You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી: ગુજરાતીઓને હસાવનારા લેખક કોણ છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"સામાન્ય રીતે ઉનાળામાં હું ધાબા પર સૂવાનું રાખું છું. ઠીકઠીક ગરમી પડવી શરૂ થાય ત્યારે મારું ધાબારોહણ શરૂ થાય. પરંતુ, આ વખતે તો પ્રારંભથી જ ઊંચા સૂરની ગરમી પડવા માંડી. હાર્મોનિયમની કી દબાયેલી જ રહી જાય અને જે રીતે એકધારો સૂર નીકળ્યા કરે એમ એકધારી ગરમી પડી રહી છે. એટલે આ વખતે પ્રારંભથી જ રાત્રે ધાબાનો આશરો લેવા માંડ્યો. રાત્રે અગિયાર વાગ્યે ધાબા પર પહોંચું છું ને શીતળ હવાની લહેરખીઓ શરીરને અડે છે ત્યારે એમ થાય છે કે, પ્રભુનો સ્પર્શ આનાથી જુદો નહિ હોય! રાત્ શીતળ હવામાં તારા જોતાંજોતાં ઊંઘી જાઉં છું. આ વખતની અસહ્ય ગરમી રૂઢિપ્રયોગના અર્થમાં ધોળે દિવસે તારા દેખાડે છે ને કાળી રાત્રે ખરેખરા તારા દેખાડે છે."
રતિલાલ બોરીસાગરના હાસ્યલેખ 'કો'કે ઢોળી દીધો છે આ તડકો!'નો આ અંશ છે.
રતિલાલ બોરીસાગરને હવે પદ્મશ્રીનું સન્માન મળવા જઈ રહ્યું છે.
ગત 25 જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી રતિલાલ બોરીસાગર સહિત અન્ય ચારને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ સન્માનથી નવાજવામાં આવશે.
તેઓ અમદાવાદમાં રહે છે અને ચૌદ જેટલાં હાસ્ય પુસ્તકોના લેખક છે.
'મરક મરક' નામનો તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ 1977માં પ્રકાશિત થયો હતો. જે ખૂબ વખણાયો હતો. તેમણે હાસ્યસંગ્રહ ઉપરાંત નિબંધો લખ્યા. બાળકો માટેનું સાહિત્ય લખ્યું. લેખક તરીકેની તેમની શરૂઆત તેમણે ટૂંકી વાર્તાઓથી કરી હતી. તેઓ મૂળે શિક્ષક, અધ્યાપક હતા.
હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ રતિલાલ બોરીસાગર વિશે શું કહ્યું હતું?
રતિલાલ બોરીસાગરની હાસ્ય લેખક તરીકેની નોંધ તો તેમના પ્રથમ પુસ્તક 'મરક મરક'થી જ લેવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના પ્રતિષ્ઠિત હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ એ પુસ્તક વિશે કહ્યું હતું કે, "મરક મરક' મેં બહુ રસપૂર્વક – આનંદપૂર્વક વાંચ્યુ છે. કેટલુંક લખાણ તો જાણે મેં જ લખ્યું એવું લાગ્યું છે."
ગુજરાતીમાં વિવિધ હાસ્યલેખકો થઈ ગયા. તેમાં જ્યોતિન્દ્ર દવેનું નામ ખૂબ આદરથી લેવાય છે. હાસ્યની તેમની એક આગવી શૈલી હતી.
'સળી નહીં સાવરણી' જેવા હાસ્યલેખોના પુસ્તક સહિતનાં અન્ય પુસ્તકોના એવા બીરેન કોઠારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "રતિલાલભાઈ જ્યોતિન્દ્ર દવેના ઘરાનાના હાસ્યકાર હતા. એ ઘરાનું એવું છે કે તેમાં વિષયોની કદી ખોટ ન પડે. તેઓ સાવ સામાન્ય લાગતી બાબતમાંથી હાસ્ય સર્જી શકે અને તે હાસ્ય નિર્દંશ હોય. રતિલાલભાઈના હાસ્યમાં પણ કોઈ કડવાશ કે દંશ જોવા ન મળે. બોરીસગરનું વ્યક્તિત્વ પણ નિર્દંશ છે. તે જ બાબત તેમના હાસ્યમાં પણ જોઈ શકાય છે. પોતાની જાત પર હસવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે, જે તેમનામાં હતી."
તડકો, પાકીટ, પ્રામાણિકતા જેવા વિષય પર રતિલાલ બોરીસાગરે હાસ્યનિબંધો લખ્યા છે. શરીરમાં લોહીવાહક નસોને ચેક કરવા માટેની ડૉક્ટરી તપાસ – સારવાર માટે ઍન્જિયોગ્રાફી કરવામાં આવે છે. રતિલાલ બોરીસાગરે ઍન્જિયોગ્રાફીનો પોતાનો અનુભવ 'ઍન્જૉયગ્રાફી' નામના હાસ્યના પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો હતો.
મન્નુ શેખચલ્લીના નામથી જાણીતા હાસ્યકાર લલીત લાડે એ પુસ્તક વિશે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ડૉક્ટર આવીને તપાસે અને નર્સ જે પ્રકારે શુશ્રુષા કરે તેમાં હૉસ્પિટલના બિછાના પરથી તેઓ જે હાસ્ય લઈને આવ્યા એ રસપ્રદ છે. મને રતિલાલભાઈનું તે શ્રેષ્ઠ સર્જન લાગે છે. હાસ્યનિબંધોમાં જે ક્લાસિકલ ગણાય તેવા નિબંધો તેમણે આપ્યા છે. નિબંધ સ્વરૂપમાં શબ્દચાતુર્યમાં તેમનું પ્રભુત્વ છે."
'બકુલ ત્રિપાઠી અને વિનોદ ભટ્ટની હરોળના હાસ્યલેખક'
એવું બહુ ઓછું બનતું હોય છે કે કોઈ લેખક, અખબારોમાં ચાલતી તેમની કૉલમ સામે ચાલીને બંધ કરાવે. રતિલાલ બોરીસાગરે વર્ષ 2000 – 2001ના ગાળામાં અખબારની પૂર્તિમાં ચાલતી પોતાની કૉલમ સામેથી બંધ કરાવી હતી.
31 ઑગસ્ટ 1938ના રોજ સાવરકુંડલામાં જન્મેલા રતિલાલ બોરીસાગરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં જ લીધું હતું. 1971માં સાવરકુંડલાની જ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા અને વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણાવ્યો હતો.
સાવરકુંડલામાં તેમના સ્નેહી અને વિદ્યાર્થીઓએ 'વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર' નામનું એક ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. રતિલાલભાઈએ તેમાંથી પોતાનું નામ કઢાવીને ફક્ત 'વિદ્યાગુરુ ફાઉન્ડેશન' નામ રાખ્યું હતું.
જાણીતા લેખક ઉર્વીશ કોઠારીએ તે પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે, "આવો વિવેક બહુ ઓછા લોકોમાં જોવા મળે છે."
રતિલાલ બોરીસાગરે સિત્તેરના દાયકામાં લખવાનું શરૂ કર્યું હતું. હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ પચાસના દાયકામાં અને હાસ્યલેખક વિનોદ ભટ્ટે સાઠના દાયકામાં હાસ્યલેખન શરૂ કર્યું હતું.
ઉર્વીશ કોઠારી જણાવે છે કે, "અમારા જેવા લેખકોએ નેવુંના દાયકામાં હાસ્ય લેખો લખવાનું શરૂ કર્યું ત્યારે ત્રણેય લેખકોનાં નામ એક હરોળમાં લેવાતાં થયાં હતાં. રતિલાલભાઈ એ દરજ્જાનું કામ કરી શક્યા હતા કે વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠી પછી તેમણે હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું હોવા છતાં એક જ હરોળમાં તેમનાં નામ લેવાતાં હતાં."
'બોરીસાગર નહીં, બોધિસાગર'
રતિલાલ બોરીસાગર માત્ર હાસ્યલેખક નહોતા, તેમને એક કેળવણીકાર તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે ઍકેડેમિક સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં એકવીસ વર્ષ સુધી કામ કર્યું હતું. શૈક્ષણિક નાયબ નિયામક તરીકે પણ પાઠ્યપુસ્તક મંડળમાં કામગીરી કરી હતી.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શરૂ કરાયેલા માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પણ તેઓ વિદ્યાર્થીઓને ભાષા વિશે ભણાવતા હતા. ગૂજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉ. અશ્વિનકુમારે એ વર્ગોમાં અભ્યાસ કર્યો હતો.
અશ્વિનકુમારે 'રતિલાલ - બોધિસાગર' નામનો એક લેખ લખ્યો હતો.
જેમાં તેમણે લખ્યું હતું કે, "કોઈ લેખક જ્યારે વર્ગખંડમાં શિક્ષકના વેશે પ્રવેશે ત્યારે કેટલીક ઘટના આકાર લેવાની જ. જેમ કે, તેઓ પોતાનાં લેખો – પુસ્તકોની વાતો કર્યા કરે, વાચકોની પ્રશંસાભરી પ્રતિક્રિયાને જ વધારીને રજૂ કરે, સંસ્થા કે સરકારથી મેળવેલાં પારિતોષિકોનો અકારણ ઉલ્લેખ કર્યા કરે, દેશ-વિદેશના કરેલા પ્રવાસને પરાણે યાદ કરે. રતિલાલ બોરીસાગર આ મામલે સુખદ અપવાદ છે. તેઓ વિદ્યાર્થીઓને પોતાની વીરગાથાનું રસપાન કરાવતા નથી. તેઓ તો બસ પોતાનું જ્ઞાન સહજ રીતે પ્રગટ થવા દે છે. ભાષાના શિક્ષણ વિશેના તેમના સાગરસમા ઊંડા જ્ઞાનથી તેમને રતિલાલ બોધિસાગર તરીકે નવાજીએ એમાં નવાઈ શેની હોય?"
રતિલાલ બોરીસાગરને હાસ્ય નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે' માટે વર્ષ 2019નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.
તેમણે 'સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' એ વિષય પર મહાનિબંધ લખીને પીએચ.ડી.(ડૉક્ટર ઑફ ફિલૉસૉફી)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પદ્મ પુરસ્કાર કોને આપવામાં આવે છે?
પદ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. 1978, 1979 અને 1993થી 1997ને છોડીને દર વર્ષે પ્રજાસત્તાક દિવસે પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે.
આ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મવિભૂષણ આપવામાં આવે છે.
ઉચ્ચ કોટીની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે.
ભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ભારતરત્ન બાદ સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી મેળવનાર મહાનુભાવોનાં નામની જાહેરાત કરવામાં આવે છે.
કળા, સમાજસેવા, જાહેર પ્રવાહ, સાયન્સ અને ઇજનેરી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત તેમજ સિવિલ સર્વિસ જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલા મહાનુભાવોને આ સન્માનથી નવાજવામાં આવે છે.
દર વર્ષે રાષ્ટ્રપતિભવન ખાતે માર્ચ/એપ્રિલ માસમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન