You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મચ્છરોનું ઘર મનાતી વિદેશથી આવેલી જળકુંભી ગુજરાતનાં જળાશયોને કેવી રીતે ખાઈ રહી છે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકોટ શહેરના ઉત્તર છેડે ઈશ્વરિયા પાર્ક નામના બગીચે લોકો હરવા-ફરવા માટે આવે છે. તેની નજીક આવેલો આજી-2 ડૅમ એક જળાશય ન લાગતા લીલાછમ ઘાસનું એક બહુ જ મોટું મેદાન જેવો લાગે છે.
નજીક જઈને જોઈએ તો જ ખબર પડે કે આશરે પાંચ વર્ગ કિલોમીટર(500 હેક્ટર)માં ફેલાયેલ આ ઘાસનું મેદાન કોઈ બગીચો કે ગોલ્ફ રમવાનું મેદાન નથી અને લીલોતરી છે તે પાણી સુકાઈ જવાથી ડૅમના પટમાં ઊગી નીકળેલું ઘાસ નથી.
લીલોતરી તો છે પાણીની સપાટી પર તરી રહેલા જળકુંભી નામના પાણીમાં ઊગતા છોડની એક બહુ જ વિશાળ ચાદર જેણે લગભગ આખા ડૅમને ઢાંકી દીધો છે.
આજી-2 ડૅમને મળતા આવતાં દૃશ્યો રાજકોટના પૂર્વ ભાગમાં આવેલા રાંદરડા તળાવ અને લાલપરી ડૅમમાં પણ જોવા મળે છે.
આવાં જ દૃશ્યો મોરબીની મચ્છુ નદીમાં, અમરેલીની ઠેબી નદી, ગોંડલની ગોંડલી નદી અને જસદણની ભાદર નદીમાં જોવા મળે છે. આ નદીઓ પરના પુલ પરથી પસાર થતા અજાણ્યા માણસને ભાગ્યે જ ખબર પડે કે નીચે નદી છે. તેમને તો દેખાય ચમકતા ઘાટ લીલા રંગના ઘાસના લાંબા લાંબા પટ્ટા.
પરંતુ આ જળકુંભીએ આવા કામણ માત્ર સૌરાષ્ટ્રના ડૅમ અને નદીઓમાં જ નથી પાથર્યાં. જો તમે અમદાવાદ શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પરના કોઈ પુલ પરથી પસાર થાઓ ત્યાં પણ આવી તરતી લીલોતરી તમને નજરે ચડી જશે. તે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ફેલાઈ ગઈ છે.
આ લીલોતરી સારી છે?
કર્કવૃત્ત પર આવેલા ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા ઓછી છે અને પરિણામે હરિયાળી પણ બારેમાસ રહેતી નથી. ઉનાળામાં જયારે રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર શુષ્ક બની જાય છે ત્યારે પણ અમુક નદીઓ, ડૅમો અને તળાવોમાં જળકુંભીની હરિયાળી તર્યા કરે છે.
તો શું આ સૂકા પ્રદેશમાં આ હરિયાળી સારી ન કહેવાય? વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રકારની હરિયાળી આંખોને જોવી ભલે ગમે પરંતુ ગુજરાતમાં તે જીવસૃષ્ટિ અને માણસો માટે હાનિકારક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીર ફાઉન્ડેશનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને જીવસૃષ્ટિવિજ્ઞાન અને જૈવવિવિધતાના તજજ્ઞ ડૉ. કેતન ટાટુ કહે છે, "જળકુંભી ગુજરાત અને ભારતનાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોની જીવસૃષ્ટિ પર મોટા ભાગે નકારાત્મક અસર કરી રહી છે. જળકુંભી દક્ષિણ અમેરિકા ખંડથી ભારત આવેલો એક વિદેશી છોડ છે. તે એટલી ઝડપથી વૃદ્ધિ પામે છે કે સ્થાનિક વનસ્પતિ અને જીવો તેની સામે હરીફાઈમાં ટકી શકતા નથી. તેથી જળકુંભી એક વિદેશી આક્રમણકારી પ્રજાતિ બની ગઈ છે."
ડૉ. ટાટુ ઉમેરે છે, "ખાસ કરીને જે નદી-તળાવોમાં ગટરનું પાણી ભળતું હોય અને તેના કારણે તેમાં પોષક દ્રવ્યો વધારે હોય તેવાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમા જળકુંભી તીવ્ર ગતિથી ફેલાઈ રહી છે. આ ઉપરાંત આણંદ નજીક નર્મદા કેનાલના નેટવર્કમાં પણ જળકુંભી ફેલાઈ ગઈ છે. પાણીમાં તરતા જળકુંભીના છોડ ખૂબ જ ઓછા સમયમાં આખા તળાવ કે ડૅમને આવરી લે છે અને સૂર્યપ્રકાશને પાણી સુધી પહોંચવા દેતી નથી. તેથી પાણીની અંદર ઊગતી વનસ્પતિ, લીલ અને સૂક્ષ્મ લીલને ખોરાક બનાવવામાં મુશ્કેલી પડે છે."
તેઓ વધારે ઉમેરતા કહે છે, "પાણી સુધી સૂર્યપ્રકાશ ન પહોંચતા પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા પણ ઘટે છે જે માછલીઓ અન્ય કેટલાય જીવો માટે ઘાતકી સાબિત થાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જળકુંભીને કોઈ જીવ ખાતા નથી. તેથી તેનો ફેલાવો અનિયંત્રિત રીતે થઈ રહ્યો છે. જળકુંભી આવી જવાથી જળપ્લાવિત વિસ્તારોની મૂળ ઓળખ જ બદલાઈ રહી છે અને જૈવવિવિધતા માટે જોખમ ઊભું થયું છે."
વિદેશી જળકુંભી વિદેશી પક્ષીઓ માટે ખતરો?
એક સંશોધન પેપર અનુસાર જળકુંભી 1896માં ભારતમાં પ્રવેશી હતી. એક અહેવાલ અનુસાર જળકુંભીને અંગ્રેજો સૌ પ્રથમ બંગાળમાં એક સુશોભનના છોડ તરીકે લાવ્યા હતા. ત્યાંથી ધીમે ધીમે દેશના અન્ય રાજ્યોમાં તે ફેલાઈ ગઈ.
વિશ્વમાં વેટલૅન્ડ્ઝ એટલે કે જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને વિવેકપૂર્વક ઉપયોગ માટે યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ કામ કરતી વૈશ્વિક સંસ્થા રામસર કન્વેન્શન ઑન વેટલૅન્ડ્ઝ છીછરા પાણીવાળાં જળાશયો, નદી કે સમુદ્રકાંઠા જ્યાં ઓટ સમયે પાણીની ઊંડાઈ છ મીટરથી વધારે ન હોય તેવા વિસ્તારને જળપ્લાવિત વિસ્તારોની વ્યાખ્યામાં સમાવે છે.
એક અહેવાલ અનુસાર ભારતમાં દોઢ લાખ વર્ગ કિલોમીટરમાં જળપ્લાવિત વિસ્તારો ફેલાયેલા છે. તેમાંથી આશરે 23 ટકા એટલે કે 34,350 વર્ગ કિલોમીટર ગુજરાતમાં આવેલો છે. ભારતના કોઈ એક રાજ્યમાં આવેલા જળપ્લાવિત વિસ્તારનો આ સૌથી મોટો વિસ્તાર છે.
સંખ્યાબંધ જળપ્લાવિત વિસ્તારો અને શિયાળામાં પણ તુલનાત્મક રીતે હૂંફાળા વાતાવરણને કારણે દર શિયાળે આશરે 200 પ્રજાતિના યાયાવર પક્ષીઓ યુરોપ, મધ્ય અને ઉત્તર એશિયા અને ભારતના અમુક ભાગોમાંથી ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે. આ પક્ષીઓમાં મોટા ભાગના જળચર હોય છે અથવા તો જળપ્લાવિત વિસ્તારોની આજુબાજુ રહેનાર પક્ષીઓ હોય છે.
ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય વનસંરક્ષક અને અગ્રણી પક્ષીવિદ ઉદય વોરા કહે છે કે છેલ્લાં પચીસેક વર્ષથી ગુજરાતના જળપ્લાવિત વિસ્તારોમાં જળકુંભીનો ચિંતાજનક રીતે વધારો થતાં અહીનાં પક્ષીઓ સામે એક જોખમ ઊભું થઈ રહ્યું છે.
તેઓ કહે છે, "જળકુંભી વધવાને કારણે જળચર પક્ષીઓના ખોરાક તેવા માછલી, પાણીમાં થતી વનસ્પતિ અને લીલની ઉપલબ્ધતા ઘટે છે. પાણીમાં તરીને કે ડુબકી મારીને ખોરાકની શોધ કરનાર પક્ષીઓ તો જ ખોરાક શોધી શકે જો તેમને ખુલ્લા પાણીવાળો વિસ્તાર મળે."
"એકવાર જળકુંભી કોઈ જળપ્લાવિત વિસ્તારમાં પ્રવેશે પછી તે ઝડપથી વિસ્તરવા લાગે છે અને પાણીવાળા વિસ્તારને ઢાંકવાનું શરૂ કરી દે છે. તેથી, યાયાવર પક્ષીઓ માટે સમસ્યા ઊભી થાય છે."
"ચિંતાજનક બાબત એ છે કે જળકુંભી હવે નળસરોવર પક્ષી અભયારણ્યની નજીકના જવાલ સહિતના જળપ્લાવિત વિસ્તારો સુધી પહોંચી ગઈ છે."
અમદાવાદ નજીક આવેલા નળસરોવરમાં દર વર્ષે હજારો યાયાવર પક્ષિઓ શિયાળો ગાળવા આવે છે અને તેથી રામસર કન્વેશને નળસરોવરને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો જળપ્લાવિત વિસ્તાર જાહેર કરેલો છે.
ઉદય વોરા કહે છે કે જો પગલાં ન લેવાય તો જળકુંભી જળપ્લાવિત વિસ્તારને ધીમે ધીમે નષ્ટ પણ કરી શકે છે. તેઓ કહે છે, "પાણી સુકાતા જળકુંભી પણ સુકાય છે. જળકુંભીમાં બાયોમાસ (જૈવિક ઘટકો) વધારે હોય છે અને તે સુકાતા તળાવ કે ડૅમના તળિયે જમા થાય છે. પરિણામે ધીમે ધીમે આવાં જળાશયો પુરાતાં જાય છે. ડાભોઈનું તળાવ આનું જીવંત ઉદાહરણ છે."
રાજકોટના પક્ષીનિરીક્ષક અશોક મશરૂ કહે છે કે જળકુંભીની યાયાવર પક્ષીઓ પર સીધી અસર દેખાવા પણ લાગી છે.
તેઓ કહે છે, "મેં આજી-2 ડૅમમાં પેલીકનના મોટાં ઝુંડ જોયેલાં છે પરંતુ જળકુંભી પથરાઈ જતા હવે ત્યાં આ પક્ષીઓ દેખાતા નથી. સૌથી વધારે અસર તો ઈશ્વરિયા તળાવમાં થઈ છે. ત્યાં ફ્લેમિંગો અને કેટલીય જાતની યાયાવર પ્રજાતિની બતકો જોવા મળતી. પરંતુ સાતેક વર્ષ અગાઉ ત્યાં જળકુંભી દેખાવા લાગી અને હવે તે એટલી હદે ફેલાઈ ગઈ છે કે ત્યાં જોવા મળતા પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે."
કોઈ ઉપાય છે?
ડૉ. ટાટુ કહે છે કે જળકુંભીમાં રેસા હોવાથી તેમાંથી કાગળ બનાવી શકાય છે અને બાયોફર્ટિલાઇઝર પણ બનાવી શકાય છે પરંતુ આવી કોઈ પહેલ હજુ ગુજરાતમાં થઈ નથી.
રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકાઓ ખાસ કરીને મચ્છરના ઉપદ્રવને કાબૂમાં રાખવા જળકુંભી દૂર કરવા માટે ઍક્વેટિક વીડ હાર્વેસ્ટર મશીન ખરીદ્યાં છે અને કેટલાંય વર્ષોથી આ વનસ્પતિને દૂર કરવા મથે છે. પરંતુ તેમને સફળતા મળી નથી તેમ અધિકારીઓ જણાવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકોણી કહે છે કે ચોમાસાના ત્રણ મહિનાને બાદ કરતા બાકીના નવ મહિના રોજકોટનાં જળાશયોમાંથી જળકુંભી કાઢવાનું કામ સતત ચાલ્યા કરે છે.
તેઓ કહે છે, "જળકુંભી આજી-2, રાંદરડા તળાવ, લાલપરી ડૅમ, ન્યારી-1 ડૅમ, આજી નદી વગેરેમાં ફેલાઈ ગઈ છે. જળકુંભીના પાંદડાં મચ્છરો માટે ઈંડા મુકવા માટે ઉત્તમ સ્થાન બની ગયા છે. રાજકોટ એપીએમસીનું યાર્ડ આજી-2 ડૅમને કાંઠે છે અને યાર્ડના વેપારીઓ અને ખેડૂતો મચ્છરના ત્રાસની ફરિયાદો કરતા રહે છે."
"રાજકોટ મહાનગરપાલિકા છેક 2005થી જળકુંભીને હટાવવાનું કામ કરી રહી છે. અઢી કરોડના ખર્ચે બે હાર્વેસ્ટર મશીન ખરીદી 2021થી આ કામ માણસો ઉપરાંત આ બે મશીનથી પણ કરાઈ રહ્યું છે."
"દરરોજ સરેરાશ આઠથી દસ ટ્રક ભરાય તેટલી જળકુંભી દૂર કરીએ છીએ અને તેની પાછળ દર વર્ષે સરેરાશ 65 લાખનો ખર્ચ થાય છે. પરંતુ જળકુંભી ખૂબ ઝડપથી ફેલાતી હોવાથી અમારા નિરંતર પ્રયાસો છતાં અમે તેને સંપૂર્ણ દૂર કરી શક્યા નથી."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન