You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આધાશીશી : માત્ર સુંદર સ્ત્રીઓને જ માઇગ્રેન થાય છે? શું છે હકીકત?
- લેેખક, સોફિયા ક્વાગ્લિયા
માઇગ્રેન વિકાર વિશેની આપણી સમજૂતી હવે બદલાવા માંડી છે અને તેનાથી માઇગ્રેનનાં લક્ષણો શું છે, માઇગ્રેન કેવી રીતે થાય છે તથા દિમાગનો કયો ભાગ અસરકારક સારવાર માટે મહત્ત્વનો છે, તે અંગેની ધારણાઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે.
કેટલીક વખત મારા માથાના ડાબા ભાગમાં મસ્તિષ્ક અને ખોપડી વચ્ચે જાણે વધારે જગ્યા હોય, તેવું મને લાગવા માંડે છે. આવો અનુભવ અઠવાડિયામાં બે વખત થાય છે. હું માથું નમાવું, ત્યારે તે જગ્યામાં હળવો દુઃખાવો થાય છે.
આ દુઃખાવો આંખની પાછળથી શરૂ થાય છે અને ત્યાં શૂળ ભોંકાતી હોય, તેવું દરદ ઉપડે છે. પછી ધીમે-ધીમે તે દુઃખાવો જડબાં સુધી પહોંચી જાય છે. કેટલીક વખત હું આંખો મીંચું, ત્યારે મસ્તિષ્કના પાછળના ભાગમાં બળતરા અને ઝણઝણાટી થવા માંડે છે. અમુક વખત તે જોરથી ધબકવા માંડે છે.
હું દવા લીધા વિના દરદને જેટલું લાંબું વધવા દઉં છું, દરદ શાંત થવામાં તેટલો જ વધારે સમય લાગે છે. વળી, દવાની અસર પૂરી થતાંની સાથે જ દરદ ફરી ઉપડવાની શક્યતા પણ એટલી જ વધી જાય છે. આ સમસ્યા માઇગ્રેન (આધાશીશી) છે.
વિશ્વના 1.2 અબજ કરતાં વધુ લોકોને વત્તે-ઓછે અંશે મારા જેવો અનુભવ થતો હશે. આ તંત્રિકા સંબંધિત સમસ્યા વિશ્વમાં વિકલાંગતાનું બીજું સૌથી સામાન્ય કારણ છે.
તેના વ્યાપક પ્રસાર અને કમજોર કરી નાખતી અસરો છતાં માઇગ્રેનને લઈને હજુયે મહદઅંશે રહસ્ય પ્રવર્તે છે.
માઇગ્રેન વાસ્તવમાં શું છે, તે કયાં કારણોસર થાય છે, અને આ દરદથી કાયમ માટે છૂટકારો મેળવવા માટે શું કરી શકાય, તે પ્રશ્નોનો જવાબ હજુયે જડ્યો નથી.
અમેરિકાના ડલ્લાસસ્થિત યુનિવર્સિટી ઑફ ટૅક્સાસમાં વર્તણૂંક અને મસ્તિષ્ક વિજ્ઞાનનના અધ્યક્ષ ગ્રેગરી ડુસ્સોર જણાવે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું કહીશ કે, જેમના વિશે સૌથી ઓછી સમજ પ્રવર્તતી હોય, તેવા વિકાર અથવા તંત્રિકા સંબંધિત વિકારોમાં કદાચ તેનો સમાવેશ થાય છે."
હવે, સંશોધકો માઇગ્રેન થવાનાં કારણો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેમને દર્દીના મસ્તિષ્કમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ સ્વરૂપે માઇગ્રેનની પ્રક્રિયાને વાસ્તવિક સમયમાં જોવામાં સફળતા સાંપડી છે.
જીન્સ, રક્તવાહિનીઓ અને દર્દીઓના મસ્તિષ્કમાં મોજૂદ અણુ સંબંધિત સંયોજન પર અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ માઇગ્રેન શા માટે થાય છે, તેની સારવાર કેવી રીતે કરી શકાય અને તે કેવળ માથાનો સામાન્ય દુઃખાવો બની રહેવાને બદલે શા માટે સમગ્ર શરીર પર અસર ઉપજાવતો દીર્ઘકાલીન અનુભવ બની રહે છે - તેની સમજૂતી મેળવવાની નજીક પહોંચ્યા છે.
માઇગ્રેનનો અભ્યાસ કરવો શા માટે આટલો મુશ્કેલ છે?
18મી-19મી સદીથી માઇગ્રેનને સામાન્યપણે મહિલાઓનાં તરંગીપણાં તરીકે જોવામાં આવતું હતું: એવી બીમારી, જે કેવળ ચબરાક, આકર્ષક અને "માઇગ્રેન વ્યક્તિત્વ" ધરાવનારી સુંદર મહિલાઓને જ થતી હતી.
માઇગ્રેનની ત્રણ-ચતુર્થાંશ દર્દી મહિલાઓ છે, પરંતુ સદીઓ જૂના આ કલંકે માઇગ્રેન પરનાં સંશોધનો આડે અવરોધ ઊભો કર્યો છે અને તેનો અર્થ એ કે, તેની પાછળ ખાસ ભંડોળ ફાળવાયું નથી.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિયામી હેલ્થ સિસ્ટમમાં ચીફ ઑફ હેડેક ડિવિઝન તેશામે મોન્ટેથ જણાવે છે, "લોકો તેને ઉન્માદની બીમારી સમજતા હતા."
આજે પણ જૂજ યુનિવર્સિટીઓ જ માઇગ્રેન પરનાં વિશ્વસનીય સંશોધન કેન્દ્રો ધરાવે છે અને આ વિષય પાછળ કરવામાં આવેલું રોકાણ તંત્રિકા સંબંધિત અન્ય સ્થિતિઓની તુલનામાં ઘણું ઓછું છે.
માઇગ્રેનની ભાષા
નિષ્ણાતો હવે માઇગ્રેન શબ્દ પ્રયોજતા નથી.
તેના બદલે તેઓ હવે સૌને માઇગ્રેન ડિસઑર્ડર શબ્દનો ઉપયોગ કરવાનો આગ્રહ કરે છે અને "માઇગ્રેનના હુમલા"નો આંતરિક બીમારીના પ્રગટીકરણ તરીકે સંદર્ભ આપે છે. જેમાં માથાના દુ:ખાવા સહિતનાં વિવિધ લક્ષણો જોવા મળે છે.
એપિસોડિક માઇગ્રેન ત્યારે થાય છે, જ્યારે દર્દીને એક મહિનામાં પંદર કરતાં ઓછી વખત માથાના દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવતી હોય. આના કરતાં વધુ દુઃખાવો થાય, તે સ્થિતિને ક્રોનિક માઇગ્રેન કહે છે.
પરંતુ, મોન્ટેથના જણાવ્યા પ્રમાણે, માઇગ્રેનનું મનોવૈજ્ઞાનિક, શારીરિક અને આર્થિક ભારણ ઘણું વાસ્તવિક છે.
સામાન્યપણે માઇગ્રેન વ્યક્તિના જીવનનાં સૌથી ઉત્પાદક વર્ષો દરમિયાન, અર્થાત્ 25થી 55 વર્ષની વચ્ચેના ગાળામાં થતું હોય છે, પરંતુ માઇગ્રેનથી પીડિત લોકોએ કામમાંથી રજા લેવી પડે, નોકરી ગુમાવવી પડે અને સમય કરતાં વહેલાં નિવૃત્તિ લેવી પડે, તેવી શક્યતા વધુ રહે છે.
બ્રિટનના આંકડા પરથી માલૂમ પડે છે કે, માઇગ્રેન વિનાની વ્યક્તિની તુલનામાં માઇગ્રેન ધરાવતા 44 વર્ષના દર્દી પાછળ સરકારે દર વર્ષે 19,823 પાઉન્ડ (લગભગ રૂ. 25 લાખ)નો વધારાનો ખર્ચ કરવો પડે છે. તેનો અર્થ એ કે, દર વર્ષે માઇગ્રેનને કારણે જાહેર અર્થવ્યવસ્થાને કુલ 12 અબજ પાઉન્ડનું (અંદાજે રૂ. 1517 અબજ) નુકસાન થાય છે.
માઇગ્રેનનો અભ્યાસ કરવા આડેનો એક પડકાર લક્ષણોની ભિન્નતા તથા તેના વ્યાપ અંગેનો છે.
માઇગ્રેનથી પીડિત મોટાભાગના લોકોની માફક હું પણ બાળક પેદા કરવાની વય ધરાવતી મહિલા છું.
માસિકચક્ર દરમિયાન માઇગ્રેનનો ઍટેક આવવો એ મારા જીવનનું અભિન્ન અંગ છે. મને સામાન્યપણે ડાબી બાજુ દુઃખાવો થાય છે અને હલન-ચલન કરવાથી દુઃખાવો વધી જાય છે.
તેની પહેલાં હું ગંધ પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા અનુભવું છું અને કેટલીક વખત મારો ડાબો ખભો તથા હાથ સુન્ન થઈ જાય છે.
પરંતુ, અન્ય દર્દીઓને ઊબકા-ઊલટી, ચક્કર આવવા, પેટ દુ:ખવું તથા પ્રકાશ અને ધ્વનિ પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા જેવાં લક્ષણો અનુભવાય છે.
અડધા કરતાં વધુ દર્દીઓ ખૂબ થાકનો અનુભવ કરે છે, જ્યારે કેટલાક દર્દીઓને અમુક ચોક્કસ ખાદ્ય પદાર્થ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે.
કેટલાક દર્દીઓને પ્રારંભિક તબક્કામાં ખૂબ બગાસાં આવે છે. લગભગ 25 ટકા જેટલા દર્દીઓને ઓરા (ચમકદાર કે અણીદાર આકૃતિઓનાં દૃશ્યો) દેખાય છે.
ડુસ્સોર જણાવે છે, "માઇગ્રેનનો સમગ્ર ઍટેક ઘણી જટિલ પ્રક્રિયા છે. તે કેવળ દરદ નથી, બલ્કે માથાનો દુઃખાવો શરૂ થાય, તે પહેલાંથી શરૂ થતો ઘટનાક્રમ હોય છે."
માઇગ્રેનના ઍટેકને ટ્રિગર કરનારાં કારણોમાં પણ એટલી જ ભિન્નતા પ્રવર્તે છેઃ નિદ્રાનો અભાવ અને ઉપવાસને કારણે મારો માથાનો દુઃખાવો વકરે છે, પણ અન્ય દર્દીઓ ચૉકલેટ, વાસી પનીર, કૉફી કે વ્હાઇટ વાઇનને કારણે તેમના માથાનો દુઃખાવો વધતો હોવાનું જણાવે છે.
મોટાભાગના દર્દીઓમાં તણાવ માઇગ્રેન સાથે જોડાયેલો હોવાનું જણાય છે, અને રસપ્રદ વાત એ છે કે, તણાવમાંથી મુક્તિ પણ તેની સાથે જોડાયેલી છે - આથી જ સપ્તાહના અંતમાં માઇગ્રેનનો ઍટેક આવવો સામાન્ય છે.
ટ્રિગર્સ વિરુદ્ધ લક્ષણો
માઇગ્રેનનો અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓ લાંબા સમયથી તેનાં કારણોના વૈવિધ્યને લઈને ગૂંચવાયેલા રહ્યા છે, ત્યારે હવે વધી રહેલાં સંશોધનો પરથી માલૂમ પડે છે કે, આ પૈકીનાં ઘણાં કારણો હકીકતમાં પ્રારંભિક લક્ષણોની અભિવ્યક્તિ માત્ર હોઈ શકે છે.
ન્યૂઝિલૅન્ડના ડુનેડિન સ્થિત યુનિવર્સિટી ઑફ ઓટાગોમાં ફાર્માકૉલોજી અને ટૉક્સિકૉલોજીનાં પ્રોફેસર ડેબી હે જણાવે છે કે, ઍટેકના પ્રારંભિક તબક્કામાં દર્દીને અજાણતાં ચૉકલેટ કે ચીઝ જેવા ચોક્કસ ખાદ્ય પદાર્થો ખાવાની ઇચ્છા થઈ શકે છે.
તેનો અર્થ એ કે, તે ખાદ્ય ચીજો આરોગવી એ ઍટેકનું કારણ માનવું સરળ છે, પણ ઍટેક પહેલેથી જ શરૂ થઈ ગયો હોય, એ બની શકે છે.
વ્યક્તિગત રીતે કહું તો, મને હંમેશા વિચાર આવે છે કે, મને માઇગ્રેન ઍટેક આવવા પાછળ ક્યાંક પરફ્યૂમ તો જવાબદાર નથીને?
તેમ છતાં હું રોજ પરફ્યૂમ લગાવું છું અને મેં જાણ્યું કે, તેની સુગંધ પર હું ત્યારે જ ધ્યાન આપું છું, જ્યારે મને સાચે જ માઇગ્રેન ઍટેક આવે છે. જો મને માઇગ્રેન ઍટેક ન આવે, તો હું સુગંધ પર ખાસ ધ્યાન આપતી નથી.
એમ બ્રિટનની કિંગ્ઝ કૉલેજ લંડનમાં ન્યૂરૉલૉજીના પ્રોફેસર પિટર ગોઆડ્ઝબીએ જણાવ્યું હતું, "ઠીક છે, આ એક ક્લાસિક ઉદાહરણ છે અને તેને કારણ માનવું કદાચ ખોટું છે."
"પણ તેના બદલે, ઍટેકના પૂર્વચેતવણીરૂપ તબક્કા દરમિયાન, જો તમે ગંધ પ્રત્યે સંવેદનશીલ હો, તો તમે એવી ગંધનો પણ અનુભવ કરો છો, જે સામાન્યતઃ નથી અનુભવતા."
ગોઆડ્ઝબીએ પ્રકાશ ઍટેકને ટ્રિગર કરતો હોવાનું માનતા માઇગ્રેનના દર્દીઓના બ્રેઇન સ્કેન્સનું વિશ્લેષણ કર્યું છે અને તેમની તુલના દુ:ખાવા માટે પ્રકાશને જવાબદાર ન માનતા દર્દીઓ સાથે કરી છે.
કેવળ પ્રથમ સમૂહના દર્દીઓમાં જ માઇગ્રેનની બરાબર પહેલાં મસ્તિષ્કના દૃષ્ટિ માટે જવાબદાર ભાગમાં વધુ સક્રિયતા જોવા મળી હતી.
આ દર્શાવે છે કે, તે સમયે તેઓ જૈવિક રીતે અન્યો કરતાં પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલતા ધરાવતા હતા. ગોઆડ્ઝબી જણાવે છે, "નિઃશંકપણે અમુક જૈવિક પ્રક્રિયા થઈ રહી છે."
પરંતુ, તે આંતરિક જૈવિક તંત્ર જાણવાની શોધ એક લાંબી પ્રક્રિયા રહી છે.
માઇગ્રેનનું આનુવંશિક મૂળ
જોડિયાં બાળકો પરના અભ્યાસો દર્શાવે છે કે, તેમાં આનુવંશિક ઘટક મહત્ત્વનો ભાગ ભજવે છે અને જો તમારાં માતા-પિતા કે દાદા-દાદીને માઇગ્રેન હોય, તો આ ન્યૂરૉલૉજિકલ સમસ્યા તમને પણ થવાની શક્યતા રહેલી છે.
ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજીના આનુવંશિક વિજ્ઞાની ડેલ ન્યહોલ્ટ જણાવે છે કે, માઇગ્રેનથી પીડાતા લગભગ 30થી 60 ટકા લોકોમાં વારસાગત જીન્સ ભાગ ભજવતા હોય છે અને તે સિવાય બાકીના મામલાઓમાં જીવન ઈતિહાસ, પર્યાવરણ અને વર્તન સંબંધિત અન્ય બાહ્ય પરિબળો જવાબદાર હોય છે.
ન્યહોલ્ટ હજ્જારો લોકોની તપાસ કરીને ગરબડ પેદા કરતા જીન્સ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમના મતે, "આ શોધ અમારી અપેક્ષા કરતાં ઘણી વધારે જટિલ પુરવાર થઈ છે."
2022માં તેમણે માઇગ્રેનના 1,00,000 દર્દીઓનાં જીન્સનો અભ્યાસ કર્યો અને તેની તુલના જેમને માઇગ્રેન ન હોય, તેવા 7,70,000 લોકો સાથે કરી હતી.
તેમણે લોકોના ડીએનએ કોડમાં મોજૂદ એવાં માઇગ્રેન સાથે સંબંધ ધરાવતાં 123 નાનાં અંતરોની (રિસ્ક સ્નિપ્સ) ઓળખ કરી હતી. હવે તેઓ વધુ જાણકારી પ્રાપ્ત કરવાની આશા સાથે માઇગ્રેનના 3,00,000 દર્દીઓ સાથે વધુ એક પરીક્ષણ કરી રહ્યા છે. તેમના અંદાજ પ્રમાણે, "આવા અંતર કદાચ હજ્જારોમાં હશે."
ન્યહોલ્ટના વિશ્લેષણ પરથી માલુમ પડ્યું છે કે, માઇગ્રેન સાથે જોડાયેલા કેટલાક આનુવંશિક માર્કર હતાશા અને ડાયાબિટીસ તેમજ મસ્તિષ્કની વિવિધ સંરચનાના કદ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે.
ન્યહોલ્ટ એવી આશંકા વ્યક્ત કરે છે કે, આ જીન સમૂહ મસ્તિષ્કને જે રીતે પ્રભાવિત કરે છે, તે જોતાં તે વિવિધ સમસ્યાઓ સ્વરૂપે પ્રગટ થઈ શકે છે.
(તેમ છતાં તેમની ટીમ હજી સુધી દવા બનાવવા માટે ઉપયોગી હોય, એવા કોઈ વિશિષ્ટ જીનની ઓળખ કરવામાં સફળ રહી નથી.)
રક્ત વિરુદ્ધ મસ્તિષ્ક
ઘણા લોકોને સણકા વાગે, તેવો માથાનો દુઃખાવો થતો હોવાથી મસ્તિષ્કમાં જનારી રક્તવાહિનીઓ ખુલવાથી અને રક્ત પ્રવાહ અચાનક વધી જતો હોવાના સંભવિત કારણથી માઇગ્રેન ઍટેક આવતો હોવાનું મનાતું હતું.
જોકે, વિજ્ઞાનીઓ હજી સુધી રક્ત પ્રવાહ અને માઇગ્રેશનની શરૂઆત વચ્ચેનો સહસંબંધ જાણી શક્યા નથી.
ડુસ્સોર કહે છે, "આ એટલું સરળ ન હોઈ શકે કે, 'રક્તવાહિની અમુક રીતે કાર્ય કરે છે. તમે પૃથ્વી પરના તમામ લોકોને એવી દવા આપો, કે જેનાથી રક્તવાહિનીઓ વિસ્તરી જાય, પણ દરેક વ્યક્તિને માઇગ્રેન નહીં થાય.'
તેનો અર્થ એ નથી કે, રક્તવાહિનીને માઇગ્રેન સાથે કશી લેવા-દેવા નથીઃ ન્યહોલ્ટે માઇગ્રેનના ઉદ્ભવના આનુવંશિક પરીક્ષણમાં શોધેલાં ઘણાં જોખમી જીન એવાં જીન છે, જે નસોને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
માઇગ્રેન ઍટેક દરમિયાન રક્તવાહિનીઓ અસામાન્ય રીતે વિસ્તરે છે અને વાસ્તવમાં માઇગ્રેનની પીડા ઓછી કરવા માટે દવાઓની મદદથી તેમને સંકુચિત કરી શકાય છે. આમ, માઇગ્રેનના ઍટેકમાં તેમની સામેલગીરી ચોક્કસ હોય છે, પણ તે માઇગ્રેન થવાનું કારણ ન હોઈ શકે.
ડુસ્સોર જણાવે છે કે, માઇગ્રેન પરની તેમની અસર અન્ય છૂપાં પરિબળોને કારણે હોઈ શકે છે, જેમકે, નસોની દીવાલોમાં દરદ કરનારા અણુઓનો અસામાન્ય સ્રાવ અથવા તો નસોમાંથી મસ્તિષ્કમાં મોકલવામાં આવતા અન્ય સંકેતો. અથવા તો તેમનું વિસ્તરણ માઇગ્રેનનું કારણ હોવાને બદલે કેવળ એક લક્ષણ હોઈ શકે છે.
ગોઆડ્ઝબી કહે છે, "માઇગ્રેન તંત્રિકા વિજ્ઞાન (ન્યૂરૉલૉજી) અને મનોચિકિત્સાને જોડતી કડી છે." તેમના વિચારો સાથે સંમત વિજ્ઞાનીઓ માઇગ્રેન અને ઍટેક, વાઇ કે સ્ટ્રોક જેવી સ્થિતિ વચ્ચે સહસંબંધ હોવાનું જણાવે છે.
ગોઆડ્ઝબી કહે છે, "કેન્દ્રીય તંત્રિકા તંત્ર સાથે જોડાયેલી તમામ ચીજોમાં સૌથી મોટો પડકાર તેના વિવિધ ભાગો સમજવાનો છે. પછી તે મસ્તિષ્કની સંરચના હોય, તેની બનાવટ હોય કે પછી ન્યૂરોન્સમાં વીજળીનો પ્રવાહ હોય."
દિમાગમાં હલચલ ઉત્પન્ન કરવી
માઇગ્રેનમાં મસ્તિષ્કની ભૂમિકાનો અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓ માટે મુખ્ય સિદ્ધાંત એ છે કે, માઇગ્રેન ઍટેક એ મસ્તિષ્કના કોર્ટેક્સમાં ફેલાતો ધીમો, અસામાન્ય વિદ્યુત તરંગ છે, જેને કૉર્ટિકલ સ્પ્રેડિંગ ડિપ્રેશન કહેવામાં આવે છે.
આ તરંગ મસ્તિષ્કની ગતિવિધિને દબાવી દે છે અને આસપાસની પેઇન નર્વ્ઝને સક્રિય કરી દે છે, જેનાથી સંકટની ચેતવણી મળે છે અને ઇન્ફ્લેમેશન શરૂ થઈ જાય છે.
અમેરિકાના મેસાચુસેટ્સના કૅમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ન્યૂરૉલૉજીના પ્રોફેસર માઇકલ મોસ્કોવિટ્ઝ જણાવે છે કે, કૉર્ટિકલ સ્પ્રેડિંગ ડિપ્રેશન તરંગ મુખ્યત્વે મસ્તિષ્કના તમામ પ્રકારના હાનિકારક અણુઓને બહાર ફેંકી દે છે.
પરંતુ, આ અનિયંત્રિત તરંગ શરૂ શા માટે થાય છે? અને તે ક્યાં સુધી ફેલાય છે? અને આ વિદ્યુત તરંગ આટલાં બધાં લક્ષણોનું કારણ શી રીતે બને છે? તેનો સચોટ જવાબ મળવો હજુ મુશ્કેલ છે.
માર્ચ, 2025માં વિજ્ઞાનીઓએ સર્જરી માટેની તૈયારી વખતે 32 વર્ષના દર્દીના મસ્તિષ્ક પર દેખરેખ રાખવા દરમિયાન રિયલ ટાઇમમાં તરંગ ઝડપ્યો હતો. આ તરંગ દર્દીની ખોપડીમાં મૂકવામાં આવેલા 95 ઇલેક્ટ્રોડ્ઝ મારફત ઝડપી લેવાયો હતો.
મોસ્કોવિટ્ઝ જણાવે છે કે, તે તરંગ દર્દીના દૃશ્ય ક્ષેત્રથી વિસ્તર્યો હતો અને પછી 80 મિનિટ સુધીમાં સમગ્ર મસ્તિષ્કમાં ફેલાઈ ગયો. તેના પરથી જાણી શકાય છે કે, આ કારણસર જ અમુક દર્દીઓ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
માઇગ્રેન (આધાશીશી) શું છે?
આ લેખ માઇગ્રેનની સમસ્યા પર કેન્દ્રીત બે ભાગોની શ્રુંખલાનો પ્રથમ ભાગ છે. અદ્યતન સારવારો વિશે જાણવા માટે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થનારો બીજો ભાગ વાંચો.
મોસ્કોવિટ્ઝ જણાવે છે કે, તરંગની પ્રકૃતિમાં રહેલી વિવિધતા એ સમજવામાં મદદરૂપ થાય છે કે - અમુક લોકોને કેવળ આભાસ થાય છે, અમુકને માથાના દુ:ખાવા પહેલાં આભાસ થાય છે અને કેટલાક લોકોને આભાસ થતાં પહેલાં માથાનો દુઃખાવો થાય છે - તેનો આધાર તરંગની પૅટર્ન પર રહે છે.
પરંતુ કૉર્ટિકલ સ્પ્રેડિંગ ડિપ્રેશન થાક, બગાસાં આવવાં અને ચોક્કસ પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાની ઇચ્છા થવી, વગેરે જેવાં માઇગ્રેન ઍટેક દરમિયાન જોવા મળતાં તંત્રિકા સંબંધિત લક્ષણો વિશે પણ સમજૂતી આપે છે.
માત્ર એક જ દર્દીને સમાવતા અન્ય એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, મસ્તિષ્કની અંદરનો હાઇપોથેલેમસ તરીકે ઓળખાતો નાનો પ્રદેશ માઇગ્રેન ઍટેકના એક દિવસ પહેલાં સક્રિય થઈ જાય છે.
હાઇપોથેલેમસ માઇગ્રેનનાં સામાન્ય કારણો ગણાતાં તણાવ પ્રતિસાદ અને ઊંઘવા-જાગવાના ચક્રમાં પણ સામેલ હોય છે. પરંતુ, તેની ભૂમિકા સમજવા માટે વ્યાપક અભ્યાસો થવા આવશ્યક છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, માઇગ્રેનનો દુઃખાવો વિઝ્યુઅલ કોર્ટેક્સ (દૃશ્ય ક્ષેત્ર) કે હાઇપોથેલેમસમાં અનુભવાતો નથી.
માથાનો દુઃખાવો મસ્તિષ્કના ત્રણ સ્તર ધરાવતાં બાહ્ય પટલ, મેનિન્જીઝના તંત્રિકા તંતુઓમાં અને ચહેરા, ખોપડી અને આંખોથી આવતી ઉત્તેજનાઓ સાથે મેનિન્જેસને જોડતા ટ્રાઇજેમિનલ ગેંગ્લિયા તરીકે ઓળખાતા તંત્રિકા સમૂહ થકી અનુભવાય છે.
આ જ કારણસર મને માઇગ્રેનનો ઍટેક આંખના પાછળના ભાગથી લઈને જડબાં સુધી અનુભવાય છે. કેટલાક વિજ્ઞાનીઓનું માનવું છે કે, મસ્તિષ્કની ચારે બાજુ આવેલું આવરણ માઇગ્રેનને સમજવા માટેની ચાવી હોઈ શકે છે.
મેનિન્જેસમાં પ્રવેશ
મેનિન્જેસમાં મસ્તિષ્કનું રક્ષણ કરતા પ્રતિકારક કોષો રહેલા હોય છે અને જ્યારે આ કોષો ઉત્તેજીત થાય છે, ત્યારે તેમના દ્વારા મુક્ત કરવામાં આવેલા અણુ સોજા ઉત્પન્ન કરી શકે છે, જે મેનિન્જેસના (ઝીલી) બીજા ભાગે આવેલા ન્યૂરૉન્સને પ્રભાવિત કરી શકે છે.
ડુસ્સોર અને અન્ય સંશોધકો એવી ઉપકલ્પના રજૂ કરે છે કે, આ પ્રતિકારક કોષોની અતિ સક્રિય પ્રતિક્રિયા માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે. તેના પરથી કદાચ જાણી શકાશે કે, ઍલર્જી રાઇનાઇટિસ અને હે ફિવરના દર્દીઓમાં શા માટે માઇગ્રેન ઍટેક સંખ્યાત્મક દૃષ્ટિએ વધુ સામાન્ય હોય છે તેમજ ઍલર્જીની સિઝન દરમિયાન તે શા માટે વધુ પ્રચલિત હોય છે.
મેનિન્જેસ પર્યાવરણીય ટ્રિગર્સ અને મસ્તિષ્કમાં થતી પ્રતિક્રિયાઓ વચ્ચેની મહત્ત્વની કડી હોઈ શકે છે, તે દર્શાવતા અન્ય સંકેતો પણ છે. આ મેમ્બ્રેનમાં એવી સંરચના મોજૂદ હોય છે, જે અમ્લતામાં ફેરફારની જાણકારી મેળવી શકે છે.
આ ફેરફાર શારીરિક ચઢાવ-ઉતાર, મસ્તિષ્કની આસપાસ ઇન્ફ્લૅશન કે મસ્તિષ્કની ગતિવિધિને દબાવી દેનારા અનિયંત્રિત વિદ્યુત તરંગને કારણે થઈ શકે છે. મેનિન્જેસ વધુ અમ્લીય થઈ ગઈ હોવાની જ્યારે સંરચનાને જાણ થાય છે, ત્યારે તે માઇગ્રેનના હુમલામાં સામેલ પેઇન ફાઇબર્સને સક્રિય કરવા માટે વિદ્યુત સંકેત મોકલે છે.
મેનિન્જેસના અન્ય ભાગો પણ ગરમી અને ઠંડી પ્રત્યે સમાન પ્રકારની પ્રતિક્રિયા કરે છે. તેનાથી એ જાણવામાં મદદ મળી શકે છે કે, અમુક દર્દીઓને બરફના શેક કે ગરમ તકિયાથી માથાના દુ:ખાવામાં રાહત શા માટે મળે છે.
હૉર્મોન્સમાં થતી વધ-ઘટને પણ જવાબદાર પરિબળ તરીકે જોવામાં આવે છે. ઘણાં દર્દીઓ માસિકચક્ર શરૂ થાય, તે સાથે માઇગ્રેન ઍટેક આવવાની ફરિયાદ કરે છે અને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે, પ્રોસ્ટાગ્લેન્ડિન નામના અણુઓના એક સમૂહની મસ્તિષ્કમાં રક્તવાહિનીઓના વિસ્તરણ પર નાટ્યાત્મક અસર પડી શકે છે.
માઇગ્રેન મોલેક્યૂલ કોકટેઇલ
આ તમામ જુદાં-જુદાં પરિબળો સંભવતઃ પરસ્પર જોડાયેલાં છે. અમેરિકાના સેન્ટ લુઇસસ્થિત વૉશિંગ્ટન યુનિવર્સિટીના ક્લિનિકલ ફાર્માકૉલૉજીનાં ડિરેક્ટર એમીના પ્રધાન જણાવે છે, "મને લાગે છે કે, આખરે તો માઇગ્રેનનું એક સામાન્ય કારણ હોઈ શકે છે, પણ માઇગ્રેન તરફ દોરતાં ઘણાં કારણો હોઈ શકે છે. કદાચ, તેના કરતાંયે વધુ, મને લાગે છે કે, એક જ વ્યક્તિમાં પણ ઘણાં કારણો હોઈ શકે છે. માઇગ્રેન થવાનાં ઘણાં કારણો છે અને દરેક વ્યક્તિમાં ઘણી બાબતોનું સંયોજન હોય છે."
તેમ છતાં, મસ્તિષ્કને માઇગ્રેનગ્રસ્ત બનાવનારા માપદંડ, અણુ સંબંધિત જૈવ સંકેતની શોધ હજુ પૂરી નથી થઈ અને તાજેતરનાં વર્ષોમાં સૌથી મહત્ત્વપૂર્ણ સફળતાઓ પૈકીની એક સફળતા આવા જ અણુની શોધમાંથી સાંપડી છે.
સંશોધકોએ કેલ્સિટોનિન જીન-સંબંધિત પેપ્ટાઇડ્ઝ અથવા તો સીજીઆરપી નામના એક પ્રકારના ન્યૂરોમોડ્યૂલેટરના અસાધારણ રીતે ઊંચા સ્તરની ઓળખ કરી છે. તે નાના પ્રોટીન ન્યૂરોનની ગતિવિધિ તથા સંવેદનશીલતાને વધારવા કે ઘટાડવા માટે ડિમર સ્વિચની માફક કામ કરે છે.
ગોઆડ્ઝબી અને તેમની ટીમના સંશોધન પ્રમાણે, માઇગ્રેન ઍટેક દરમિયાન તેમનું સ્તર વધુ જણાય છે, પણ માઇગ્રેનનો ઍટેક ન આવ્યો હોય, તે સમયે પણ દર્દીઓમાં તેનું સ્તર વધારે જોવા મળે છે.
આ માહિતીના આધારે બજારમાં નવી દવાઓ આવી છે, જે માઇગ્રેન ઍટેકને રોકવાનું કે પ્રારંભિક સ્થિતિમાં જ તેને ખતમ કરવાનું કામ કરે છે. આ એક એવી ફાર્માસ્યૂટિકલ પ્રગતિ છે, જેણે મોટી સંખ્યામાં દર્દીઓને પીડામાંથી અસરકારક રીતે રાહત પહોંચાડી છે.
ઑક્ટોબર, 2025માં હાથ ધરાયેલા એક અભ્યાસમાં સીજીઆરપીનું સેવન કરનારા 570 કરતાં વધુ દર્દીઓ પર નજર રાખવામાં આવી હતી, જેમાંથી 70 ટકા દર્દીઓના માઇગ્રેન ઍટેકના આવર્તનમાં 75 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને લગભગ 23 ટકા દર્દીઓને માઇગ્રેન ઍટેકમાંથી સંપૂર્ણ છૂટકારો મળી ગયો હતો.
મોન્ટેથના જણાવ્યા પ્રમાણે, "ખાસ કરીને જ્યારે આપણે દર્દીઓનો ઇલાજ શરૂ કરીએ છીએ અને જાણવા માગીએ છીએ કે, સારવાર દરમિયાન કોણ પ્રતિક્રિયા આપી રહ્યું છે અને કોણ નથી આપી રહ્યું, તેવા સમયે જો આપણે માઇગ્રેન માટે અણુ સંબંધિત માર્કર શોધી શકીએ, તો ઘણું સારું રહેશે."
તેમ છતાં લોહીમાં સીજીઆરપીના પ્રમાણમાં અચાનક વધારો દર્શાવતાં માપનો મોટાભાગે મસ્તિષ્કના સીમા ક્ષેત્રની પ્રક્રિયાઓને જ દર્શાવે છે. વાસ્તવમાં, માઇગ્રેન દરમિયાન મસ્તિષ્કના તે ભાગોમાં સીજીઆરપી આટલા ઊંચા પ્રમાણમાં શા માટે દેખાય છે, તે કોઈ જાણતું નથી.
તે હજુયે એક મોટા કોયડાનો કદાચ નાનો અમથો ભાગ જ છે, કારણ કે, માઇગ્રેનને ઝડપથી એક વ્યાપક, દીર્ઘકાલીન તથા સમગ્ર શરીરને પ્રભાવિત કરનારી સમસ્યા તરીકે જોવામાં આવી રહ્યું છે, એમ પ્રધાન જણાવે છે.
આગળ તેઓ જણાવે છે, "મને લાગે છે કે, આ વિષયમાં લોકો પાસે સંશોધન કરવાની ઘણી તકો રહેલી છે."
જોકે, આ કાર્ય પડકારરૂપ જણાય છે અને તેનાથી દર અઠવાડિયે આવતા માઇગ્રેન ઍટેકને કારણે થતા માથાના દુ:ખાવામાં ઘટાડો નથી થતો, તેમ છતાં મને એ વાતનું આશ્વાસન મળે છે કે, વિજ્ઞાન ધીમે-ધીમે માઇગ્રેનના રહસ્યને ઉકેલી રહ્યું છે અને તમામ લોકો માટે કોઈ એક સમાન ઉકેલ નથી, પણ એક કરતાં વધુ વિકલ્પો સાથે મળીને કામ જરૂર કરી શકે છે.
પ્રધાન કહે છે, "માઇગ્રેનમાં જે થઈ રહ્યું છે, તેની કેવળ ઉપરની સપાટીને જ આપણે સ્પર્શ્યાં છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન