સાવરકરે ગાંધીજીના કહેવાથી અંગ્રેજોની માફી માગી હતી?

તાજેતરમાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનું નામ છે : 'ધ ન્યૂ આઇકૉન : સાવરકર ઍન્ડ ધ ફૅક્ટ્સ'.

પોતાના આ પુસ્તકમાં અરુણ શૌરીએ વિનાયક દામોદર સાવરકરનાં કામ અને ચરિત્રની ઝીણવટથી સમીક્ષા કરી છે.

અરુણ શૌરીએ આ પુસ્તક સાવરકર દ્વારા લખાયેલા દસ્તાવેજો અને બ્રિટિશ રેકૉર્ડ્સના આધારે લખ્યું છે.

શૌરીના આ પુસ્તક વિશે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે તેમની સાથે ખાસ વાતચીત કરી. એ વાતચીતના કેટલાક અંશ…

સાવરકરની સરાહના અને તેમની સામે થયેલા પ્રશ્નો

વિનાયક દામોદર સાવરકર અંગે લોકો જુદા જુદા મત ધરાવે છે. ભાજપ સાવરકરને દેશભક્ત અને રાષ્ટ્રવાદી કહે છે, જ્યારે કૉંગ્રેસ જાત જાતના સવાલ ઉઠાવતી રહી છે.

'ધ ન્યૂ આઇકૉન : સાવરકર ઍન્ડ ધ ફૅક્ટ્સ'ના લેખક અરુણ શૌરીએ કહ્યું કે, સાવરકર ખૂબ મોટા તર્કવાદી હતા, જેની તેઓ સરાહના કરે છે.

તેમણે કહ્યું, "સાવરકરે ઘણા કર્મકાંડો સામે સવાલ ઉઠાવ્યા, જેનાં હું વખાણ કરું છું, પરંતુ, સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી."

અરુણ શૌરીએ કહ્યું, "જ્યારે આઝાદી માટે રાષ્ટ્રીય સ્તરે આંદોલન થઈ રહ્યાં હતાં, એવા સમયે સાવરકર અંગ્રેજોને મદદ કરી રહ્યા હતા. સાવરકરે અંગ્રેજોને વચન આપેલું કે તેઓ રાજકીય રીતે તેમને ઉપયોગી થશે."

અરુણ શૌરીએ જણાવ્યું, "સાવરકરે અંગ્રેજોની ઘણી એવી શરતો માની, જે તેમની (જેલમાંથી) મુક્તિની શરત પણ નહોતી. અંગ્રેજોએ એ શરતો તેમની સમક્ષ નહોતી રાખી. વાઇસરૉય લિનલિથગો સાથે સાવરકરની જ્યારે પણ મુલાકાત થતી હતી ત્યાર પછી લિનલિથગો એ મીટિંગનો રેકૉર્ડ લંડન મોકલતા હતા. એ રેકૉર્ડ્સના આધારે (કહીએ તો) પહેલી મીટિંગમાં જ લિનલિથગો બે વાર કહે છે, 'એન્ડ ધૅન હી બેગ્ડ મી (અને પછી તેમણે મને વિનંતી કરી)'."

સાવરકરનાં અંગ્રેજો સામે માફીનામાં

સાવરકરે જે માફીનામાં લખ્યાં છે, તે બાબતે જાત જાતની વાતો થાય છે. હકીકતમાં, નાસિકના એક કલેક્ટરની હત્યામાં સામેલ હોવા માટે સાવરકર દોષિત ઠર્યા હતા અને તેમને 25-25 વર્ષની બે અલગ અલગ સજા કરવામાં આવી હતી.

સજા ભોગવવા માટે તેમને આંદામાન એટલે કે 'કાળાપાણી' મોકલી દેવાયા. જેલ ગયા પછી સાવરકરે અંગ્રેજોને ઘણાં માફીનામાં લખ્યાં. એ બાબતે ઘણા લોકો સાવરકરની ટીકા કરે છે.

બીજી તરફ, સાવરકરે પોતે અને તેમના સમર્થકોએ એ આધારે અંગ્રેજો પાસે માફી માગવાની વાતને યોગ્ય ઠરાવી હતી કે, આ તેમની રણનીતિનો ભાગ હતી, જેના કારણે તેમને કેટલીક છૂટ મળી શકતી હતી. સાવરકર દ્વારા કરાયેલા આ સ્પષ્ટીકરણનો ઉલ્લેખ અરુણ શૌરીએ પણ પોતાના પુસ્તકમાં કર્યો છે.

જોકે, અરુણ શૌરી સાવરકરનાં માફીનામાંને શિવાજી જેવી રણનીતિ નથી માનતા.

તેમણે કહ્યું છે, "શિવાજી જ્યારે ક્યાંક ફસાઈ જતા હતા (ઔરંગઝેબના કે તેમની સેનાના કારણે), ત્યારે એવી ચિઠ્ઠી આપતા હતા કે તેઓ ઔરંગઝેબને દક્ષિણ જીતવામાં મદદ કરશે. અને જેવા તેમાંથી બચી જતા હતા ત્યારે, ફરી પોતાનું કામકાજ શરૂ કરી દેતા હતા. પરંતુ, જ્યારે સાવરકર [જેલમાંથી મુક્ત થઈ] નીકળ્યા ત્યારે તેમણે શિવાજી જેવું કોઈ પગલું ભર્યું? બિલકુલ નહીં. તેઓ તો અંગ્રેજોની મદદ કરતા રહ્યા."

શું ગાંધીજીએ સાવરકરને માફીનામું લખવાનું કહેલું?

2021માં સુરક્ષામંત્રી રાજનાથસિંહે એક પબ્લિક ફોરમમાં કહેલું કે, સાવરકર દુષ્પ્રચારનો ભોગ બન્યા. તેમણે કહેલું કે, સાવરકરે ગાંધીજીના કહેવાથી માફીનામાં લખ્યાં હતાં.

આ મુદ્દે અરુણ શૌરીએ કહ્યું, "કદાચ તેમને [રાજનાથસિંહને] પણ એ ખબર નહીં હોય કે સાવરકરને 1910માં દોષિત ઠરાવાયા હતા. ત્યાર પછી તેમને જેલની સજા ભોગવવા માટે આંદામાન મોકલી દેવાયા હતા. ત્યાર પછીના બે મહિનામાં જ તેમણે એક માફીનામું લખી આપ્યું હતું. ત્યાર પછી સાવરકરે ઘણા માફીપત્રો આપ્યા. જ્યારે 1910-11માં ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા. ગાંધી 1915માં હિંદુસ્તાન પાછા આવ્યા હતા. ત્યાં સુધીમાં સાવરકરને જેલમાં ચાર વર્ષ થઈ ગયાં હતાં. તેઓ પાંચ માફીનામાં પણ આપી ચૂક્યા હતા."

શૌરીએ જણાવ્યું, "જ્યારે બધા જ રાજકીય કેદીઓ માટે એક જનરલ એમ્નેસ્ટીની જાહેરાત થઈ હતી, ત્યારે તેમાં સાવરકરનો સમાવેશ નહોતો કરાયો. તે બાબતે સાવરકરના નાના ભાઈ નારાયણે, જેઓ જેલમાં નહોતા, ગાંધી પાસે સલાહ માગી હતી. ત્યારે ગાંધીજીએ કહેલું કે, સાવરકર પોતાની અરજીમાં લખે કે તેઓ રાજકીય કેદી છે, તેથી તેઓ એમ્નેસ્ટીના દાયરામાં આવે છે. સાવરકરે એવું જ કર્યું હતું, સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, તેઓ અને જેલમાં બંધ તેમના બીજા ભાઈ ભારતમાં જે બ્રિટિશ શાસન છે, તેના વિરોધી નથી."

શું સાવરકર ગાંધીજીના મિત્ર હતા?

1948માં, મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે, ગાંધીની હત્યાના ષડ્યંત્રમાં સામેલ હોવાના આરોપમાં વિનાયક દામોદર સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 1949માં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

સાવરકર અનુસાર, એક સમયે તેઓ ગાંધીજીના મિત્ર હતા. તો પછી, સાવરકરને ગાંધીજી સાથે કેવો સંબંધ હતો, તેઓ તેમના મિત્ર હતા કે નહીં?

અરુણ શૌરીએ આ સવાલનો જવાબ આપ્યો, "બિલકુલ નહોતા. હકીકતમાં, તેઓ ગાંધીજીનો તિરસ્કાર કરતા હતા. તેઓ પોતે ગાંધીજી વિશે કહેતા હતા કે, તેઓ મૂર્ખ–પાગલ છે, તેમને વાઈ આવે છે અને તેમાં તેઓ કંઈ પણ બકવાસ કરી નાખે છે. તેઓ એક હરતોફરતો પ્લેગ છે."

શૌરી હિંદુ ધર્મને 'હિંદુત્વ'થી બચાવવાની વાત કેમ કરે છે?

સાવરકરે 1923માં એક પુસ્તક લખ્યું, 'હિંદુત્વ : હૂ ઇઝ હિંદુ?'. તેમાં તેમણે પ્રથમ વાર હિંદુત્વનો એક રાજકીય વિચારધારા તરીકે ઉલ્લેખ કર્યો. અરુણ શૌરીએ સાવરકરના આ પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું, "હિંદુત્વ પરનું સાવરકરનું જે મૂળ પુસ્તક છે, તેમાં સાવરકરે પોતે લખ્યું છે કે, 'હિંદુત્વ' અને 'હિંદુઇઝમ' બંને ખૂબ જુદાં છે."

શૌરીએ પોતાના પુસ્તક 'ધ ન્યૂ આઇકૉન : સાવરકર ઍન્ડ ધ ફૅક્ટ્સ'માં 'હિંદુઇઝમ'ને 'હિંદુત્વ'થી બચાવવાની અપીલ કરી છે.

અરુણ શૌરીએ કહ્યું છે, "જો સાવરકરનું 'હિંદુત્વ' આવી જશે, તો હિંદુસ્તાન, હિંદુસ્તાન નહીં રહે. હિંદુસ્તાન બીજું એક પાકિસ્તાન બની જશે. 'ઇસ્લામિક સ્ટેટ ઇન સૅફ્રૉન' બની જશે."

તેમણે કહ્યું, "સાવરકરનું હિંદુત્વ ક્રૂરતા અને ઘૃણા શીખવે છે. જો એક સમાજ એવાં મૂલ્ય પોતાનામાં સમાહિત કરશે, તો 'હિંદુઇઝમ' ક્યાં રહેશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.