અમૃતા પ્રીતમ અને ઇમરોઝ: એક કવયિત્રી અને ચિત્રકારની અમર પ્રેમકહાણીનો હૃદયસ્પર્શી અંત

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કવિ અને ચિત્રકાર ઇન્દ્રજિતસિંહ ઉર્ફે ઇમરોઝનું નિધન મુંબઈસ્થિત તેમના નિવાસસ્થાને શુક્રવારે 97 વર્ષની વયે થયું. ગુજરાતના હજારો વાચકો માટે ઇમરોઝની ઓળખ કવિ અને ચિત્રકાર કરતાં પણ વધુ હવે ભવિષ્યમાં ભાગ્યેજ જોવા મળશે એવા એક પ્રેમી તરીકે વધુ મજબૂત છે.

ઇમરોઝના નજીકના મિત્ર અમિયા કુંવરે તેમના અવસાનની પુષ્ટિ કરી હતી. ઇમરોઝના મૃત્યુ પર સાહિત્યજગતે શોક વ્યક્ત કર્યો.

વૃદ્ધત્વ અને ઉંમર સાથે સંકળાયેલી બીમારીઓને કારણે તેમનું નિધન થયું ત્યારે તેમની પ્રેમકહાણી ફરીથી એકવાર માનસપટ પર જીવંત બની ગઈ છે.

પંજાબી ભાષા અને ભારતીય સાહિત્યજગતનાં લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમની ઇમરોઝ સાથેની પ્રેમકહાણી ભારતની યાદગાર પ્રેમકથાઓમાં ચોક્કસ સ્થાન પામે છે.

ઇમરોઝનો જન્મ 26 જાન્યુઆરી, 1926ના રોજ અવિભાજીત ભારતના લાહોરથી 100 કિલોમીટર દૂર એક ગામમાં થયો હતો.

તેઓ પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ સાથે તેમના પ્રેમ સંબંધને કારણે ચર્ચામાં આવ્યા. અને જીવનપર્યંત તેઓ અમૃતાના પ્રેમી તરીકે જ ઓળખાતા રહ્યા.

અમૃતા સાથે પહેલી મુલાકાત પછી કેવી રીતે પાંગર્યો પ્રેમ?

અમૃતા પ્રીતમ પોતાનાં પુસ્તકનાં કવરની ડિઝાઇન માટે એક કલાકારની શોધ કરી રહ્યાં હતાં તે દરમ્યાન તેમની મુલાકાત ઇમરોઝ સાથે થઈ હોવાનું કહેવાય છે.

અમૃતા અને ઇમરોઝની કહાણી ધીરે ધીરે આગળ વધી. અમૃતાએ એક ચિત્રકાર સેઠીને પોતાનાં પુસ્તક ‘આખરી ખત’નું કવર ડિઝાઇન કરવાનું કહ્યું હતું. પણ સેઠીએ કહ્યું કે તેઓ એક એવા વ્યક્તિને ઓળખે છે, જેઓ આ કામ વધારે સારી રીતે કરી શકે છે.

સેઠીએ કહ્યું હોવાના કારણે અમૃતાએ ઇમરોઝને પોતાની પાસે મળવા બોલાવેલા. તે સમયે તેઓ ઉર્દૂ પત્રિકા 'શમા'માં કામ કરતા હતા. અમૃતાએ કહ્યું એટલે ઇમરોઝે પુસ્તકનું કવર ડિઝાઇન કરી આપેલું.

ઇમરોઝ યાદ કરે છે, “તેમને ડિઝાઇન અને કલાકાર બંને પસંદ પડી ગયાં. એ પછી મુલાકાતો શરૂ થઈ હતી. અમે બંને આજુબાજુમાં જ રહેતા હતા. હું સાઉથ પટેલનગરમાં અને તેઓ વેસ્ટ પટેલનગરમાં રહેતાં હતાં.”

“એકવાર એમ જ હું એમને મળવા ગયેલો. વાતવાતમાં મેં એમને કહ્યું કે મારો જન્મ આજે થયો હતો. ગામમાં લોકો જન્મે છે, પણ તેમની જન્મતિથિ નથી હોતી. તેઓ એક મિનિટ માટે ઊભાં થયાં, બહાર ગયાં અને પછી પાછાં આવી બેસી ગયાં.”

“થોડીવાર પછી એક નોકર પ્લેટમાં કેક મૂકી બહાર જતો રહ્યો. તેમણે કેક કાપી એક ટુકડો મને ખવડાવ્યો અને એક ટુકડો તેમણે પોતે ખાધો. ના તેમણે મને હૅપી બર્થડે કહ્યું ના મેં કેક ખાઈ ધન્યવાદ કહેલું. બસ એકબીજાને જોતા રહ્યાં. આંખોથી જરૂર લાગતું હતું કે બંને ખુશ છીએ.”

અમૃતાને જે ગમ્યું તે સઘળું ઇમરોઝે પણ સ્વીકાર્યુ

ઇમરોઝ જાણતા હતા કે અમૃતા સાહિર લુધિયાનવીને ખૂબ પ્રેમ કરતાં હતાં.

આ બાબતે ઉમા ત્રિલોક કહે છે કે, "તે કહેતી હતી કે સાહિર આકાશ જેવો છે અને ઇમરોઝ મારા ઘરની છત છે! સાહિર અને અમૃતાનો પ્રેમ પ્લૅટૉનિક હતો. ઇમરોઝે મને એક વાત કહી હતી કે જ્યારે તેમની પાસે કાર ન હતી ત્યારે તે ઘણીવાર અમૃતાને સ્કૂટર પર લઈ જતા હતા."

"અમૃતાની આંગળીઓ હંમેશાં કંઇક ને કંઇક લખતી હતી... તેના હાથમાં પેન હોય કે ન હોય. તેણે મારી પાછળ બેસીને ઘણી વખત મારી પીઠ પર સાહિરનું નામ લખ્યું હતું. આનાથી તેમને ખબર પડી કે તે સાહિરને કેટલો પ્રેમ કરે છે. તેનો તેમને કોઈ વાંધો ન હતો. જો અમૃતા તેને પ્રેમ કરે છે તો હું પણ તો અમૃતાને પ્રેમ કરું છું."

એક જ ઘરમાં અલગ અલગ ઓરડામાં રહેતા બે પ્રેમીઓ

અમૃતા પ્રીતમ અને ઇમરોઝ પ્રણયની બાબતમાં ઘણા અનોખા રહ્યાં. તેમણે ક્યારેય એકબીજાને કહ્યું જ નહીં કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

ઇમરોઝ કહે છે, “જ્યારે પ્રેમ છે તો તેને કહેવાની શું જરૂર છે? ફિલ્મોમાં પણ તમે હીરો-હિરોઇનના બેસવા ઊઠવાની રીત જોઈને કહી શકો છો કે તેઓ પ્રેમમાં છે. છતાં તેઓ વારંવાર કહતા રહે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને એમ પણ કહે છે કે તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે. જાણે પ્રેમ ક્યારેય ખોટો પણ હોતો હોય એમ.”

પરંપરા તો એવી હોય છે કે પુરૂષ અને સ્ત્રી એક જ ઓરડામાં રહે છે. અમે પહેલા દિવસથી જ એક છત નીચે અલગ અલગ ઓરડાઓમાં રહેતાં હતાં. તે રાત્રે લખતાં હતાં, જ્યારે કોઈ અવાજ ના થતો હોય નીરવ શાંતિ હોય.

તે સમયે હું ઊંઘતો રહેતો હતો. તેમને લખતી વખતે ચા પીવી હોય તો તેઓ પોતે તો ઊભા થઈ ચા બનાવવા ના જઈ શકતાં. એટલે મેં રાત્રે એક વાગ્યે જાગવાનું શરૂ કરી દીધું. હું ચા બનાવતો અને ચૂપચાપ તેમની પાસે ચા મૂકી આવતો. તે લખવામાં એટલાં ખોવાયેલાં રહેતાં કે મારી સામે જોતાં પણ નહીં. ચાલીસ-પચાસ વર્ષ આમ જ ચાલ્યું છે.

ઉમા ત્રિલોક બંનેનાં નજીકનાં મિત્ર છે અને તેમણે આ બંને પર એક પુસ્તક લખ્યું છે ‘અમૃતા ઍન્ડ ઇમરોઝ-અ લવ સ્ટોરી’

ઉમા કહે છે અમૃતા અને ઇમરોઝ વચ્ચે પ્રણયસંબંધ તો હતો પણ તેમાં સ્વતંત્રતા ખૂબ છે.

ઉમા કહે છે, "મેં આવાં યુગલ ઓછાં જોયાં છે જેઓ એકબીજા પર આટલાં નિર્ભર હોવા છતાં એકબીજા પર હકની કોઈ વાત નથી કરતાં."

ઇમરોઝને જોઈને અમૃતાનો તાવ ગાયબ થઈ ગયેલો

1958માં જ્યારે ઇમરોઝને મુંબઈમાં નોકરી મળી તે સમયની આ વાત છે.

ઇમરોઝ જણાવે છે, "ગુરુદત્ત તેમને પોતાની સાથે રાખવા માગતા હતા પણ વેતન બાબતે કોઈ સ્પષ્ટતા નહોતી થતી. અચાનક એક દિવસ તેમને નિયુક્તિપત્ર મળ્યો જેમાં ગુરુદત્ત એ વેતન આપવા તૈયાર હતા જે હું ઇચ્છતો હતો."

"હું ખુશ હતો. દિલ્હીમાં અમૃતા સિવાય મારું કોઈ હતું નહીં જેની સાથે આ આનંદના સમાચાર શૅર કરી શકું. મને ખુશ જોઈ તેઓ ખુશ તો થયાં પણ પછી આંખોમાં આંસુ આવી ગયાં હતાં. મારા મુંબઈ જવાને ત્રણ દિવસ બાકી હતા. તેમણે કહ્યું કે આ ત્રણ દિવસ એવા છે જાણે મારા જીવનના અંતિમ ત્રણ દિવસ હોય."

"તેમણે એવું દર્શાવ્યું કે તેઓ મને યાદ કરશે પણ કહ્યું કંઈ જ નહીં."

"આ ત્રણ દિવસ અમે તેઓ જ્યાં જવા ઇચ્છતાં હતાં ત્યાં જતા અને બેસતા. પછી હું મુંબઈ જતો રહ્યો. મારા જતાં જ તેમને તાવ આવી ગયો. એ સમયે જ મેં નક્કી કરી લીધું કે હું અહીં નોકરી નહીં કરું. બીજા દિવસે મેં ફોન કરી કહ્યું કે હું પાછો આવી રહ્યો છું."

"તેમણે પૂછેલું કે બધું બરાબર છે ને? તો મેં કહ્યું કે બધું બરાબર છે પણ મને આ શહેરમાં રહેવાનું નહીં ફાવે. ત્યારે મેં એમને નહોતું કહેલું કે હું તમારા માટે પાછો આવી રહ્યો છું. મેં એ સમયે ટ્રેન અને કોચ નંબર તેમને કહી દીધા હતા."

"જ્યારે હું દિલ્હી પહોંચ્યો ત્યારે તેઓ કોચ બહાર ઊભાં હતાં અને મને જોઈને જ તેમનો તાવ ઊતરી ગયો હતો."

સાથી પણ અને ડ્રાઇવર પણ

અમૃતા જ્યાં પણ જતા ઇમરોઝને સાથે લઈ જતાં હતાં. એટલે સુધી કે જ્યારે તેમને રાજ્યસભા માટે પસંદ કરાયાં તો ઇમરોઝ દરરોજ તેમની સાથે સંસદભવન જતા હતા અને બહાર બેસી તેમની રાહ જોતા રહેતા હતા.

તે તેમના સાથી પણ હતા અને તેમના ડ્રાઈવર પણ હતા. ઇમરોઝ કહે છે, "અમૃતા ખૂબ જ પ્રખ્યાત હતાં. ઘણી વાર ઘણી ઍમ્બેસીઓ દ્વારા તેમને ડિનર માટે બોલાવવામાં આવતાં હતાં. હું તેમને લઈ જતો અને તેમને પાછો પણ લાવતો. જો મારું નામ કાર્ડમાં ના હોય તો હું અંદર ના જતો. મારું ડિનર હું મારી સાથે લઈ જતો હતો અને કારમાં બેસી સંગીત સાંભળતો અને અમૃતાની રાહ જોતો."

"ધીરે-ધીરે તેને ખબર પડી કે તેમનો એક બૉયફ્રેન્ડ પણ છે, પછી તેમણે કાર્ડ પર મારું નામ પણ લખવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે સંસદ ભવનની બહાર આવતાં ત્યારે તે એનાઉન્સરને ઇમરોઝને બોલાવવાનું કહેતાં. તે સમજી જતાં કે હું તેમનો ડ્રાઇવર છું. તે બૂમ પાડી કહેતો, "ઇમરોઝ ડ્રાઇવર અને હું કાર લઈને પહોંચતો હતો."

અમૃતાના છેલ્લા સમયમાં ઇમરોઝે તેમની સેવા કરી

અમૃતા પ્રીતમનાં લગ્ન પ્રીતમસિંહ સાથે થયાં હતાં, પરંતુ થોડાં વર્ષો પછી તેમનાં છૂટાછેડા થઈ ગયા હતા.

અમૃતાએ તેમનાં અંતિમ દિવસો ભારે દુઃખ અને પીડામાં વિતાવ્યાં હતાં. બાથરૂમમાં પડી જતાં તેમના થાપાનું હાડકું તૂટી ગયું હતું. ત્યારપછીની તકલીફે તેમનો સાથ ક્યારેય ના છોડ્યો.

આ સમયને યાદ કરતા ઉમા ત્રિલોક કહે છે, "ઇમરોઝે પોતાની જાતને સંપૂર્ણ રીતે અમૃતાની સેવામાં સમર્પિત કરી દીધી. ઇમરોઝે તે દિવસોને અમૃતા માટે સુંદર બનાવી દીધા હતા. તેમણે તેમની બીમારીને તેમની સાથે સહન કરી."

ઉમાએ કહ્યું, "ખૂબ પ્રેમથી, તેમણે અમૃતાને ખવડાવ્યું, પીવડાવ્યું, નવડાવતા અને કપડાં પહેરાવતાં. અમૃતા લગભગ શાકાહારી બની ગઈ હતી. બાદમાં તેઓ તેની સાથે વાતો કરતા, તેના પર કવિતાઓ લખતા, તેની પસંદગીનાં ફૂલો લાવતાં એવા સમયે જ્યારે તે કોઈ જવાબ આપવા પણ સક્ષમ નહોતી તો પણ."

અમૃતાએ 31 ઑક્ટોબર 2005ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા, પરંતુ ઇમરોઝ માટે અમૃતા હજુ પણ તેમની સાથે જ તેમની ખૂબ નજીક જ હતાં.

ઇમરોઝ કહેતા, "અમૃતાએ શરીર છોડી દીધું છે, પણ મારો સાથ નથી છોડ્યો. તે હજુ પણ મને મળે છે ક્યારેક તારાઓની છાયામાં, ક્યારેક વાદળોની છાયામાં, ક્યારેક કિરણોના પ્રકાશમાં, ક્યારેક વિચારોના પ્રકાશમાં, અમે સાથે ચાલીએ છીએ."

"અમને ચાલતાં જોઈને ફૂલો અમને બોલાવી લે છે. અમે ફૂલોના ઘેરામાં બેસીને એકબીજાને પોતાની કવિતાઓ સંભળાવીએ છીએ. તેણે પોતાનું શરીર છોડી દીધું છે મારો સાથ નહીં..."