતી, એટલે તેમણે ધ્યાન ન આપ્યું. વૂનું કહેવું છે કે એ પછી તેમને બીજો કોલ આવ્યો, જેમાં આગ તેમની ઇમારત સુધી પહોંચી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું.

એ પછી વૂ તથા અન્યો લિફ્ટમાં ગ્રાઉન્ડફ્લોર સુધી પહોંચ્યા.

વૂ જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચ્યા તો હવામાં ઇમારતો સળગવાની ગંધ ફેલાયેલી હતી. તેમણે જોયું તો રહેણાક પરિસરની આઠમાંથી સાત ઇમારતો ભડભડ સળગી રહી હતી.

વૂ સલામત હતા છતાં પોતાની સહાયક સાથે આખી રાત ઘરની બહાર જ રહ્યા. વૂ કહે છે કે તેમનો દીકરો તેમને પોતાના ઘરે લઈ જવા માગતો હતો, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો.

વૂ કહે છે, "આ ફ્લૅટમાં હું 42 વર્ષથી રહું છું."

તેઓ ઉમેરે છે, "મેં મારા દીકરાને કહ્યું કે હું નહીં આવું અને ક્યાંય નહીં જાઉં. હું અહીં જ બેસી રહીશ અને જોઈશ કે શું થાય છે. આગ ઓલવાશે એ પછી જ મારા હૃદયને શાંતિ થશે."

આગ ઓલવાયા પછી નવો સંઘર્ષ

આગ ઓલવાઈ એ પછી અનેક રહીશો માટે નવી લડત શરૂ થઈ છે, કારણ કે તેમણે જીવનભરની બચત અને કમાણી આ ઘર ખરીદવા પાછળ ખર્ચી હતી.

કેઇલ હો 32 વર્ષનાં છે. તેઓ પોતાનાં નિવૃત્ત માતાપિતા સાથે ગયા વર્ષે જ અહીં રહેવા માટે આવ્યા હતા.

વાંગ ફૂક કોર્ટમાં રાહતદરે ફ્લૅટ મળતા હોવા છતાં તેમણે ઘર ખરીદવા માટે લોન લેવી પડી હતી. કેઇલને ચિંતા છે કે હવે શું થશે.

હૉંગકૉંગની સરકારે બેઘર બનેલા પરિવારો માટે રૂ. એક લાખ પંદર હજાર (10 હજાર હૉંગકૉંગ ડૉલર) તથા રૂ. 345 કરોડ (ત્રણ કરોડ હૉંગકૉંગ ડૉલરના) સહાયફંડની જાહેરાત કરી છે. હૉંગકૉંગ સરકારની સહાયને કારણે કેલીને થોડી રાહત મળી છે.

તેઓ કહે છે, "કદાચ મારે ફ્લૅટ ગુમાવવો પડી શકે છે."

સાથે જ ઉમેરે છે, "પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમે બધા સલામત છીએ. અન્ય કેટલાક પરિવારો કરતાં અમે વધુ નસીબદાર છીએ."

બીજી બાજુ, ચૂંગે હજુ રાહ જોવાની છે. અધિકારીઓનું કહેવું છે કે તેમને હજુ પણ હયાત લોકો મળી આવે તેવી આશા છે. ગુરુવાર સવાર સુધી ચૂંગનાં પત્નીની કોઈ ભાળ નહોતી મળી.

ચૂંગ પણ તેમનાં પત્નીને શોધી કાઢવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ કહે છે, "હું તેને ખોળી કાઢવા માગું છું. ચાહે તે જીવિત હોય કે જતી રહી હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન