You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીજીની હત્યાના નવ આરોપીઓ કોણ હતા અને એકબીજાને કેવી રીતે મળ્યા?
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
તારીખ 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
જ્યારે આપણે મહાત્મા ગાંધીની હત્યા વિશે વિચારીએ છીએ, ત્યારે ફક્ત 'નાથુરામ ગોડસે'નું નામ જ યાદ આવે છે.
હત્યાના કેસ દરમિયાન નાથુરામ ગોડસેએ પોતે કોર્ટમાં કબૂલાત કરી હતી કે તેણે એકલા હાથે મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
જોકે, આ સિવાય ગાંધી હત્યાકેસમાં કુલ 9 આરોપી હતા.
નારાયણ દત્તાત્રય આપ્ટે, નાથુરામ વિનાયક ગોડસે, વિષ્ણુ રામચંદ્ર કરકરે, વિનાયક દામોદર સાવરકર, દિગંબર રામચંદ્ર બાગે, શંકર કિસ્તૈયા, મદનલાલ કાશ્મીરીલાલ પાહવા, ગોપાલ વિનાયક ગોડસે અને ડૉ. દત્તાત્રય સદાશિવ. આ 9 આરોપીનાં નામ ગાંધી હત્યાકાંડમાં સામે આવ્યાં હતાં.
જે મહાત્મા ગાંધીએ ભારતની આઝાદી માટે રાષ્ટ્રવ્યાપી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું એમની હત્યાનું કાવતરું ખરેખર કોણે રચ્યું હતું? આ હત્યાકાંડના આરોપી કોણ હતા? તેમની પૃષ્ટિભૂમિ શું હતી અને તેની મુલાકાત કેવી રીતે થતી? તેઓ કયા સંગઠન માટે કામ કરતા હતા. આ અહેવાલમાં આ સમગ્ર બાબતે વિશે જાણીએ.
1. નારાયણ આપ્ટે
ગાંધી હત્યાકેસમાં ફાંસી આપવામાં આવેલા બે લોકોમાંનો એક નારાયણ આપ્ટે હતો, જે નાથુરામ ગોડસે જેટલો જ મહત્ત્વપૂર્ણ આરોપી હતો.
હકીકતમાં ગાંધીજીની હત્યાના છેલ્લા સફળ પ્રયાસ પહેલાં આ ગૅંગ દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસોનો નેતા આપ્ટે હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 20 જાન્યુઆરીએ ગાંધીજીની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને નાથુરામે હત્યાની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લીધી.
આ નારાયણ આપ્ટે વિશે માહિતી આપતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને 'લેટ્સ કિલ ગાંધી' પુસ્તકના લેખક તુષાર ગાંધી કહે છે, "નારાયણ આપ્ટે આ સમયગાળા દરમિયાન મોટા ભાગે આ ગૅંગનો નેતા હતો. ગાંધીજીનો અંતિમ હુમલો કરનાર નાથુરામ ગોડસે આ ગૅંગનો વફાદાર સભ્ય હતો. એક આદર્શ સહાયક આપ્ટે સાથે તેનો ખૂબ જ ગાઢ સંબંધ હતો."
નારાયણ આપ્ટેનાં લગ્ન ચંપા ફડતરે સાથે થયાં હતાં. અહમદનગરમાં રહેતા નારાયણે એક રાઇફલ ક્લબની સ્થાપના કરી હતી. 1939માં તે હિન્દુ મહાસભાની અહમદનગર શાખામાં જોડાયો. આ સમયગાળા દરમિયાન તેની મુલાકાત નાથુરામ ગોડસે સાથે થઈ.
તુષાર ગાંધી તેમના પુસ્તકમાં આગળ કહે છે કે "તે (નારાયણ આપ્ટે) અત્યંત બહિર્મુખી, આત્મવિશ્વાસુ અને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિક હતો. તેને સ્ત્રીઓ, દારૂ અને જીવનના ઘણા ભૌતિક સુખો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. તે બ્રાહ્મણોથી વિપરીત ધૂમ્રપાન કરતો, દારૂ પીતો અને માંસ-મટન પણ ખાતો."
નારાયણ આપ્ટેનો મનોરમા સાલ્વી નામની એક ખ્રિસ્તી છોકરી સાથે લગ્નેતર સંબંધ હતો, જે અહમદનગરની તે જ ખ્રિસ્તી શાળામાં વિદ્યાર્થિની હતી, જ્યાં તે ભણાવતો હતો. આ મનોરમા સાલ્વીની પણ ગાંધી હત્યાકેસમાં પોલીસ પૂછપરછ થઈ હતી.
2. વિષ્ણુ રામચંદ્ર કરકરે
વિષ્ણુ રામચંદ્ર કરકરે એક હોટલનો માલિક અને હિન્દુ મહાસભાની અહમદનગર શાખાનો વડો હતો.
નાની ઉંમરે પિતાની સંભાળ ગુમાવનાર વિષ્ણુ કરકરે શરૂઆતમાં મુંબઈના નૉર્થકોટ અનાથાશ્રમમાં મોટો થયો હતો.
દસ વર્ષની ઉંમરે તે અનાથાશ્રમમાંથી ભાગી ગયો અને ચાની દુકાનમાં ચા વેચતા 'છોકરા' તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
આ યુવાન આવાં નાનાં-મોટાં કામ કરીને ગુજરાન ચલાવતો, તે આ ઉંમરે ઉગ્રવાદી હિન્દુત્વનો એક મોટો હિમાયતી બની ગયો.
તુષાર ગાંધી તેના વિશે કહે છે, "એક બાળક જે શેરીઓમાં નિરાધાર તરીકે ઉછર્યો હતો, તેને અત્યાર સુધીના કઠોર જીવન પ્રત્યે તીવ્ર અણગમો થયો હશે. સમાજે તેની પુખ્તાવસ્થામાં તેની સાથે ક્રૂર વર્તન કર્યું હશે. બાળપણની પીડા ગમે તે હોય, વિષ્ણુ પાછળથી ઉગ્ર સ્વભાવનો યુવાન બન્યો. તેના ગુસ્સાનું મુખ્ય લક્ષ્ય મુસ્લિમો હતા."
પાછળથી કરકરેએ અહમદનગરમાં એક નાનકડી હોટલ ખોલી અને શેઠ બન્યો, તે આર્થિક રીતે સમૃદ્ધ બન્યો.
તુષાર ગાંધી તેના વિશે કહે છે, "હિંદુ મહાસભાના કાર્યકરો પર પૈસા અને પ્રભાવની ઉપલબ્ધતા સાથે કરકરેની મુસ્લિમ વિરોધી પ્રવૃત્તિઓ વધતી ગઈ."
અશોકકુમાર પાંડે તેમના પુસ્તક 'વ્હાય ડીડ હી કિલ ગાંધી?'માં કરકરે વિશે માહિતી આપતા કહે છે, "ભાગલા પછી શરણાર્થીઓ અહમદનગર આવવા લાગ્યા પછી કરકરેએ ખૂબ જ ઉત્સાહથી રાહતકાર્ય શરૂ કર્યું. તેણે ત્યાં લગભગ દસ હજાર શરણાર્થી માટે સુવિધાઓ પૂરી પાડી."
"તે જ સમયે, તેણે અહમદનગરમાં મુસ્લિમો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. મુંબઈના એક શરણાર્થી, મદનલાલ પહાવા તેનો ખાસ સહયોગી બન્યો અને તેની મદદથી તેણે મુસ્લિમ ફળ ઉત્પાદકો પર હુમલો કરીને ફળનો વ્યવસાય શરૂ કર્યો."
"ગાંધીની હત્યા કરવાની યોજનામાં કરકરેએ તેના જૂથને રોકડ સાથે શસ્ત્રો અને વિસ્ફોટકો પહોંચાડવાની જવાબદારી લીધી હતી."
વિષ્ણુ કરકરેને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી, 302 અને 114 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
3. મદનલાલ પાહવા
તુષાર ગાંધી તેમના પુસ્તકમાં માહિતી આપે છે કે, મદનલાલ પાહવા સિવાય ગાંધી હત્યાકેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અન્ય તમામ આરોપીઓ મહારાષ્ટ્રના હતા અને ચિતપાવન બ્રાહ્મણ જાતિના હતા.
પશ્ચિમ પંજાબ (જે હવે પાકિસ્તાન છે)ના મોન્ટગોમરી જિલ્લાના પાકપટ્ટન ગામથી ભારત આવનારો મદનલાલ પાહવા એકમાત્ર શરણાર્થી હતો.
ભારતમાં પ્રવેશતા શરણાર્થીઓની પહેલી લહેરમાંથી મદનલાલ સૌપ્રથમ ગ્વાલિયર આવ્યો હતો.
ત્યાંથી મદનલાલ શહેરમાં આવેલા વિષ્ણુ કરકરેના સંપર્કમાં આવ્યો. કરકરેએ મદનલાલને ત્યાં ફળોની દુકાન ચલાવવા માટે પૈસા આપ્યા. કરકરે શેતના આશ્રય હેઠળ રહેતા મદનલાલ માટે કંઈ પણ કરવા તૈયાર હતો.
અશોકકુમાર પાંડે તેમના પુસ્તકમાં તેના વિશે લખે છે, "કરકરેના માધ્યમથી જ ડિસેમ્બર 1947માં પુણેમાં મદનલાલ ગોડસે અને આપ્ટે મળ્યા હતા. તે પછી તે ગાંધીજીની હત્યાના કાવતરાનો ભાગ બન્યો."
મદનલાલ પાહવાને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી અને 320 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
4. દિગંબર બડગે
દિગમ્બર બાગે ગાંધી હત્યાકેસમાં માફીનો સાક્ષી બન્યો. તેની જુબાનીથી કેસમાં ઘણી બાબતો પ્રકાશમાં આવી. દિગમ્બર બડગે પુણેમાં શસ્ત્રો વેચતો હતો. કરકરે ઘણી વાર તેની પાસેથી શસ્ત્રો ખરીદતો હતો.
તુષાર ગાંધી કહે છે, ''બડગે ખૂબ જ ઉત્સાહી અને ઝડપી વિક્રેતા હતો. તેમની પાસે આવતા ગ્રાહકો ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નહોતા. તેમના વ્યવસાયનું મુખ્ય રહસ્ય એ હતું કે તેઓ તેમના ગ્રાહકોને જે જોઈતું હતું તે તરત જ પૂરું પાડતા હતા."
ગાંધીજીની હત્યાના અનેક પ્રયાસોમાં ઉપયોગમાં લેવાયેલાં ઘણાં શસ્ત્રો બડગેએ જ પૂરાં પાડ્યાં હતાં.
5. શંકર કિસ્તયા
શંકર કિસ્તયાના ભૂતકાળના જીવન વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. શંકર બડગેનો નોકર હતો. તે અજાણતાં જ આ આખા કાવતરામાં સામેલ થઈ ગયો હતો.
અશોકકુમાર પાંડે તેના વિશે કહે છે, "તે એક ગરીબ પરિવારનો છોકરો હતો અને બડગે તેને પગારનું વચન આપીને સોલાપુરથી લાવ્યા હતા, પરંતુ સખત મહેનત કર્યા પછી પણ તેને પગાર મળ્યો ન હતો."
"તે સમયે તેમણે એક વાર ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યાર બાદ બડગેએ તેને પકડી લીધો અને તેની ઓળખાણથી પોલીસ કેસમાં ફસાવી દીધો. ત્યાર બાદ તેની પાસે બડગેની તાબેદારી સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો."
હકીકતમાં શંકર કિસ્તૈયા હિન્દી કે મરાઠી સારી રીતે સમજી શકતો ન હતો. દિલ્હી ગયા ત્યાં સુધી તેને ખબર પણ નહોતી કે તે કોની હત્યામાં સામેલ છે. આ આધારે તેને પાછળથી છોડી દેવામાં આવ્યો હતો.
શંકરને આઇપીસીની કલમ 120-B અને 302 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
6. ગોપાલ ગોડસે
આ ગ્રૂપનો છેલ્લો સભ્ય ગોપાલ ગોડસે હતો, જે નાથુરામ ગોડસેનો નાનો ભાઈ હતો.
હત્યા સમયે ગોપાલ 27 વર્ષનો હતો. નાથુરામ અપરિણીત હતો, જ્યારે ગોપાલ પરિણીત હતો. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી ગોપાલે આર્મીના ઑર્ડિનન્સ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે ઈરાન અને ઇરાકમાં બ્રિટિશરો સાથે પણ સેવા આપી હતી. તેના ભાઈના કહેવાથી તે કાવતરામાં જોડાયો હતો.
અશોકકુમાર પાંડે તેના વિશે લખે છે કે, "ગાંધીજીની હત્યાના કાવતરા માટે તેણે પદ પરથી ટૂંકી રજા લીધી હતી અને તે મળ્યા પછી જ પદ છોડી દીધું હતું. તે તેના ભાઈના કટ્ટરવાદી વલણથી પ્રભાવિત હતો, જે તેનાથી લગભગ દસ વર્ષ મોટો હતો, પરંતુ તે પહેલાં તેણે ક્યારેય તેની સાથે સક્રિય રીતે કામ કર્યું ન હતું."
ગોપાલ ગોડસેને કલમ 120બી અને કલમ 302 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
7. દત્તાત્રેય પરચુરે
ગાંધીજીની હત્યાના બે દિવસ પહેલાં આપ્ટે અને ગોડસે પાસે હુમલા માટે જરૂરી સાધનો નહોતાં.
આ હત્યા માટે વપરાયેલી બેરેટા પિસ્તોલ તેને ગ્વાલિયરના દત્તાત્રય એસ. પરચુરે પૂરી પાડી હતી.
દત્તાત્રય પરચુરે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર માટે ક્લિનિક ચલાવતો હતો.
અશોકકુમાર પાંડે તેના વિશે કહે છે, "હકીકતમાં પાટણકર બજારમાં તેના ઘરનો ઉપયોગ હિન્દુ મહાસભાના કાર્યાલય તરીકે થતો હતો. તેણે 'હિન્દુ રાષ્ટ્ર સેના'ની પણ રચના કરી હતી અને તે તેનો સ્વ-ઘોષિત કમાન્ડર હતો."
તેઓ આગળ જણાવે છે કે, "તે અલવરમાં હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુપ્ત તાલીમ શિબિરમાં ગોડસેને મળ્યો હતો."
તુષાર ગાંધીએ તેના વિશે કહ્યું છે કે, "પરચુરે ખૂબ જ વાચાળ હતો. ગાંધીજીની હત્યાના સમાચાર ગ્વાલિયર પહોંચતાની સાથે જ પરચુરે જાહેરમાં કાવતરામાં પોતાની સંડોવણી સ્વીકારી હતી. આ બડાઈના સમાચાર વહીવટીતંત્રને ધ્યાને આવતા તેની ધરપકડ કરવામાં આવી."
મહાસભાના પદાધિકારી તરીકે પરચુરે લાંબા સમયથી ગોડસે સાથે સંકળાયેલો હતો.
દત્તાત્રય પરચુરેને કલમ 120-બી, 109 અને 302 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
8. વિનાયક દામોદર સાવરકર
ગાંધી હત્યાકેસમાં વિનાયક દામોદર સાવરકરની સંડોવણી સાબિત થઈ શકી નથી.
તેમની સામેના પૂરતા પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
1924માં રત્નાગિરિમાં ફરજ બજાવ્યા પછી નાથુરામ ગોડસેનો પરિવાર 1929માં તેમના ઘરની નજીક સ્થાયી થયો હતો.
ગોપાલ ગોડસે તેમના પુસ્તક 'ગાંધીહત્યા આણી મી'માં જણાવે છે કે તેઓ સ્થાયી થયાના ત્રીજા દિવસે નાથુરામ સાવરકરને મળવા ગયા હતા.
લેખક ધીરેન્દ્ર ઝા તેમના પુસ્તક 'ગાંધીઝ એસ્સાસિનેશન: ધ મેકિંગ ઑફ નાથુરામ ગોડસે ઍન્ડ હિઝ આઇડિયા ઑફ ઇન્ડિયા'માં આ મુલાકાત વિશે લખે છે, "ગોડસે સાવરકરને મળવા કેમ ગયા તેની કોઈ સ્પષ્ટ નોંધ નથી.''
''તેમની પહેલી મુલાકાત કોણે ગોઠવી હતી તે પણ જાણી શકાયું નથી. યોગાનુયોગ, ગોડસે પરિવાર જે ઘરમાં રહેવાનું શરૂ કર્યું તે જ ઘરમાં સાવરકર પહેલી વાર રત્નાગિરિ આવ્યા ત્યારે રોકાયા હતા."
તુષાર ગાંધી કહે છે, "નાથુરામ નિયમિત રીતે સાવરકરના ઘરે જવો લાગ્યો. નથુરામને ગુરુ મળ્યા અને તેની રાજકીય તાલીમ શરૂ થઈ. તેને પિતૃત્વનો પડછાયો મળ્યો જે તેને નહોતો મળ્યો, કારણ કે તેના પિતાથી દૂર રહેવાને કારણે નહોતી મળી.''
હિન્દુ સમુદાયને જાગૃત કરવા માટે સાવરકરનો આગ્રહ અને હિન્દુત્વની આક્રમક ભૂમિકાએ નથુરામના યુવાન મનને આકર્ષિત કર્યું અને તે સાવરકરનો કટ્ટર ભક્ત બન્યો."
9. નાથુરામ વિનાયક ગોડસે
19 મે, 1910ના રોજ ટપાલ વિભાગમાં નોકરી કરતા વિનાયક ગોડસેને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, કારણ કે અગાઉનાં ત્રણેય બાળકો જન્મ પછી મૃત્યુ પામ્યાં હતાં. તેથી, એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જો છોકરો જન્મશે, તો તેનો ઉછેર છોકરીની જેમ કરવામાં આવશે.
તેથી, ભલે મૂળ નામ રામચંદ્ર હતું, પણ છોકરાનું નામ પાછળથી નાથુરામ રાખવામાં આવ્યું, કારણ કે તેના નાકમાં નથણી નાખવામાં આવી હતી. ગોપાલ ગોડસે પોતે આ માહિતી આપે છે.
વધતી ઉંમર વિશે માહિતી આપતા અશોકકુમાર પાંડે લખે છે, "નાથુરામ ગોડસેના પિતા ઇચ્છતા હતા કે નાથુરામ મેટ્રિકની પરીક્ષા પાસ કરે, સરકારી કચેરીમાં કારકૂનની નોકરી કરે અને ઘરની જવાબદારીઓ સંભાળે, પરંતુ નાથુરામને અભ્યાસમાં કોઈ રસ નહોતો."
તેની શૈક્ષણિક કારકિર્દી વિશે માહિતી આપતા લેખક ધીરેન્દ્ર ઝા 'ગાંધીઝ એસ્સાસિનેશન: ધ મેકિંગ ઑફ નાથુરામ ગોડસે ઍન્ડ હિઝ આઇડિયા ઑફ ઇન્ડિયા' પુસ્તકમાં કહે છે, "સમય પસાર થતો ગયો અને પરીક્ષાઓ નજીક આવી. ગોડસેની તૈયારી સારી નહોતી. 1929ની શરૂઆતમાં તે મેટ્રિક (હાઈસ્કૂલ) પરીક્ષામાં નાપાસ થયો.''
''અંગ્રેજીમાં તેના ગુણ ખૂબ ઓછા હતા. આ કારણે તેને મેટ્રિકનું પ્રમાણપત્ર મળ્યું ન હતું. ગોડસેએ પાછળથી કહ્યું કે આ નિષ્ફળતાએ તેને કાયમ માટે શાળા છોડી દેવાની ફરજ પાડી. હતાશા અને અચાનક નિર્ણય (આવેગ)ને કારણે તેણે શાળા છોડી દીધી. આ નિષ્ફળતાએ તેને ફરી એક વાર મુશ્કેલ અને અનિશ્ચિત પરિસ્થિતિમાં મૂક્યો."
પાછળથી નાથુરામે પોતાના પિતા સાથે કર્જતમાં ગુજરાન ચલાવ્યું. તેણે સુથારકામ શીખ્યું અને સુથાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પાછળથી તેના પિતાની બદલી થયા પછી તે રત્નાગિરિ ગયો અને અહીં તે વિનાયક દામોદર સાવરકરને મળ્યો.
ત્યાર બાદ અંગ્રેજોએ સાવરકરને આંદામાન જેલમાંથી બહાર કાઢીને રત્નાગિરિમાં કેદ કરી લીધા હતા. શરત એ હતી કે તેઓ કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. અહીં જ નાથુરામ વિનાયક દામોદર સાવરકરના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો.
બે વર્ષ પછી તેમના પિતા નિવૃત્ત થયા પછી તેમનો પરિવાર સાંગલીમાં સ્થાયી થયો.
અશોકકુમાર પાંડે લખે છે, "સાંગલી ગયા પછી નાથુરામે સીવણ શીખ્યું અને પોતાની દુકાન શરૂ કરી. થોડા દિવસો પછી તેણે ત્યાં ફળ વેચવાનો વ્યવસાય પણ શરૂ કર્યો. તેનો પરિવાર તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ નાથુરામને તેમાં બહુ રસ નહોતો."
તુષાર ગાંધી કહે છે, "નાથુરામને અસ્વીકાર અને નિષ્ફળતાનો ડર સતત સતાવતો હતો. ખાસ કરીને 20 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીને મારવામાં નિષ્ફળ ગયા પછી. નાથુરામ પોતાના ટીકાકારોને ચૂપ કરાવવા અને ઓછામાં ઓછું પોતે એક વાર સફળ થયો હોવાનું બતાવવા માટે પોતાનું નસીબ અજમાવવા માગતો હતો અને આ માનસિકતા સાથે જ તેણે ગાંધીજી પરના અંતિમ હુમલાની પહેલ કરી. છેવટે, 30 જાન્યુઆરી, 1948ના રોજ જ્યારે તેણે ગાંધીજીને ગોળી મારી, ત્યારે પહેલી વાર વિનાયક ગોડસેનો મોટો પુત્ર કંઈક કરવામાં સફળ થયો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન