You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માથાના દુખાવાથી રાહત મેળવવા ઘરબેઠા જ આ ચાર ઉપાય અજમાવો
- લેેખક, યાસ્મીન રુફો
- પદ, બીબીસી ન્યૂઝ
- લેેખક, મિશેલ રૉબર્ટ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
આપણે બધાને ક્યારેક ને ક્યારેક માથાનો દુખાવો ઊપડતો હોય છે. આ દર્દ અમુક મિનિટોથી લઈને અમુક દિવસો સુધી થઈ શકે છે.
માથાનો દુખાવો એકદમ તીવ્ર, હળવો, ધબકતું લાગે એવો કે ખૂંચે તેવો હોઈ શકે છે. ક્યારેક આ દુખાવો માથાથી વિસ્તરીને ખોપરી, ચહેરા કે ગર્દન સુધી વિસ્તરી શકે છે.
બીબીસીના વૉટ્સઍપ ડૉક્સ વેલનેસ પોડકાસટના હોસ્ટ ડૉ. ઝૅડ વાન ટુલકેન લાંબા સમયથી તેનાથી પીડિત છે. તેઓ કહે છે, દર મહિને કે દોઢ મહિને મને એક વાર માથામાં દુખાવો થતો, "એવું લાગતું જાણે કે કોઈ મારી આંખમાં ડ્રીલ કરી રહ્યું છે."
આટલા ભયંકર દુખાવા માટે કોઈ ગંભીર કારણ જવાબદાર હશે, એવી આશંકા થવી સ્વાભાવિક છે. જોકે, નૅશનલ માઇગ્રેન સેન્ટરના વિશેષજ્ઞ ડૉ. કેટી મુનરો કહે છે કે જ્વલ્લે જ તે કોઈ મોટી બીમારીના સંકેત હોય છે.
જો માથામાં હળવો દુખાવો થતો હોય અને વારંવાર થવાની પૅટર્ન હોય, તો કેટલાક સરળ ઉપાયો ઘરે અજમાવી શકાય છે. સાથે જ પોતાના ડૉક્ટરની પણ સલાહ લેવી જોઈએ.
તમારી દિનચર્યા પર કેટલી અસર થઈ?
ડૉ. મુનરો કહે છે, "માથામાં વારંવાર દુખાવાથી આપણને સ્વાભાવિક રીતે ચિંતા થાય કે કશું ગંભીર તો નથી ને, પરંતુ તેની શક્યતા બહુ ઓછી હોય છે."
ડૉ. મુનરો સલાહ આપે છે કે જો તમને "સૌથી પહેલી વખત કે અત્યાર સુધીનો ભયંકર દુખાવો" થતો હોય, તો ડૉક્ટરને ચોક્કસથી દેખાડો.
ડૉ. ઝૅન્ડનું કહેવું છે કે પોતાના માથાના દુખાવાને સમજવો ખૂબ જ મદદરૂપ નીવડી શકે છે, કારણ કે મોટા ભાગે તેનું કોઈ કારણ નથી હોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી, એક ડાયરી રાખવી લાભકારક થઈ શકે છે, જેના આધારે તમે પૅટર્ન તથા ટ્રિગરને નોંધી શકો છો.
કેટલાક લોકોમાં વીજળીનો ગડગડાટ કે તેનો ચમકારો માથાના દુખાવાનું ટ્રિગર હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકોમાં ભારે પ્રકાશ કારણભૂત હોઈ શકે છે.
ડૉ. મુનરો કહે છે, "જ્યારે પાનખરમાં વૃક્ષોની વચ્ચેથી સૂર્યપ્રકાશ આવે છે અને હું કાર ચલાવી રહી હોઉં, ત્યારે માથાનો દુખાવો ખૂબ જ વધી જાય છે."
આ બાબતોનું ધ્યાન રાખો, જેમ કે :
- જ્યારે માથાનો દુખાવો શરૂ થયો, ત્યારે તમે શું કરી રહ્યા હતા?
- તમે શું ખાધું-પીધું હતું
- હવામાન કેવું હતું?
- મહિલાઓ પોતાનાં માસિકચક્રને ટ્રૅક કરે, કારણ કે હોર્મોનમાં ફેરફાર સાથે માથાનો દુખાવો જાડાયેલો હોઈ શકે છે.
જોકે, ડૉ. મુનરો સલાહ આપે છે કે તેમાં અતિ ન કરવી. તેઓ કહે છે, "મેં ખૂબ જ વિસ્તારપૂર્વક ડાયરી બનાવી હતી, જેના કારણે તે થોડું નિરાશાજનક બની ગયું હતું. તેને સરળ રાખો. માથાના દુખાવાને કારણે તમારી દિનચર્યા ઉપર કેવી અસર થઈ, તેનું આકલન એકથી દસની વચ્ચેની સંખ્યામાં કરો."
"માત્ર ખરાબ દિવસોને જ નહીં, સામાન્ય દિવસોને પણ નોટ કરો. એનાથી તબીબોને પૅટર્ન ઓળખવામાં મદદ મળે છે."
કૅફિનનો સમજણપૂર્વક વપરાશ કરવો
જો તમને લાગતું હોય કે માથું દુખતું હોય, ત્યારે કૅફિન ટાળવું જોઈએ, પરંતુ ડૉ. મુનરોનું કહેવું છે કે સત્ય થોડું અલગ છે.
ઓછા અને નિયંત્રિત પ્રમાણમાં કૅફિન દર્દનિવારક એટલે કે પેઇનકીલર દવાઓની અસર વધારી શકે છે. જો તમે દરરોજ મોટા પાયે કૅફિન લેતા હશો, તો આ ઉપાય કારગર નહીં નીવડે.
તેઓ કહે છે, "કૅફિન કૉ-એનાલ્જેસિક છે, એટલે કે પાઇનકીલરની અસરને વધારી શકે છે." જોકે, બપોર કે સાંજના સમયે કૅફિન લેવાનું ટાળો, તેના કારણે ઊંઘમાં અવરોધ ઊભો થઈ શકે છે.
કૅફિનની કુલ માત્રા ઉપર પણ ધ્યાન આપો, દરરોજ વધારે પ્રમાણમાં કૅફિન લેવાથી ઓવરયૂઝ હૅડેક પણ થઈ શકે છે અને અચાનક બંધ કરી દેવાને કારણે 'વિડ્રૉલ હૅડેક' પણ થઈ શકે છે.
ખાવાનું ન છોડો
તમે ક્યારે શું ખાવ છો, તેની અસર પણ માથાના દુખાવા પર થઈ શકે છે.
ડૉ. મુનરો પ્રોટિન, હેલ્દી ફેટ તથા કૉમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી ઍનર્જીનું સ્તર પણ જળવાઈ રહે છે.
તત્કાળ ઊર્જાની અનુભૂતિ કરાવતા મીઠા સ્નૅક્સ લેવાનું ટાળો અને ખાવાનું બિલકુલ ન છોડો, કારણ કે તે મોટું ટ્રિગર હોઈ શકે છે.
ડૉ. મુનરો કહે છે કે ડેરી પ્રોડક્ટ્સ અને ગ્લૂટન છોડવાથી એમને લાભ થયો, પરંતુ આવું કરવાથી બધાને ફાયદો થાય તે જરૂરી નથી.
ડૉ. મુનરો કહે છે, "નિયમિત રીતે લંચ અને ડીનરને પોતાની સાથે લઈ જવાનો લાભ થયો હોવાનું મને લાગ્યું હતું."
ભોજન ઉપરાંત ડૉ. મુનરો નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, તણાવ પર નિયંત્રણ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની પણ સલાહ આપે છે.
દિવસ દરમિયાન એટલું બધું પાણી પીઓ કે પેશાબ હળવા રંગનો અને સાફ હોય તથા તરસ ન લાગે.
કોડિનવાળી પેઇનકીલર દવાઓ લેવાનું ટાળો
ડૉ. મુનરો કહે છે, "દર્દનિવારક કે ઍન્ટિ-નૉસિયા (ઊલટી જેવું લાગવું) જેવી અનેક દવાઓ ડૉક્ટરની ચિઠ્ઠી વગર મળી રહે છે અને તેનાથી માથાના દુખાવામાં રાહત થઈ શકે છે."
સાથે જ તેઓ ચેતવણી આપે છે કે "કોડિનવાળી કોઈ પણ દવા લેવાનું ટાળો, કારણ કે તેનાથી માથાનો દુખાવો વારંવાર થઈ શકે છે અને ઊબકાં આવવાનાં લક્ષણ વધી શકે છે."
તેઓ કહે છે, "માથાનો દુખાવો કેટલો ગંભીર છે, તેના આધારે દર્દશામક દવા પ્રભાવક નીવડી શકે છે."
જો વારંવાર કે ભારે માથાનો દુખાવો રહેતો હોય તો ડૉક્ટરની સલાહ લઈને સારી દવા પસંદ કરો.
અઠવાડિયામાં બે દિવસથી વધારે દિવસ માટે દર્દનિવારક ન લો, જેથી કરીને રિબાઉન્ડ હૅડેકનું (દવાઓના વધુ પડતા વપરાશથી થનારો માથાનો દુખાવો) જોખમ ન રહે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન