ઈરાન વિશે સાઉદી અરેબિયા અને યુએઇ બાદ અઝરબૈજાને આ જાહેરાત કરી – ન્યૂઝ અપડેટ

અઝરબૈજાને કહ્યું છે કે તે પોતાના હવાઈક્ષેત્ર કે જમીનનો ઉપયોગ ઈરાન ઉપર સૈન્ય કાર્યવાહી કરવા માટે ક્યારેય નહીં થવા નહીં દે. અઝરબૈજાનના વિદેશ મંત્રી જેહુન બાયરામોવે ગુરૂવારે આ વાત કહી હતી.

અમેરિકા દ્વારા ઈરાનની ઉપર સૈન્યકાર્યવાહી કરવામાં આવશે, એવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે અઝરબૈજાનનાં નિવેદનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

અઝરબૈજાનના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, બાયરામોવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે ગુરુવારે ફોન ઉપર વાતચીત કરી હતી.

બાયરામોવે કહ્યું કે તાજેતરના દિવસોમાં આ ભૂખંડમાં જે રીતે તણાવ વકરી રહ્યો છે, તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે અઝરબૈજાન સતત તમામ પક્ષકારોને અપીલ કરે છે કે ઈરાન તથા તેની આસપાસના વિસ્તારોમાં અસ્થિરતા વકરે તેવાં પગલાં ન લે તથા નિવેદનો ન કરે.

બાયરામોવે કહ્યું હતું કે તમામ મુદ્દાનો ઉકેલ આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો અને સિદ્ધાંતો હેઠળ માત્ર વાતચીત તથા કૂટનીતિક પ્રયાસો દ્વારા જ કરવો જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં પ્રદર્શનકારીઓ ઉપર હિંસક કાર્યવાહી બાદ અમેરિકા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાનો વધુ એક નૌકાકાફલો પર્શિયન ખાડી તરફ આગળ વધી રહ્યો છે.

આ પહેલાં સંયુક્ત આરબ અમિરાતે પણ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે પોતાના વિસ્તારમાંથી ઈરાન ઉપર સૈન્યકાર્યવાહીની મંજૂરી નહીં આપે. સાઉદી અરેબિયાએ પણ આમ જ કહ્યું હતું.

અમેરિકાએ ઈરાન મામલે હવે કયો નિર્ણય લીધો?

અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાનના સિનિયર અધિકારીઓ અને તેમના પરિવારોને અમેરિકામાં રહેવાનો વિશેષાધિકાર સમાપ્ત કરી દીધો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક નિવેદન જારી કરીને કહ્યું છે, "એવા સમયમાં જ્યારે ઈરાની લોકો પોતાના બુનિયાદી અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ સપ્તાહે અમેરિકામાં સિનિયર ઈરાની અધિકારીઓ તથા તેમના પરિવારોના નિવાસ અધિકારોને રદ કરવા માટે કાર્યવાહી કરી છે."

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે, "જે લોકો ઈરાની શાસનના ક્રૂર દમનથી ફાયદો ઉઠાવી રહ્યા છે, તેમને અમારા દેશની ઇમિગ્રેશન વ્યવસ્થાનો કોઈ લાભ ઉઠાવવાનો અધિકાર નથી."

ગત સપ્તાહે અમેરિકાના એટલાન્ટાસ્થિત એમોરી વિશ્વવિદ્યાલયે ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીનાં પુત્રીને નિષ્કાષિત કરી દીધાં હતાં.

વિશ્વવિદ્યાલયના એક ફૅકલ્ટી સભ્યએ બીબીસી પર્શિયનને તેની પુષ્ટિ કરી હતી.

ફાતિમા આર્દેશર લારીજાની એટલાન્ટાસ્થિત એમોરી વિશ્વવિદ્યાલયના કૅન્સર અનુસંધાન વિભાગમાં કાર્યરત હતાં.

ચીન સાથેની સમજૂતી બ્રિટન માટે ઘણી ખતરનાક: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બ્રિટન માટે ચીન સાથેની સમજૂતી કરવી ઘણી ખતરનાક છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર ચીન પ્રવાસે છે.

ટ્રમ્પે આ પ્રતિક્રિયા પીએમ સ્ટાર્મર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠક બાદ આવી છે.

આ ત્રણ દિવસનો પ્રવાસ બ્રિટન અને ચીન સંબંધોને નવેસરથી મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો છે.

બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી વ્યાપાર અને રોકાણ વધારવા માટે છે.

ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પર બનેલી એક ડૉક્યૂમેન્ટ્રીના પ્રીમિયર દરમિયાન જ્યારે ટ્રમ્પને સવાલ કરાયો કે બ્રિટન અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતી મામલે તમારું શું કહેવું છે, તો તેમણે કહ્યું, "આ તેમને માટે ખતરનાક છે."

આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે પીએમ સ્ટાર્મરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ બ્રિટન અને ચીનના સંબંધો સારી અને મજબૂત સ્થિતિમાં છે.

શુક્રવારે બ્રિટનના પીએમએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે તેમની ઘણી સારી મુલાકાતથી એ સ્તરનો સંવાદ થયો જેની આશા રાખવામાં આવી હતી.

ટ્રમ્પનો દાવો, પુતિને યુક્રેન અંગે તેમની એક વાત માની

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કડકડાતી ઠંડીને કારણે આ સપ્તાહ સુધી યુક્રેનની રાજધાની કિએવ તથા અન્ય શહેરો પર હુમલો ન કરવા સહમતિ વ્યક્ત કરી છે.

વૉશિંગ્ટન ડીસીમાં કૅબિનેટની એક બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "મેં વ્યક્તિગત રાષ્ટ્રપતિ પુતિનને અપીલ કરી હતી કે આ સપ્તાહ સુધી કિએવ તથા અન્ય શહેરો પર હુમલો ન કરે. તેમણે તેના પર સહમતિ વ્યક્ત કરી છે."

જોકે, રશિયાએ આ પ્રકારની સમજૂતિની પુષ્ટિ નથી કરી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ટ્રમ્પના આ નિવેદનનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે તેમને આશા છે કે રશિયા તેનું વચન પાળશે.

ટ્રમ્પે હુમલો રોકવાની સમયસીમાને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી.

ગુરુવારે રાતથી રાજધાની કિએવમાં તાપમાન માઇનસ 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

રશિયાએ આ ઠંડી દરમિયાન જ યુક્રેન પર હુમલાઓ વધારી દીધા છે. વર્ષ 2022માં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું, ત્યારથી આવું સતત થઈ રહ્યું છે.

યુજીસી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પાયલ તડવીનાં માતાએ ટીકા કરી

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીના ભેદભાવ સંબંધિત નવા નિયમો ઉપર સ્ટે મૂકી દીધો છે. એ પછ ડૉક્ટર પાયલ તડવીનાં માતા આબેદા તડવીએ આ ચુકાદા અંગેની નિરાશા બીબીસી મરાઠીના સહયોગી અલ્પેશ કરકરે સાથે વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, "ગત સાત વર્ષથી અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય હાસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોના વિદ્યાર્થીઓ માટે લડી રહ્યાં છીએ. અમારો હંમેશાં માટેનો હેતુ એ રહ્યો છે કે પાયલ સાથે જે કંઈ થયું, તે અન્ય કોઈ સાથે ન થાય."

આબેદા તડવીએ કહ્યું, "એટલે જ અમે અદાલતમાં ગયા હતા. અમને આશા હતી કે યુજીસીના નિયમ મજબૂત થશે તથા આવી ઘટનાઓને અટકાવી શકાશે, પરંતુ આથી વિપરીત છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રકારના કેસોની સંખ્યા વધી રહી છે."

આબેદા તડવીનું કહેવું છે કે યુજીસીએ તમામ પાસાંની ઉપર વિચાર કરીને જ નવા નિયમ બનાવ્યા હતા અને તેના મુસદ્દાને પણ સાર્વજનિક કરવામાં આવ્યો હતો.

આબેદા તડવીએ ઉમેર્યું હતું, "અમને આશા છે કે ન્યાયતંત્ર અમારો અવાજ સાંભળશે."

પાયલ તડવી મુંબઈની સરકારી હૉસ્પિટલમાં પીજીનાં વિદ્યાર્થિની હતાં. તા. 22 મે 2019ના રોજ તેમણે આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ત્રણ તબીબોની ધરપકડ કરી હતી.

આબેદા તડવીએ આરોપ મૂક્યો હતો કે આ ત્રણે ડૉક્ટર તેમનાં દીકરીને મહિનાઓથી ત્રાસ આપી રહ્યા હતા.

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

યુરોપિયન સંઘે આઇઆરજીસીને 'આતંકવાદી યાદી'માં મૂક્યું

યુરોપિયન સંઘે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સને 'આતંકવાદી યાદી'માં મૂક્યું છે. ઈરાનમાં તાજેતરમાં પ્રદર્શનકારીઓ સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં આ કાર્યવાહી કરી છે.

યુરોપિયન યુનિયન કમિશનનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને આ પગલાંનું સ્વાગત કર્યું છે.

ઇયુના અગ્રણી રાજદ્વારી કાયા કલાસના કહેવા પ્રમાણે, "દમનનો જવાબ આપવો જરૂરી હતો" એટલે યુરોપિયન સંઘના વિદેશ મંત્રીઓએ આ "નિર્ણાયક પગલું" લીધું.

આ નિર્ણયને દ્વારા આઇઆરજીસીને અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા જેહાદી સંગઠનોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.

માનવાધિકાર સંગઠનોનું અનુમાન છે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન ઇરાનમાં જે વિરોધપ્રદર્શન થયાં, તેમાં ઇરાનના સુરક્ષાબળોએ હજારો પ્રદર્શનકારીઓની હત્યા કરી હતી. જેમાં આઇઆરજીસી પણ સામેલ હતું.

બીજી બાજુ, અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વકરી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે વાત કરી હતી.

આના વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર માહિતી આપતા શાહબાઝ શરીફે લખ્યું, "આજે મેં ભાઈ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે વાત કરી. અમે આ ક્ષેત્રમાં બદલાતી જતી સ્થિતિ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું."

"અમે એ વાત ઉપર સહમત હતા કે અમારા ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે સતત વાતચીત અને કૂટનીતિક સંપર્કની જરૂર છે."

શાહબાઝ શરીફે બંને દેશો વચ્ચે મજબૂત અને સુદ્રઢ સંબંધોની હિમાયત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન