You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વાવાઝોડું જે બબ્બે દેશમાં તબાહી મચાવ્યા બાદ આગળ વધ્યું, 193થી વધુનાં મોતનું વમળ કેવી રીતે રચાયું?
ફિલિપાઇન્સમાં ભયંકર તબાહી મચાવ્યા પછી કાલમેગી વાવાઝોડું વિયેતનામમાં ત્રાટક્યું છે અને કમ્બોડિયા તરફ આગળ વધી રહ્યું છે.
નવી માહિતી પ્રમાણે ફિલિપાઇન્સ અને વિયેતનામમાં ઓછામાં ઓછા 193 લોકોનાં મોત થયાં છે. તેમાંથી ફિલિપાઇન્સમાં 188નો મૃત્યુઆંક છે, જ્યારે વિયેતનામમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. હવે આ વાવાઝોડું કમ્બોડિયા અને લાઓસ તરફ જઈ રહ્યું છે. વિયેતનામમાં વાવાઝોડું પહોંચ્યું ત્યારે પવનની ઝડપ 149 કિમી પ્રતિ કલાકની હતી.
આ દરમિયાન પેસિફિક સમુદ્રમાં બીજું એક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સ સરકારે ઇમરજન્સી સ્થિતિ જાહેર કરી છે.
વિયેતનામના કિનારાના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને પોતાનું ઘર ખાલી કરવા માટે જણાવાયું છે. 50થી વધારે ઉડાનો રદ કરવામાં આવી છે, અથવા તેનો સમય બદલી નાખવામાં આવ્યો છે.
મંગળવારે ફિલિપાઇન્સમાં આ વાવાઝોડાએ મોટા પાયે વિનાશ સર્જ્યો હતો. કાલમેગી વાવાઝોડાના કારણે સેંકડો લોકો ગુમ છે અને લાખો લોકોએ પોતાના ઘર છોડીને પલાયન કરવું પડ્યું છે.
શક્તિશાળી પવન ફૂંકાવાની સાથે સાથે મુશળધાર વરસાદ પડ્યો
ગયા અઠવાડિયે મધ્ય વિયેતનામમાં રેકૉર્ડ વરસાદ પડ્યો હતો જેમાં લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્યાર પછી તરત આ વાવાઝોડું આવ્યું છે.
વિયેતનામની સેનાએ 1.60 લાખ સૈનિકો અને રાહત કર્મચારીઓને રાહત કામ માટે ગોઠવ્યા છે. હજારો વાહનો અને છ વિમાન પણ તૈયાર રાખવામાં આવ્યા છે. કેટલાંક ઍરપૉર્ટ અને એક્સપ્રેસવે બંધ કરી દેવાયાં છે.
વિયેતનામના દાક લેક પ્રાંતના ઘણા લોકોએ કહ્યું કે તેમનાં ઘર તૂટી ગયાં છે અથવા તેમાં પાણી ભરાઈ ગયું છે. વાવાઝોડામાં શક્તિશાળી પવન ફૂંકાવાની સાથે સાથે મુશળધાર વરસાદ પણ પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિયેતનામના રાષ્ટ્રીય હવામાન વિભાગ મુજબ સાત શહેરો અને પ્રાંતમાં સેંકડો વિસ્તારોમાં પૂર આવવાની અને ભૂસ્ખલન થવાની શક્યતા છે.
કેટલીય જગ્યા પર મકાનો તૂટી ગયાં છે, હોટલોમાં કાચની પૅનલો તૂટી ગઈ છે, હજારો ઝાડ ઊખડી ગયાં છે અને ગ્રામીણ રસ્તા બંધ થઈ ગયા છે.
સ્થાનિક અહેવાલ પ્રમાણે વડા પ્રધાન ફામ મિન ચિને અધિકારીઓ સાથે ઑનલાઇન બેઠક કરી હતી. તેમણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને ખોરાક-પાણી પૂરા પાડવાની સૂચના આપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન