You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીજીનાં એ દલિત દત્તક પુત્રીની કહાણી જેનો કસ્તૂરબાએ કર્યો હતો વિરોધ
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
તમે જાણતા હશો કે ગાંધીજીને ચાર પુત્રો હતા. પરંતુ તમને ખબર છે કે તેમણે એક પુત્રી દત્તક લીધી હતી? આ પુત્રી કોણ હતી? તેને કોચરબ આશ્રમમાં પ્રવેશ આપવાની સાથે જ કસ્તૂરબા સહિતનાં આશ્રમવાસીઓએ તેમનો વિરોધ કરવાનો કેમ શરૂ કરી દીધો હતો? આ વિરોધનો ગાંધીજીએ કેવી રીતે સામનો કર્યો? આ વિરોધ બાદ કસ્તૂરબાએ આ પુત્રીને કેવી રીતે અપનાવી?
આ બધી જાણકારી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગાંધી સાહિત્યના અભ્યાસ કર્યો અને આ દત્તક પુત્રીના હાલ હયાત પરિવારજનો સાથે વાત કરી.
ગાંધીજીની આ દત્તક પુત્રીની વિગતોને જાણવા માટે આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે.
9મી જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા. તેમણે મુંબઈમાં પગ મૂક્યો ત્યારે તેમનું સ્વાગત એક રાષ્ટ્રીય મહાનાયકની માફક કરવામાં આવ્યું. તેમના મનમાં ભારતમાં 'ટોલસ્ટોય' અને 'ફિનિક્સ'ની માફક કોઈ સંસ્થા કે આશ્રમ સ્થાપવાનો વિચાર ચાલતો હતો.
25મી મે,1915ના રોજ ગાંધીજી દ્વારા અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરવામાં આવી. જે હાલ કોચરબ આશ્રમના નામે પણ ઓળખાય છે.
ગાંધીજીને અમદાવાદમાં વસાવવા માટે મદદ કરનારા પૈકીના લોકોમાંથી એક હતા જીવણલાલ બૅરિસ્ટર. તેમનું કોચરબ ખાતેનું મકાન ગાંધીજીએ આશ્રમ માટે ભાડેથી લેવાનું નક્કી કર્યું.
ગાંધીજીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં ઉલ્લેખ કરતા લખ્યું હતું કે તે વખતે આશ્રમમાં 13 લોકો તામિલ હતા. તેમની સાથે દક્ષિણ આફ્રિકાથી પાંચ તામિલ બાળકો આવ્યાં હતાં. બીજાં લગભગ 25 જેટલાં સ્ત્રી-પુરુષોથી આશ્રમનો આરંભ થયો હતો.
ગાંધીજી લખે છે, "બધાં એક રસોડે જમતાં હતાં અને એક કુટુંબ હોય તેમ વર્તવાનો પ્રયત્ન કરતાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આશ્રમની શરૂઆતના થોડા મહિના બાદ ગાંધીજીની આકરી કસોટી શરૂ થઈ હતી.
ગાંધીજી આશ્રમમાં (તત્કાલીન વ્યાખ્યા પ્રમાણે) અસ્પૃશ્ય પરિવારને વસાવીને એક ઉદાહરણ પેશ કરવા માગતા હતા. તેથી તેમણે આશ્રમમાં રહેવા તૈયાર હોય તેવા અસ્પૃશ્ય પરિવારની શોધ ચલાવી.
દલિત દીકરી લક્ષ્મીનો પરિવાર સાથે આશ્રમમાં પ્રવેશ
ગાંધીજીના વિચારોને વળગીને આદિવાસી સમાજોમાં કેળવણી અને જાગૃતિનું કામ કરનારા અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)નો એક પત્ર ગાંધીજીને મળ્યો.
તેમાં તેમણે લખ્યું હતું, "એક ગરીબ અને પ્રમાણિક અંત્યજ (દલિત) કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?"
ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે, "ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે તેવી મેં મુદ્દલ આશા નહોતી રાખી. સાથીઓને મેં કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. તે કુટુંબ આશ્રમના નિયમો પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી અમૃતલાલ ઠક્કરને મેં જણાવી."
દૂધાભાઈએ 6 સપ્ટેમ્બર, 1915ના રોજ આશ્રમમાં જોડાવાની અને તમામ નિયમો પાળવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર લખ્યો.
આખરે 11મી સપ્ટેમ્બર, 1915ના રોજ દૂધાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને દૂધ પીતી બાળકી લક્ષ્મી આશ્રમની મુલાકાતે આવ્યાં પછી 26મી સપ્ટેમ્બરના રોજ આશ્રમમાં રહેવા આવી ગયાં.
દૂધાભાઈ મૂળ હાલના અમરેલી જિલ્લાના દેવરાજીયા ગામના વતની હતા. પહેલાં તેઓ બોટાદમાં શાળા ચલાવતા હતા અને પછી મુંબઈમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પરંતુ તેમના આવવાથી જ આશ્રમમાં ખળભળાટ શરૂ થઈ ગયો.
ગાંધીજી લખે છે, "સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિકનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં અડચણ આવવા લાગી. કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂધાભાઈને પજવવાનું શરૂ કર્યું. મેં સહુને ગાળો સહન કરવાનું અને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું કહી દીધું હતું."
જોકે, બાદમાં કોસવાળાએ અપશબ્દો બોલવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ત્યાં આશ્રમમાં બીજી મુસીબત આવી.
આશ્રમમાં નાણાકીય મદદ બંધ થઈ ગઈ. ગાંધીજીએ લખ્યું છે, "જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી. પૈસાની મદદ બંધ થઈ. બહિષ્કારની અફવા મારે કાને આવવા માંડી. મેં મારા સાથીને કહ્યું હતું કે, જો આપણો બહિષ્કાર થાય તો અને આપણી પાસે કોઈ મદદ નહીં રહે તો પણ આપણે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું. જે કંઈ મળી રહેશે તેના પર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું."
પૈસાની મદદ બંધ થયા બાદ આશ્રમનું વ્યવસ્થાપન, ખર્ચ અને આર્થિક બાબતોની દેખરેખ રાખતા ગાંધીજીના ભત્રીજા મગનલાલ ગાંધીએ ગાંધીજીને નોટિસ આપી : "આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી."
મગનલાલ ગાંધી ગાંધીજીના કાકા જીવનચંદના પુત્ર ખુશાલચંદના પુત્ર હતા. મગનલાલ પણ ગાંધીજીની જેમ દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ત્યાં તેમણે ગાંધીજીના સ્વૈચ્છિક ગરીબીના સંકલ્પને અનુસરીને પોતાની કારકિર્દી બનાવવાને બદલે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાસ્થિત આશ્રમમાં જોડાઈ ગયા હતા.
મગનલાલ ગાંધીની નોટિસના જવાબમાં ગાંધીજીએ લખ્યું, "તો આપણે અંત્યજવાડે રહેવા જઇશું."
ગાંધીજી લખે છે, "મારી ઉપર આવી ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે."
મગનલાલે નોટિસ આપ્યા બાદ તુરત જ એક સવારે કોઈ બાળકે ગાંધીજીને ખબર આપી કે "આશ્રમ બહાર કોઈ મોટર ઊભી છે. એક શેઠ તમને બોલાવે છે. હું શેઠ પાસે પહોંચ્યો. શેઠે મને પૂછ્યું કે હું આશ્રમને મદદ કરવા ઇચ્છું છું, તમે લેશો? મેં જવાબ આપ્યો કે, હું જરૂર લઉં પરંતુ મારે એ કબૂલ કરવું જોઈએ કે હાલ હું ભીડમાં છું."
"તેમણે બીજે દિવસે મળવાની વાત કરી."
બીજે દિવસે તે શેઠ આવ્યા અને ગાંધીજીને 13,000 રૂપિયાની નોટો આપી ગયા.
કસ્તૂરબાનો વિરોધ
આશ્રમમાં દલિત કુટુંબનું આવવું કેટલાક લોકોને પસંદ નહોતું. આ લોકોમાં ખુદ ગાંધીજીનાં પત્ની કસ્તૂરબા પણ સામેલ હતાં.
લક્ષ્મીબહેનના ભાઈ મોહનભાઈ દાફડાના પુત્ર એટલે કે ભત્રીજા ભીખુભાઈ દાફડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "કસ્તૂરબા નારાજ હતાં તેથી મારા દાદા દૂધાભાઈએ ગાંધીજી સમક્ષ આશ્રમ છોડવાની તૈયારી બતાવી, પરંતુ ગાંધીજી અડગ હતા. તેમણે બધાંને આ બધું મૂંગે મોઢે સહન કરવાની સલાહ આપી."
ગાંધીજી અક્ષરદેહમાં લખે છે, "જે દિવસે દૂધાભાઈ આશ્રમમાં આવ્યા તે દિવસે સંતોક મગનલાલ ગાંધી, જેમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહમાં ભાગ પણ લીધો હતો, તેમણે લાંઘણ (ઉપવાસ) કર્યાં. મહાકંકાસ પેદા થયો. સંતોકે કંઈ ન ખાધું તેથી મેં પણ કંઈ ન ખાધું. કસ્તૂરબાને પણ ન ગમ્યું અને સતત વિરોધ કર્યો. આશ્રમની બીજી બહેનોએ પણ વિરોધ કર્યો."
ગાંધીજીએ કસ્તૂરબાને કહી દીધું, "તું મને છોડી શકે છે અને આપણે સારા મિત્રો તરીકે છૂટા પડવું જોઈએ."
સંતોક અને મગનલાલે 24મી સપ્ટેમ્બરના રોજ આશ્રમ છોડ્યો. જોકે, તેઓ ત્રણ ઑક્ટોબરના રોજ પરત આવ્યાં હતાં. કસ્તૂરબાએ વિરોધ છતાં સાથ નહોતો છોડ્યો.
આશ્રમવાસીઓના વિરોધનો પ્રતિકાર કરવા માટે ગાંધીજીએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું.
ગાંધીજી કસ્તૂરબાને હંમેશાં સમજાવતા, પરંતુ તેઓ થાકી જતા. બાની આંખમાંથી દડદડ આંસું પણ વહેવાં લાગતાં, પરંતુ ગાંધીજી મક્કમ હતા.
તે સમયે ગાંધીજીનાં મોટાં બહેન રળિયાતબહેન પણ આશ્રમમાં સાથે જ રહેતાં હતાં. તેઓ નાની વયે વિધવા થયાં હતાં. તેમને પણ દૂધાભાઈનું કુટુંબ આશ્રમમાં રહેવા આવ્યું તે ન ગમ્યું.
પહેલાં તેમણે અલગથી રસોઈની માંગ મૂકી, પરંતુ ગાંધીજીએ તેનો અસ્વીકાર કર્યો. તેમણે પણ વિરોધમાં આશ્રમ છોડ્યો.
તેઓ રાજકોટ ચાલ્યાં ગયાં અને ગાંધીજીએ તેમનાં ભરણ-પોષણની વ્યવસ્થા કરી.
ગાંધીજીએ કસ્તૂરબાને પણ કહી દીધું કે તું પણ રળિયાતબહેનની જેમ રાજકોટ જઈ શકે છે. પરંતુ કસ્તૂરબાએ કહ્યું, "એમ કરીને તમારે મને આખી જિંદગી માટે જૂદી કરવી છે. હું તમારાથી જૂદી પડવાની નથી."
છેવટે બા કમને માની ગયાં. પછી તો બા લક્ષ્મીના વાળ પણ ઓળતાં હતાં અને તેને નવડાવીને તૈયાર પણ કરતાં હતાં. બાએ લક્ષ્મીને વ્હાલ કરીને આ પ્રકારે શરૂઆતની નારાજગીની પાછળથી ભરપાઈ કરી દીધી.
ગાંધીજીએ લક્ષ્મીને દત્તક લીધી
આખરે વિરોધને નાથવા માટે ગાંધીજીએ લક્ષ્મીને દત્તક લેવાનું નક્કી કર્યું.
5મી ઑક્ટોબર, 1920ના રોજ ગાંધીજીએ લક્ષ્મીને દત્તક લીધાં. તે સમયે લક્ષ્મીની ઉંમર લગભગ છ વર્ષની હતી. ત્યારબાદનાં 14 વર્ષ સુધી લક્ષ્મી ગાંધીજી સાથે જ રહ્યાં.
ઉંમર લાયક થતાં લક્ષ્મીને ગાંધીજીએ પરણાવવાનો નિર્ણય લીધો. તે માટે તેમણે આશ્રમમાં જ કામ કરતાં મૂળે મદ્રાસના તામિલ બ્રાહ્મણ મારૂતિ શર્માને પસંદ કર્યા.
મારૂતિ શર્મા રેટિંયા માટે ચાલતી યંત્રશાળામાં ટેક્નિશિયન તરીકે કામ કરતા હતા.
ભીખુભાઈ દાફડાના પુત્ર હિતેષભાઈ દાફડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "તેમનાં લગ્ન વખતે ગાંધીજી યરવાડા જેલમાં હતા. તેથી તેમનું લગ્ન તેમની ગેરહાજરીમાં થયું અને ગાંધી આશ્રમની સામે લાલ બંગલો છે ત્યાં થયું હતું. તેમનું કન્યાદાન જાણીતા સંગીતકાર નારાયણ ખરેએ કર્યું હતું."
અગાઉ પણ ગાંધીજી જેલમાં હોવાને કારણે લક્ષ્મીનાં નક્કી કરેલાં લગ્ન થયાં નહોતાં. લક્ષ્મીએ પોતે ગાંધીજી ઉપસ્થિત ન હોય તો લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ બીજી વખત લક્ષ્મી ગાંધીજીની ગેરહાજરી છતાં લગ્ન માટે સંમત થયાં.
તેમને એક પુત્ર અને એક પુત્રી થયાં હતાં. પુત્રનું નામ હરિભાઈ શર્મા અને પુત્રીનું નામ કલ્પનાબહેન રાખવામાં આવ્યું હતું. હરિભાઈ શર્માનાં લગ્ન રસિલાબહેન સાથે થયાં હતાં અને તેમને એક પુત્રી છે, જેમનું નામ સ્નેહ છે. હરિભાઈ શર્માનું અવસાન થયું છે.
1946માં મારૂતિ શર્માનું અવસાન થયું. 32 વર્ષની ઉંમરે લક્ષ્મીબહેન વિધવા થયાં, પરંતુ પરિવારજનોનું કહેવું છે કે તેમણે ગાંધીજીના નામે કોઈ સગવડ નથી માંગી.
હિતેષ શર્મા કહે છે, "તેઓ પહેલાં એક મિલમાં નોકરી કરતાં હતાં અને બાદમાં તેમણે એક હૉસ્પિટલમાં લોકોની સેવા-સુશ્રુસા કરવાનું નક્કી કર્યું."
લક્ષ્મીબહેન શર્માના પુત્ર હરિભાઈ શર્માનું નિધન થઈ ગયું છે, પરંતુ હરિભાઈ શર્માનાં પત્ની રસિલાબહેન હજુ હયાત છે.
રસિલાબહેન શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "તેઓ સાદગી પસંદ હતાં. ગાંધીજીના વિચાર અનુસાર જીવનારાં હતાં."
"મારાં લગ્ન 1978માં થયાં હતાં અને તેઓ 1984માં મૃત્યુ પામ્યાં. અમારાં વચ્ચે બહુ ઓછો સમય સાથે રહેવાનું આવ્યું, કારણકે છેલ્લે તેઓ ગાંધી આશ્રમમાં રહેવાં જતાં રહ્યાં હતાં."
તેઓ બહુ લાઇમલાઇટમાં કેમ ન રહ્યાં અથવા તો ગાંધી પરિવારના કેટલાક લોકોની જેમ રાજનીતિમાં કેમ ન ઝંપલાવ્યું?
આ પ્રશ્નના જવાબમાં રસિલાબહેન કહે છે, "તેઓ રાજનીતિથી દૂર હતાં. તેમને ખટપટ ગમતી નહોતી. તેઓ હંમેશાં ખાદી પહેરતાં અને ગાંધીજીની માફક સાદું જીવન જીવતાં. તેઓ લોકોની સેવામાં અને ગાંધીવિચારનો પ્રચાર કરવામાં માનતા હતાં. તેઓ બહુ સરળ સ્વભાવનાં હતાં."
દાફડા પરિવારના જણાવ્યા પ્રમાણે પતિ મારૂતિ શર્માના નિધન બાદ લક્ષ્મીબહેને પોતાની આજીવિકા માટે અમદાવાદની એક મિલમાં કામ કરવાનું શરૂ કરી દીધું. દરમિયાન એક દિવસ તેઓ દાદર પરથી લપસી ગયાં હતાં તેથી તેમણે વધારે મહેનતવાળું કામ કરવાનું બંધ કર્યું હતું.
લક્ષ્મીબહેનના પુત્ર હરિભાઈ શર્મા ગુજરાત ખાદી બોર્ડમાં સ્ટેનોગ્રાફરની નોકરી કરતા હતા.
હરિભાઈ પર પણ ગાંધીજીને ભારે હેત હતું. ગાંધીજી હરિભાઈ જ્યારે બાળક હતા ત્યારે તેની સાથે રમતા હતા. ગાંધીજી જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી તેઓ લક્ષ્મીને દર વર્ષે પોતાની પાસે (પિયર)માં રહેવા માટે બોલાવતા. કસ્તૂરબાના અવસાન બાદ પણ ગાંધીજીએ આ ક્રમ જાળવી રાખ્યો હતો.
ગાંધીજી લક્ષ્મીબહેનને હંમેશાં પત્રો લખવાનું કહેતા.
ગાંધીજીની હત્યા થઈ ત્યારે તેમને ઘણો આઘાત લાગ્યો હતો. તેમની પાસે દિલ્હી જઈ શકે તેવી કોઈ વ્યવસ્થા નહોતી તેથી તેઓ છેક ચોથે દિવસે દિલ્હી પહોંચ્યાં અને બાપુના અસ્થિફૂલ લઈને પ્રયાગ ગયાં.
તેમણે તેમનાં સંતાનોને પેટે પાટા બાંધીને મોટાં કર્યાં. તેમનું અવસાન 31મી જાન્યુઆરી, 1984ના રોજ થયું. જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેઓ તેમની છેલ્લી ઇચ્છા અનુસાર ગાંધી આશ્રમમાં જ રહેતાં હતાં.
લક્ષ્મીબહેનનાં બીજાં બહેન ચંદ્રીકાબહેનના પુત્ર નરેન્દ્રભાઈ ગોહિલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "તેઓ છેલ્લે સુધી ગાંધી આશ્રમમાં પ્રાર્થનામાં ભાગ લેતાં હતાં. ભજન કરતાં હતાં અને આશ્રમની પ્રવૃત્તિમાં ભાગ લેતાં હતાં. તેમણે ક્યારેય ગાંધીજીના નામને વટાવવાની કોશિશ નથી કરી."
"છેલ્લે સુધી તેમણે ખાદી જ પહેરી છે. તેમનું બાળપણ પણ આશ્રમમાં વીત્યું અને છેલ્લા દિવસો પણ આશ્રમમાં જ વીત્યાં."
નરેન્દ્રભાઈ ગોહિલ કહે છે, "તેમને સરકાર તરફથી પેન્શન મળતું હતું. બસ તેના પર જ તેમણે જીવન ગુજાર્યું. બીજી કોઈ તેમને મદદની અપેક્ષા નહોતી."
જોકે, લક્ષ્મીબહેન હંમેશાં જાહેર જીવનમાં હાશિયા પર જ રહ્યાં.
ભીખુભાઈ દાફડા કહે છે, "ગાંધીજીના પ્રમુખ પરિવાર સાથે અમારો સંપર્ક નજીવો થઈ ગયો હતો. તેમણે એક વખત ગાંધીની વંશાવળી બનાવી, ત્યારે લક્ષ્મીબહેનનું નામ હતું, પરંતુ આ સિવાય કોઈ પણ પ્રકારનો સંપર્ક લગભગ બંધ થઈ ગયો. અમે કોઈ અપેક્ષા પણ નહોતી રાખી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન