You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગર : 'ઘરે લગ્ન છે એ ક્યાં જાય?', દબાણો તોડી પડાતાં ઘરબાર ગુમાવનારાઓની વ્યથા
- લેેખક, અલ્પેશ ડાભી
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમે 50-50 વર્ષથી રહીએ છીએ, છતાં (જેમણે) પાંચ વર્ષ રહે છે, તેમને ઘરના મકાન મળી જાય છે. અત્યારે વહુને ડિલિવરી આવે એમ છે. મફતનગરની મોટાભાગની સ્ત્રીઓ વિધવા છે, એમનું કોણ? જ્યારે મત જોઈતા હોય, ત્યારે મફતનગરમાં આવે, અમારા મફતનગરનાઓએ તેમને ચૂંટાવ્યા છે. તો અત્યારે એમની સામે તેઓ (રાજ્યના નેતાઓ) નથી જોતા. અમારો ભગવાન છે, અમને ન્યાય મળી જ રહેશે."
ઉપરના શબ્દો ફૂલસર મફતનગરમાં રહેતા અલ્પાબહેનના છે. ભાવગનર મહાનગરપાલિકાએ ફૂલસરમાં કરેલી મેગા ડિમોલિશનની કામગીરીમાં અલ્પાબહેનના ઘરને તોડી પાડવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાએ સરકારી જમીન પર દબાણ દૂર કરવા આદરેલી કામગીરી દરમિયાન 75 જેટલાં કાચાં-પાકાં બાંધકામો તથા ત્રણ ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યાં છે. તોડી પડાયેલાં દબાણોમાં અલ્પાબહેનનું ઘર પણ હતું.
આ પહેલાં ગુરુવારે સાંજે ફૂલસરના અસરગ્રસ્ત રહીશો રજૂઆત કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પદાધિકારી કે અધિકારી હાજર ન હતા. જેથી લોકોએ સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
'ઘરે દીકરા-દીકરીનાં લગ્ન છે. અત્યારે ક્યાં જાય?'
શુક્રવાર સવારે ભાવનગરના ફૂલસર વિસ્તારમાં મહાનગર પાલિકાનો કાફલો બુલડોઝર તથા અન્ય સાધનો અને અધિકારીઓ સાથે પહોંચ્યો હતો અને સરકારી જમીન તથા રસ્તા ઉપર થયેલાં દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફૂલસરનાં રહીશ શીલાબહેનનું કહેવું છે, "તંત્ર દ્વારા કેટલાક લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે બીજા લોકો રસ્તા ઉપર આવી ગયાં છે અને તેમનો સામાન પણ રસ્તા ઉપર પડ્યો છે."
"એક બહેનનાં ઘરે દીકરા-દીકરીનાં લગ્ન છે. તેઓ અત્યારે ક્યાં જાય? અત્યારે ભાડે પણ (મકાન) મળતાં નથી. અમને જાણ કરવામાં આવી હતી, પરંતુ સમય નહોતો આપવામાં આવ્યો. સીધા સવારે છ વાગ્યે જ કામગીરી શરૂ કરે એટલે... બધા તાત્કાલિક સામાન ક્યાં નાખે? વ્યવસ્થા કરે કે નહીં?"
સ્થાનિકોનું કહેવું છે કે તેમને સામાન હટાવવા માટે પૂરતો સમય આપવામાં નહોતો આવ્યો. જોકે, મહાનગરપાલિકાના ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાએ આરોપ ફગાવતાં બીબીસીને જણાવ્યું હતું, "ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ઘણા સમય પહેલાં નોટિસ આપવામાં આવી હતી. જેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ, છતાં લોકો દ્વારા દબાણો દૂર નહી કરાતાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા ના કરાઈ?
ફૂલસરના અમુક રહીશોની ફરિયાદ છે કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કરાયા વગર જ દબાણો તોડી પાડવામાં આવતાં કેટલાય પરિવારો નોધારા થઈ ગયા છે.
ફૂલસરના રહીશ બાલાભાઈના કહેવા પ્રમાણે, "અમારા એરિયામાં 30 મકાન આપ્યાં છે, પણ 50 જણાને મકાન નથી મળ્યાં. એ બિચારા રોડ ઉપર બેઠા છે. અમારું કહેવું છે કે મકાન દેવાં હોય તો બધાને આપો, નહીંતર કોઈને ન આપો."
જોકે, ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર એન.બી. વઢવાણિયાનું બીબીસી સાથેની વાતચીતમાં જણાવવાનું છે, "રજૂ કરાયેલા આધારપુરાવા અને સરકારની માગદર્શિકા અંતર્ગત 66 લાભાર્થીઓને મકાન મળવા પાત્ર હતાં. જોકે, એમાંથી ચાર લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી જતાં એ સિવાયના 62 લોકોને મકાન ફાળવી દેવાયાં છે."
આ કામગીરી અંતર્ગત ફૂલસર માર્કેટિંગ યાર્ડની સામેના ભાગમાં મહાનગરપાલિકાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
ભાવનગરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આર.આર. સિંઘલના જણાવ્યા પ્રમાણે, "ફૂલસર વિસ્તારમાં 75 જેટલાં કાચા-પાકા બાંધકામો તથા ત્રણ ધાર્મિક દબાણોને હટાવવા માટે કૉર્પોરેશનનો સ્ટાફ 15 જેટલા પોલીસ અધિકારીઓ તથા 50 જેટલા પોલીસકર્મીઓને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે."
"લગભગ 16,500 સ્ક્વેર મીટરનો વિસ્તાર ગેરકાયદેસર બાંધકામ હેઠળ હતો, તેને ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી."
દબાણ હટાવવાની કામગીરી સામે મોડી સાંજે ફૂલસરના મફતનગરના રહીશો બીએમસીની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પદાધિકારી કે અધિકારી હાજર ન હતા, એટલે ઉશ્કેરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન