ગુજરાતનાં શહેરોની હવા દિલ્હીની જેમ કેમ ઝેરી બની રહી છે?

દિલ્હીમાં કાબૂબહાર નીકળી ગયેલા હવાના પ્રદૂષણના સમાચાર વચ્ચે ગુજરાતમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાની ખબરો આવી રહી છે.

અમદાવાદમાં ગુરુવારે ભારે પ્રદૂષણ નોંધાયું હતું અને સીપીસીબીના ડેટા અનુસાર ગુરુવારે સાંજના ચાર વાગ્યે અમદાવાદના રાયખડ સ્ટેશને રેકૉર્ડ કરાયેલ એક્યુઆઇ 272 હતો.

વિવિધ પ્રદૂષકોના પ્રમાણને ધ્યાને લઈને હવા કેટલી પ્રદૂષિત છે તેને ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ (એકયુઆઇ) એટલે કે વાયુ ગુણવત્તા સૂચકાંકમાં દર્શાવાય છે.

જો એક્યુઆઇ 50 કે તેથી નીચે હોય તો હવા સારી ગુણવત્તાની ગણાય અને જો એકયુઆઇ 51થી 100 ની વચ્ચે હોય તો ગુણવતા સંતોષકારક ગણાય. જો આ આંક 101થી 200 વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય અને જો આંક 201થી 300ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેવો સંકેત આપે છે.

તે જ રીતે 301થી 400 વચ્ચેનો આંક ખૂબ ખરાબ હવા અને 401થી 500 વચ્ચેનો આંકડો અતિશય ખરાબ હવા છે તેમ સૂચવે છે.

ગુજરાતમાં હવાની ગુણવત્તા કથળી?

ગુરુવારે અમદાવાદના ચાંદખેડા સ્ટેશને એક્યુઆઇ 139 રેકૉર્ડ થયો. ગ્યાસપુર સ્ટેશને એક્યુઆઇ 223 રેકૉર્ડ થયો હતો. જ્યારે અમદાવાદનાં અન્ય સ્ટેશનો પૈકી મણિનગર સ્ટેશન 120, રખિયાલ સ્ટેશને 175, એસએસી ઇસરો બોપલ સ્ટેશન 199, એસએસી ઇસરો સેટેલાઇટ સ્ટેશને 117 અને એસવીપીઆઇ ઍરપૉર્ટ હાંસોલ સ્ટેશને એક્યુઆઇ 169 નોંધાયો હતો.

આ તમામ સ્ટેશને હવાની ગુણવત્તા મધ્યમથી ખરાબ વચ્ચે જોવા મળી હતી.

સુરતની વાત કરીએ તો ગુરુવારે શહેરના સાયન્સ સેન્ટર ખાતે એક્યુઆઇ 277 જોવા મળ્યો હતો.

જ્યારે ગાંધીનગરના આઇઆઇપીએચજી લેકાવાડા સ્ટેશન ખાતે હવાની ગુણવત્તા મધ્યમ જોવા મળી હતી અને એક્યુઆઇ 146 હતો.

એક્યુઆઇમાં વધારો કેમ થાય છે?

એક્યુઆઇમાં વધારો કે હવાની ગુણવત્તા કથળી જાય એ માટેનાં કારકો અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ તામિલનાડુસ્થિત પર્યાવરણ સંબંધી સુધારા માટે કામ કરતી સંસ્થા પોવુલાગીન નાનબરગલના પર્યાવરણ ઇજનેર પ્રભાકરન વીરારાસુ સાથે વાત કરી હતી.

તેમણે એક્યુઆઇમાં વધારા માટેનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહ્યું હતું કે, "સેન્ટર ફૉર રિસર્ચ ઓન ઍનર્જી ઍન્ડ ક્લીન ઍર (ક્રીઆ)એ ભારતના બધા જિલ્લામાં પીએમ 2.5ના સેટેલાઇટ ડેટાનો તાજેતરમાં વિશ્લેષણ કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જે અનુસાર માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ભારતના 82 ટકા જિલ્લાની હવાની ગુણવત્તામાં તકલીફ હતી. "

"હવામાં પીએમ 2.5નું વાર્ષિક પ્રમાણ 40 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જેટલું હોવું જોઈએ. પરંતુ આ જિલ્લાઓમાં તેનું પ્રમાણ આ મર્યાદા કરતાં વધુ જોવા મળ્યું હતું. આમ, હવાની ગુણવત્તાની સમસ્યા હવે કોઈ એક શહેર કે રાજ્યની સમસ્યા નથી રહી ગઈ."

હવામાં ઊડતા ઘન તેમજ પ્રવાહી પદાર્થોના સૂક્ષ્મ કણો જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર (1000 માઇક્રોમીટર = 1 મિલીમીટર અને 2.5 મિલીમીટર = 1 ઇંચ) એટલે કે એક ઇંચનો લગભગ દસ હજારમાં ભાગથી નાનો હોય તે પણ પ્રદૂષણ ફેલાવે છે.

આવાં તત્ત્વો શ્વસનક્રિયાના માધ્યમથી માણસોનાં ફેફસાં વાટે માનવ શરીરમાં પ્રવેશી શકે છે. આવા સૂક્ષ્મ કણોને પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) કહેવાય.

તેઓ ગુજરાતની વાત કરતાં કહે છે કે, "ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા છે. આ સિવાય વધતા જતા શહેરીકરણની સાથે નવાં શહેરો પણ અસ્તિત્વમાં આવી રહ્યાં છે, જ્યાં બિનઆયોજિત શહેરીકરણને કારણે હવાની ગુણવત્તા પર અસર પડે છે. આવાં શહેરોમાં ટ્રાફિકની ભારે સમસ્યા અને વાહનોના પ્રદૂષણનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે."

તેઓ હવાની ગુણવત્તા કથળવાનાં અન્ય કારણો અંગે વાત કરતાં કહે છે કે, "આ સિવાય શહેરમાં ડમ્પિંગ યાર્ડ, વેસ્ટ મૅનેજમેન્ટ સંબંધી સમસ્યાઓને કારણે પણ હવાની ગુણવત્તાને અસર થાય છે."

"એક ક્ષેત્રની હવા પ્રદૂષિત થવા પાછળ ઘણાં કારણ જવાબદાર હોય છે. જોકે, તેમાં બે કારણો મુખ્ય છે. એક છે જે તે ક્ષેત્રમાં થતું પ્રદૂષણ અને બીજું છે જે-તે ક્ષેત્રનું હવામાન."

તેઓ કહે છે કે સામાન્ય રીતે શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળે છે.

"જે તે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધવા પાછળ શહેરની આસપાસ રહેલાં થર્મલ પાવર પ્લાન્ટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતા પ્રદૂષકો લાંબું અંતર કાપી શકે છે. આ સિવાય ક્ષેત્રમાં રહેલી ભઠ્ઠીઓ, વાહનોનું પ્રદૂષણ, રસ્તાની ધૂળ, બાંધકામની પ્રવૃત્તિ અને બિનઆયોજિત વિકાસનાં કામોને કારણે પણ હવા પ્રદૂષિત બનતી હોય છે. આ માત્ર ગુજરાત કે કોઈ એક ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને એશિયાના વિસ્તારો માટે એક સત્ય છે."

પ્રભાકરન આગળ જણાવે છે કે ચીનમાં બીજિંગનું પ્રદૂષણ પણ ઉપરોક્ત બધાં કારકોનું સમાધાન શોધીને જ ઘટાડવામાં સફળતા મળી છે.

ગુજરાતમાં પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ પણ પ્રભાકરનની વાત સાથે સંમત થાય છે અને કહે છે કે, "શહેરોમાં બિનઆયોજિત વિકાસ એ પ્રદૂષણનું સૌથી મોટું કારણ બને છે."

"આ સિવાય લોકોમાં સામૂહિક જવાબદારીનો અભાવ, વાહનોની વધતી જતી સંખ્યા, સામૂહિક શિસ્ત અને અવિચારીપણે કરાતું ઔદ્યોગિકીકરણ પ્રદૂષણ માટે કારણભૂત બને છે."

કેવી હવા પ્રદૂષિત કહેવાય?

હવામાં ઝેરી વાયુ, મેશ, ધૂળના રજકણો અને ઘન પદાર્થોના નાના કણો ભળે ત્યારે હવા પ્રદૂષિત થાય છે.

ભારત સરકારે 2009માં વાતાવરણની હવામાં કેટલી માત્રામાં આવાં તત્ત્વો ભળેલાં હોય તો હવા પ્રદૂષિત કહેવાય અને કેટલી હદે પ્રદૂષિત કહેવાય તેનાં ધોરણો નક્કી કર્યાં હતાં.

તેને નૅશનલ એમ્બીયન્ટ ઍર ક્વૉલિટી સ્ટાન્ડર્ડઝ એટલે કે આસપાસની હવાના ગુણવત્તાનાં રાષ્ટ્રીય ધોરણો કહેવાય છે.

આ ધોરણોમાં કુલ 12 પ્રદૂષકોને આવરી લેવાયા છે. તેમાં કારખાનાંની ચીમની અને વાહનોમાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ તેમ જ આવા વાયુઓના કારણે ઉત્પન્ન થતો ઓઝોન વાયુ, પશુઓનું મળ અને યુરિયા જેવા ખાતરમાંથી નીકળતા નાઇટ્રોજન વાયુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીસું, બેન્ઝીન, નિકાલ વગેરેના કણો, બેન્ઝોપાઇરિન, આર્સેનિક જેવાં તત્ત્વો પણ પ્રદૂષણનો સ્રોત હોય છે.

વળી, હવામાં ઊડતા ઘન તેમજ પ્રવાહી પદાર્થોના સૂક્ષ્મ કણો જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર (1000 માઇક્રોમીટર = 1 મિલીમીટર અને 2.5 મિલીમીટર = 1 ઇંચ) એટલે કે એક ઇંચનો લગભગ દસ હજારમાં ભાગથી નાનો હોય તે પણ પ્રદૂષણ ફેલાવે છે. આવાં તત્ત્વો શ્વસનક્રિયાના માધ્યમથી માણસોનાં ફેફસાં વાટે માનવ શરીરમાં પ્રવેશી શકે છે. આવા સૂક્ષ્મ કણોને પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) કહેવાય છે. ઉપરાંત 2.5 માઇક્રોમીટરથી વધારે પરંતુ 10 માઈક્રોમીટરથી ઓછો પરિઘ ધરાવતા કણો પણ હવામાં તરતા રહે છે અને પ્રદૂષણ ફેલાવે છે.

આ પ્રદૂષકોનું પ્રમાણ 24 કલાક દરમિયાન કે એક કલાક દરમિયાન કયા સ્તરથી વધી જાય તો પ્રદૂષણ ગણવું તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ ધોરણો અનુસાર જો કોઈ એક કલાકના સમયગાળા દરમિયાન એક ઘનમીટર હવામાં 2.5 માઇક્રોમીટરનો પરિઘ ધરાવતા પાર્ટિક્યુલેટ મૅટરનું પ્રમાણ 60 માઇક્રોગ્રામ (એક ગ્રામ = દસ લાખ માઇક્રોગ્રામ) થી વધી જાય તો તે હવાને પ્રદૂષિત ગણવી.

10 માઇક્રોમીટરથી ઓછો પરિઘ ધરાવતા કણોનું પ્રમાણ 100 માઇક્રોગ્રામથી વધી જાય તો હવા પ્રદૂષિત કહેવાય.

વાયુ પ્રદૂષણ ફેલાવતા વાયુઓનું સ્તર માપવા એક ઘનમીટર હવાના સૅમ્પલમાં તે વાયુના વજનને ધ્યાને લેવાય છે.

ભારતમાં નક્કી થયેલ ધોરણો મુજબ એક કલાકમાં એક ઘનમીટર હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ 80 માઇક્રોગ્રામથી, ઓઝોનનું પ્રમાણ 180 માઇક્રોગ્રામથી, સીસાનું પ્રમાણ 1 માઇક્રોગ્રામથી, કાર્બનનું પ્રમાણ 2 મિલીગ્રામ (1000 મિલીગ્રામ = 1 ગ્રામ)થી અને એમોનિયાનું પ્રમાણ 400 માઇક્રોગ્રામથી વધી જાય તો હવા પ્રદૂષિત ગણાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન