યુજીસીના નવા નિયમોથી વિવાદ વધ્યો, ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ કેમ થઈ રહ્યો છે?

તાજેતરમાં યુજીસીએ જાહેર કરેલા નવા નોટિફિકેશનથી સમગ્ર દેશનાં ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી ચર્ચા છે.

13 જાન્યુઆરીના રોજ યુજીસીએ જાહેર કરેલા નવા નિયમો અનુસાર, દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ ફરજિયાતપણે 'ઇક્વિટી સેલ'ની સ્થાપના કરવાની રહેશે, જે એક કોર્ટની જેમ કામ કરશે.

વિવાદનું મૂળ કારણ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં ઓબીસીનો સમાવેશ છે. અગાઉ, ડ્રાફ્ટમાં જાતિ આધારિત ભેદભાવ સામે રક્ષણના દાયરામાં માત્ર એસસી અને એસટી (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)નો જ સમાવેશ થતો હતો. જોકે, જાહેર કરાયેલા નિયમોમાં ઓબીસીને પણ આ વ્યાખ્યામાં સમાવી લેવાયા છે.

આ મુદ્દે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરનારા લોકો શું કહી રહ્યા છે?

ગુજરાતમાં વિરોધ કરનારા લોકોએ શું કહ્યું?

રાજકોટમાં યુજીસીના આ નિયમો સામે બ્રાહ્મણોના આગેવાનોએ વિરોધ કર્યો હતો.

રાજકોટથી બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, રાજકોટ કલેક્ટરને 'શ્રી બ્રહ્મદેવ સમાજ, ગુજરાત' નામના સંગઠને આવેદનપત્ર આપ્યું હતું અને આગેવાનોએ મળીને વિરોધ નોંધાવ્યો હતો.

આ સંગઠનના મહાસચિવ મિલન શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "જાતિગત સમાનતાના નામે લેવાયેલા આ નિર્ણયમાં સવર્ણ વર્ગની ઘોર અવગણના કરવામાં આવી છે. એસસી-એસટી સાથે હવે ઓબીસીને પણ આ કાયદાકીય માળખામાં જોડવાના નવા નિયમોથી સવર્ણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે."

તેમણે દાવો કર્યો હતો કે આ કાયદાથી શિક્ષણ સંસ્થાઓમાં જાતિવાદ ઘટવાને બદલે વધશે.

તો સુરતથી બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી અનુસાર, સુરતમાં પણ 'શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ' નામના સંગઠન હેઠળ લોકોએ વિરોધ કર્યો હતો.

બ્રહ્મસમાજના આગેવાન જયદીપ ત્રિવેદીએ કહ્યું હતું કે, "યુજીસીમાં સરકારે કાળો કાયદો લાગુ કર્યો છે. અમે આ જાતિવિષયક કાયદામાં સુધારાની માગ કરીએ છીએ. સવર્ણોનાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે આ માગ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં અમે બ્રાહ્મણ સહિત તમામ સવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈને રણનીતિ નક્કી કરીશું."

ગુજરાતમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે શું કહ્યું?

આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી યુતિ સિંધવાણીએ કહ્યું હતું કે, "યુજીસીની આ કમિટીમાં જનરલ કૅટેગરીના લોકોને પણ સ્થાન મળવું જોઈએ. આ નિયમોને કારણે જો જનરલ કૅટેગરીના લોકો પર એસસી-એસટી કે ઓબીસી રેગિંગ કરશે તો શું થશે?"

તેમનું કહેવું છે કે, "મને નથી લાગતું કે યુજીસીના આ નિયમોથી કોઈ મોટો ફરક પડશે. જે લોકોએ અમાનવીય કૃત્ય કરવા છે એમને આવી કમિટીથી કોઈ ફરક પડવાનો નથી."

અન્ય એક વિદ્યાર્થી મહાવીરે પણ કહ્યું હતું કે ઇક્વિટી સેલમાં જનરલ કૅટેગરીની એક વ્યક્તિનો સમાવેશ કરવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે, "મને લાગે છે કે નવી પેઢી, જેન-ઝી ભેદભાવોમાં માનતી નથી. મને લાગે છે કે ભેદભાવ ઓછો થઈ ગયો છે. આવા કાયદાથી એવું લાગે છે કે સરકાર પોતે જ જાતિના નામે ભેદભાવ ઊભો કરવાની કોશિશ કરી રહે છે."

ગુજરાત યુનિવર્સિટીના જ અન્ય એક વિદ્યાર્થી વિસર્ગ શાહે કહ્યું હતું કે આ ફેરફાર યોગ્ય નથી. તેમનું પણ કહેવું છે કે જનરલ કૅટેગરીના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે.

તેમને ડર છે કે ભવિષ્યમાં આવા નિયમોને કારણે જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સહન કરવું પડી શકે છે.

બીબીસી ગુજરાતીએ કૅમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી, મહદ્અંશે યુજીસીના નિયમોનો વિરોધ આ કમિટીમાં જનરલ કૅટેગરીના પ્રતિનિધિ નહીં મૂકવા અંગેનો હતો.

સરકારે અત્યાર સુધીમાં શું કહ્યું છે?

વધી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે 27 જાન્યુઆરીએ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, "હું સૌને આશ્વાસન આપવા માગું છું કે કોઈનું શોષણ નહીં થાય. ભેદભાવના નામે આ નિયમોના ખોટા ઉપયોગની પરવાનગી નહીં અપાય."

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "આની જવાબદારી યુજીસી, ભારત સરકાર કે રાજ્ય સરકાર પર હશે. જે પણ થશે એ બંધારણ મુજબ થશે."

તેમજ ભાજપના નેતા અને સાંસદ નિશિકાંત દુબેએ આ નિયમોનો બચાવ કરતાં લખ્યું , "માનનીય વડા પ્રધાન મોદીએ જ ગરીબ સવર્ણોને દસ ટકા અનામત આપી હતી. આજે યુજીસીના નામે કયા પ્રકારની ગેરસમજ?"

તેમણે કહ્યું હતું કે, "બંધારણનો અનુચ્છેદ 14 આ દેશમાં જાતિ, વર્ગ, વર્ણ, ધર્મ અથવા સંપ્રદાયના આધારે કોઈ પણ ભેદભાવની વિરુદ્ધ છે. તમે નિશ્ચિંત રહો, યુજીસીનો આ નિયમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો તેમજ સવર્ણો માટે પણ સમાન રીતે લાગુ થશે. આ રાજકારણ નથી. દેશ બાબાસાહેબ આંબેડકરના બંધારણથી જ ચાલે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન