સોનાના ભાવ એક વર્ષમાં 1.83 લાખની પાર પહોંચ્યા, શું હવે તેની ઘટવાની સંભાવના છે?

    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
    • પદ, બીબીસી સંવાદદાતા

સોનાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 60 ટકા વધારો થયો છે. વૈશ્વિક બજારમાં એક ઔંસ (31.1035 ગ્રામ) સોનાનો ભાવ 5,000 ડૉલરથી વધુ થઈ ગયો છે. ચેન્નાઈમાં 28 જાન્યુઆરીએ 22 કૅરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ રૂ. 15,330 હતો, જ્યારે 24 કૅરેટ સોનાનો ભાવ રૂ. 16,724 હતો.

એક વર્ષ પહેલાં 24 કૅરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ લગભગ રૂ. 10,900 હતી, જ્યારે 22 કૅરેટનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 10,000 હતો.

જાન્યુઆરી 2023ના અંતમાં 24 કૅરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ લગભગ 5,820 હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં સોનાની કિંમતમાં લગભગ અઢી ગણો વધારો થયો છે.

ભારતમાં રોકાણ ઉપરાંત આભૂષણ તથા લગ્નમાં ભેટ માટે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. તેથી સોનાની કિંમતમાંનો વધારો ભારતીય ગ્રાહકો માટે એક મોટો આંચકો સાબિત થઈ છે.

રોકાણકારોની વાત કરીએ તો જેમણે અગાઉથી સોનામાં રોકાણ કર્યું હતું તેમને મોટી કમાણી થઈ છે, પરંતુ જે લોકો પહેલીવાર રોકાણ કરવા વિચારી રહ્યા છે તેમની સામે સવાલ એ છે કે સોનાનો ભાવ તેના ચરમ પર છે ત્યારે તેમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં?

સોનાના ભાવમાં વધારાનું કારણ શું છે?

ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકા તથા નાટો વચ્ચે વધતી તંગદિલી, નાણાકીય તથા ભૂરાજકીય અનિશ્ચિતતાની ચિંતા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપાર નીતિ સંબંધી ચિંતા વચ્ચે સોનાની કિંમતમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.

ગ્રીનલૅન્ડ મુદ્દા સાથે જોડાયેલા દેશો પરનું આયાત શુલ્ક ટ્રમ્પે ગયા સપ્તાહે રદ્દ કરી નાખ્યું હતું. સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ચીન સાથે કૅનેડા વ્યાપાર કરાર કરશે તો તેના પર 100 ટકા શુલ્ક લાદવામાં આવશે. આવી અસ્થિર પરિસ્થિતિમાં રોકાણકારો સોના અને અન્ય કિંમતી ધાતુઓને રોકાણનો સલામત વિકલ્પ માની રહ્યા છે.

જોકે, અર્થશાસ્ત્રી આનંદ શ્રીનિવાસનનું કહેવું છે કે સોનાની કિંમતમાં વૃદ્ધિનાં બીજનું વાવેતર જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે કરવામાં આવ્યું હતું.

જો બાઇડન રાષ્ટ્રપતિ હતા ત્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. એ પછી અમેરિકાએ રશિયાની વિદેશી સંપત્તિઓને ફ્રીઝ કરી દીધી હતી. વૈચારિક રીતે અસહમત દેશોના રોકાણને ફ્રીઝ કરવાનું યોગ્ય નથી.

એ કાર્યવાહી પછી અમેરિકા સાથે અસહમત દેશોએ પોતાની બચતને ડૉલરમાંથી સોનામાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યુ હતું. રશિયા, ચીન અને તુર્કી જેવા અનેક દેશોએ એવું કર્યું હતું. એ દરમિયાન સોનાના ભાવમાં વૃદ્ધિ શરૂ થઈ હતી.

એ દરમિયાન બનેલી એક ઘટનાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. અમેરિકામાં વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો હોત તો સોનાના ભાવમાં ઘટાડો થયો હોત.

અમેરિકામાં જે વ્યાજ દર શૂન્ય હતો, તે વધીને પાંચ ટકા થઈ ગયો હતો. તેને લીધે સોનાનો પ્રતિ ઔંસ ભાવ 2,000 ડૉલરથી ઘટીને 1,800 ડૉલર થઈ ગયો હતો, પરંતુ એ સ્થિતિ લાંબો સમય ટકી ન હતી.

રશિયા-યુક્રેન વિવાદ બાદ અનેક દેશોની મધ્યસ્થ બૅન્કો દ્વારા સતત સોનું ખરીદવાથી, વ્યાજના દરમાં વૃદ્ધિ છતાં સોનાની કિંમતમાં સતત વધારો થતો રહ્યો હતો. પોલૅન્ડે ગયા સપ્તાહે જ 140 ટન સોનું ખરીદ્યું હતું.

આ સ્થિતિમાં અમેરિકામાં વ્યાજના દર ઘટવા લાગ્યા હતા. વ્યાજના દર ઘટવાને લીધે જ સોનાની કિંમત વધતી હોવાને કારણે સોનાના ભાવમાં ઔર વૃદ્ધિ થઈ હતી.

બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મનમાની રીતે આયાત કરના દર (ટેરિફ) બદલવાનું શરૂ કર્યું હતું. તેમણે અલગ-અલગ દેશો પર અલગ-અલગ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હોવાથી વિશ્વ વ્યાપાર સંપૂર્ણપણે ઉપરતળે થઈ ગયો હતો.

એ પછી તેમણે રશિયા પાસેથી ઑઇલ ખરીદવા બદલ વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ બધાં કારણોસર સોનાની કિંમત ઝડપથી વધવા લાગી હતી, એમ આનંદ શ્રીનિવાસન કહે છે.

અમેરિકા આ વર્ષે વ્યાજના દરમાં બે વખત ઘટાડો કરે એવી શક્યતા છે. તેનાથી સોનાની કિંમતમાં ઉછાળો આવી શકે છે. બીજી તરફ આનંદ શ્રીનિવાસનનું કહેવું છે કે ભારતમાં રૂપિયાના અવમૂલ્યનને કારણે સોનાની કિંમત અન્ય દેશોની સરખામણીએ ઘણી વધારે છે.

તેઓ કહે છે, "અનેક દેશોએ ડૉલરને બદલે સોનું ખરીદવાનું શરૂ કર્યું એટલે ડૉલરનું મૂલ્ય ઘટ્યું હતું, પરંતુ ભારતમાં રૂપિયા પણ ઘટવા લાગ્યો હતો તેથી તેની અસર અનુભવાઈ ન હતી. અમેરિકન ડૉલર, યુરો અને બ્રિટિશ પાઉન્ડ જેવાં તમામ મુખ્ય ચલણોની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો અને ભારતમાં સોનાની કિંમતમાં વધુ વધારો થવા લાગ્યો હતો."

એક દુર્લભ ધાતુ છે સોનું

અન્ય ધાતુઓની સરખામણીએ સોનાની દુર્લભતા પણ તેનું આકર્ષણ વધારે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે માત્ર 2,16,265 ટન સોનાનું જ ખનન કરવામાં આવ્યું છે.

સોનાનાં નવા ભંડારોની શોધ અને ખનન ટૅક્નૉલૉજીમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિને કારણે એ પૈકીનો મોટાભાગનો હિસ્સો 1950ના દાયકા બાદ કાઢવામાં આવ્યો હતો.

અમેરિકન જિઓલોજિકલ સર્વેનું અનુમાન છે કે જમીનમાંથી હજુ 64,000 ટન સોનું કાઢી શકાય તેમ છે. આગામી વર્ષોમાં સોનાનો પુરવઠો સ્થિર રહેશે અને તેમાં ખાસ કોઈ વધારો નહીં થાય, તેવું અનુમાન પણ છે.

સોનાની કિંમતમાં વધારો થવાનાં અન્ય કારણો પણ છે. રોકાણકારો ગવર્નેમેન્ટ બૉન્ડ્સમાંથી રોકાણ કાઢી રહ્યા હોવાને કારણે પણ કિંમતમાં વધારો થાય છે.

આનંદ શ્રીનિવાસન કહે છે, "અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા રશિયા, ઈરાન તથા વેનેઝુએલા સહિતના અનેક દેશો વિશે કરવામાં આવેલી ટિપ્પણી તેમજ કાર્યવાહીને લીધે અનિશ્ચિતતાનું વાતાવરણ બની રહ્યું છે ત્યારે તેમણે ગ્રીનલૅન્ડ પર હુમલો કરવાની જાહેરાત અચાનક કરી હતી."

"ગ્રીનલૅન્ડની માલિકી ધરાવતા ડેન્માર્કે તેનો જવાબ અમેરિકન બૉન્ડ વેચીને આપ્યો હતો. તેનો પ્રભાવ ડૉલરના મૂલ્ય પર પડ્યો હતો. તેનાથી સોનાના ભાવમાં પણ વધારો થયો છે."

અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો થશે બૉન્ડમાં રોકાણ કરતા લોકો તેમાંથી પૈસા કાઢવાનું શરૂ કરી દેશે.

પેપરસ્ટૉનના રિસર્ચ સ્ટ્રેટેજિસ્ટ અહમદ અસિરી કહે છે, "બૉન્ડમાં રોકાણ કરવાનું હવે ખરેખર લાભદાયક ન હોવાથી લોકો સોના તરફ વળી રહ્યા છે."

સોનાનો ભાવ ઘટશે?

સોનાની કિંમતમાં સતત વધારાને કારણે અનેક લોકો સોનું ખરીદવામાં ખચકાઈ રહ્યા છે. હવે શું કરવું?

અત્યારે સોનું ખરીદી લઈએ, પરંતુ આગામી કેટલાક દિવસોમાં તેના ભાવમાં મોટો ઘટાડો થશે તો શું થશે તેની ચિંતા પણ છે. જોકે, આનંદ શ્રીનિવાસનનું કહેવું છે કે આવું થવાની શક્યતા બહુ ઓછી છે.

આનંદ શ્રીનિવાસન કહે છે, "સોનાની કિંમત ઘટાડવી હોય તો અમેરિકા તથા જાપાનમાં વ્યાજના દર વધવા જરૂરી છે, પરંતુ તેઓ વ્યાજના દર વધારવાના નથી. બીજી વાત, જે ભૂરાજકીય કારણોસર સોનાની કિંમત વધી છે તેમાં ફેરફારની હાલ કોઈ શક્યતા નથી."

"તેથી સોનાના ભાવમાં ખાસ કોઈ ઘટાડો થવાનો નથી. વર્તમાન સંજોગોમાં સોનાના ભાવમાં 20 ટકા ઘટાડો થવાની શક્યતા પણ બહુ ઓછી છે. એક ગ્રામ સોનાની કિંમત હાલ લગભગ રૂ. 15,000 છે તે ઘટીને રૂ. 12,000 થવાની શક્યતા બહુ ઓછી છે."

સોનું ક્યા સ્વરૂપમાં ખરીદી શકાય?

વર્તમાન પરિસ્થિતિમાં એવો સવાલ પણ થાય કે સોનું ઘરેણાંના સ્વરૂપમાં ખરીદવું, ડિજિટલ ગોલ્ડના સ્વરૂપમાં ખરીદવું કે સ્ટોક ઍક્સચેન્જ પરના ઇટીએફના સ્વરૂપમાં ખરીદવું? આનંદ શ્રીનિવાસનના કહેવા મુજબ, દુકાનોમાંથી સોનું ખરીદવું અનેક કારણોસર બહેતર છે.

તેઓ કહે છે, "ઘરેણાંના સ્વરૂપમાં સોનું ખરીદવું બહેતર છે, પરંતુ તમે સોનું ઘરેણાંના સ્વરૂપમાં ખરીદો છો, ત્યારે પ્રોસેસિંગ ફી અને સંભવિત નુકસાન જેવો વધારાનો ખર્ચ પણ હોય છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમને તે ફાયદો થશે તે નુકસાન કરતાં ઘણો વધારે હશે. અન્ય રોકાણની સરખામણીએ સોનામાં રોકાણથી મળતી સુરક્ષા વધારે મહત્ત્વપૂર્ણ હોય છે."

ચાંદીને રોકાણયોગ્ય ધાતુ માની શકાય?

સોનાની માફક એક અન્ય મૂલ્યવાન ધાતુ ચાંદીની કિંમત પણ સતત વધી રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 150 ટકા વધારો થયો છે. આ સ્થિતિમાં ચાંદીને પણ રોકાણ માટે યોગ્ય ધાતુ ગણી શકાય? આનંદ શ્રીનિવાસનના જણાવે છે કે એવું નથી.

તેઓ કહે છે, "રાષ્ટ્રીયકૃત બૅન્કો ચાંદીને ગીરવે રાખતી નથી. મધ્યસ્થ બૅન્કો પણ ચાંદી ખરીદતી નથી. ચાંદીના ખરીદ તથા વેચાણ ભાવમાં પ્રતિ ગ્રામ રૂ. 20થી વધારેનો ફરક હોય છે. ઇતિહાસમાં ચાંદીનો ભાવ ચાર વખત વધ્યો છે. આ વખતે પાંચમી વખત તેની કિંમત વધી છે."

"ચાંદીની કિંમતમાં વધારાનું કારણ સટ્ટાબાજી છે. મેં છેલ્લાં 40 વર્ષમાં ચાંદીની કિંમત અનેક વખત 50 ટકા સુધી ઘટતી જોઈ છે. હવે શું થશે, એ આપણે જાણતા નથી. તેથી ચાંદીને સોનું ગણી શકાય નહીં."

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક મોર્ગન સ્ટેનલીના આંકડા અનુસાર, ભારતીય પરિવારો પાસે 3.8 ટ્રિલિયન ડૉલરના મૂલ્યનું સોનું છે, જે દેશના કુલ ઘરેલું ઉત્પાદનના 88.8 ટકા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન