You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ઔરંગઝેબના દરબારમાં અપમાનિત કરવામાં આવ્યા ત્યારે શિવાજીએ શું કર્યું હતું?
- લેેખક, પ્રાચી કુલકર્ણી
- પદ, બીબીસી માટે, બીકાનેરથી
સાડા પાંચ ફૂટની ઊંચાઈ, ટટ્ટાર શરીર, સૂર્ય સમાન તેજસ્વી ચહેરો, અનેક હાથીઓ અને ઘોડાઓ, સૈનિકો...
અનેક પ્રાચીન સમયના દસ્તાવેજોમાં શિવાજીનો આવો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ઔરંગઝેબના આગ્રાના દરબારમાંથી અપમાનિત થઈને બહાર નીકળ્યા ત્યારે તેઓ આ પ્રકારે નીકળ્યા હતા. મિર્ઝારાઝ જૈશન માટે કામ કરનાર પ્રાકળદાસે આ દસ્તાવેજો લખ્યા છે.
આપણામાંથી ઘણા લોકોએ એ કહાણી સાંભળી હશે કે શિવાજીને આગ્રામાંથી ભાગી જવું પડ્યું હતું. પરંતુ ત્યારે ખરેખર શું બન્યું હતું તે સમયના દસ્તાવેજોમાં નોંધાયેલું છે.
આ દસ્તાવેજોને રાજસ્થાનના બિકાનેરમાં આવેલા ‘મ્યુઝિયમ ઑફ ડૉક્યુમેન્ટ્સ’ માં રાખવામાં આવ્યા છે. દેશમાં માત્ર દસ્તાવેજોના સંગ્રહ માટે બનેલું આ પહેલું સંગ્રહાલય છે.
અહીં રાજસ્થાનના શાહી પરિવારોના પણ ઘણા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ સંગ્રહાલયમાં એક સ્પેશિયલ વિભાગ છે જેમાં છત્રપતિ શિવાજી, ઔરંગઝેબ અને છત્રપતિ સંભાજી મહારાજનો ઇતિહાસ સમજાવવામાં આવ્યો છે.
જ્યારે રાજસ્થાન ક્ષેત્રમાં આવેલા રજવાડાંઓની રાજાશાહીનો અંત આવવા લાગ્યો ત્યારે તમામ દસ્તાવેજો સરકાર પાસે ગયા. તેમાં ઘણા અગત્યના રેકૉર્ડ્સ છે.
સંગ્રહાલયમાં રાખવામાં આવેલા ઘણા દસ્તાવેજો જીર્ણ થઈ ગયેલી હાલતમાં છે.
પરંતુ અહીં રાખવામાં આવેલા મોટાભાગના દસ્તાવેજોનો રાજસ્થાન સરકારના પુરાતત્ત્વ વિભાગની ટીમે અભ્યાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવાજી દિલ્હી દરબારમાં ગયા હતા અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. પ્રાકળદાસે તેમના દસ્તાવેજોમાં નોંધ્યું છે કે જ્યારે તેમણે દિલ્હીના મુઘલ દરબારમાં શિવાજીને આદર સન્માન આપવામાં આવ્યાં ન હતાં.
"જ્યાં તેમને ઊભા રહેવું જોઈએ ત્યાં તેમને ઊભા રાખવામાં આવ્યા ન હતા. તેના બદલે તેમને પાંચ હજાર સૂબેદોરાની હરોળમાં જોધપુર રાજાઓની પાછળ ઊભા રાખવામાં આવ્યા હતા."
છત્રપતિ શિવાજી મહારાજને એ સમયે આશ્ચર્ય થયું જ્યારે તેમને આ હરોળમાં જવા માટે કહેવામાં આવ્યું. તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. ઔરંગઝેબ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે મિર્ઝારાજે જયસિંહના પુત્ર રામસિંહને પૂછ્યું કે હકીકતમાં શું થયું હતું. તેમની તબિયત બરાબર લાગતી ન હતી.
રામસિંહે શિવાજી મહારાજના હાથ પકડીને તેમને હલાવ્યા. શિવાજી મહારાજે તેમને કહ્યું, "મેં તમને મળી લીધું, તમારા પિતાને મળી લીધું. જો તમે મને મારવા ઇચ્છો છો તો મને મારી નાખો. જો તમે મને કેદ કરવા ઇચ્છો છો તો કેદ કરી લો."
આ રીતે શિવાજી મહારાજ ઔરંગઝેબને તેની પીઠ બતાવી દરબારમાંથી ચાલ્યા ગયા.
આ ઘટનાનો ઉલ્લેખ, તેનું વિવરણ અને અનુવાદ રાજસ્થાન સરકારના પુરાતત્ત્વ વિભાગના નિર્દેશક મહેન્દ્રસિંહ ખડગાવતના રિપોર્ટમાં જોવા મળે છે. તેમનું ભાષણ વાંચીને એ ઘટના જીવંત બની જાય છે.
ખડગાવતોની પહેલથી જ આ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ દસ્તાવેજોથી ઇતિહાસ જાણે કે ખુલી ગયો છે. અહીં દરેક ખંડોમાં રાજપૂત પરિવારોની વીરતાનો ઇતિહાસ તામ્રપત્રોમાં અંકિત છે.
પુરંદરના કરાર
સંગ્રહાલયના એક ભાગમાં રહેલા દસ્તાવેજો શિવાજી મહારાજની દિલ્હી દરબારની યાત્રાની કહાણી દર્શાવે છે. તેમાં પુરંદરની સંધિનો પણ ઉલ્લેખ છે.
આ સંધિ પત્રની ઊંચાઈ 22 ફૂટ છે.
પુરંદરના આ કરાર દરમિયાન મિર્ઝારાજે જયસિંહે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે છત્રપતિ શિવાજી મહારાજ પોતાના કયાં હથિયારો અને કિલ્લાઓને આપી દેવા માગતા હતા.
આ સંધિ પત્ર મિર્ઝારાજે ઔરંગઝેબને મોકલ્યો હતો. તેને પાછો મોકલતાં સમયે ઔરંગઝેબે શિવાજી મહારાજને એક પત્ર પણ મોકલ્યો હતો.
આ સાથે તેમને એક પ્રતીક પણ મોકલવામાં આવ્યું હતું. તેમાં એક પંજો હતો જેનો ઉપયોગ ગણતરીના પત્રો પર જ થતો હતો. શિવાજી મહારાજને મોકલવામાં આવેલા પત્રમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એ પત્રમાં ઔરંગઝેબ કહે છે, "આ આદેશ સાથે તેમના (છત્રપતિ શિવાજી મહારાજના) નામે એક મૂલ્યવાન વસ્ત્ર મોકલવામાં આવ્યું છે. આ આદેશ અમારા પંજાનું નિશાન ધરાવે છે. તેમના નામે મોકલવામાં આવેલ આ આદેશ તેમના ગુનાઓને માફ કરે છે અને તેમની ભૂલોની અવગણના કરે છે."
"આ ઝભ્ભો (સમ્રાટ દ્વારા આપવામાં આવેલ વસ્ત્રો) તેમના સન્માન અને કીર્તિ માટે છે. આ ઝભ્ભો શિવાજીને તેમના સન્માન અને કીર્તિ માટે અર્પણ કરવો જોઈએ અને તેમણે પણ વચન આપવું જોઈએ કે તેઓ હંમેશા આજ્ઞાકારી, પ્રામાણિક અને મક્કમ રહેશે. સમ્રાટની સેવા કરવા માટે હું આતુર છું અને પ્રયાસ કરતો રહીશ. ”
"શિવાજીને આપવામાં આવેલા ભાગોમાં તાલ્કોકનનો સમાવેશ થાય છે. બીજાપુરના આ ભાગની કિંમત જે ચાર લાખ સોનાના સિક્કા છે. આદિલ ખાનના બાલાઘાટ ક્ષેત્રના હિસ્સાની વસૂલી પાંચ લાખમાં કરવાની છે. કઈ રીતે વસૂલી કરવાની છે એ આદેશમાં આગળ લખવામાં આવ્યું છે. તે તમને મોકલવામાં આવેલા આદેશ સાથે આપવામાં આવશે.”
આ અનુબંધ પત્ર અતિશય જીર્ણ અવસ્થામાં હતો.
ખડગાવત કહે છે, "આ કાગળ મિર્ઝારાજ જયસિંહ સાથે રાજસ્થાન આવ્યો હતો. જ્યારે અમને એ કાગળ મળ્યો તો એ અતિશય ખરાબ અવસ્થામાં હતો. અમે તેને સાંધ્યો અને સંરક્ષિત કરીને અહીં રાખ્યો. હજુ તેને ખરાબ થતો અટકાવવા માટે તેની પાસે વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે. આ સંધિ પત્રનો અનેક ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે."
શિવાજી મહારાજની વીરગાથા
આ સંગ્રહાલયમાં શિવાજી મહારાજના સમયમાં બનેલી ઘટનાઓના દસ્તાવેજો રાખવામાં આવ્યા છે. જ્યારે જયપુરના તત્કાલીન મહારાજા રામ સિંહે છત્રપતિ સંભાજીરાજને પત્ર લખીને દિલ્હીના સમ્રાટ સાથે વિરોધ કર્યા વગર કામ કરવા માટે કહ્યું એ ઘટનાઓનો ઉલ્લેખ પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે.
છત્રપતિ સંભાજીરાજનો જવાબ પણ અહીં રાખવામાં આવ્યો છે.
મહારાજા રામસિંહના પત્રનો જવાબ આપતાં છત્રપતિ સંભાજી રાજે કહે છે, "વિચારો કે અમે શું નિર્ણય લીધો અને શું ગુમાવ્યું. અમે પણ આવું શાહી જીવન જીવી શક્યા હોત. અમારા માણસોની હત્યા કરવામાં આવી રહી છે. તેમના ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. મંદિરો તોડી નાખવામાં આવી રહ્યાં છે. તમે દિલ્હીના બાદશાહ બનો અને અમે તમારી સાથે આવીશું. જો નહીં, તો આ વાત છોડી દો અને અમારી સાથે આવો."
રાજસ્થાનમાં સૌથી પહેલું વૃત્તચિત્ર સંગ્રહાલય
રાજસ્થાનના 27 રજવાડાંઓના આ દસ્તાવેજોની તપાસનું કામ આજે પણ ચાલી રહ્યું છે.
પ્રત્યેક ચીજોને સંરક્ષિત રાખવા માટે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી છે. આટલાં વર્ષો પછી પણ તેના અભ્યાસનું કામ શરૂ છે.
દરેક કાગળને ન માત્ર સંરક્ષિત કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમનું ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.
ખડગાવત કહે છે, "અમારી પાસે 17મી સદીથી લઇને 20મી સદી સુધીના દસ્તાવેજો છે. મુઘલો દ્વારા રાજપૂત રાજાઓને લખવામાં આવેલા આદેશો ફરમાનોની સંખ્યા 327 છે. જ્યારે આ દસ્તાવેજો મળ્યા ત્યારે ખરાબ હાલતમાં હતા. તેમને આ સંગ્રહાલયમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ સંગ્રહાલય એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જેથી આવનારી પેઢીઓ એ જાણી શકે કે શું બન્યું હતું."
આજે પણ શોધકર્તાઓના હાથમાં નવા-નવા દસ્તાવેજો આવી રહ્યા છે. રાજપૂતોની નજરથી સામે આવેલો આ મરાઠા ઇતિહાસ ભવિષ્યમાં પણ ઇતિહાસના અનેક મહત્ત્વપૂર્ણ પાનાંઓ ઉજાગર કરે છે.