અજિત પવારના વિમાનની દુર્ઘટનાને ટાળી શકાઈ હોત? પ્લેન લૅન્ડિંગની છેલ્લી આઠ મિનિટ શા માટે મહત્ત્વની હોય છે?

    • લેેખક, રોનક ભેડા
    • પદ, બીબીસી સંવાદદાતા

બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં ઍરપૉર્ટ ઉપર ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સહિત પાંચ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

મૃતકોમાં પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી, અંગત સહાયક, ફ્લાઇટ ઑફિસર તથા પાઇલટ પણ સામેલ હતા.

ઑપરેટર વીએસઆર દ્વારા સંચાલિત VTSSK, LJ45 પ્રકારનું વિમાન રન-વે ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જે બાદ તેમાં આગ લાગી ગઈ હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના નિધન પછી સવાલ થઈ રહ્યો છે કે શું વિમાન દુર્ઘટનાને ટાળી શકાઈ હોત?

કહેવાય છે કે જો બારામતી રન-વે પર કેટલીક વધુ સુવિધાઓ હોત, તો ઓછી વિઝિબિલિટીમાં પણ સુરક્ષિત લૅડિંગ થવાની શક્યતા હોત. ત્યારે જાણીએ કે વિમાનને ટેક-ઑફ કરતી વખતે અને લૅન્ડ કરતી વખતે પાઇલટે કઈ કાળજી રાખવી જોઈએ?

બારામતીમાં ઍર ટ્રાફિક કન્ટ્રોલની યોગ્ય વ્યવસ્થા નહોતી

અજિત પવાર બારામતીની ઍરસ્ટ્રિપને વિકસાવવા માગતા હતા, તેના માટે તેઓ કેટલીક બેઠકો પણ યોજી ચૂક્યા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર, "ગયા વર્ષના જુલાઈમાં બારામતીની ઍરસ્ટ્રિપને મહારાષ્ટ્ર ઍરપૉર્ટ ડેવલપમેન્ટ કંપની (એમએડીસી)એ પોતાના હસ્તક લઈ લીધી હતી. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અજિત પવારે તાજેતરમાં જ એમએડીસી સાથે મિટિંગ કરીને યોજનાને અંતિમ રૂપ આપ્યું હતું."

'હિંદુસ્તાન ટાઇમ્સ'નો રિપોર્ટ કહે છે, "ઑગસ્ટ 2025 સુધી ઍરસ્ટ્રિપનું મૅનેજમેન્ટ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઍરપૉર્ટ ડેવલપર્સ સંભાળતી હતી. બારામતી ઍરપૉર્ટના ઇન્ચાર્જ એમએડીસી મૅનેજર શિવાજી તાવડેએ કહ્યું કે, અમે 19 ઑગસ્ટે ઍરપૉર્ટનું સંચાલન અમારા હાથમાં લઈ લીધું હતું, કેમ કે, તેના મૅનેજમેન્ટમાં ઘણી ખામીઓ હતી."

રિપોર્ટમાં જણાવાયું છે, "છેલ્લા કેટલાક મહિનામાં અજિત પવારે પોતે આ ઍરપૉર્ટને અપગ્રેડ કરવા માટે ઘણી બેઠકો કરી હતી. તેમણે પીએપીઆઇ, નાઇટ લૅડિંગ અને નિયમિત એટીસી જેવી પાયાની સુવિધાઓની માંગ કરી હતી."

રિટાયર્ડ પાઇલટ એહસાન ખાલિદે બીબીસી હિન્દીને જણાવ્યું, "બારામતીમાં ઍર ટ્રાફિક કન્ટ્રોલની યોગ્ય વ્યવસ્થા ન હોવી તે ચોંકાવનારી બાબત છે. એક સર્ટિફાઇડ કન્ટ્રોલર જ એ યોગ્ય રીતે જણાવી શકે છે કે જમીન પર વિઝિબિલિટી કેવી છે."

જો કોઈ અનુભવી કન્ટ્રોલર ફરજ પર ન હોય, તો પાઇલટ પોતાની વિઝિબિલિટીના આધારે જ લૅડિંગનો પ્રયત્ન કરે છે. જે સમયે દુર્ઘટના થઈ, તે સમયે પાઇલટની આંખો પર તડકો પડતો હશે, તે દરમિયાન એવું અનુમાન કરી શકવું મુશ્કેલ છે કે પ્લેન સાચા ડાયરેક્શનમાં છે કે નહીં."

તેમણે કહ્યું કે, વિઝ્યુઅલ અપ્રોચની કોઈ સિસ્ટમ ન હોવાની સ્થિતિમાં પાઇલટ પોતે જ વિઝિબિલિટીનું અનુમાન કરે ત્યારે જોખમ ચાર ગણું વધારે રહે છે.

'ધ હિંદુ'નો રિપોર્ટ કહે છે કે, "આ ઍરસ્ટ્રિપ રેડ બર્ડ ફ્લાઇંગ સ્કૂલ અને કાર્વર ઍવિએશનને ભાડે અપાયેલી છે, જ્યાં ફ્લાઇંગ ટ્રેનિંગ અપાય છે. આને 'અનકન્ટ્રોલ્ડ ઍરોડ્રામ' કહેવામાં આવે છે, કેમ કે, અહીં સામાન્ય ઍરપૉર્ટ જેવી સુવિધાઓ નથી; જેવી કે, ઍર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી), ઇન્સ્ટ્રૂમેન્ટ લૅડિંગ સિસ્ટમ, સુરક્ષાવ્યવસ્થા કે આગ હોલવવાની ટીમ. અહીં કોઈ હવામાન નિષ્ણાત નથી અને નેવિગેશન માટે સારાં ઉપકરણો પણ નથી, જે પાઇલટને માહિતી આપી શકે."

બારામતીની ઍરસ્ટ્રિપ પર ટ્રેનિંગ લઈ ચૂકેલા એક પાઇલટે 'ધ હિંદુ'ને જણાવ્યું કે પાઇલટે માત્ર પોતાની આંખ પર ભરોસો રાખવો પડે છે, કેમ કે, કૉકપિટમાં કોઈ નેવિગેશનની મદદ નથી મળતી. આ ઍરસ્ટ્રિપ ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના એટીસી કવરેજ ક્ષેત્રની બહાર છે, તેથી એટીસી મદદ ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલના સ્ટાફ દ્વારા જ મળે છે, જેની પાસે ખૂબ બેઝિક સુવિધાઓ છે.

બારામતી એરસ્ટ્રિપ પર અન્ય સુવિધાઓનો પણ અભાવ

રિટાયર્ડ પાઇલટ એહસાન ખાલિદે કહ્યું કે બારામતી ઍરસ્ટ્રિપનો રન-વે ભલે નાનો છે, પરંતુ તે લિયરજેટ 45 જેવાં પ્લેન માટે યોગ્ય છે.

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે રન-વેના કારણે ક્રૅશ થયું; કેમ કે, દુર્ઘટના રન-વેની પહેલાં કે બહાર થઈ. જો રન-વે પર ઇન્સ્ટ્રૂમેન્ટ લૅડિંગ સિસ્ટમ (આઇએલએલ), વીઓઆર અને જીપીએસ જેવી સિસ્ટમ હોત, જે ઓછી વિઝિબિલિટી દરમિયાન પણ પાઇલટને ગાઇડ કરે છે, તો આ ક્રૅશ ટળી શકતું હતું. તે હોત, તો ક્રૅશ થવાની આશંકા 75થી 80 ટકા ઓછી થઈ ગઈ હોત."

ઇન્સ્ટ્રૂમેન્ટ લૅડિંગ સિસ્ટમ (આઇએલએસ) જમીન પર લગાડેલી રેડિયો સિસ્ટમ છે, જે વિમાનને રન-વે પર યોગ્ય અને સુરક્ષિત રીતે ઊતરવામાં મદદ કરે છે.

ખાસ કરીને ધુમ્મસ, ભારે વરસાદ, વધારે વાદળો, અંધારું કે અન્ય કોઈ કારણે વિઝિબિલિટી ઓછી હોય, એ સ્થિતિમાં. આઇએલએસ ગાઇડ કરે છે કે વિમાન રન-વેની બિલકુલ વચ્ચોવચ રહે, જ્યારે નીચે આવે ત્યારે યોગ્ય સ્પીડ અને ઍંગલ બરાબર રહે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કૅપ્ટન એમઆર વાડિયાએ કહ્યું, "બારામતીની ઍરસ્ટ્રિપ પૂર્ણરૂપે વિકસિત ઍરપૉર્ટ જેવી નહોતી. અહીં માત્ર બે ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે. આઇએલએસ બરાબર રીતે વિકસિત ઍરપૉર્ટ્સ પર હોય છે, તેથી અહીં આઇએલએસ નહોતી. બારામતીમાં ઍરપૉર્ટ એટીસી ઑથોરિટી પણ નહોતી."

એહસાન ખાલિદ પણ એ વાત સાથે સંમત છે કે બારામતી જેવી નાની ઍરસ્ટ્રિપ પર આઇએલએસ ન હોઈ શકે, પરંતુ તેઓ તેના વિકલ્પ પણ જણાવે છે.

તેમનું કહેવું છે, "આજકાલ આખી દુનિયામાં સેટેલાઇટ દ્વારા જીપીએસના આધારે પ્લેન સંચાલિત થાય છે. જો જીપીએસ હોય તો જમીની ઉપકરણોની જરૂર પણ નથી હોતી."

"આફ્રિકામાં પણ જીપીએસ દ્વારા માહિતી પ્રાપ્ત કરીને લૅડિંગ થાય છે. આઇએલએસ માટે તમારે પૈસા અને જમીનની જરૂર પડે છે, જ્યારે જીપીએસ બેઝ્ડ સિસ્ટમ અફોર્ડેબલ હોય છે."

લૅડિંગ ટાઇમ ખૂબ મહત્ત્વપૂર્ણ છે

કોઈ પણ વિમાન માટે 11 મિનિટ ખૂબ જ મહત્ત્વની હોય છે. તેમાંથી ત્રણ મિનિટ ટેક-ઑફના સમયની અને આઠ મિનિટ લૅડિંગ સમયની. આને 'ક્રિટિકલ 11 મિનિટ્સ' કહેવામાં આવે છે.

અન્ય દેશોમાં પણ આ ક્રિટિકલ 11 મિનિટ્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

જાપાનના ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશન અનુસાર, ક્રિટિકલ 11 મિનિટ્સનો અર્થ એ છે કે ઉડાનની શરૂઆતની ત્રણ મિનિટ (ટેકઑફ પછી) અને લૅડિંગની પહેલાંની આઠ મિનિટ.

આ 11 મિનિટ્સ દરમિયાન કૅબિન ક્રૂ (ફ્લાઇટ અટેન્ડન્ટ્સ)ને કૉકપિટ (પાઇલટ્સ) સાથે વાત કરવાની પણ મનાઈ હોય છે.

પાઇલટ્સે પણ માત્ર પ્લેનને કન્ટ્રોલ કરવાનું કામ કરવાનું હોય છે, બીજું કશું કામ નહીં (જેમ કે ચૅટિંગ કે બીજું કંઈ).

આવું એટલા માટે કરાય છે, કેમ કે, કમર્શિયલ વિમાનોની 80 ટકા દુર્ઘટના આ જ બે ટાઇમફ્રેમમાં થાય છે. આ દરમિયાન પ્લેન સૌથી વધારે જોખમી સ્થિતિમાં હોય છે. ટેક-ઑફ અને લૅડિંગના સમયે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપૉર્ટ ઍસોસિએશને 2005થી 2023 સુધીની વિમાન દુર્ઘટનાઓના આંકડા એકત્ર કર્યા છે.

તેમાંથી જાણવા મળે છે કે બધી વિમાન દુર્ઘટનાઓમાંથી અડધા કરતાં વધારે, લગભગ 53 ટકા દુર્ઘટના લૅડિંગ દરમિયાન થઈ. ટેક-ઑફ પછી 8.5 ટકા દુર્ઘટનાઓ થઈ. તેનાથી એ સ્પષ્ટ છે કે લૅડિંગ દરમિયાન પાઇલટે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે.

લૅડિંગ કરતા સમયે વધારે દુર્ઘટનાઓ શા માટે થાય છે, તેના જવાબમાં રિટાયર્ડ પાઇલટ ખાલિદ હુસૈને ખરાબ હવામાનને જવાબદાર ગણાવ્યું, કેમ કે, સ્પષ્ટ વિઝિબિલિટી નથી હોતી.

તેમણે એક ઉદાહરણ આપતાં સમજાવ્યું કે, "જે રીતે એક પક્ષી ઊડે છે, બરાબર એ રીતે, પ્લેન પણ ઊડે છે. ઉડાન વખતે તેનું ધ્યાન રાખવાનું હોય છે કે ક્યાંક ટકરાઈ ન જાય કે કોઈ સમસ્યા ન આવી જાય."

"આકાશમાં જ્યારે પ્લેન હજારો ફીટ ઉપર હોય છે ત્યારે દુર્ઘટનાની સંભાવના ખૂબ ઓછી હોય છે, પરંતુ જેવું લૅડિંગ થવા લાગે છે, ત્યારે તમારે ધ્યાન રાખવાનું હોય છે કે ઍરપૉર્ટ ક્યાં છે, રન-વે કહ્યાં છે અને ક્યાંય કોઈ અડચણ તો નથી ને."

કૅપ્ટન એમઆર વાડિયાએ કહ્યું કે હમણાં તો આપણે તપાસ રિપોર્ટ આવવાની રાહ જોવી જોઈએ.

ઘણી બાબતો એવી છે, જેને સમજવી જરૂરી છે. વિઝિબિલિટી 3,000 મીટર હોવાનું કહેવાઈ રહ્યું છે, જે કંઈ ખાસ ખરાબ નથી.

પાઇલટને પહેલાં રન-વે ન દેખાયો, પછી દેખાઈ ગયો અને પછી તે લૅડિંગ ન કરાવી શક્યા, આ સવાલોના જવાબ અત્યારે આપણી પાસે નથી, જે આ દુર્ઘટના થવાના કારણને યોગ્ય રીતે જણાવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન