You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અજિત પવારના વિમાને ક્રૅશ પહેલાં છેલ્લો મૅસેજ શું મોકલ્યો હતો?
ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની અંતિમ વિધિ બારામતીસ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી નીતિન ગડકરી, એનસીપીના (એસપી) વડા અને અજિત પવારના કાકા શરદ પવાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કૉંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદે તથા કૉંગ્રેસનાં સાંસદભ્ય પ્રણિતી શિંદે મરાઠા નેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યાં હતાં.
મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ દિવસો દરમિયાન રાજ્યભરમાં તિરંગાને અડધી કાટીએ ફરકાવવામાં આવશે.
બીજી બાજુ, ડીજીસીએ (ડાયરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન) તથા ફોરેન્સિક વિભાગના નિષ્ણાતોની ટીમ બારામતીના ઍરપૉર્ટ ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે દુર્ઘટના વિશે તપાસ હાથ ધરી હતી.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, વિમાનને લૅન્ડિંગ સમયે મુશ્કેલી પડી રહી હોવાનું જણાઈ રહ્યું હતું.
ઉડ્ડયન મંત્રાલયે વિમાન તથા બારામતી ઍરપૉર્ટ ઉપર લૅન્ડિંગ પહેલાં પાઇલટ અને એટીસી વચ્ચે શું વાતચીત થઈ હતી, તેનું વિવરણ સાર્વજનિક કર્યું છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અકસ્માતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરી છે, તો શરદ પવારે દુર્ઘટનાની ઉપર રાજકારણ નહીં રમવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે બારામતી ઍરપૉર્ટ ઉપર લૅન્ડિંગ કરતી વેળાએ અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં તેમના સિવાય સુમિત કપૂર, શાંભવી પાઠક, વિદિપ જાધવ તથા પિંકી માલી મૃત્યુ પામ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટીસી અને પાઇલટ વચ્ચેની વાતચીત
પીઆઇબીએ (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. જે મુજબ, બારામતી અનકંટ્રૉલ્ડ ઍરફિલ્ડ છે. અહીં ટ્રાફિક વિશેની માહિતી બારામતીસ્થિત ફ્લાઇંગ ટ્રેનિંગ ઑર્ગેનાઇઝેશનના ઇન્સ્ટ્રક્ટર કે પાઇલટ આપે છે.
ડીજીસીએ દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર એક વિસ્તૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ -
એટીસી (ઍર ટ્રાફિક કંટ્રૉલર) સંભાળી રહેલી વ્યક્તિના નિવેદન મુજબ, તા. 28 જાન્યુઆરી 2026ના રોજ વિમાન VT-SSKએ સવારે 8:18 કલાકે પહેલી વખત બારામતીનો સંપર્ક સાધ્યો હતો.
એ પછી વિમાન બારામતીથી 30 નૉટિકલ માઇલ દૂર હતું, ત્યારે પહેલી વખત કૉલ કર્યો હતો. એ સમયે પુણે એપ્રોચથી રિલીઝ કરવામાં આવ્યું હતું.
પાઇલટને તેમના વિવેક મુજબ, વિઝ્યુઅલ તથા મેટ્રોલૉજિકલ સ્થિતિ જોઈને ઉતરાણ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ક્રૂ દ્વારા હવા અને વિઝિબિલિટી વિશે માહિતી માંગવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું કે હવા શાંત છે અને વિઝિબિલિટી ત્રણ હજાર મીટર છે.
એ પછી વિમાને રનવે ઇલેવન ઉપર ફાઇનલ એપ્રોચની માહિતી આપી. જોકે, ક્રૂને રનવે દેખાતો ન હતો. પહેલા એપ્રોચમાં તેમણે ગો-અરાઉન્ડ કર્યું.
ગો-અરાઉન્ડ બાદ વિમાનને તેની પૉઝિશન પૂછવામાં આવી. ક્રૂએ ફરી રનવે ઇલેવનના ફાઇનલ એપ્રૉચ તરફ અગ્રેસર હોવાની માહિતી આપી.
તેમને રનવે દેખાય એટલે સૂચના આપવા માટે કહેવામાં આવ્યું. આ અંગે તેમણે કહ્યું, "હાલ રનવે દેખાઈ નથી રહ્યો અને દેખાશે એટલે કૉલ કરશે."
અમુક સેકન્ડ બાદ તેમણે કહ્યું કે રનવે દેખાઈ રહ્યો છે.
સવારે 8.43 કલાકે વિમાનને રનવે ઇલેવન ઉપર લૅન્ડિંગ કરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું, પરંતુ ક્રૂ તરફથી લૅન્ડિંગ ક્લિયરન્સ અંગે કોઈ રિડબૅક આપવામાં આવ્યું ન હતું.
એ પછી સવારે 8.44 કલાકે એટીસીએ રનવે ઇલેવનના થ્રૅશહોલ્ડ પાસે આગની જ્વાળાઓ જોઈ, એ પછી આપાતકાલીન સેવાઓ ઘટનાસ્થળે પહોંચી.
રનવેની ડાબી બાજુએ વિમાનનો કાટમાળ પડ્યો હતો. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ (એએઆઇબી) તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી મળ્યે, સાર્વજનિક કરવામાં આવશે.
વિમાન વિશે શું જાણવા મળ્યું?
પીઆઇબીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું જે નિવેદન બહાર પાડ્યું છે, તેના મુજબ, VT-SSK, LJ45 ચાર્ટર્ડ વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું.
લિયરજેટ 45 શ્રેણીનું વિમાન મધ્યમ આકારનું બિઝનેસ જેટ છે. જેનું નિર્માણ કૅનેડાની બૉમ્બાર્ડિયર ઍરોસ્પેસ કંપનીએ કર્યું છે. વિશ્વભરમાં અનેક ચાર્ટર્ડ ફ્લાઇટ કંપનીઓ આ પ્રકારનાં વિમાનોનો ઉપયોગ કરે છે.
આ વિમાનમાં મહત્તમ આઠ મુસાફરો માટે જગ્યા હોય છે. આ વિમાનમાં બે Honeywell TFE731-20AR/BR ટર્બોફૅન એંજિન હોય છે.
ભારતમાં આ પ્રકારનાં વિમાનોને હાઇસ્પીડ ચાર્ટર્ડ ઉડાણો માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વિમાન નાનકડા રનવેવાળા ઍરપૉર્ટ ઉપર પણ સહેલાઈથી ઉતરાણ કરી શકે છે.
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વિમાન દિલ્હીસ્થિત વીસીઆર વેન્ચર્સ એવિએશન કંપનીની માલિકીનું હતું, જેનું વર્ષ 2010માં નિર્માણ થયું હતું.
કંપની પાસે 17 વિમાન છે, જેમાં સાત લિયરજેટ 45, પાંચ એમ્બ્રેયર 135 BJ, ચાર કિંગ ઍર બી200 તથા એક પાઇલ્ટ્સ પીસી-12 વિમાન છે.
નિવેદન મુજબ, આ કાફલાનું છેલ્લું રેગ્યુલેટરી ઑડિટ ડીજીસીએ દ્વારા ફેબ્રુઆરી-2025માં કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાં કોઈ ખામી નહોતી જોવા મળી.
બીબીસી મરાઠીના જણાવ્યા પ્રમાણે, આ પહેલાં વર્ષ 2023માં પણ કંપનીનું આવું જ એક વિમાન લૅન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
તા. 14 સપ્ટેમ્બર 2023ના રોજ વીએસઆરની માલિકીવાળું VT-DBL Learjet 45XR મુંબઈમાં લૅન્ડિંગ પછી રનવે ઉપરથી લપસી ગયું હતું અને તેના બે કટકા થઈ ગયા હતા. જોકે, વિમાનમાં સવાર તમામ આઠ લોકોના જીવ બની ગયા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ચાલકદળના બે સભ્ય હતા. જેમાંથી એક પાઇલટ પાસે ઍરલાઇન ટ્રાન્સપૉર્ટ પાઇલટ લાઇસન્સ (એટીપીએલ) હોલ્ડર હતા, જેમની પાસે 15 હજાર કલાક જેટલો વિમાન ઉડ્ડયનનો અનુભવ હતો.
જ્યારે બીજા પાઇલટ પાસે કૉમર્શિયલ પાઇલટ લાઇસન્સ (સીપીએલ) હતું. તેમની પાસે 1500 કલાકનો ઉડ્ડાણનો અનુભવ હતો.
પ્રત્યક્ષદર્શીઓએ શું જણાવ્યું?
એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું હતું, "મેં આ બૂધું નજરે જોયું છે, તે ખૂબ જ દર્દનાક હતું. વિમાન જ્યારે નીચે આવી રહ્યું હતું, ત્યારે જ લાગી રહ્યું હતું કે તે લૅન્ડ નહીં કરી શકે અને એમ જ થયું હતું. એ પછી તેમાં વિસ્ફોટ થયો હતો. ધડાકો ખૂબ જ જોરદાર હતો. એ પછી અમે ત્યાં પહોંચ્યા અને જોયું તો તેમાં આગ લાગેલી હતી."
"પછી વિમાનમાં ચાર-પાંચ ધડાકા થયા હતા. એ પછી બીજા લોકો પણ અહીં આવ્યા અને તેમણે વિમાનમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા, પરંતુ આગ ખૂબ જ ભીષણ હતી. એટલે લોકો મદદ ન કરી શક્યા."
ઍરપૉર્ટ પાસે રહેનારી અન્ય એક વ્યક્તિએ એએનઆઇને જણાવ્યું, "અમે અહીં જ રહીએ છીએ. પાછળ જ હવાઇ પટ્ટી છે. અમે જોયું કે વિમાન આવ્યું, પરંતુ તે લૅન્ડ ન થયું. તે આગળ નીકળી ગયું. થોડો સમય પછી પરત ફર્યું અને લૅન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રનવે પહેલાં જ તે ક્રૅશ લૅન્ડ થઈ ગયું."
"અમે જ્યારે આ બધું જોયું, તો અમે હવાઇ પટ્ટીની આસપાસ જે લોકોને જાણતા હતા, તેમને જાણ કરી. એ પછી પોલીસ તથા અન્ય લોકો પણ તત્કાળ પહોંચ્યા. તેમણે પણ આગ ઠારવાનો પ્રયાસ કર્યો. લગભગ 15 મિનિટ પછી આગ કાબૂમાં આવી."
"જ્યારે અમે નજીક જઈને જોયું તો શબ સંપૂર્ણપણે સળગેલું હતું. અમે તેની ઓળખ ન કરી શક્યા, પરંતુ પછી હાથમાં રહેલી એક વસ્તુને કારણે ખબર પડી કે તે મૃતદેહ 'દાદા' એટલે કે અજિત પવારનો હતો."
શરદ પવારની પ્રતિક્રિયા, 'દુર્ઘટના ઉપર રાજકારણ ન કરો'
એનસીપીના (એસપી) વડા તથા અજિત પવારના કાકાએ વિમાન દુર્ઘટના અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "અજિત પવારના આકસ્મિક અવસાનથી મહારાષ્ટ્ર આઘાતમાં છે."
શરદ પવારે કહ્યું, "રાજ્યે એવા નેતાને ગુમાવ્યા છે કે જેમનામાં નિર્ણય લેવાની દૃઢ ક્ષમતા હતી. આ નુકસાનની ભરપાઈ ન થઈ શકે."
તેમણે કહ્યું, "કોલકાતાથી આ અકસ્માત અંગે રાજકીય ષડ્યંત્રના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ નથી. આ સંપૂર્ણપણે દુર્ઘટના હતી."
તેમણે કહ્યું, "આ અકસ્માતનું દર્દ અમે બધા અનુભવી રહ્યા છીએ તથા તેનાથી સમગ્ર મહારાષ્ટ્ર અસરગ્રસ્ત છે."
શરદ પવારે દુર્ઘટનાને રાજકીય સ્વરૂપ નહીં આપવા અપીલ કરી હતી.
આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અજિત પવારના મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તપાસની માગ કરી હતી.
મમતા બેનરજીએ કહ્યું હતું, "અજિત પવાર ભાજપ છોડશે, એવી બે દિવસ પહેલાં માહિતી મળી હતી. એવામાં આ ઘટના બની ગઈ."
તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન